ગાર્ગી – વાર્તા – રશ્મિ જાગીરદાર


ગાર્ગી

“ગાર્ગી મેડમ” દરવાજા પરથી અવાજ આવ્યો. તે તરફ ગાર્ગીનું ધ્યાન ગયું. કુરીયરવાળો જ હશે. તેણે વિચાર્યું. તે પહોંચી અને સહી કરીને એન્વેલોપ લીધું. ક્યાંથી આવ્યું તે જાણવા મોકલનારનું સરનામું જોયું. કપડવંજ વાંચીને તે વિચારમાં પડી. કવર ખોલીને જોયું તો 7-8 લીંટીમાં લખાયેલો પત્ર હતો. નીચે લી. ઉમાદીદી વાંચીને તે ચમકી. તેનો હાથ ધ્રુજવા લાગ્યો, પગ નીચેથી જમીન જાણે સરકવા લાગી. તે માંડ સોફા પાસે પહોંચી ને સોફા પર ફસડાઈ પડી.

હમણાં જ લગ્ન પત્યાં હતાં. ઘર આખું ભરેલું હતું અને ગાર્ગીનું મોં હજુ ઘુંઘટમાં જ હતું. વિદાય પછી તે સાસરે પહોંચી હતી. લગ્ન પછી થતા અમુક રિવાજો બાકી હતાં. મહારાજે બૂમ પાડી, “વર વહુને પૈસા રમવા ગણેશજી સામે બેસાડો. પછી કંકુના થાપા મારવા જવાનું છે.”

બન્ને પાટલા પર બેઠા જ હતા ને ૪-૫ પાડોશમાં રહેતાં ઉમર લાયક બહેનો આવ્યાં અને કહે, “અમને વહુનું મોં બતાવી દો પછી અમારે જવું છે.” વળી ત્યાં ઊભેલાં એક બેન બોલ્યાં, “જતીન ભાઈ આટલા બધા રૂપાળા છે ભણેલા ગણેલા અને હોંશિયાર છે તો વહુ પણ શોભે તેવી જ હશે ને?” અને પછી એમણે જ ઘુંઘટ ઉંચો કરીને વહુનું મો ભતાવ્યું. ત્યારે જ વરરાજા પણ મોં જોવા પામ્યા. પણ… પણ આ શું? જતીન ઉભો થઈ ને ઝડપથી તેના રૂમમાં ગયો. બધા વિચારમાં પડ્યાં. બે ત્રણ મિત્રો તેની પાછળ ગયા. થોડીવાર પછી તે ચારે ય નીચે આ વ્યા. આટલી વારમાં ગાર્ગીનું મન પર શું વિત્યું તે તો એ જ જાણે. મિત્રો જતીનને પાટલા પર બેસવા સમજાવતા હતા જતીન માનતો નહોતો છેવટે તે મોટેથી બોલ્યો, “હું આમને મારી પત્ની તરીકે નહીં સ્વીકારી શકું.” કહીને તે ફરી ઉપર જતો રહ્યો. શું કરવું તે કોઈને સમજાતું નહોતું. થોડીવાર પછી જતીનનાં મમ્મીએ ગાર્ગીને ઉપર મોકલી. ડરેલી, ગભરાયેલી ગાર્ગી ઉપર જઈને બારણે જ ઉભી રહી. જેવી જતીને ગાર્ગીને જોઇ તેણે કહ્યું, “તમે જાવ અહીંથી.”

“મારો વાંક શો છે? એ તો કહો.”

“તમે તમારો ચહેરો કદી જોયો છે? મારાથી તમારી સાથે નહીં જીવાય.” ગાર્ગી નીચે પાછી ગઈ ત્યારે બધા નીચે વાતો કરતા હતા. ‘આટલો રૂપાળો છોકરો એને વહુ ગમી નથી એટલે મોં જોતાં જ ઉપર ભાગી ગયો.’

બન્ને પક્ષનાં વડીલોએ વિચાર્યું, ગાર્ગીને અહીં જ રાખો. એ તો પછી ઘીના ઠામમાં ઘી પડી જશે. આ વાત જ્યારે જતીને સાંભળી ત્યારે તે બોલ્યો, “એને ઘરમાં રાખશો તો હું ઘર છોડીને જતો રહીશ.”

આ વાત જાણીને ગાર્ગીના માતા પિતાને આઘાત લાગ્યો હતો. શું કરવું તે સમજાતું નહોતું પણ તેના મોટાભાઈ રણજીત અને ભાભી આ અપમાન સહન ન કરી શક્યા. તેઓ બન્ને બોલ્યાં, “અમારી લાડકી બેન આટલા અપમાન પછી પણ તમારી સાથે રહેશે એમ જે માનતું હોય તે એની ભૂલ છે. અત્યારે જ મંડપમાંથી અમે નિકળી જઈએ છીએ.”

“ચાલો ગાર્ગીબેન, તમારા જેવી ભણેલી ગણેલી અને મુંબઈ જેવા શહેરમાં ઉછરેલી બુદ્ધિશાળી અને સ્માર્ટ કન્યા એમના નસીબમાં નહીં હોય. આટલું બધું કન્યાધન પણ એમના નસીબમાં ક્યાંથી હોય.”

હૈયાફાટ રુદનને અંદર સમાવીને ગાર્ગી સૌ સાથે પાછી વળી. રિવાજ રિવાજનાં ઠેકાણે રહ્યા.

ગાર્ગીના ભાઈ મુંબઈમાં નામાંકિત વકીલ હતા. તેમની કમાણી લાખોમાં હતી. પિતાનું ઘર પણ પહેલેથી જ સધ્ધર હતું. નાની ગાર્ગીનો ઉછેર ધનિક ઘરોમાં થાય તે રીતે જ થયેલો. માતાપિતાનું માન રાખીને તેણે આ સંબંધ કરેલો. તો સામે જતીનની દશા પણ એ જ હતી.

પાછી આવેલી ગાર્ગીને ઘરના સૌએ સાચવી લીધી. તેણે ગ્રેજ્યુએટ થયા પછી ફેશન ડિઝાઈનરનો કોર્સ કરેલો જ હતો. ભાઈએ કહ્યું, “ગાર્ગી તુ જોઈએ તેટલા પૈસા રોકીને ફેશન ડિઝાઈનીંગનો બીઝનેસ શરૂ કર.”

આવડત, શિક્ષણ, કુનેહ અને નસીબ ચારેયનો સમન્વય ગાર્ગીને સફળતા અને ઉત્સાહ આપવા લાગ્યાં હતાં. તે આગળ વધતી જ રહી. તેનું નામ હવે બોલીવુડમાં પણ જાણીતું હતું. કમાણી પણ અઢળક હતી. ભાભી ક્યારેક ગાર્ગીના મનની વાત જાણવા પ્રયત્ન કરતી અને કહેતી, “તમારૂં અત્યારનું સ્ટેટસ જોઈને તો કોઈ રાજકુમાર પણ ના નહીં પાડે.” દરેકને માટે ગાર્ગીનો એક જ જવાબ રહેતો, “હું તો પરણેલી છું ને ભાભી.” અને વર્ષો વિતતાં રહ્યાં.

 

આજે ૧૨ વર્ષે જેઠાણી ઉમાનો કાગળ કેમ આવ્યો હશે? શું કોઈ? તેણે વિચારવા ને બદલે કાગળ વાંચી લીધો. તેણે બીજા દિવસની ટિકિટ બુક કરી લીધી. સાંજે બધાં જમવા બેઠાં ત્યારે તે બોલી. “ભાઈ હું કાલે કપડવંજ જાઉં છું. ભાભી તમે મારા ઓર્ડર્સ જોઈ લેજો ને જરા.”

“કપડવંજ કેમ?” અને તેણે કાગળ આપ્યો. તે વાંચીને ભાઈનો ગુસ્સો ગયો સાતમા આસમાને.

“તારૂં મગજ ઠેકાણે તો છે? આટલાં અપમાન ઓછાં પડ્યાં તને, તો વધારે હડધૂત થવા જવું છે તારે?”

“ના, ખબર કાઢવા.”

ભાઈ-ભાભીને ખબર હતી કે તેણે નક્કી કરી લીધું છે. હવે તે કોઈનું નહીં માને.

તે પહોંચી ત્યારે ખબર પડી કે, બધા જ હોસ્પિટલમાં છે. તે પણ પહોચી. જતીન આઈ સી યુ માં હતો. તેને હાર્ટએટેક આવ્યો હતો. ડોક્ટરે ૪૮ કલાક પછી ખબર પડશે એવું કહેલું એટલે જેઠાણીએ ગાર્ગીને ખબર આપી હતી. બધા ઊંચા જીવે ૪૮ કલાક પતે અને જતીન ભાનમાં આવે તેની રાહ જોતાં હતાં. ગાર્ગી પણ બધા સાથે બેઠી. તેણે ભાભીને ફોન કરીને જણાવ્યું કે, પોતે પહોંચી ગઈ છે. જતીન આઈ સી યુ માં છે અને ૪૮ કલાક રાહ જોવાની છે એટલે તે હમણાં નહીં નીકળી શકે. જે નક્કી થશે તે જણાવશે.

બધાની પ્રાર્થના ફળી હોય તેમ તે રાત્રે જ જતીન ભાનમાં આવી ગયો. સવારે તેને સ્પેશ્યલ રૂમમાં લઈ ગયા. પછીના દિવસે ડોક્ટર આવી જાય પછી તેને રજા આપવાની હતી. ઘેર ગયા પછી પણ બેડરેસ્ટ કરે તો જ રજા આપશે. એવી વાત હતી. ઘેર આવ્યા ત્યારે મોટાભાઈ અને ઉમાભાભી પણ જતીનનાં ઘેર જ રહ્યાં. બે દિવસમાં ગાર્ગીએ બધું જોઈ લીધું. તેણે ઉમાભાભીને કહ્યું, “ભાભી મારી જરૂર હોય તો રોકાઈ જઈશ.”

“જો ગાર્ગી, બા બાપૂજી તો હવે છે નહીં, મારાં બન્ને જોડીયા છોકરાઓ 12માં છે જો તું 10-12 દિવસ કઢાવતી હોય પરીક્ષા સુધી, તો સારૂં રહેશે.”

અને ગાર્ગી રોકાઈ ગઈ. હોસ્પિટલમાંથી એક નર્સભાઈ રોજ આવતા હતા. જતીનને ઊઠવાનું નહોતું એટલે આવીને તે સ્પંચ વિગેરે કરતા. તેના ખાવાપીવાની જવાબદારી ગાર્ગીએ સંભાળી લીધી હતી. જરૂરી આહાર. જ્યુસ, ફ્રુટ બધુ સમયસર મળતું અને સારી સારવાર મળવાથી જતીન સાજો થતો ગયો. દસ દિવસ પછી તેને ઊઠવાની અને ચાલવાની રજા પણ મળી ગઈ. આ બાજુ છોકરાઓની પરીક્ષા પણ સારી રીતે પતી ગઈ. ગાર્ગી ઉમાભાભીને મળી અને કહ્યું, “હું કાલે નીકળીશ.”

જતીનને આ વાતની ખબર પડી ત્યારે તે પોતાને કોસવા લાગ્યો. હું રોજ ગાર્ગીની માફી માંગવાનું વિચારતો હતો પણ હિંમત ના ચાલી હવે કાલે તો માફી માંગી જ લઈશ.

ગાર્ગી તૈયાર થઈ એટલે હિંમત કરીને જતીને પૂછ્યું, “મેં તમારૂં અપમાન કર્યું હતું છતાં તમે મારી સેવા કરવા આવ્યા, મને સમજાતું નથી કેવી રીતે તમારી માફી માંગું અને કેવી રીતે આભાર માનું. તમે આવું કેમ કર્યું.”

“હું તમને નથી ગમતી પણ તમે મને ગમો છો. તમે મને પત્ની નથી માનતા પણ હુ તમને જ પતિ માનું છું. પત્ની તરીકેના કોઈ હક તમે ના આપો પણ મારો પતિની સેવા કરવાનો હક તમે ના છીનવી શકો સમજ્યા?” ગાર્ગીની વાત સાંભળીને જતીનની હિંમત વધી ગઈ તેણે મનની વાત પૂછી જ લીધી.

“તમારી દિલથી માફી માંગીને રોકાવાનું કહું તો રોકાઈ જશો?”

“મારો તો દેશ પરદેશમાં બિઝનેસ ચાલે છે. તે સંભાળવો એ જ મારા જીવનનું કાર્ય છે. ચાલો, રિક્ષાવાળા ભાઈ, મારી ગાડી ઉપડી જશે.”

જતીન એ રૂઆબદાર છતાં સંસ્કારી સ્ત્રીને જતી જોઈ રહ્યો.

2 thoughts on “ગાર્ગી – વાર્તા – રશ્મિ જાગીરદાર

 1. સુ શ્રી રશ્મિ જાગીરદારની સ રસ વાર્તા
  અણકલ્પો અંત’ જતીન એ રૂઆબદાર છતાં સંસ્કારી સ્ત્રીને જતી જોઈ રહ્યો.’ વાતે યાદ આવી
  બ્રહ્મવાદિની ગાર્ગીની વાત “ येनाहं नामृता स्यां किमहं तेन कुर्याम् ?

  Like

 2. ગાર્ગી વાર્તાના અંતમાં વાંચક ધારે તેવું બનતું નથી. પણ તે માટે જ તો વાર્તા સુંદર છે. જીવનના પ્રવાહમાં બધું ધારેલું કયાં બનતું હોય છે?
  ગાર્ગીના વ્યકિતત્વ ની એક અલગ દિશા ગૌરવપૂર્ણ છે.

  Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s