મુક્તિ એ પણ મુક્ત થવાની ઝંખનાનું બંધન છે
લોગ ઇનઃ
એક પળમાં પરોવી દઉં જીવતર આખુંય
બોલ આપી શકીશ એવું કાંઈ?
સાંજ મને સોનેરી જોઈતી નથી
કે નથી રૂપેરી રાતનાય ઓરતા,
એક્કેય વાયદા કે વેણ નથી જોઈતાં
એમાં ગુલમહોર છોને મ્હોરતા,
અઢળકની ઝંખનાઓ છોડીને આવી છું
સાંજ તણી ઝંખનાએ અહીં…
મારામાં ઉગેલું મારાપણું ય હવે
તારામાં રોપી હું છુટ્ટી
લેવાથી દેવાનો અદકેરો લ્હાવ
હવે ખોલી દે બાંધ આ મુઠ્ઠી
ચીતરેલા ફૂલનેય ફૂટે સુગંધ
એવું આંખોમાં જોતી હું રહી…
– નંદિતા ઠાકોર
પ્રેમ માગણીને વશ નથી થતો, લાગણીને વશ થાય છે. આખું જીવતર એક જ પળમાં પ્રેમ નામના દોરાથી ગુંથાઈ શકે છે, પણ આપોઆપ નહીં ગુંથાય. ગુંથાવા માટે શરત વિનાની કોઈ શરત હોય છે, માગણી વિનાની માગણી હોય છે. અપેક્ષાહીન અપેક્ષા હોય છે. કોઈ પ્રેમ કે સંબંધ અપેક્ષા વિનાનો ન હોઈ શકે. માતાપિતા બાળકને મોટું કરે છે, ઉછેરે છે, એવી અપેક્ષામાં કે મોટો થઈને તે અમારું ઘડપણ ઉજાળશે. બહેન ભાઈને રાખડી બાંધે છે, જેથી ભાઈ રક્ષણ કરે. પતિપત્ની લગ્નગ્રંથિથી જોડાય એ જ વખતે તેમને અનેક અપેક્ષાઓના છેડાછેડીથી જોડી દેવામાં આવે છે. માણસ ક્યારેય અપેક્ષાઓથી પર નથી થઈ શકતો. એટલે જ આ કવિતામાં કાવ્યનાયિકા કહે છે, એક ક્ષણ માત્રમાં હું મારું આખું જીવતર તારામાં પરોવી દઉં, પણ એ પરોવવાની ક્ષમતામાં બેસી શકે એવું કંઈક તું મને આપી શકીશ?
‘એવું કંઈ’ એટલે શું? પ્રેમી તો ઝંખતા હોય છે પ્રિયતમ કે પ્રિયતમા સાથેની કોઈ સુંદર સોનેરી સ્વપ્નભરી સાંજ, તેમને ઉજવવા હોય છે પ્રિયપાત્ર સાથે પોતાના ઉમંગભેર ઓરતા, પણ અહીં કાવ્યનાયિકાને એવું કશું નથી જોઈતું. સોનેરી સાંજને પણ ઠોકર મારી શકે છે, રૂપેરી રાતને ય એ હડસેલવા તૈયાર છે. પ્રિય પાત્ર પાસેથી વાયદાના વેણ લઈને તે ખરાઈ પણ નથી કરવા માગતી કે તું મને બધું આપી જ દે! વાયદા કે વેણથી એ દૂર રહેવા માગે છે. તેને તો ગુલમહોર જેમ તેની મેળે ખીલી જવા દેવાનું કહે છે. વાયદાના તાંતણે બંધાઈએ છીએ ત્યારે આપોઆપ આપણામાં અપેક્ષાના પર્ણ ફૂટતાં હોય છે અને પર્ણ તો પીળાં પણ પડી શકે, ખરી પણ શકે. અપેક્ષાઓનાં પર્ણનું ખરવું પીડાદાયક હોય છે. એટલા માટે જ કાવ્યનાયિકા કોઈ પણ અપેક્ષાને ઉગાડવા નથી માગતી. અઢળક પામવાની બધી જ ઝંખનાઓ છોડી દેવા માગે છે. છોડવું એ પ્રેમનું પ્રથમ પગથિયું છે અને ‘છોડવું’નો અર્થ મેળવવું થાય છે. જેટલા જેની પાછળ ભાગશો, એટલું જ તે દૂર જશે, જેવા કોઈની પાછળ દોડવાનું છોડી દેશો, આપોઆપ એ તમારી સામે આવશે.
એટલા માટે જ કાવ્યનાયિકા પોતીકાપણું કાવ્યનાયકમાં રોપીને છુટ્ટી થઈ જાય છે. વ્યક્તિની અંદર શું મ્હોરે છે? પોતાકીપાણું! હું હું છુ, તમે તમે છો, પેલા એ પેલા છે. મારાપણું એ મારું અસ્તિત્વને છતું કરે છે. હું આ મારાપણું સમગ્રપણે તારામાં રોપીને મુક્ત થઈ જવા માગું છું. મુક્તિ એ પણ મુક્ત થવાની ઝંખનાનું બંધન છે. કાવ્યનાયિકા છુટ્ટી થવાનું કહે છે, પણ થતી નથી. તે પ્રિયપાત્ર સાથે જોડાયેલી રહે છે. જોડવું એ પ્રેમનો પ્રથમ પાઠ છે. પ્રેમીઓ એ પાઠ સારી રીતે ભણે છે. તેને ભણવા માટે લેવાથી દેવા સુધી અને ત્યાગવાથી પામવા સુધીનો અભ્યાસ કરવો પડે છે. ‘એવું કંઈ’ પામવાની આશામાં જ તો કાવ્યનાયિકા નાયકને મુઠ્ઠી ખોલવા કહે છે. ‘એવું કંઈક’નો અર્થ ખૂબ મોટો છે. જેની માટે આખુંય જીવતર પરોવી શકાય એવું શું હોઈ શકે? એ વાત તો મોઘમ છે. જો છતી થઈ જાય તો તેની મજા નથી રહેતી. અત્તરની શીશીને હંમેશાં બંધ રાખવી જોઈએ, ખૂલી જાય તો સુગંધ ઊડી જાય. નાયિકાએ કહેલી ‘એવું કંઈ’ની વાત પણ અત્તરની શીશી જેમ સુગંધથી ભરેલી છે. તે એવા લાગણી નીતરતા ભાવ સાથે નાયક સામે જોઈ રહી છે કે ચીતરેલા ફૂલનેય સુગંધ ફૂટે!
‘એવું કંઈ’નો અર્થ અહીં આમ સામાન્ય લાગે, પણ છે નહીં. નંદિતા ઠાકોર આખી વાતને સરસ ગુંથીને મૂકી આપે છે. તેઓ ગીતના ભાવને મોગરાની માળા જેમ ગુંથે છે. એટલા માટે જ તો ચીતરેલા ફૂલને સુગંધ ફૂટે છે. પોતે ગાયિકા છે એટલે તેમનાં કાવ્યોમાં ગીતનો લય સ્વાભાવિકપણે આવે છે. તેમના ગીતમાં તેમનું સ્ત્રીપણું છલકે છે.
લોગ આઉટઃ
છાતીમાં ચોમાસું રોપીને આમ તમે
વરસ્યા વિના તે શીદ ચાલ્યા?
તરતા ઉનાળાનો કાળઝાળ થોર
જોને આઠે તે અંગ અહીં વાગે,
વાદળિયાં શમણાથી વળતું ના કાંઈ
એ તો જળબંબાકાર થવા માગે,
વેરીને આમ તમે વ્હાલપના વાયરાઓ
ફરક્યા વિના તે શીદ ચાલ્યા?
કીકીમાં કેટલાય જન્મોથી રોપેલી
કૂંપળ કોળ્યાના મને કોડ,
વરસાદી વાયદાને નાહક પંપાળીને
વહેતા મુકવાનું હવે છોડ
રોપીને આંગણામાં મોરલાનું થનગનવું
ગ્હેક્યા વિના તે શીદ ચાલ્યા?
– નંદિતા ઠાકોર
વાહ! નંદિતાની સરસ રચનાઓ. રજુઆત માટે અનિલભાઈનો આનંદ સાથ આભાર.
સરયૂ
LikeLiked by 1 person
પોતીકા રંગે ખીલતી પુષ્પી કવિતાને સરસરસ દર્શન…અભિનંદન સુશ્રી નંદિતાબહેન અને શ્રી અનિલભાઈને
રમેશ પટેલ(આકાશદીપ)
Sent from my iPhone
>
LikeLiked by 1 person
સુ શ્રી નંદિતાની સરસ રચનાઓ અને અનિલભાઈનો સ રસ આસ્વાદ
LikeLike