થોડી ખાટી, થોડી મીઠી – (૧૦) – દિપલ પટેલ


થોડી ખાટી, થોડી મીઠી – (૧૦) – દિપલ પટેલ

આજે ફરીથી 2012-13 ની વાત કરવી છે જયારે હું ટ્રેની આસિસ્ટન્ટ પ્રોફેસર હતી ભારતની પહેલી મહિલા કોલેજમાં. મારી પાસે નોકરીના એ 2.5 વર્ષમાં થયેલા અનુભવોનો ખજાનો છે જે મને અહીં ખોલવાનો મોકો મળ્યો છે.  આજે જે વાત છે એમાં અમારી કોલેજના પ્રિન્સિપાલની વાત છે.

એમનું નામ છે ડો. વિઠ્લ કામથ. જેમણે આઈ.આઈ.ટી. મુંબઈમાંથી માસ્ટર્સ કર્યું અને કૅનૅડામાંથી પીએચડી. ખુબ જ હોશિયાર અને કેટલો બધો કામનો અનુભવ! પણ એમનાં જેટલાં સહજ,ભોળા અને કર્મનિષ્ઠ વ્યક્તિ મેં ખુબ ઓછા જોયા છે. એમની નાનકડી નેનો લઈને આવે અને હસતાં ચહેરે પટાવાળા અને સફાઈ કર્મચારીઓને “ગુડ મોર્નિંગ” વિષ કરે. અને વહેલા આવી જાય અને એમની કેબિનમાં કચરો વાળે. મને યાદ છે કે કોલેજમાં નળ ટપકતો હતો અને હું નવી નવી નોકરી એ લાગી હતી એટલે મને પ્લમ્બર ક્યાં હશે એ ખબર ન હતી, મેં ઘણાને પૂછ્યું પણ કોઈને ખબર ન હતી. પછી પ્રિન્સિપાલ પાસે જઈને વાત કરી તો એમના બધા કામ પડતાં મૂકીને એમની ગાડીમાંથી પાનું પક્કડ કાઢીને મારી સાથે આવ્યા હતા અને અમે બંને એ નળ રીપેર કર્યો હતો!
હોસ્ટેલમાં અડધી રાત્રે પણ હોસ્પિટલ આવે કે કોઈ પણ તકલીફ હોય કોઈ પણ વિદ્યાર્થિનીને કે સ્ટાફને કાયમ મદદ કરે. ઘણા બધાં લોકો એમના ભોળપણનો ફાયદો પણ ઉઠાવતાં પણ એ એમની મસ્તીમાં કામ કર્યે જાય.

મને કોલેજમાં કંઈ પણ નવું કરવું હોય એમાં વર્કશોપ હોય કે નવરાત્રી, ઉત્તરાયણ કે ઘ્વજવંદન કે પછી શિક્ષકદિનની ઉજવણી હોય મને એમને ક્યારેય ના નથી પાડી. મને એમની સાથે ખુબ બને. એમને ગુજરાતી બોલતા ભાંગ્યું તૂટ્યું આવડે પણ ગુજરાત ગવર્નમેન્ટ સાથે એ ઘણા પ્રોજેક્ટ કરતા (જેની વાત આવતા લેખમાં કરીશ), તો એમને હું ગુજરાતીમાં બધા પાત્રો, પેપરોનું ભાષાંતર કરી આપતી. ગાંધીનગર વિધાનસભામાં જવાનું હોય તો હું એમની સાથે જતી.

 

કોલેજમાં અમે નેશનલ લેવલનો ફેસ્ટિવલ કરેલો જેમાં 30000 જેટલા સર્ટિફિકેટ અમે બનાવેલા, એ વખતે કોઈક કારણથી હું એમના કેબિનમાં ગઈ તો સર દેખાય નહિ એટલા મોટાં સર્ટિફિકેટના થપ્પાથી એમનું ટેબલ અને સર બંને ઢંકાયેલા હતા અને એક એક સર્ટિફિકેટ ઉપર સહી કરી રહ્યા હતા. મેં કીધું: “બાપરે, તમે આ કામ ક્યારે કરી રહેશો? તમારી સહીનો સ્ટેમ્પ બનાવી દો અને લાવો હું મારી આપીશ.” તો એમને બહુજ સુંદર જવાબ આપેલો મને. “કે પ્રોફેસર દિપલ, હું દરેક સર્ટિફિકેટ ઉપર મારી સહી કરું છું એની 2-3 સેકન્ડ હું દરેક વિદ્યાર્થીને આપી રહ્યો છું, મને લાગે છે વિદ્યાર્થી જેટલી મહેનતથી આ જીતશે એની આગળ તો આ કઈ નહિ હોય, અને મારી સહીનું સ્ટેમ્પ બનાવી દઈશ તો એની એ કિંમત નહિ રહે અને મને સંતોષ પણ નહિ થાય” હું એમની એ કામ કરવાની રીતથી ખુબ પ્રભાવિત થઈ છું અને ખુબ શીખી છું.

હવે બીજા એક કિસ્સાની વાત કરું. હું હોસ્ટેલ રેકટર હતી અને છોકરીઓ મારી સાથે ઘણી છૂટથી બધી વાતો કરતી. એક દિવસ અમુક છોકરીઓ ગભરાતી મને મળવા આવી. અને હોસ્ટેલની એક છોકરીના બહુ વિચિત્ર વર્તન વિષે વાત કરી. એ છોકરી અચાનક રાત્રે ઊઠી જાય, ચીસો પાડે, બૂમો પાડે, રડવા માંડે, કોઈની સાથે કઈ બોલે નહિ પણ કોલેજમાં એકદમ સામાન્ય હોય એમ જ લાગે. મેં છોકરીઓને કીધું કે તમે એ છોકરી ઉપર થોડી વધારે નજર રાખો, કે કોની સાથે વાત કરે છે? એને કોઈ તકલીફ છે કે કેમ? એક મહિના પછી છોકરીઓએ મને જણાવ્યું કે મેડમ એ છોકરી ડ્રગ લેતી હોય એમ અમને લાગે છે! મારાં માનવામાં ન આવ્યું, પછી મેં ઘણી તપાસ કરી અને કન્ફર્મ કર્યું કે એ સાચું જ હતું.
મેં સીધી વાત પ્રિન્સિપાલને કરી, એ વખતે એ છોકરી એના ઘરે ગઈ હતી, અમે એનો રૂમ સીલ કર્યો અને છોકરી જેવી પાછી આવે કે મને અને સરને મળે એવી નોટિસ એના ઘરે મોકલી. છોકરી મને શોધતી શોધતી આવી અને પછી હું એને લઈને સર પાસે ગઈ. સર સમજી ગયા અને એમણે તરત જ એમની આગલી 2-3 કલાકની બધી મિટિંગ કેન્સલ કરી. અને કેબિનમાં માત્ર મને 3 જણા બેઠા. એક બાપ પોતાની દીકરી સાથે વાત કરે એમ સરે એનો હાથ પસવારતાં એની સાથે વાતો શરુ કરી. છોકરી પહેલા ખચકાઈ પછી થોડી ખુલી અને પછી તો એને રડીને બધું જ કીધું કે એના ઘરની નજીકના અમુક છોકરાઓ એ નાની હતી ત્યારથી એને આ ડ્રગની લત લગાડી હતી, એના મા- બાપ અને છોકરી બધાએ પ્રત્યનો કર્યા હતા છોડવાના, પણ કઈ ખાસ ફરક ના પડ્યો અને ઘણું બધું એના જીવન વિષે જણાવ્યું. સરે એને બહુજ પ્રેમથી સમજાવ્યું અને કહ્યું કે અમે તારી મદદ કરીશું. બોલ, તું છોડવા તૈયાર હોય તો? એ છોકરી એ હા પાડી અને પછી તો એના મા-બાપને અમે બોલાવ્યા અને રિહેબિલેશન સેન્ટરમાં મોકલી. એ પાછી આવી પછી પણ મેં અને સરે એને ભણાવી અને એ સારી રીતે પાસ પણ થઈ. અને એની બધી લત છૂટી ગઈ.
આ વાત એ સમયે પણ હું અને સર જ જાણતાં અને અત્યારે પણ એટલે હું નામ અને ઓળખ ગુપ્ત જ રાખીશ.

સૌથી મહત્વની વાત એ હતી કે સરે એ છોકરીઓનું આખું જીવન બદલ્યું. સર ઈચ્છત તો એ છોકરીને કાઢી મુકત અથવા એને એમ જ રહેવા દેત પણ ના, એમણે એમની દીકરીની જેમ એ છોકરી સાજી થઇ પછી પણ ભણાવી અને એ પછી પણ એના માં-બાપ સાથે એ સતત સંપર્કમાં રહ્યાં. એ દિવસે એમણે ગાળેલાં એ 2-3 કલાક, એ છોકરીનો હાથ પકડીને એને પ્રેમથી સમજાવતા એ સરની છબી હજુ મારાં મનમાં એમ જ સચવાયેલી છે અને રહેશે જ.

એક શિક્ષક કભી સામાન્ય નહિ હોતા! મને એ દિવસે મારા શિક્ષક હોવા ઉપર ઘણો ગર્વ થયેલો અને આવાં અદભુત પ્રિન્સિપાલની નીચે કામ કરવાનો અનેરો આનંદ!

6 thoughts on “થોડી ખાટી, થોડી મીઠી – (૧૦) – દિપલ પટેલ

 1. ‘એ દિવસે એમણે ગાળેલાં એ 2-3 કલાક, એ છોકરીનો હાથ પકડીને એને પ્રેમથી સમજાવતા એ સરની છબી હજુ મારાં મનમાં એમ જ સચવાયેલી છે અને રહેશે જ.’
  કાશ આવા શિક્ષક મળે
  હજુ પણ ઘણા શિક્ષકને પંતુજી ગણે છે ‘એક શિક્ષક કભી સામાન્ય નહિ હોતા! મને એ દિવસે મારા શિક્ષક હોવા ઉપર ઘણો ગર્વ થયેલો અને આવાં અદભુત પ્રિન્સિપાલની નીચે કામ કરવાનો અનેરો આનંદ!’ અમને પણ આનંદ થયો

  Liked by 2 people

 2. સાચી વાત છે. ડો. વિઠ્લ કામઠ જેવા કર્મઠ પ્રિન્સિપાલ મળવા મુશ્કેલ છે.
  હું પણ જન્મજાત શિક્ષિકા છું, મને એનુ ગૌરવ છે.
  એ વાત પણ સાવ સાચી છે, કે એક શિક્ષક કભી સામાન્ય નહિ હોતા.

  Liked by 2 people

 3. કાર્યનિષ્ઠા ને કારણે આવા પ્રિન્સીપાલ વંદનીય છે. વિદ્યાર્થી પર સાચો પ્રેમ હોય તે જ આ રીતે જીવન ઘડતર કરી શકે. આદર્શ સ્થાપિત કરી તે પ્રમાણે જીવનારા આવા વિરલા દુર્લભ છે.

  Liked by 2 people

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s