“હવે ઝાઝા છે ના દિવસ—૮૦  મા જન્મદિને” – નટવર ગાંધી


(“દાવડાનું આંગણું”ની સમસ્ત ટીમ અને વાચકો વતી ભાઈશ્રી નટવર ગાંધીને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા.  આપનારા વર્ષો આરોગ્યમય, શાંતિપૂર્ણ અને ઉલ્લસથી ભરપૂર હો એવી જ પ્રભુ પાસે પ્રાર્થના.  શતમ્ જીવમ્ શરદઃ )

“હવે ઝાઝા છે ના દિવસ—૮૦  મા જન્મદિને”

મને હવે એંશી થયાં.  આ એંશીમાં વરસે પહેલો વિચાર તો એ આવે છે કે હું લાંબુ જીવ્યો છું!  છાપાંઓમાં રોજ આવતી  મરણનોંધનાં પાનાંઓ ઉથલાવતા જોઉં છું તો મોટા ભાગના લોકો 70-75ની આસપાસ ચાલ્યા જાય છે.  કેન્સર જેવી જીવલેણ વ્યાધિમાં સપડાયેલા લોકો તો વહેલી ઉંમરે જાય.  હવે દેશમાં જાઉં છું અને જોઉં છું તો મારી ઉંમરના કૈંક મિત્રો ક્યારના યે ચાલી ગયા છે. જે બાકી રહ્યા છે તે જાણે કે બધું પરવારીને મોતની રાહ જોતા બેઠા હોય એમ લાગે.  હવે મધરાતે દેશમાંથી કોઈ ટેલિફોન આવે તો  ઉપાડતા બીક લાગે છે:  કોણ ગયું હશે?  કેટલા બધા સગાં, મિત્રો, ઓળખીતા ચાલી ગયા છે!

મારા આ એંશીમાં વર્ષે પહેલો તો હું ઉપરવાળાનો એ પાડ માનું કે એણે મને હજી તેડી લીધો નથી.  હું માત્ર ગુજરાતી લેખકોનો જ વિચાર કરું તો થાય કે કેટલા બધા નાની ઉંમરે ચાલી ગયા.  રાવજી પટેલ (1939-1968) અને મણિલાલ દેસાઈ (1939-1966) તો ત્રીસી વટાવ્યા પહેલા ગયા.  ચુનીલાલ મડિયા (1922-1968), કૃષ્ણલાલ શ્રીધરાણી (1911-1960), જગદીશ જોશી (1932-1978), હરિશ્ચન્દ્ર ભટ્ટ (1906-1950), પ્રિયકાન્ત મણિયાર (1927-1976) વગેરેએ એ પચાસ પણ પૂરાં  કર્યાં નહોતા. ઝવેરચંદ મેઘાણી (1897-1947) અને પ્રહલાદ પારેખ (1912-1962) પચાસની ઉંમરે ગયા.  ગુજરાતી સાહિત્યના ધુરંધરો ગણાય એવા ગોવર્ધનરામ ત્રિપાઠી (1855-1907) અને કવિ કાન્ત (1867-1923) વગેરેએ 60મું વરસ બેસે એ  પહેલા જીવન આટોપી લીધું હતું.  બળવંતરાય ઠાકોર (1869-1952) અને સ્વામી આનંદ (1887-1976) જેવા જૂજ સાહિત્યકારોએ જ એંશી વટાવી હતી. નિરંજન ભગત (1926-2018) જેવા તો કોઈક જ નીકળે કે જે નેવુંથી પણ વધારે વરસ જીવ્યા હોય.

બીજો ઉપકાર એ છે કે હજી સુધી મારું સ્વાસ્થ્ય સારું રહ્યું છે.  આજે જ્યારે માંદગીમાં સપડાયેલા મિત્રો અને ઓળખીતાઓની ખબર કાઢવા હોસ્પીટલમાં કે  નર્સીંગ હોમમાં જાઉં છું ત્યારે ત્યાં પથારીવશ લોકોને જોઉં છું.  તેમાં ઘણાને  નાકમાં ઓક્સિજનની નળીઓ ઘુસાડી હોય.  કેટલાક બિચારા અસહાય બેભાન પડયા હોય, આજુ બાજુ કોઈ હોય નહીં. આ મરવા વાંકે જીવતા લોકોને  જોતા મને “પહેલું સુખ તે જાતે નર્યા,” એ કહેવતનું ડહાપણ સમજાય છે અને મને મારા સારા સ્વાસ્થ્યની કિંમત સમજાય છે.

શારીરિક સ્વાસ્થ્ય સારું હોવું એ બહુ મોટી વાત છે.  હરીફરી શકું છું.  મનગમતું ખાઈ પી શકું છું. દેશ પરદેશના નાના મોટા પ્રવાસો કરી શકું છું.  ખાસ તો એ કે કોઈ જીવલેણ માંદગીમાંથી બચ્યો છું.  મારી આજુબાજુ કંઈક લોકો ડાયાબિટીસ, હ્રદયરોગ, બ્લડ પ્રેશર, કેન્સર વગેરે રોગોથી પીડાય છે. જયારે મારી શારીરિક પ્રવૃત્તિઓ, આવન જાવન, ઊઠબેસ વગેરે આજે પણ મોટા ભાગે જે દસ વીસ  વરસ પહેલાં હતી તેવી છે.  કેલેન્ડર જે કહેતું હોય તે કહે પણ મને લાગતું નથી કે હું એંશી વરસનો ડોસો છું!

ત્રીજો ઉપકાર તે મારું નાણાંકીય સ્વાસ્થ્ય.  પ્રભુકૃપાએ હું પૈસે ટકે બે પાંદડે છું. જે જીવન ધોરણે જીવવા ટેવાયેલો હતો, તે આજે નિવૃત્ત થયા પછી પણ જાળવી શક્યો છું.  સગાંવહાલાં અને મિત્રોને થાય તેટલી મદદ કરી શકું છું.  આજે જો મારે નાણાંકીય ચિન્તા કરવાની હોત તો નિવૃત્તિના આ વરસો ખરાબ, ખરાબ થઈ જાત. મારી ઉંમરના લોકોને હજી પણ ના છૂટકે કામ કરતા જોઉં છું અથવા તો સંતાનો કે સગાંઓની  ઉદારતા ઉપર જીવતા જોઉં છું ત્યારે થાય કે કેવો હું ભાગ્યશાળી છું કે મારે આવી કોઈ ચિંતા નથી.

એંશીની ઉંમરે પહોંચ્યા પછી સહજ જ વિચાર આવે કે આ જિન્દગીમાં હું ક્યાંથી નીકળ્યો અને ક્યાં પહોંચ્યો!  મારી ગતિ અને પ્રગતિ એવી અને એટલી તો અણધારી નીવડી છે કે મારા જન્મ સમયે કુંડળીમાં જે કાંઈ લખાયું હશે અથવા જોષીએ જે કાંઈ ભવિષ્ય ભાખ્યું હશે, તેમાંથી ભાગ્યે જ કંઈ સાચું પડ્યું હશે. ક્યાં અમારું ધૂળિયું ગામ, જેમાં મારા જન્મ વખતે હજી ઈલેક્ટ્રીસિટી પણ આવી નહોતી અને જ્યાં પીવાનું અને નાવાધોવાનું પાણી નદીએથી લાવવું પડતું, અને ક્યાં વિશ્વની મહાન સત્તા અમેરિકાની રાજધાની વોશિન્ગ્ટન જ્યાં હું છેલ્લા ચાર દાયકાઓથી રહું છું.

મુંબઈની હાડમારીના દિવસોનો વિચાર કરું છું તો થાય છે ક્યાં મુંબઈની મૂળજી જેઠા મારકેટમાં કરેલી અદના ગુમાસ્તાની નોકરી અને ક્યાં વોશિન્ગ્ટનના પાવરફુલ ચીફ ફાઈનાન્સિયલ ઑફિસરની પોઝિશન જેમાં મેં એક દાયકાથી પણ વધુ વરસો કામ કર્યું? ક્યાં મુંબઈમાં એક ઘોલકી શોધવા માટે અસહ્ય મુશ્કેલીઓ વચ્ચે કરેલો આંધળો રઝળપાટ અને ક્યાં અદ્યતન સુવિધાઓથી સજ્જ અમારું વિશાળ ઘર અને એનું એકાદ એકરનું હરિયાળું બેકયાર્ડ? ક્યાં મારી મુંબઈની ગુલામગીરી અને ક્યાં અહીં ‘વોશિન્ગ્ટોનીઅન ઑફ ધી ઈયર’ કે ‘મોસ્ટ પાવરફુલ વોશિન્ગ્ટોનીઅન્સ’માં મારી ગણતરી? ક્યાં નાતની વીશીઓમાં જેમતેમ લુસલુસ ઊભડક ખાવાનું અને ક્યાં વ્હાઈટ હાઉસનું સ્ટેટ ડીનર? આવી એક્સ્ટ્રીમ પરિસ્થિતિઓ વચ્ચે થયેલી મારી આ અણધારી જીવનયાત્રાનું મને જ મોટું આશ્ચર્ય છે.

કોઈને પણ પૂછો તો કહેશે કે આ જીવનયાત્રા એક નીવડેલા અને સફળતા પામેલા માણસની છે. છતાં મને એમ કેમ થયા કરે છે કે મેં જિંદગી વેડફી છે? આજે જીવનસંધ્યાએ મને નિષ્ફળતાનો ડંખ કેમ સતત પજવે છે?  દિવસ ને રાત આ જ વિચાર આવ્યા કરે છે કે મેં જિંદગીમાં શું ઉકાળ્યું?  આ સમસ્યાના મૂળમાં છે બીજાઓ સાથે હંમેશ સરખામણી કર્યાં કરવાની મારી ખરાબ આદત.  હું જયારે બીજા સિદ્ધહસ્ત લોકોની–લેખકો, વિચારકો, કવિઓ, ઉદ્યોગપતિઓ, નેતાઓ, સંશોધકો વગેરેની વાતો વાંચું સાંભળું છું ત્યારે ઈર્ષાથી સમસમી ઊઠું છું. થાય છે કે એ લોકોની સિદ્ધિઓની સરખામણી સામે મેં કાંઈ જ મેળવ્યું નથી. એક અત્યંત મહત્ત્વાકાંક્ષી માણસની તીવ્ર અસંતોષવૃત્તિથી હું સતત પીડાઉં છું.  જે મળ્યું છે તેનો સંતોષ અને આનંદ સાવ નથી એવું નથી પણ એ ક્ષણિક જ હોય છે.  તત્કાલ સંતોષની લાગણી અનુભવીને તરત મારું મન છટકીને જે નથી મળ્યું તે તરફ વળે છે અને નથી મળ્યાનું દુઃખ પેટ ચોળીને ઊભું કરે છે.  અર્ધા ભરાયેલા પાણીના ગ્લાસને જોઉં છું તો મને ભરેલો ભાગ નથી દેખાતો, ખાલી ભાગ જ દેખાય છે!  આ દ્વિધાનું મારે શું કરવું?

બધા લોકોને કંઈક અને કંઈક મહત્ત્વાકાંક્ષા હોય  છે. એ મનુષ્ય સહજ છે. અને જો માણસ યથાશક્તિ પ્રયત્ન કરે અને ઈશ્વરકૃપા હોય તો એ  ધારેલી ઇચ્છાઓ સફળ થવાની શક્યતા છે.  પણ મારી મહત્ત્વાકાંક્ષા કોઈ જુદા જ પ્રકારની  છે.  જે લોકો આદર્શ તરીકે મારા કલ્પનાવિશ્વમાં ઘર કરીને બેઠા છે  તેમનો વિચાર કરું છું ત્યારે મને એમ થાય છે કે એ લોકો સુધી મારાથી આ ભવમાં તો પહોંચાય જ નહિ. રાજકીય ક્ષેત્રે નહેરુ, બન્ને રુઝવેલ્ટ, દ’ગૉલ  કે ચર્ચિલ; સાહિત્યમાં એડમંડ વિલ્સન, ટી એસ એલીએટ, ચેખોવ, નેબોકોવ, કે નાયપોલ, ઉમાશંકર જોશી, સુરેશ જોષી,; ચિંતકોમાં વિટગનસ્ટાઈન કે વિલિયમ જેમ્સ જેવા જો મારા ખ્યાલમાં હોય તો હું એમને આ જિંદગીમાં કયારે પહોંચવાનો હતો?  “નિશાન ચુક માફ, કિન્તુ નહીં માફ નીચું કદી,”  આ કાવ્ય પંક્તિ મને તો લાગુ ન પડે! આજે એંશી વર્ષે એક વાત સ્વીકારવાની છે કે હું કાંઈ નવી નવાઈનો નથી.  મારી આજુબાજુના હજારો અને લાખો માણસોની જેમ હું પણ સામાન્ય અને સાધારણ છું એટલે મનમાં કોઈ ખાંડ ખાવાની જરૂર નથી.  આ આકરું નિદાન સ્વીકાર્યા સિવાય હવે છૂટકો નથી. અને છતાં એટલું જરૂર કહીશ કે મારો જે કાંઈ થોડો ઘણો વિકાસ થયો છે અને મેં જે કાંઈ પ્રગતિ કરી છે તે આ ઊંચા ધ્યેયને કારણે જ.  આ ઊંચા અને અપ્રાપ્ય આદર્શ સુધી પહોંચવા માટે બને તેટલી અને સૂઝે તેવી મથામણ મેં જરૂર કર્યા કરી છે. અને તેને પરિણામે જ હું જ્યાં છું ત્યાં છું અને જેવો છું તેવો છું.  જીવનમાં કરેલ અસંખ્ય ભૂલો અને ખોટાં પગલાંઓ ભલે મને આજે દિવસ રાત સતાવતા હોય, પરંતુ જ્યારે એ ભૂલો કરેલી અને એ પગલાંઓ ભરેલા ત્યારે એ બધું સમજી સમજીને જ કરેલું.  ત્યારે એ બધું બરાબર જ દેખાયેલું. અત્યારે જે કાંઈ કહું છું એ તો રાંડ્યા પછીનું ડહાપણ છે!

આખરે જીવનમાં આપણે કશુંક અગત્યનું કામ કરવું હોય, મહાન પ્રદાન કરવું હોય તો તેને માટે નિરંતર અસાધારણ પરિશ્રમ કરવો જોઈએ.  માણસમાં ઈશ્વરદત્ત પ્રતિભા ભલે હોય પણ જો એ પ્રતિભાબીજની માવજત ન કરી હોય તો એ વિશિષ્ટતા અચૂક વેડફાઈ જવાની.  મારામાં કોઈ ઈશ્વરદત્ત શક્તિ કે મેધાવી બુદ્ધિ તો નથી જ નથી, પરંતુ જે કોઈ થોડીઘણી છે તેની પણ મેં માવજત નથી કરી.  એ જાળવણી માટે અસાધારણ પરિશ્રમપરાયણતા હોવી જોઈએ એ મારામાં નથી. આ છે મારી વ્યક્તિગત નિષ્ફ્ળતા.

જો કે આઠ દાયકાની આ જિન્દગીની સફર પછી મારી સફળતા અને નિષ્ફળતાની વ્યાખ્યા પણ ધૂંધળી બની ગઈ છે. હવે મને ખબર નથી પડતી કે કોને મહાન કહેવા અને કોને પામર? હવે કોઈને એવાં લેબલ લગાડવાં એ પણ મને યોગ્ય નથી લાગતું. એક વસ્તુની સ્પષ્ટતા જરુર થઈ છે. જે લોકો એમ કહે છે કે એમની અસાધારણ સિદ્ધિઓ અને સફળતાઓ આપકમાઈની છે; તો એ વાતમાં હું માત્ર એમની બડાશનાં બણગાં જોઉં છું. ઊલટાનું આવા સફળ માણસની પાછળ હું એના જન્મ, કુટુમ્બ, સમાજ, ઉછેર, ભણતર, મિત્રો, જીવનસાથી, નસીબ, વગેરે વસ્તુઓ જોઉં છું. એનો અર્થ એ નથી કે વ્યક્તિગત બુદ્ધિ, પ્રયત્ન, ધગશ, પરિશ્રમ વગેરે જરૂરી નથી. કહેવાનું માત્ર એટલું જ કે, જેને ઇંગ્લિશમાં આપણે ‘self-made man’ કહીએ છીએ તે વાત કપોળકલ્પિત છે!

ઈન્સ્યોરન્સ કંપનીઓ પાસે સામાન્ય રીતે માણસ કેટલું જીવશે એની ગણતરી કરતા ટેબલ હોય છે. એ મુજબ કોને કેટલું પ્રિમીયમ ભરવું એ નક્કી થાય છે. એ ટેબલ મુજબ તો હું હજી એક આખો દાયકો જરુર કાઢી શકું.  પરંતુ આજે અમેરિકામાં તેમ જ આખી દુનિયામાં કોરોના વાયરસની મહામારીને કારણે કોણ ક્યારે ઢબી જશે તે કહેવું મુશ્કેલ છે. અમેરિકામાં  જ રોજના હજાર માણસો મરે છે. તમે જ્યારે આ લેખ વાંચો છો ત્યારે હું જીવતો હોઈશ એની કોઈ ખાતરી નથી.

યુવાનીની નાદાન મનોદશામાં મગજમાં જે મહાન કામ કરવાનો તોર હતો તે હવે નીકળી ગયો છે. આજે એંશીમેં વર્ષે એક વાત સ્પષ્ટ થાય છે કે અત્યાર સુધીમાં મને જે કાંઈ સફળતા મળી છે તેવી અને તેટલી જ મારાથી શક્ય હતી.  બાકી બધી શેખચલ્લીની વાતો હતી.  જે નથી થયું, જે નિષ્ફ્ળતા મળી છે, જે વરસો વેડફ્યાં છે તેનો વસવસો હવે કરવાનો કોઈ અર્થ નથી.  આકાશ પાતાળ એક કરું તોય એ વીતેલાં વર્ષોનો એક દિવસ પણ પાછો આવવાનો નથી. અને ધારો કે એ સમય પાછો મને મળે તો એ ફરી વાર હું નહીં વેડફું એની ખાતરી શું છે?  હવે તો જે કાંઈ બાકી રહ્યું છે તે સાચવી રહું તો ય ઘણું, ઘણું.  આજે એટલું જરૂર સમજ્યો છું કે આપણી આજુબાજુ જે દુનિયા છે એ જ સાચી દુનિયા છે. આપણે ત્યાં જ રહેવાનું છે.

આજે જો મારા લાંબા જીવનનું સરવૈયું કાઢવા બેઠો છું તો એનું મોટામાં મોટું જમા પાસું છે પન્ના નાયક. મારી પત્ની નલિનીના દુઃખદ અવસાન પછી કવયિત્રી પન્ના નાયકના નિર્વ્યાજ પ્રેમ અને પ્રસન્ન સહવાસ મને મળ્યા એ મારા જીવનનું એક અત્યંત ઉજળું પ્રકરણ અને જીવનનો સૌથી મોટો ઉપકાર છે. જીવનની સંધ્યાના આ સુખદ વર્ષો ક્યાં સુધી ચાલશે એ તો કોણ જાણે, પરંતુ જે કાંઈ જૂજ જીવન બાકી રહ્યું છે તે પન્નાના સહવાસમાં જ જાય એવી ઉપરવાળા પાસે મારી પ્રાર્થના છે.

પન્નાને જ સંબોધીને લખાયેલા એક સોનેટની અંતિમ પંક્તિ ટાંકીને વિરમું છું:

“અહીં આજુબાજુ જગત વસતું ત્યાં જ વસીએ,
હવે ઝાઝા છે ના દિવસ સખી, ઉલ્લાસ કરીએ.”

8 thoughts on ““હવે ઝાઝા છે ના દિવસ—૮૦  મા જન્મદિને” – નટવર ગાંધી

 1. નટવરભાઈની જીવનકથા અને તારતમ્ય રસપ્રદ છે. એટલું જ કહીએ કે પ્રવાસ આ છે પ્રેમનો-સ્નેહનો,સંબંધનો.પુરુષાર્થ ને ટેકો મળ્યો.પ્રભુપ્રેમથી જ એ પુષ્ટ છે.ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ. સ્વસ્થ અને શાન્ત,સમૃદ્ધ અને સંપન્ન નટવરભાઈ માટે.

  Liked by 1 person

 2. જન્મ દિવસની ૮૦ મી વર્ષગાંઠ નિમિત્તે હાર્દિક શુભેચ્છા! …
  આજના જન્મ દિવસે આપને આનંદી મન મુબારક,
  ખૂટે નહી તેટલું ધન મુબારક, તંદુરસ્તી ભર્યુ તન મુબારક
  અમારી દીકરી યામિની વ્યાસની રચના યાદ આવે

  લ્યો ! હરિએ મોકલ્યું મને તો એંસી વર્ષે માગું !
  શું હજી હું તમને હરિજી અઢાર વર્ષની લાગું ?

  જાન લઈને ઝટ આવોને બારણાં ખુલ્લાં રાખું !
  મૈયરના ગંગાજળ ને તુલસી છેલ્લે છેલ્લે ચાખું.
  દહેજમાં શું જોઈએ, કહેજો…ના કરશો ને ત્રાગું ?

  લ્યો ! હરિએ મોકલ્યું મને તો એંસી વર્ષે માગું !

  ચુંદડી ઓઢી દોડી સહુને આવજો આવજો કરવા !
  ચાર ખભે ડોલીએ મ્હાલી ચાલી પ્રભુને વરવા !
  શમણામાં પણ તક ના ચૂકું તેથી હું તો જાગું !

  લ્યો ! હરિએ મોકલ્યું મને તો એંસી વર્ષે માગું ! …..

  “અહીં આજુબાજુ જગત વસતું ત્યાં જ વસીએ,
  હવે ઝાઝા છે ના દિવસ સખી, ઉલ્લાસ કરીએ.” વાતે યાદ
  ઓશો રજનીશ કહેતા, ‘મૃત્યુ એક ઉત્સવ હૈ, મૈં તુમ્હેં મૃત્યુ સીખાતા હૂં’
  કવિરાજ! ગઇ તમ સાંજ પડી, તમ કેશ વિશે પડિયાં પળિયાં,
  હજી તોયે નભે નિજ નૈન લગાવી, કેમ ગણ્યાં કરો તારલિયાં?
  આપણી ધરતી પર તો ભગવાન કૃષ્ણે રાજ કરેલું, જેમણે રાસલીલા રચીને જીવ-શિવનો સંબંધ નાચતાં નાચતાં શીખવેલો! વચ્ચે એક ફોટો જોયેલો જેમાં એક સાહિત્યિક સમારંભમાં વિદ્વાન અને વડીલ લેખકો, મોરારિબાપુ સાથે સ્ટેજ પર ગરબો કરી રહયાં હતાં. નરી આંખે માન્યામાં ના આવે એવી આ ઘટના જોઇને ખરેખર ગદ્ગદ્ થઇ જવાયું, કારણકે સામાન્ય રીતે લેખો-કવિઓ બહુ ગંભીર મુદ્રામાં કપાળ કે ગાલ પર આંગળી મૂકીને વિચારતાં જ જોવા મળે છે. એવામાં નાચતાં-ગાતાં લેખકો આશ્ર્ચર્યની વાત છે

  Like

 3. જન્મ દિવસની ૮૦ મી વર્ષગાંઠ નિમિત્તે હાર્દિક શુભેચ્છા! …
  આજના જન્મ દિવસે આપને આનંદી મન મુબારક,
  ખૂટે નહી તેટલું ધન મુબારક, તંદુરસ્તી ભર્યુ તન મુબારક

  Liked by 1 person

 4. HAPPY & HEALTHY BIRTH DAY. SACHI KAHEVAT PAHELU SUKH TE JATE NARYA. AP HEALTHY CHO SELF DEPENDENDEN CHO TAMARA LEKH MUJAB. ENJOYED LIFE WITH YOUR MONEY AS YOU LIKE CHINTA CHODO, YOU ARE LUCKY PERSON .IF YOU HAVE LOTS OR ENOUGH MONEY BUT YOU LET DOWN ON BED ALTHE TIME DUE TO ILLNESS. HOW YOU CAN ENJOYED LIFE ? SANTOSHI NAR SADA SUKHI. YOU HAVE DONE LOTS OF THING DURING YOUR PAST LIFE AS PER LATE DAVDA SAHEB “EK AJANYA GANDHI NI ATM KATHA” MA. THINK +VE ENJOYED FUTURE LIFE. JO BIT GAYI BHUL JAVO .VO NATO FIR AYEGI CHINTA MA CHALI JAYEGI JINDGI,ETNE TO ACHA HE RAHI JINDGI KO HASTE KUDTE KISHI KI MADAD ME PU RA KARO.BAGWAN NE DIYA HUA JIVAN SAFAR KARO. CONGRATULATION ON 80TH BIRTH DAY

  Liked by 1 person

 5. વડીલ નટવરભાઈને એમના જન્મદિવસના ખોબલો ભરીને અભિનંદન ! એક અજાણ્યા ગાંધીની આત્મકથા દ્વારા તેમને જાણ્યા હતા , અને આજે તેમની એસીમી વર્ષગાંઠ ઉપરનું આવું સ્પષ્ટ પ્રામાણિક મંતવ્ય વાંચીને વધારે ગૌરવ થયું ! જીવન એટલે જ સ્ટ્રગલ ! ને વિકટ પરિસ્થિતિમાંથી આટલું ઉચ્ચ સ્થાન હાંસલ કરવું સરળ નથી એમના બધા જ પોઇન્ટ યાદ રાખીલેવા જેવા છે.

  Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s