શ્રીમદ્ ભાગવત કથા, પ્રથમ સ્કંધ –અગિયારમો અધ્યાય – જયશ્રી વિનુ મરચંટ


શ્રીમદ્ ભાગવત કથા, પ્રથમ સ્કંધ –અગિયારમો અધ્યાયજયશ્રી વિનુ મરચંટ

પ્રથમ સ્કંધઅગિયારમો અધ્યાયશ્રી કૃષ્ણનું દ્વારકા-ગમન

 (પ્રથમ સ્કંધના દસમા અધ્યાયમાં આપે વાંચ્યું કે, ભીષ્મ પિતામહના અને ભગવાન શ્રી કૃષ્ણના ઉપદેશના શ્રવણથી ધર્મરાજ યુધિષ્ઠિરના અંતઃકરણમાં વિ-જ્ઞાનનો ઉદય થતાં એમની ભ્રાન્તિ મટી ગઈ. રાજા યુધિષ્ઠિરના રાજ્યમાં સર્વત્ર સુશાસન હતું અને સમસ્ત પ્રજા સમેત દરેક પ્રાણીમાત્ર સુખી હતા. એટલું જ નહીં, કુદરતની પણ મહેર હતી. શ્રી કૃષ્ણ આ જોઈને અત્યંત પ્રસન્ન થયા હતા. પોતાના બાંધવોનો શોક દૂર કરવા માટે અને બહેન સુભદ્રાની પ્રસન્નતા માટે ભગવાન ત્યાં કેટલાક મહિનાઓ સુધી હસ્તિનાપુરમાં જ રહ્યા હતા પણ આમ ઘણો સમય વિતી ગયા પછી, એક દિવસ, મહારાજ યુધિષ્ઠિરની દ્વારકાગમન માટે અનુમતિ લઈને સહુને યથોચિત મળીને દ્વારકાગમન માટે નીકળે છે. શ્રી કૃષ્ણ સહુનું અભિવાદન ઝીલતા, ઝીલતા ત્યાંથી વિદાય થઈ ગયા. અજાતશત્રુ રાજા યુધિષ્ઠિરે ભગવાન સાથે હાથી, ઘોડા, રથ, અને પાયદળની સેના પણ મોકલી હતી. શ્રી હરિ પ્રત્યેના પ્રેમને વશ થઈ, પાંડવો ખૂબ દૂર સુધી સાથે ગયા. તે બધા જ આવનારા કૃષ્ણ વિરહથી વ્યાકુળ હતા. ભગવાને એમને ખૂબ આગ્રહ કરીને પાછા મોકલ્યા. પોતે પછી, સાત્યકિ, ઉદ્ધવ અને અન્ય મિત્રો સહિત દ્વારકા ભણી પ્રયાણ કર્યું. આમ ભગવાન કુરુજાંગલ, પાંચાલ, શૂરસેન, યમુનાનો તટવર્તી પ્રદેશ બ્રહ્માવર્ત, કુરુક્ષેત્ર, મત્સ્ય, સારસ્વત અને મરુધન્વ દેશને પાર કરીને સૌવીર અને આભીર દેશની પશ્વિમે આનર્ત દેશમાં આવ્યા. તે સમયે અધિક ચાલવાને કારણે ભગવાનના રથના ઘોડા થોડાક થાક્યા હતા. માર્ગમાં ઠેરઠેર લોકો ઉપહાર વગેરે વડે ભગવાનનું સમ્માન કરતા હતા, સંધ્યાકાળ થતાં તેઓ રથ પરથી ભૂમિ પર ઊતરતા અને જળાશય પર જઈને સંધ્યાવંદન કરતા. શ્રી હરિની આ જ દિનચર્યા હતી. હવે અહીંથી વાંચો આગળ.)  

સૂતજી કહે છે – શ્રી કૃષ્ણે પોતાના સમૃદ્ધ આનર્ત્ત (આજનું સૌરાષ્ટ્ર) દેશમાં પહોંચીને ત્યાંના લોકોની વિરહવેદનાને ઘણે ભાગે શાંત કરતા રહીને પોતાનો શ્રેષ્ઠ પાંચજન્ય નામનો શંખ વગાડ્યો. ભગવાનના શંખનો ધ્વનિ સાંભળીને તમામ પ્રજા પોતાના સ્વામી શ્રી કૃષ્ણના દર્શનની અભિલાષા સાથે નગરની બહાર ઊમટી પડી. પ્રજાએ અનેક પ્રકારની ભેટો અને સોગાદોથી તથા ફૂલોથી એમનું સ્વાગત કર્યું. સૌ ગદગદ કંઠથી હરિની સ્તુતિ કરવા લાગ્યાં અને કહેવા લાગ્યાં કે હે પ્રભુ, હે ત્રિલોકનાથ, અમે આપના ચરણકમળને

 પ્રણામ કરીને આજે ધન્ય થયાં છીએ. તમારી વંદના તો બ્રહ્મા, શંકર, ભગવાન વેદવ્યાસજી, દેવર્ષિ નારદજી, દેવાધિદેવ ઈન્દ્ર અને સનકાદિ ઋષિ-મુનિઓ પણ કરીને ધન્ય બને છે. તમારા નામનું સ્મરણ માત્ર મન અને આત્માને પ્રસન્નતાથી ભરી દે છે. હે વિશ્વભાવન! આપ જ અમારાં માતા, પિતા, સુહ્રદ અને સ્વામી છો. આપ જ મારા સદગુરુ અને પરમ આરાધ્યદેવ છો. આપની સેવાના અવસરથી અમે કૃતાર્થ થઈ ગયા. હે કમલનયન શ્રી કૃષ્ણ, આપના વિરહથી અમારી એક-એક ક્ષણ કોટિ-કોટિ વર્ષો જેટલી લાંબી થઈ જાય છે. ભક્તવત્સલ ભગવાન શ્રી કૃષ્ણ, પ્રજાના મુખેથી આવાં વચનો સાંભળતા, સાંભળતા અને પોતાની કૃપામયી દ્રષ્ટિથી તેમના પર કરૂણાની વૃષ્ટિ કરતા, દ્વારકામાં પ્રવિષ્ટ થયા. ભગવાનના સ્વાગત માટે નગરનાં ફાટકો, મહેલના દરવાજા અને માર્ગો પર ભગવાનના સ્વાગત માટે તોરણો બાંધ્યા હતાં ચારે બાજુ ધજા-પતાકાઓ લહેરાઈ રહી હતી. દ્વારકાના રાજમાર્ગો અને અન્ય રસ્તાઓ, શેરીઓ, બજાર અને ચોક, બધું જ વાળી ઝૂડીને, સુગંધિત જળથી સીંચવામાં આવ્યાં હતાં. પ્રજા ભગવાનનું સ્વાગત, ફળ-ફૂલ, અક્ષત, કંકુ, હાર-તોરા વગેરેથી ઉત્સાહપૂર્વક કરી રહી હતી. યાદવ શિરોમણિ વસુદેવ, અક્રૂર, ઉગ્રસેન, અદભૂત પ્રરાક્રમી બળરામ, પ્રદ્યુમ્ન, ચારુદેષ્ણ અને જાંબવતીનંદન સામ્બ, અને યાદવસંઘ માંગલિક સામગ્રીઓથી સુસજ્જિત થઈને, વિદ્વાન બ્રાહ્મણો સહિત પ્રભુનું સ્વાગત કરવા ચાલ્યા. બ્રાહ્મણો વેદવાણી કરી રહ્યા હતા. શંખ અને શરણાઈ વગેરે વાજા, મંગળ સંગીતની સુરાવલિઓ વાતાવરણમાં લહેરાવી રહ્યા હતા. સહુ પ્રજાજનો શ્રી કૃષ્ણના ચરિત્રોનું ગાન કરતાં, કરતાં પ્રભુને વધાવી રહ્યા હતા. હરિએ સહુ પ્રજાજનોનું એમની યોગ્યતા અનુસાર સન્માન કર્યું, કોઈને માથું નમાવીને પ્રણામ કર્યાં તો કોઈનું વાણીથી ને સ્મિતથી અભિવાદન કર્યું, કોઈને છાતીએ વળગાડ્યા તો કોઈને બે હાથ જોડી પ્રણામ કર્યા. વડીલોના, બ્રાહ્મણોના અને ગુરુજનોનાં ચરણસ્પર્શ કર્યા. સહુને જે જોઈતું હતું એનું વરદાન પણ આપ્યું અને નાના ભૂલકાંઓને ખોળામાં લઈને વ્હાલ કરીને આશીર્વાદ પણ આપ્યા. જેમ વિદાય લેવાની પણ એક રીત હોય છે તેમ વિવેકબુદ્ધિથી સહુને મળવાની પણ એક કળા છે. એક રાજાએ તો શ્રી કૃષ્ણની આ વિવેકબુદ્ધિ શીખવા જેવી છે.    

દ્વારકાના રાજમાર્ગ પર ભગવાન શ્રી કૃષ્ણ ઉપર સફેદ રંગનું રેશમી છત્ર શોભતું હતું. સફેદ ચામર ઢોળવામાં આવી રહ્યાં હતાં. ચારે બાજુથી પુષ્પવર્ષા થઈ રહી હતી. તેમને પીતાંબર અને વનમાળા ધારણ કરેલાં હતાં. શ્રી હરિ તે સમયે જાણે શ્યામ મેઘ પર એકી સાથે સૂર્ય, ચંદ્ર ઈન્દ્રધનુષ અને વિજળી જેવા ચમકારાથી શોભી રહ્યા હોય એવા દેદિપ્યમાન લાગતા હતા.  

ભગવાન સહુ પ્રથમ માતા-પિતાના મહેલમાં ગયાં. ત્યાં તેમણે દેવકી સહિત સાતેય માતાના ચરણોમાં માથું મૂકીને પ્રણામ કર્યા. માતાઓની આંખોમાંથી આનંદની અશ્રુધારા અવિરત વહી રહી હતી અને પ્રભુના મસ્તક પર જાણે અભિષેક થઈ રહ્યો હતો.

ત્યાર બાદ, માતા-પિતાની આજ્ઞા લઈને પોતાના ભવનમાં પહોંચ્યા. પ્રાણનાથને આટલા સમય પછી ઘેર પધારેલા જોઈને સર્વ રાણીઓનો આનંદ સમાતો નહોતો. લોક લજ્જાને તે સમયે ત્યાગીને, રાણીઓ પોતાના બાળકોને સ્વામીને આપવા ગઈ. આ બહાને માધવનો સ્પર્શ થતાં, તેઓના અંગઅંગમાં જાણે હરિ સમાઈ ગયાં! હે શૌનકજી, શ્રી કૃષ્ણની પત્નીઓના અંતરના પ્રેમનું શું કહેવું? શ્રી કૃષ્ણને આલિંગન આપતાં એમના પ્રેમાશ્રુ તો રોક્યાં રોકાતાં નહોતાં! પ્રભુ તો પત્નીઓના હ્રદયમાં સદૈવ જ રહેતા હતા.  સાક્ષાત પરમેશ્વર જ પોતાની લીલાઓથી આ મનુષ્યલોકમાં અવતર્યા હતા અને રાણીઓની વચ્ચે રહીને તેમણે સાધારણ મનુષ્યની જેમ જ ક્રીડા કરી હતી છતાં પણ, આ સહુ કમનીય કામિનીઓ પોતાના કામ-વિલાસોથી શ્રી કૃષ્ણના મનમાં સંગનો વિકાર પેદા નહોતી કરી શકી કારણ કૃષ્ણ તો અસંગ છે. આ અસંગ પ્રભુનો સંગ એટલે જ નરી નિર્મળતા. આ જ તો ભગવાનની ભગવત્તા છે. તેઓ મનુષ્યદેહે કર્મ કરે છે પણ એમાં લિપ્ત થતા નથી. સ્નેહ, પ્રેમ અને વ્હાલ એ તો પ્રભુનો અતિપ્રાકૃત ગુણ છે. પ્રાકૃતતા હોય ત્યાં પ્રકૃત્તિ હોય અને પ્રકૃત્તિ સદૈવ, સ્કટીક સમી નિર્મળ જ હોય. નિસર્ગતામાં બનાવટ સંભવી શકે જ નહીં. આથી જ, શ્રી હરિને પામવા માટે માન-અભિમાન અને દંભને ત્યજીને સોળ હજાર રાણીઓ એમના દર્શન માત્રથી પાવન થઈ રહી હતી.  

ઈતિ શ્રીમદભાગવત મહાપુરાણનો પ્રથમ સ્કંધનો નૈમીષીયોપાખ્યાને શ્રી કૃષ્ણ દ્વારકાપ્રવેશ  નામનો અગિયારમો અધ્યાય સમાપ્ત થયો.

શ્રીમન્ નારાયણનારાયણનારાયણભગવદ્ નારાયણનારાયણનારાયણ.

વિચાર બીજઃ

. ઉપરના લખાણમાં અહીં જે લખી રહી છું એનો ઉલ્લેખ નથી કરવામાં આવ્યો પણ શ્રીમદ્ ભાગવત કથાના અગિયારમા અધ્યાયનો સંસ્કૃત શ્લોક ૩૧માં, “યાજ્ઞવલ્ક્યસ્મૃતિ” ના એક શ્લોકનો અછડતો સંદર્ભ આપવામાં આવ્યો છે. મેં એના વિષે વધુ સંશોધન કર્યું તો મૂળ શ્લોકમાં નીચે પ્રમાણે કહેવાયું છેઃ

“જેનો પતિ વિદેશ ગયો હોય તેણે આ નિયમોનું પાલન કરવું જોઈએ –

ક્રીડાં શરીરસંસ્કારં સમાજોત્સ્વદર્શનમ્ ! હાસ્યં પરગૃહે યાનં ત્યજેત્પ્રોષિતભર્તૃકા !!

અર્થાત્ ઃ જેનો પતિ પ્રદેશ ગયો હોય તે સ્ત્રીએ ખેલકૂદ, શૃંગાર, સામાજિક ઉત્સવોમાં ભાગ લેવો, ઠઠ્ઠામશ્કરી કરવી અને પારકા ઘેર જવું – આ પાંચ કામો છોડી દેવાં જોઈએ.”

આ નિયમ શું એ સમય માટે હતો? પણ દ્રૌપદી પાંચ પતિ સાથે રહી હતી. સ્ત્રીઓ પણ તે સમયે ગુરુ પાસે શસ્ત્રો-શાસ્ત્રોની વિદ્યા લેતી, સ્ત્રીઓના સ્વયંવર થતા તો આવા નિયમની પ્રતિષ્ઠા શા માટે કરી હશે? આજના સમયમાં આ નિયમને વધુ ઊંડાણમાં સમાજશાસ્ત્ર અને માનસશાસ્ત્રના પરિપેક્ષ્યમાં કદાચ મૂલવવો જોઈએ.

1 thought on “શ્રીમદ્ ભાગવત કથા, પ્રથમ સ્કંધ –અગિયારમો અધ્યાય – જયશ્રી વિનુ મરચંટ

 1. સુ શ્રી જયશ્રી વિનુ મરચંટે પ્રથમ સ્કંધ –અગિયારમો અધ્યાય ની સરળ સમજુતી માણી.
  વિચાર બીજમા “ક્રીડાં શરીરસંસ્કારં સમાજોત્સ્વદર્શનમ્ !હાસ્યં પરગૃહે યાનં ત્યજેત્પ્રોષિતભર્તૃકા” જેનો પતિ પ્રદેશ ગયો હોય તે પ્રોષિતભર્તૃકાએ તેણે આ નિયમોનું પાલન કરવું જોઈએ. આ નિયમ શું એ સમય માટે હતો? જી , કવિશ્રી ઉમાશંકર વર્ણવે
  ઓ રે વિજોગ વાત!
  રંગ રોળાઈ રાત,
  નેહભીંજી ચૂંદડી ચૂવે રંગભીની.
  વર્ષાની રૂમઝૂમતી રાત રંગભીની.તો
  સાંપ્રતસમયે પ્રોષિતભતૃકા જેમના પતિદેવ નોકરી-ધંધા અંગે સતત પ્રવાસમાં બહાર રહેતા હોય એમના એજન્ડા આબોહવા પ્રમાણે બદલાતા રહેતા હોય છે. નવી ટેકનીક કીટી-પાર્ટીઓમાં રૂટિન બની જાય છે. પતિ શબ્દ પાછળ આવતો હોય તેવા શબ્દો ની રમતો રમાય જેમકે ગણ-પતિ !રાષ્ટ્રપતિ ! વનસ્પતિ ! સેના-પતિ ! બૃહસ્પતિ, નાસ-પતિ ! ગૃહપતિ અને કુલ-પતિ ! ‘તિરૂ-પતિ’
  …..સ્ત્રીઓ પણ તે સમયે ગુરુ પાસે શસ્ત્રો-શાસ્ત્રોની વિદ્યા લેતી, સ્ત્રીઓના સ્વયંવર થતા તો આવા નિયમની પ્રતિષ્ઠા શા માટે કરી હશે? ત્યારે યાદ આવે યાજ્ઞવલ્ક્યજીનેગાર્ગીએ આપેલ ઉતર ”યેનાહં નામૃતામ્યામ કિં તેનાઈ કૃપ મિતિ ?” તો સામાન્યપ્રજાને માટે આવા નીયમો જરુરી હતા.

  Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s