બે કાંઠાની અધવચ – (૧૦) —– પ્રીતિ સેનગુપ્તા
પ્રિલિમ્સ પછી યે બે વાર જ મળાયું. ફાઇનલને વાર નહતી, અને કેતકી ડિસ્ટર્બ થયા વગર વાંચે, તે બધાંને જરૂરી લાગ્યું. એક વાર ફોન કર્યો હતો સુજીતે. બે-ત્રણ મિનિટ વાતો થઈ હશે. પછી સુજીતે ગૂડ લક કહીને ફોન મૂકી દીધો હતો.
મોટેરાં લગ્નનું મૂહુર્ત જોવડાવતાં હતાં. કેતકી ભલેને ભણે, તારીખ તો આપણે નક્કી કરી દઈ શકીએ ને? દેવકી પણ એની પરીક્ષા પતાવીને ઘેર આવી ગઈ. એ પછી કેતકીની પરીક્ષાઓ પતી. બધાંને નિરાંત થઈ.
બન્યું એવું કે ત્રણેક અઠવાડિયાં પછી કેતકીની વર્ષગાંઠ આવતી હતી. બંને ઘરનાં બધાં ભેગાં થયાં, ઉજવણી માટે. બધાં સાથે જમ્યાં. દેવકી જીતજી-જીતજી કર્યા કરતી હતી. સુજીતને એ શબ્દ ગમ્યો નહતો, પણ આ સમયે કોઈ વાંધો કાઢવા એ માગતો નહતો. મનમાં એણે વિચાર્યું, પછીથી કહી દઈશ, કે સુજીતભાઈ કરીને જ બોલાવે.
સાસરા તરફથી કેતકીને માટે અમ્મા ખાસ સાડી લાવેલાં. તે તો આપી દીધેલી. પણ છૂટાં પડતાં પહેલાં સુજીતે એક નાની ડબ્બી કેતકીના હાથમાં મૂકી. બધાં આતુર થઈને જોતાં હતાં.
દેવકીથી તો રહેવાતું નહતું. “તુકી, જલદી જોને, શું છે?”
કેતકીએ ડબ્બી ખોલી, તો અંદર સોનાની વીંટી હતી. એમાં એક હીરો જડેલો હતો.
“ઓ મા, બહુ જ સુંદર છે,” દેવકી બોલી પડી હતી.
“ગમી?”, સુજીતે કેતકીને પૂછ્યું.
આનંદથી ભીંજાયેલી આંખો સુજીત તરફ માંડીને, એણે માથું હલાવ્યું.
“લાવ, હું પહેરાવી આપું,” સુજીતે કેતકીનો હાથ પકડ્યો
“હાય હાય, બધાંની સામે?”, કેતકી મનમાં ખૂબ શરમાઈ ગઈ.
દેવકીએ તાળીઓ પાડી. “વાહ જીતજી, માન ગયે!” એણે કહ્યું.
અમ્માને આ વીંટી વિષે ખબર જ નહીં. એ જરા ઝંખવાયાં. પણ માઈ અને દીજી હરખથી ફુલાતાં હતાં. આ જમાઈનું કામ જુદું જ છે, ભાઈ. બાપ્સ અને ફાધર બીજી તરફ વાતોમાં હતા. એમને કોઈએ બોલાવ્યા પણ નહીં. આ ઘટનાની એ બેને ખબર પણ ના પડી.
વાત કરવાની પ્રાઇવસી નહીં મળે, તે ખ્યાલથી સુજીતે એક નાની કાપલી ડબ્બીની અંદર મૂકી હતી. કેતકીના કાનમાં એણે સાવ ધીમેથી કહ્યું, “પછી વાંચી લેજે.”
એકલી પડતાં, કૈંક અધીરાઈથી, કેતકીએ કાપલી ખોલી. એમાં લખ્યું હતું,- “આ ‘વચનની વીંટી’ છે, એટલે કે હું વચન આપું છું, કે હંમેશાં તારી સંભાળ રાખીશ.”
કેતકીએ વીંટીવાળો હાથ હૃદયસરસો ચાંપ્યો. કેવું જાદુ જેવું બનતું હતું બધું! કલ્પ્યું પણ નહતું, કે જિંદગીમાં આવું રોમાન્ટીક કોઈ આવી મળશે.
સુજીત જોઈ શકતો હતો, કે કેતકી જ નહીં, એના ઘરનાં બધાં એનામાં વિશ્વાસ મૂકવા માંડ્યાં હતાં. ને એ વિશ્વાસ યોગ્ય સ્થાને જ હતો, સિવાય કે એક બાબતમાં. સુજીત ક્યારેક ઘણો સભાન થઈ જતો, ને ક્યારેક ભૂલી પણ જતો, કે એણે કેતકીને હજી અમેરિકા જવાની એની ઈચ્છાની વાત નથી કરી. એક કારણ એ હતું કે એકલાં નિરાંતે મળવાનું બન્યું જ નહતું. આ વાત સમજાવીને કહેવી પડે તેમ હતી. આટલા મોટા જીવન-પલટાની વાત ઉતાવળમાં કઈ રીતે કહી શકાય? પણ બીજું વધારે મોટું કારણ હતું, ને તે એ કે જેમ એ વાત સાંભળીને સજની એનાથી છૂટી પડી ગઈ હતી તેવું કેતકીની સાથે પણ બની જાય તો? આ ડર એની સભાનતામાં હતો. જેટલું મોડું કહી શકાય તેટલી આવી ચિંતા કદાચ ઓછી કરવી પડે.
કેતકીને મળ્યા પછી બહુ ઝડપથી ગયો હતો સમય. સુજીતે એમ નક્કી કર્યું કે હનીમૂન દરમ્યાન સરસ રીતે સમજાવીને કેતકીને કહેશે – લાંબા વખતથી મનમાં પોષાતી આવેલી, પોતાની આ ઝંખનાની વાત.
કદાચ એટલા વખતમાં અમેરિકા જવાનો પરવાનો એના હાથમાં આવી પણ ગયો હોય. તો તો એ ઇચ્છા કે ઝંખના નહીં, નિર્ણય જ થઈ ગયો કહેવાય. એ કારણે કેતકીને આઘાત લાગશે? એ ગુસ્સે થશે? એ દુઃખી થશે? મેં છેતરપીંડી કરી એની સાથે, એમ લાગશે? આ વિચાર આવતાં સુજીતને પાછી ચિંતા થઈ આવતી, પણ એને ખાતરી હતી, કે છેતરવાનો ઈરાદો ક્યારેય નહતો, એવું એ કેતકીને બરાબર સમજાવી શકશે.
એમ તો, અમ્માને અને ફાધરને પણ એણે ક્યાં કશું કહ્યું હતું અમેરિકા જવા વિષે? સહેજ ગંધ પણ આવવા દીધી નહતી આટલાં વર્ષોમાં. મદ્રાસમાં ભણતો હતો ત્યારનું એનું સપનું હતું. બલ્કે, એ તો ખુલ્લા આકાશમાં વિહરવાની ઝંખના હતી. એ કારણે એણે, સજની જેવા પ્રેમ-પાત્રને પણ જવા દીધું હતું.
પોતાનાં મા-બાપને ના તો સુજીતે કાંઈ જણાવ્યું હતું, ના તો મા-બાપ એની આ તીવ્ર આકાંક્ષાને જોઈ, કે સમજી, શક્યાં હતાં.
કેતકીને નહીં જણાવવા બદલ એને ક્યારેક જે ચિંતા થતી હતી, તેવી, મા-બાપને માટે બિલકુલ નહોતી થતી. એમની સાથે લોહીનો સંબંધ હતો, પણ તે સિવાય? ક્યાં હતો હૃદયનો, કે ચિત્તનો, કે વિચારનો, કે ચેતનાનો અનુબંધ એમની અને પોતાની વચ્ચે? તેમજ, એમની અને બીજા બે ભાઈઓની વચ્ચે? છતાં, પુત્ર તરીકેની જવાબદારી સુજીત સાચવી રહ્યો હતો.
સુજીતે જાતે જ મહેનત કરીને બધી માહિતી મેળવી હતી, અને અમેરિકામાં નોકરી મેળવીને જવા માટેના પરવાનાની અરજી ક્યારની કરી દીધી હતી. લગ્ન વિષેની પ્રક્રિયા તો તે પછી શરૂ થઈ. હવે લગ્ન થશે કે તરત, કેતકીની સહીઓ લઈને, વાઇફ તરીકેની અરજી કરી દેવાશે. હંમેશની ટેવ પ્રમાણે એના મગજમાં પર્ફેક્ટ પ્લાનિન્ગ થયેલું હતું.
લગ્નની તારીખ નક્કી થઈ ગઈ એટલે તરત, સુજીતે બંને ભાઈઓને જણાવ્યું હતું. અમ્મા અને ફાધરે તો એ વિષે કશું ધ્યાન આપ્યું લાગતું નહતું. સુજીતે એમની સાથે કોઈ ચર્ચા કરી નહીં. એણે જાતે જ પ્રયત્ન કર્યા બંને ભાઈઓને આમંત્રવા માટેના.
પ્રજીત તો અમેરિકામાં. એને તો કાગળ લખવો પડે. કાગળ ટપાલમાં ખોવાય નહીં તેથી, અને જેમ બને તેમ જલદી પહોંચે તે માટે, સુજીતે જાતે પોસ્ટ ઑફીસમાં જઈને, વધારે પૈસા ખરચીને, ખાસ ઍક્સ્પ્રૅસ ડિલિવરીથી, પ્રજીતને કાગળ મોકલ્યો હતો. અને રંજીત સાથે, જમશેદપુર માટે ખાસ કૉલ જોડાવીને, વાત કરી હતી.
રંજીતે આ સારા સમાચાર સાંભળીને ખુશી વ્યક્ત કરી. છોકરી સારી છે ને? તને ગમી છે ને? બસ તો, અનેક શુભેચ્છાઓ તમને બંનેને. સુજીતે કહ્યું, કે કંકોતરી છપાઈને આવશે એટલે એક મોકલી આપીશ. એ માટે એણે ભાઈ-ભાભીનું સરનામું માગ્યું હતું.
રંજીતે સરનામું આપવાની વાત ઉડાવીને તરત ફોનમાં જ કહી દીધું હતું, કે એટલે દૂર હમણાં તો નીકળાય તેમ નથી. રૂહીની સ્કૂલ ચાલુ છે, ને વાઇફને પણ ફાવે તેમ નથી. પછી આગળ કહ્યું, સુજીત, તું અને તારી બ્રાઇડ આવજો કોઈ વાર આ બાજુ. ફરી જજો એક વાર.
સુજીતે ફરી સરનામું માગ્યું, પણ આવજે, બૅસ્ટ ઑફ લક, કહીને રંજીતે ફોન મૂકી દીધો હતો.
લગભગ એક મહિને પ્રજીતનો જવાબ આવ્યો. ઍરૉગ્રામ નહીં, પણ સફેદ કવર જોઈને સુજીત ખુશ થયો. વાહ, પ્રજીતે સ્ટાઇલ મારી છે ને.
ખોલ્યું તો અંદર એક કાર્ડ હતું. ઉપરના પાના પર, પશ્ચિમી વસ્ત્રો પહેરેલાં બ્રાઇડ અને ગ્રૂમ હતાં. બંનેના હાથમાં પીણાંવાળા ગ્લાસ હતા. કશુંક આલ્કૉહૉલિક હશે, સુજીતને લાગ્યું.
કાર્ડને ખોલતાં, એની અંદરના પાના પર, અંગ્રેજીમાં છાપેલી ચાર લાઇનમાં, વરઘોડિયાંને શુભેચ્છાનો સંદેશો આપેલો હતો. તમારું જીવન, હંમેશાં, શૅમ્પૅઇન જેવું, બબલ્સવાળું અને ઍક્સાઇટિન્ગ રહે, કે એવું કંઇક. એ શબ્દો, ને એમનો અર્થ, સુજીત બહુ સમજ્યો નહીં.
પ્રજીતના અક્ષરોમાં પણ લીટીઓ હતી. તે જોઈને સુજીત ખુશ થયેલો, પણ વાંચીને નિરાશ થઈ ગયો. પ્રજીતે લખેલું, કે છેક અમેરિકાથી તો આમ જલદી અવાય નહીં. ટિકિટો મોંઘી કેટલી છે. વળી, અમારાં બંનેની નોકરીઓમાંથી એમ જલદી રજા મળે નહીં. ને બાબો પણ હજી ઘણો નાનો છે, આટલી લાંબી મુસાફરીને માટે. પણ જુઓ, ત્યાં તમે બધાં બહુ જ મઝા કરજો. હોં. ચાલો તો, અભિનંદન. આવજો.
બસ, આટલું જ. બસ, આટલું જ? સુજીતના દિલને એક ધક્કો લાગી ગયો. ના તો લખી, પણ સૉરી જેવું, કે સ્નેહ જેવું, પણ કાંઈ નહીં એના શબ્દોમાં? નાનપણથી તે મોટા થયા ત્યાં સુધી, ત્રણેય ભાઈઓ નજીકના મિત્રો હતા. સાવ ઘસાઈ ગઈ એ મિત્રતા?
એના મનમાં કડવાશ આવી ગઈ, અને મા-બાપ પરની જૂની ચીડ ફરીથી મનની સપાટીની ઉપર તરી આવી. કેવો ઉછેર કર્યો એમણે, અમારા ત્રણેયનો? કોઈના દિલમાં સ્નેહ-ભાવ વિકસ્યો જ નહીં. એમનાંમાં સ્નેહ ને વાત્સલ્યના ભાવ કદી હોય, તો અમને આપે ને, સુજીતે ભીની આંખો લુછતાં વિચાર્યું.
દીજી અને બાપ્સે એક વાર સુજીતકુમારને પૂછ્યું હતું, ભાઈઓ કુટુંબો સાથે આવવાના ને? માઈએ રિવાજ મુજબ, કેતકીના સાસરાના ઘરની એ બે વહુઓ માટે, બનારસી સાડીઓ લાવી રાખેલી. બાળકો માટે પૈસા મૂકીને કવર તૈયાર થઈ ગયેલાં. સુજીતે શક્ય તેવી રીતે, બંને ભાઈઓનાં બહાનાંને, વજૂદવાળાં કારણોમાં ફેરવીને રજૂ કર્યાં હતાં. સાવ ફીક્કા પડી ગયેલા લોહીના સંબંધને, પોતાની હોંશિયારીથી રંગીન બનાવીને દેખાડ્યા હતા.
કેતકીને પણ, એક જેઠાણી અને એક દેરાણીને, મળવાનું મન હતું. એણે નામ પૂછેલાં, એમના સ્વભાવ વિષે જાણવા માગેલું, કાગળ લખીને સંપર્ક ચાલુ કરવાની ઇચ્છા દર્શાવેલી. એ પણ સુજીતને યુક્તિપૂર્વક ટાળવું પડેલું. બધું થશે, બધાંને મળાશે, તું સમય આવવા દે ને, એણે કહેલું.
કેતકીના ઘરમાં લગ્ન નિમિત્તે બીજા બે પ્રસંગો યોજાયા. ગરબાની સાંજ, અને મેંદીની બપોર. ગરબા વખતે સુજીતને હાજરી આપવી પડેલી. અરે હોય, તમારે તો કેતકી સાથે રાસ રમવો જ પડે. એ તો આપણી ટ્રૅડિશન છે, દીજીએ આગ્રહપૂર્વક કહેલું.
રાસ પહેલાં, ગરબા કરતી કેતકીને જોવી સુજીતને બહુ ગમી. ઓઢણીમાં બહુ શોભે છે. ને બહુ સરસ ગ્રેસથી કરે છે ગરબો.
પણ મેંદીના પ્રસંગ માટે એ માન્યો નહતો. પાછી હોંશિયારી વાપરીને કહેલું, અરે, માંડવામાં, એના મેંદીવાળા હાથની પૂરેપૂરી સરપ્રાઇઝ મળશે મને.
દેવકી તો બહુ મ્હાલી, મોટી બહેના લગ્નમાં. સુમી અને શરદનાં લગ્ન નક્કી થઈ ગયાં હતાં, પણ કેતકી એમાં જઈ નહીં શકે. તે વખતે એ હનીમૂન પર હશે.
નીલુ માઈને મદદ કરવામાં બિઝી હતી. કેતકીએ જાતે જ તૈયાર થવાનું પસંદ કર્યું હતું. રોજની જેમ એક ચોટલો, એના પર જૂઇનાં સુગંધી ફૂલોની વેણી વીંટેલી. મેક-અપ સાવ આછો. એણે દીજીને કહી દીધેલું, હું બ્રાઇડ છું, બ્રાઇડલ ડૅકૉરેશનની વસ્તુ નથી.
રોજ જેવી દેખાઉં છું તેવી જ આજે દેખાઈશ, ને કાલે પણ. સિવાય કે, મેંદીથી કરેલી ડિઝાઇનવાળા, ટેરવાંથી છેક કોણી સુધીના હાથ. માંડવામાં, સુજીતે ખાસ એના હાથ તરફ જોઈને એકદમ ધીમા અવાજે કહેલું, આ લાલચટક રંગને નખથી કોણી સુધી ક્યારે ચુમું —-. ગોર મહારાજે અગ્નિપૂજા શરૂ કરી હતી.
લગ્ન પછી તરત જ ગોવા જવાનું હતું. સુજીતે મોંઘા રિઝૉર્ટમાં રિઝર્વેશન કરાવ્યું હતું. દરિયાની પાસે જ નહીં, દરિયા પર જ રહેવાનું. શયનકક્ષમાંથી દરિયો દેખાય પણ ખરો, અને એક પછી એક આવતાં મોજાંનો નાદ સંભળાયા પણ કરે. એ અતૂટ તાલમાં પોતાના બે દેહનો લય ભળી જશે, સુજીતે કલ્પ્યું હતું.
સુ શ્રી પ્રીતિ સેનગુપ્તા ની સરળ પ્રવાહે વહેતી બે કાંઠાની અધવચ નવલકથામા ‘એ અતૂટ તાલમાં પોતાના બે દેહનો લય ભળી જશે, સુજીતે કલ્પ્યું હતું.’ તે અગે વધુ જાણવા ઇંતેજાર
LikeLike
વાર્તામાં રસ વધતો જાય છે, સાથે ભાઈઓ વચ્ચે લાગણીનો અભાવ પણ. આવતા પ્રકરણનો ઈંતજાર.
LikeLike