“ચાલો મારી સાથે” – (૧  ) -શેક્સપિયર  – ઉત્કર્ષ મઝુમદાર


(ઉત્કર્ષભાઈનો પરિચયઃ ઉત્કર્ષભાઈનો પરિચય આમ જુઓ તો દુનિયાના કોઈ પણ છેડે વસેલા ગુજરાતીને હોય હોય ને હોય જ! છતાંયે આજથી દર શનિવારે, એમની ખૂબ જ વખણયેલી શ્રેણી, “ચાલો મારી સાથે” નો લાભ “દાવડાનું આંગણું’ ના વાચકોને મળવાનો છે, એનો મને અત્યંત આનંદ છે. આ શ્રેણી ગુજરાતી ન્યુઝપેપર, “નવગુજરાત સમય”માં નિયમિત પ્રસારિત થઈ છે. એમના જેવી ભાગ્યે જ મળતી પ્રતિભાનો પરિચય આપવો એ મારા માટે ગૌરવની વાત છે. કલાકાર, સાહિત્યકાર, નાટ્યકાર, દિગ્દર્શક, લેખક, જન્મજાત અભિનેતા (સ્ટાર એક્ટર), આમ એમની પ્રતિભા બહુમુખી છે. ઉત્કર્ષભાઈ જેવા કલાકારો કોઈ એક ભાષા કે એક જ ભાષાના સ્ટેજ સુધી સિમીત રહી જ ન શકે. છેલ્લા ૫૦ વર્ષોથી ઉત્કર્ષભાઈ કલાજગતમાં સતત સક્રિય રહ્યા છે. એમણે નાટકો માત્ર ગુજરાતી ભાષામાં જ નહીં, ઈંગ્લીશ અને હિન્દીમાં પણ લખ્યા છે, ભજવ્યા છે અને દિગ્દર્શન પણ કર્યું છે. એમનું “ભક્ત કવિ નરસૈંયો” અને “માસ્ટર ફુલમણિ” એ બે નાટકોની બોલબોલા અમેરિકામાં આજે પણ છે.  એમની બહોળી કારકીર્દીમાં એમણે દેશના વિવિધ શહેરોમાં દૂરદર્શન કેન્દ્રોમાં પ્રોગ્રામ એક્ઝીક્યુટીવ તરીકે અને નાટકો, પ્રફોર્મિંગ આર્ટ્સ તથા ડોક્યુમેન્ટરીસ ના પ્રોડ્યુસર- ડિરેક્ટર તરીકે પણ સેવાઓ આપી છે. અનેક ટીવી શ્રેણીઓને એમણે પોતાના અભિનયથી માતબર કરી છે.  એમનો સરદાર પટેલ તરીકે નો રોલ, વિખ્યાત ડિરેક્ટર શ્યામ બેનેગલની “સંવિધાન” ટીવી સિરીયલમાં આજે પણ લોકો યાદ કરે છે. ગુજરાતી અને હિન્દી મુવીસમાં પણ એમણે એમની કલાના કિરણો પાથર્યા છે. (જેમ કે, સપ્તપદી, વેન્ટીલેટર, અને શોર્ટ સરકીટ, રઈશ, સત્યા, બાઝાર, અંતરાનંદ, વગેરે) ઉત્કર્ષભાઈ પોતે સંગીતકાર પણ છે અને સુંદર ગાય પણ છે. એમની પાસેથી જૂની રંગભૂમિના (ભાંગવાડી) નાટકોના ગીતો સાંભળવા અને માણવાનો આનંદ અને લ્હાવો અનેરો છે. આટલી બધી પ્રવૃત્તિઓમાં આટલી વિશદતા ને વિશારદતા પાછળ એમના સશક્ત અભ્યાસનું બળ છે. એમણે ઈંગ્લીશ લિટરેચરમાં બી.એ. કર્યું છે. સંસ્કૃતમાં કોવિદ કર્યું છે અને માસ કમ્યુનિકેશનમાં ડિપ્લોમા કર્યો છે. એટલું જ નહીં, પૂના ફિલ્મ ઈન્સ્ટીટ્યુટમાંથી ટેલિવિઝનનો સર્ટીફિકેટ કોર્સ પણ કર્યો છે. આટલો બહોળો ને શિસ્તપૂર્ણ અભ્યાસ જ એમની કલાની સતત સાધનાના મૂળમાં છે. આવા “લાખોમાં એક”, અનેક કલાના સ્વામી એવા ઉત્કર્ષભાઈની કલમનો લાભ આપણે પામવાનાં છીએ તો આપણે એમને અને એમની કલમને સાથે મળીને વધાવીએ. ઉત્કર્ષભાઈ, આપનું “દાવડાનું આંગણું”માં હ્રદયપૂર્વક સ્વાગત કરતાં હું ગૌરવ અનુભવું છું. આશા છે આપ સહુ વાચકો પણ એમની કલમને વ્હાલથી માણશો. )

“ચાલો મારી સાથે” – (૧  ) -શેક્સપિયર  – ઉત્કર્ષ મઝુમદાર

આજથી આ એક અલગારી, મોજીલી, રસીલી દુનિયાની સફર શરુ થાય છે.આ સફર માત્ર કોઈ સ્થળની નહીંપરંતુ સંગીત,નાટક, સિનેમા સાહિત્ય થતા જીવન સાથે સંકળાયેલી ઘટના દુર્ઘટનાઓની સફર હશે જેમાં બધા પ્રકારના રસ હશે. એક તાજગીભરી હવાથી તમારા મનને તરબતર અને વિચારતા કરી દે તેવી ખેવના છે.

તો આ સફરની શરૂઆત ક્યાંથી કરશું? આટઆટલું જોવાનું છે ,માણવાનું છે તો અવઢવ ઠશે ખરું? પણ ના આ લખનારના મનમાં જરાય મૂંઝવણ નથી. જેમ દરેક જાણ પ્રશ્ન વહીમાં કે પાત્ર લખતા પહેલા કે નામના ચોપડે શરૂઆત્ત પોતાના ઇષ્ટદેવ કે દેવીથી કરે તેમ આ લેખ લખનારનો મૂળ જીવ તો નાટકનો છે એટલેએટલે શરૂઆત એના એક આરાધ્ય દેવથી જ કરશે.  તો શરૂઆત કરીયે વીરુભાઈ શામળદાસની જેની 450મી પુણ્યતિથિ પસાર થયે પણ છ વર્ષ વીતી ગયા. જેનું આખી દુનિયામાં નામ છે અને આટલા વર્ષો થઇ ગયા પછી પણ એટલોજ પ્રસ્તુત છે.  તામર મનમાં સહેજ પ્રશ્ન ઉભો થયો ? આ વીયભાઈ શામળદાસ નું તો કદાપિ નામ જ નથી સાંભળ્યું  કાલા ક્ષેત્રે સંકળાયેલા લોકોનેપણ થશે કે આ નામધારી વ્યક્તિ નાટ્યકલા જોડે આટલી મહત્વની રીતે સંકળાયેલી હોય તો અમે એનું નામ સુદ્ધા કેમ નથી સાંભળ્યું? ન જ સાંભળ્યું હોય ને કારણ કે આ નામ તો એના ફૈબા થઈને અમે પાડયું છે. બાકી એના ફૈબા એ તો નામ એનું પાડયું  વિલિયમ ને અટક સાંપડી શેક્સપિયર એટલે એ ઓળખાય વિલિયમ શેક્સપિયર તરીકે. અમે આવું કેમ કર્યું? તો કહીયે ગમ્મત.  આ વિલિયમભાઇ કહી ગયા છે ને કે નામમાં શું બળ્યું છે?એમની પ્રખ્યાત ઉક્તિ ” અ રોઝ બાય એની અધર નેમ વુડ સ્મેલ એઝ સ્વીટ “. અર્થાત ગુલાબને કોઈપણ નામે બોલાવો,એનો પમરાટ માદક જ રહેશે.  તો આપણે વીરુભાઈ ઉર્ફે વિલિયમભાઈના જન્મસ્થાનની મુલાકાત લઈયે  તો કેમ? હા હા એમ જ કરીયે.

આ શેક્સપિઅરનું જન્મસ્થાન ક્યાં? લંડનમાં? ના ના એતો એની કર્મભૂમિ. એનું જન્મસ્થાન એન્ડ મરણસ્થાન તો સ્ટ્રેટફોર્ડ અપોન એવન.  લંડનથી સીધી લાઇન જેને કાગડા લાઈન કહેવાય (ક્રો’સ લાઈન)એ 132.72 કિમિ ની દૂરી પર છે બાય રોડ જાઓ તો 162.56 કિમી ને ટ્રેન દવાર જાવ તો 133 કિમી ના અંતરે એ આવેલું છે. હવાઈ મથક નથી એટલે ઉડીને ન જવાય. તો સિક્કો ઉછાળીયે. ‘હેડ’ આવે તો ટ્રેન ને ‘ટેઈલ’ આવે તો બસ.

અરે અરે ભુલ્યો. બસ નહિ,કોચ. તમે કહેશો  શું ફરક પડે છે? તમે જ આગળ જણાવ્યું ને કે નામમાં શું બળ્યું છે?  વાત બરો બાર પણ। આમ તો બંને બસ જ છેપણ યુકેમાં ફરક પડી જાય છે .   બસ એટલે શહેરની અંદર મુસાફરી કરવાનું જાહેર વાહન અને એક શહેરથી બીજે શહેર જવા માટે કે શહેરથી એરપોર્ટ જવાના જાહેર વાહનને કોચ કહેવાય.  તમે જો બસ સ્ટેશન જવું છે એમ કહો તો તમને સ્થાનિક લોકો સ્થાયિનક બસ સ્ટોપ પર લઇ જશે ને કોચ શબ્દ વાપરશો તો ઇન્ટરસિટી બસ સ્ટેન્ડ કે કોચ સ્ટેન્ડ પર લઇ જશે. આપણે ત્યાં જેમ બસ ને એસટી છે તેમ.

તમે ગુજ્જુ બનીને કહેશો કે જેની ટિકિટ સસ્તી હોય એમાં જઇયે પણ ટિકિટના દર કઈ ફિક્સ નહિ. કેટલા દિવસ અગાઉ ટિકિટ લો છો, કેટલા જણની  લો છો ,કેટલા દિવસ અગાઉ લો છો, પીક અવર્સ કે નોન પીક અવર્સની, સિંગલ કે રિટર્ન   આ બધા પર આધાર.

લંડનથી કોચ દ્વારા જવું હોય તો વિક્ટોરિયા કોચ સ્ટેશને જવાનું ને ટ્રેનમાં જવું હોય તો લંડન મેરીલીબોન સ્ટેશને જવાનું. ત્યાં કેવી રીતે જવાનું એની માહિતી નેટ ઉપરથી તરત મળી જાય. વળી મેરીલીબોન સ્ટેશને કઈ કઈ સગવડો ઉપલબ્ધ છે તેની માહિતી પણ મળી જાય. જેમ કે લોકરની વ્યવસ્થા છે, ખાણીપીણીની વ્યવસ્થા છે, હેરકટિંગ સલૂન , મોચીની દુકાન,દિવ્યાંગો માટેની સહાય ઇત્યાદિ ઇત્યાદિ તમારે ત્યાં જઈને ફાંફાં ન મારવા પડે. બધું યુઝર ફ્રેન્ડલી.

તમારે ઠાઠમાઠથી ને શાનથી જવું હોય તો બર્મિંગહામથી ઉપડતી શેક્સપિયર એક્સસપ્રેસ જે માત્ર ઉનાળામાં ચાલે છે તે ટ્રેનમાં જવાનું. સ્ટીમ એન્જિનથી ચાલતી આ આગગાડીમાં શાનો શોકતથી જવાનો લ્હાવો મળે. સ્ટર્ટફોર્ડ અપોન એવોનમાં રાતવાસો કરવો જરૂરી નથી. સવારે જઈને રાતે પાછા આવી શકાય. 800 વર્ષ જૂનું આ ગામ એવોન નદી કાંઠે વસ્યું છે એટલે એનું નામ સ્ટ્રેટફોર્ડ અપોન એવોન. 2011ની વસ્તીગણતરી પ્રમાણે એની વસ્તી હા 27445 પણ અહીં આવતા સંખ્યા છે વર્ષની 50 લાખ.

શેક્સપિઅરના જન્મસ્થળનું મ્યુઝીયમમાં રૂપાંતર થઇ ગયું છે. એના બાપા જ્હોન જે ઉનના વેપારી ને હાથ મોજા બનાવનાર હતા તેમને આ ઘર બે ભાગમાં વિભાજીત કરેલું। એક બાજુ વ્યવસાય ને લાગતું કામકાજ ને બીજી તરફ રહેઠાણ.

શેક્સપિઅરના વંશજો મૃત્યુ પામ્યા પછી ઘર ખંડેર જેવું બની ગયેલું. વેચવા કાઢયું. અમેરિકાના બારનમ & બેલી સરકસના માલિક પી.ટી. બારનમેં આ ઘર ખરીદવાની દરખાસ્ત મૂકી. એનો ઈરાદો એક એક ઈટ કાઢી અમેરિકા લઇ જઈ ત્યાં નવેસરથી મકાન ઉભું કરવાનો ઈરાદો હતો પરંતુ ઇંગ્લેન્ડની દેશાભિમાની નાગરિકોએ શેક્સપિયર બર્થ દે કમિટી બનાવીને ઘર વેચાતું લઇ લીધું ને પુનરોદ્ધાર કરાવી દીધો.

ચાર્લ્સ ડિકન્સ, સર  વોલ્ટર સ્કોટ જેવા દિગ્ગ્જ સાહિત્યકારોએ આની મુલાકાત લીધેલી ને દીવાલો પર પોતાના હસ્તાક્ષરો પણ કરેલા. અહીં મુલાકાતીઓના પુસ્તકમાં તમને લોર્ડ બાયરન, લોર્ડ ટેનિસન,અને કીટ્સ જેવા ધુરંધર સાહિત્યકારોના અભિપ્રાય અને હસ્તાક્ષર મળી આવશે. મકાનની પાછળ આવેલા બગીચામાં સોળમી સદીમાં હતા તેવા ફૂલોના અને ઔષધિઓના છોડ ઉગાડવામાં આવ્યા છે.

આ ઘર જોવા માટે ટિકિટ લેવી પડે પણ તેની ખાસિયત એ છે કે તે એક વર્ષ સુધી ચાલે. તમે ફરીથી એને જોવા માંગતા હો તો એ જ ટિકિટ ઉપર  જોઈ શકો. કેટલાક લોકો એમના સગા સંબઘી કે મિત્રને આપી દે જેથી પેલી વ્યક્તિ મફતમાં જોઈ શકે. પાસે આવેલા હોલી ટ્રીન ટી ચર્ચમાં શેકસપીયર  અને તેના સગકુટુમ્બીજનોની કબરો છે ,શેક્સપિયરના ચાહકો એની પણ મુલાકાત લે છે.

સ્ટ્રેટફોર્ડ અપોન એવોનનુ બીજું આગવું આકર્ષણ છે રોયલ શેક્સપિયર થિયેટર કંપની। એની વાત પછી ક્યારેક.

 

 

 

 

2 thoughts on ““ચાલો મારી સાથે” – (૧  ) -શેક્સપિયર  – ઉત્કર્ષ મઝુમદાર

  1. “ચાલો મારી સાથે” –-શેક્સપિયર મા શ્રી ઉત્કર્ષ મઝુમદારએ શેક્સપિઅરના ઘર સ્ટ્રેટફોર્ડ અપોન એવોનની મુસાફરી કરાવવા બદલ ધન્યવાદ
    રાહ રોયલ શેક્સપિયર થિયેટરની મુલાકાતની……………

    Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s