ઊર્મિલ સંચાર…નવલિકા પ્ર.૮ સરયૂ પરીખ
પ્રકરણ ૮. ખુશહાલી
બે ચાર દિવસો આમ આનંદના નશામાં પસાર થઈ ગયાં. નવેસરથી અંજલિના મમ્મી સાથે શોમનો પરિચય કરાવવામાં આવ્યો. વૈદ્ય ભાણજીના મુક્ત હાસ્ય અને આશિર્વાદનો શોમને અવાનવાર લાભ મળવા લાગ્યો.
બે સપ્તાહને અંતે નીના, રૉકી અને અયન હ્યુસ્ટન આવ્યાં. માહીના ચેકઅપનો સમય નજીક આવી રહ્યો હતો. એ સાંજે માહીની તબિયતની ચર્ચા થયા પછી, શોમ અને અંજલિનાં ભવિષ્યની વાતો થવા લાગી.
“શોમ, તેં અંજલિ માટે કંઈક વિશેષ કર્યું કે નહીં?” નીના બોલી.
શોમ મૂંઝવણમાં પડી ગયો, “શું કરું?”
“શોમ, સગપણની રસમ બાકી છે ને તો એ વિષે વિચાર.” રૉકીએ સૂચન કર્યું.
માહી અને રમેશ આઇસક્રીમ લઈને પૅટિઓમાં આવ્યાં અને બધાં વાતો ભૂલીને ખાવામાં મશગૂલ થઈ ગયાં. શોમ ઊઠીને ઘરની અંદર ગયો. થોડીવારમાં લગભગ દોડતો બહાર આવીને કહે, “બધું ગોઠવાઈ ગયું. ગોઆમાં વૈદ ભાણજી સાથે ગુપ્ત રીતે વાત કરી લીધી છે. આ રવિવારે મુંબઈથી મોટાકાકા અને પરિવાર, દાદીએ મારે ખાતે આપેલી એક અમૂલ્ય વીંટી લઈને, ગોઆ જશે.
“હાં મને યાદ છે, મોટાકાકાએ કહ્યું હતું કે, માયાના કપટ પછી, શોમને યોગ્ય સાથી મળે તેવા આશિર્વાદરૂપે દાદીએ એક વીંટી આપી રાખી હતી. વાહ! આ તો અત્યંત રોમાંચક ગોઠવણ કરી.” નીના અતિ ઉત્સાહમાં બોલી.
ગોઆમાં એ રવિવારે, અંજલિના મમ્મીએ તેને એક સરસ સાડી આપીને કહ્યું, “બેટા આજે તું પ્રાર્થનામાં આ સાડી પહેરજે. મને ગમશે. પહેરીશ ને?” અંજલિને મમ્મીની વાત વિચિત્ર લાગી, પણ એટલા ગહેરા ભાવથી માંએ કહ્યું હતું તેથી ના ન પાડી શકી. પ્રાર્થના હોલમાં કંઈક દર વખત કરતાં વધારે ચહલ-પહલ લાગતી હતી. આશ્ચર્ય સાથે અંજલિએ શોમના મોટાકાકાને બાબા સાથે વાત કરતા જોયાં અને તે જોષી પરિવારને મળવાં ત્વરાથી પહોંચી ગઈ.
“ઓહો, તમે આવ્યાં છો! નમસ્તે. આશ્રમની મુલાકાત માટે આ બહુ સરસ સમય છે. તમે અહીં આવવાનું કહેતા હતા, તેનો જલ્દી અમલ કર્યો તેથી મને આનંદ થયો.” અંજલિ ખુશ થઈને બોલી.
વૈદ્યજીએ કહ્યું, “અંજલિ, તું ફોન પાસે બેસ. જેથી કોઈ ફોન આવતા પ્રાર્થનામાં ખલેલ ન પહોંચે.” બધાં યથાસ્થાને ગોઠવાયાં ત્યાં ઘંટડી વાગી. “હલો અંજલિ, હું શોમ બોલું છું. મારે વાત…” શોમનો અવાજ સંભળાતા અંજલિ એકદમ બોલી,
“અરે, અત્યારે પ્રાર્થનાનો સમય છે, મૂકું છું, પછી વાત કરશું.” પણ આ શું! બધાં થંભી ગયા છે, અને બાબા વાત ચાલું રાખવાનો ઇશારો કરે છે!
“અંજલિ! મારે એક સવાલ પૂછવાનો છે!” શોમ જલ્દીથી બોલ્યો.
“અત્યારે?”
“હાં, મારી સાથે લગ્ન કરીશ?” શોમના સવાલથી અંજલિનો ચહેરો વ્યાકુળતાથી લાલ થઈ ગયો.
શોમ આગળ બોલ્યો, “જો સાંભળ, મોટાકાકા એ પ્રસંગ માટે ગોઆ આવ્યા છે. તું શું કહે છે?”
“હાં” અને તાળીઓના અવાજના જવાબમાં હ્યુસ્ટનથી પણ તાળીઓનો અવાજ સંભળાયો. જોષીકુટુંબ સાથે સ્ટિવ, સારા, આરી વગેરે હાજર હતાં.
“આવકાર, મારી પ્યારી ભાભી! આ અયનની ‘આંટીમામી’ની બૂમો સંભળાય છે ને? મામી કહેતાં શીખવાડ્યું તેનું પરિણામ…”
પ્રાર્થના હોલના ગણગણાટ વચ્ચે વૈદ્યજીનો અહેવાલ શરૂ થયો…શોમના મોટાકાકા અને કાકી અંજલિ પાસે આવ્યાં અને કાકીએ અંજલિને વીંટી પહેરાવી. “અંજલિ, જોષી પરિવારમાં તારું હાર્દિક સ્વાગત છે.” મોટાકાકાનો પ્રેમાળ અવાજ સાંભળી ફોનનાં આ છેડે સ્વજનોની આંખો ભીની થઈ ગઈ. ત્યારબાદ પ્રાર્થના શરૂ થઈ અને પ્રણામ સાથે દૂરનો અવાજ બંધ થયો.
સોમવારે ડોક્ટરની ઓફિસમાં નીના તેની મમ્મી સાથે ચિંતા કરતી બેઠી હતી. પરિણામ જોયા પછી નક્કી કરવાનું હતું કે ટ્યુમરનું ઓપરેશન કરાવવું કે હજુ આયુર્વેદિક સારવાર ચાલું રાખવી! નીના પોતાની માંનાં કરમાયેલાં ચહેરા સામે સ્નેહાળ નજરે જોઈ રહી…
જાણું છું હું, દર્દ ગહન તમ,
એથી ગહેરો મારો સ્નેહ,
દર્દ અદાહક બને કદાચીત,
હજી વધું હું આપું પ્રેમ!
માહીનાં ડોક્ટરે પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો. “ટ્યુમરના માપમાં ફેર નથી પડ્યો. હું સર્જરી કરાવવાનું સૂચન કરું છું.” શોમની સાથે થોડી વાત કરી માહીએ સંમતિ આપી. ત્રણ સપ્તાહ પછીની તારીખ નક્કી થઈ. માહી આયુર્વેદિક દવા ચાલું રાખે તેની પરવાનગી ડોક્ટરે આપી. હવે નીનાને કેલિફોર્નિઆ પાછાં ફરવાનું બહુ આકરું લાગ્યું. શોમ અને રમેશે ઘણી બાંહેધરી આપી કે તેઓ માહીની સંભાળ રાખશે પણ નીનાનું મન કેમે કરીને માનતું ન હતું. “હું સર્જરીને સમયે હ્યુસ્ટન આવીશ.” એ નિર્ણય લીધાં પછી નીના જરાં શાંત થઈ.
તે રાત્રે અંજલિ સાથે વાત કરતા શોમ નિરાશાથી અકળાઈ ગયો. “મમ્મી દવા અને ખાવામાં બરાબર ચરી પાળે છે. મને અપેક્ષા હતી કે ટ્યુમર સંકોચાયું હશે. આપણી શોધ મારી મમ્મીને સારી ન કરી શકે એ સ્વીકારવું બહુ કષ્ટદાયક છે.”
“હજી સારવાર શરૂ થયાને બહુ દિવસો નથી થયાં…થોડી ધીરજ, થોડી માનસિક ઉર્જાની મદદ મળે તો તેમની તબિયતમાં સુધારો થવાની શક્યતા મને લાગે છે.” અંજલિ વિશ્વાસપૂર્વક બોલી. “આંટીને મેં કાગળ લખ્યો છે. દરદીની આંતરિક શક્તિ વધે તો ઔષધીની અસર સારી થાય એવું બાબા હંમેશા કહે છે. આંટી એક પવિત્ર આત્મા છે અને તેમનું આત્મબળ ઘણું છે. તેમનું ધ્યાન એ તરફ કેદ્રિત થાય તેવું કરતા રહેવું, તેવું મારું સૂચન છે.”
સર્જરી કરવાનો દિવસ નજીક આવી રહ્યો હતો. શોમ અંજલિ સાથે વાતો કરતા બોલ્યો, “મારી મોમ કહે છે કે આપણે લગ્નની તારીખ નક્કી કરીએ. તેના મગજને આનંદમય યોજનાઓમાં રોકવું છે અને આનાં કરતાં વધારે રસમય વિષય બીજો નથી.”
“અરે વાહ! મારી મમ્મી પણ એમ જ કહેતી હતી. મારો આગ્રહ એ છે કે આપણે ગોઆમાં બાબા, મોટાકાકા, …અને જેની આપણા આનંદની જેમ અવધિ નથી તેવાં, આ સાગરકિનારે લગ્ન કરીએ. એ વિચાર કેવો લાગે છે? ક્યારે કરવા એ તમારે નક્કી કરવાનું.” અંજલિ સ્વપ્નોમાં ખોવાઈ ગઈ.
“મને એ વાત ગમી. …કદાચ નવેમ્બર, Thanksgiving રજાઓમાં…હું ચોક્કસ કરીને જણાવીશ.”
બન્ને પરિવારમાં ઉત્સાહનું મોજું ફરી વળ્યું.
માહીનો ઉમંગ કોઈથી છાનો નહોતો રહેતો. પ્રફુલ્લિત મનથી દરેક કામ કરવા લાગી. એણે હોસ્પિટલ જવાની તૈયારી પણ તટસ્થ શ્રધ્ધાભાવ સાથે કરી લીધી. નીનાને ઘણી ઈચ્છા હોવા છતાં પણ કેલિફોર્નિઆથી આવી ન શકી. આગલી સાંજે રમેશ અને શોમ, માહીને તેનાં હોસ્પિટલના કમરામાં મૂકીને ગયા. તરત લેબ-ટેસ્ટ થયો અને પરિણામ બે કલાકમાં મળશે તેમ કહ્યું. બીજે દિવસે અગ્યાર વાગે સર્જરી કરવાની હતી. ટ્યુમરની શસ્ત્રક્રિયા, અને તેમાં કોઈ વિટંબણા ઊભી થશે તો…માહીને થાય કે તેનાં વાળ કાપશે! તો કેટલાં કાપશે? એવા ડરાવના વિચારો ચાલું હતાં.
રાતના નવ વાગે માહીના ડોક્ટર આવ્યાં. “હું ઘેર જતાં પહેલાં તમને મળવા આવ્યો, કારણકે હમણાં જ મારા હાથમાં ટ્યુમર-ટેસ્ટનાં પરિણામ આવ્યાં. સુખદ આશ્ચર્ય એ છે કે ટ્યુમર સંકોચાયું છે. માપ નાનું થયું છે. શુભરાત્રી, સવારે મળીએ.” માહી અવાક બનીને સાંભળી રહી.
માહી વિચારવા લાગી, “ચાલ તરત શોમ અને રમેશને ફોન કરું.” પણ સ્થીરભાવે વિચારતી રહી. “આ સમાચારથી મારી હિંમત વધી છે. આયુર્વેદિક દવાની અસર થઈ હશે! હવે સર્જરી કરાવું કે નહીં?” માહી માથા પર હિઝાબ બાંધી જમીન પર બંદગી કરવા બેસી ગઈ. “અલ્લા મને રાહ બતાવશે. મારો અંતરઆત્મા મને સાચા રસ્તા તરફ જવાની જ્યોત બતાવશે. જય શ્રીકૃષ્ણ.” પ્રણામ કરીને માહી શાંતિથી ગહેરી નીંદરમાં પોઢી ગઈ.
“મમ્મી, ઊઠો. હવે બહુ વાર નથી. તમને સર્જરી માટે તૈયાર કરશે…” શોમ બોલતો રહ્યો…ને જાગીને માહી હસીને બાથરૂમ તરફ જતી રહી.
રમેશ કહે, “અરે, તારી મમ્મીને તો કોઈ ચિંતા નથી લાગતી.”
માહી બહાર આવી કહે, “સર્જરી નથી કરવાની.”
બન્નેનું મોં આશ્ચર્યથી ખુલ્લું રહી ગયું, “શું વાત કરે છે?”
“હાં. ગઈકાલે રાતના ટેસ્ટનું પરિણામ બહુ સરસ આવ્યું છે. આજે વહેલી સવારે સર્જન આવ્યા ત્યારે મેં વિનંતી કરી કે હજુ થોડો વધારે સમય મને આપે. મારે સર્જરી હમણાં નથી કરાવવી.” માહી બોલી.
શોમે દોડીને મમ્મીને ઊંચકી લીધી અને એક ચક્કર ફેરવી. “ઓ મમ્મી, તમે અદ્ભૂત છો, ઉત્તમ, અતિ ઉત્તમ.” રમેશ ખુલ્લા દિલે હસી ઊઠ્યો. જાણે ઘેરાયેલા વાદળમાંથી નીલુ આભ દેખાયું. માહીને ઘેર લઈ જવાની વ્યવસ્થા કરતા માતા-પિતાને રૂમમાં છોડી શોમ બહાર આવ્યો અને નીનાને ફોન જોડ્યો.
“નીના! તું નહીં માને! આપણી નાજુક, ભોળી મમ્મીએ આવો મોટો નિર્ણય એકલા લઈ લીધો. સર્જરી માટે ના પાડી. હવે તેને શ્રધ્ધા છે કે આયુર્વેદિક સારવારથી તે સારી થઈ જશે.”
નીના ખુશ થઈને બોલી, “માન્યામાં ન આવે તેવો ચમત્કાર!”
અનંત
મન મંદિરે આતુર એકાંત,
દઈ દસ્તક તું જાણ કરી દે.
રીસે અંતર રૂંધાયેલાં શ્વાસ,
એક પળમાં તું પ્રાણ ભરી દે.
અકળ પીડાને પંપાળી આજ,
કૂણી કાળજીનો સ્પર્શ જરી દે.
દૂર દેતાં અતિતને વિદાય,
મારા અશ્રુમાં આશ ભરી દે.
આ બાવરીને આવરીને આજ,
એક વચને તું સ્મિત સજી દે.
ને કસબીની કમનીય કળાથી,
મારા જીવનમાં રંગ ભરી દે.
વિશ્વ મારું અવસાદે અશેષ,
ઋજુ આલિંગન આવ ભરી દે.
હું ચાતક, મીટ માંડી આકાશ,
એક બુંદમાં અનંત ભરી દે.
—–
પ્રકરણ૯ આવતા રવિવારે. ‘ઊર્મિલ સંચાર’ નવલિકા, મારી નવલકથા ‘ફ્લટર ઓફ વિંગ’ની કથાવસ્તુ પર આધારિત છે. ગુજરાતીમાં નવલિકા લખવાના પ્રોત્સાહન માટે સાહિત્ય રસિક મિત્રોનો આભાર. મારી અંગ્રેજીમાં, Flutter of Wings…a poetic novel by Saryu Parikh is open to read on, https://saryu.wordpress.com
રંગોળી…ઈલા મહેતા
મન અને શરીરની પરસ્પર અસરનો ચમત્કાર કે ટયુમર સર્જરી વગર ગયું. આગળ વધતી વાર્તા સાથે રંગોળી અને કવિતાનું સાયુજ્ય મનને તરબતર કરી મૂકે છે.
LikeLiked by 2 people
‘ આયુર્વેદિક દવાની અસર થઈ હશે! હવે સર્જરી કરાવું કે નહીં?” … ઘણા દેશોએ આયુ.સારવાર સ્વીકારી નથી તો આ વાતે સારા સમાચાર.આયુર્વેદમાં એને “અર્બુદ”ના નામથી સંબોધાયો છે. ભારતના મહાન પ્રાચીન સર્જન સુશ્રુતે સંસ્કૃતમાં લખેલી “સુશ્રુત સંહિતા”માં અર્બુદ તેના વિવિધ પ્રકારો અને તેની શલ્યક્રિયા વિશેની વિસ્તૃત માહિતી આપેલી છે. અમેરિકન કેન્સર સોસાયટીના મતે કેન્સરનો સૌથી જૂનો રેકોર્ડ ઈજિપ્તના ઈતિહાસમાંથી મળે છે પણ ભારતનો ઇતિહાસ તરફ ધ્યાન જતુ નથી ! સાથે
અનંત
મન મંદિરે આતુર એકાંત,
દઈ દસ્તક તું જાણ કરી દે.
રીસે અંતર રૂંધાયેલાં શ્વાસ,
એક પળમાં તું પ્રાણ ભરી દે.
ખૂબ સુંદર કાવ્ય..અને સુ શ્રી ઈલા મહેતાની મજાની રંગોળી
LikeLiked by 2 people
વાર્તા સરસ પકડ જાળવી રાખે છે. રંગોળીને માણવાની મજા એ અલગ. ખૂબ સુંદર.
LikeLike
એક હકારાત્મક વલણ કોઈ પણ રોગમાં અસરકારક બની શકે છે. સોમના લગ્નની તૈયારીએ માહીને આનંદિત કરી અને ઓપરેશન ટાળવાનો, આયુર્વેદિક ઉપચાર ચાલુ રાખવાનો નિર્ણય માહીએ લીધો. દરેક પ્રકરણમાં ઉમેરાતી રંગોળી અને કાવ્યો વાર્તાને વધુ રસમય બનાવે છે.
LikeLike