‘વારતા રે વારતા’ – (૧૦) – બાબુ સુથાર


બોધકથાનું પુન:વાંચન

બાબુ સુથાર

વાતમાંથી વાત નીકળતાં એક સર્જક મિત્રએ મને પૂછ્યું, “બાબુ, આજકાલ તું શું વાંચી રહ્યો છે?” મેં જવાબ આપ્યો, “બોધકથાઓ.” કોણ જાણે કેમ મારા સર્જક મિત્રને મારો જવાબ જરા વિચિત્ર લાગેલો. એને કદાચ એવું પણ લાગ્યું હશે કે હું કદાચ એની મશ્કરી કરતો હોઈશ. આપણામાંના ઘણા એવું માનતા હોય છે કે બોધકથાઓ તો કેવળ બાળકો માટે હોય.

પણ, ના. હું માનું છું કે બોધકથાઓ દરેક વયના માણસો માટે હોય છે. જો કે, પ્રાણીઓને બોધકથાઓની જરૂર નથી પડતી એ વાત આપણે ભૂલવી ન જોઈએ. હું માનું છું કે દરેક વયની વ્યક્તિઓએ બોધકથાઓ વાંચવી જોઈએ પણ, એમ કરતી વખતે એક વાત યાદ રાખવી જોઈએ કે બોધકથાઓ ઘણી વાર કેટલાક અર્થ સંતાડતી હોય છે. એમ હોવાથી વાચકે એ ‘સંતાડવામાં આવેલા’ અર્થને શોધવાનો પ્રયાસ કરવો જોઈએ. સાચું કહું? હું પણ એટલા માટે જ બોધકથાઓ વાંચતો હોઉં છું. અને મેં એ પણ નોંધ્યું છે કે જ્યારે પણ હું એવો ‘સંતાડવામાં આવેલો’ અર્થ શોધતો હોઉં છું ત્યારે મને બોધકથાઓ ખૂબ અઘરી લાગતી હોય છે.

હું યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયામાં ગુજરાતી ભણાવતો હતો ત્યારે મેં એક પ્રયોગ કરેલો. મેં મારા વિદ્યાર્થીઓને ઇસપની આ બોધકથા આપીને પૂછેલું: હવે મને કહો કે ઇસપ આ બોધકથામાં શું કહેવા માગે છે:

એક સિંહ હતો. એને બે મિત્રો હતા. એક ગધેડું અને બીજું શિયાળ. એક દિવસે સિંહે એના બન્ને મિત્રોને કહ્યું: ચાલો, આપણે સાથે શિકાર કરવા જઈએ. ગધેડું અને શિયાળ તો રાજી થઈ ગયાં. એમને થયું કે રાજા સાથે શિકારે જવાનું કોઈક નસીબદારને જ મળે. તો ચાલો જઈએ. પછી ત્રણેય શિકારે ગયાં અને સાંજે પોતે કરેલો શિકાર લઈને નક્કી કરેલી જગ્યાએ ભેગાં થયાં. સિંહ પણ પોતાનો શિકાર લઈ આવેલો. પછી સિંહે ગધેડાને કહ્યું “ગધેડાભાઈ, આ શિકારના ભાગ કરો હવે.” ગધેડાએ તો હોંશે હોંશે એ શિકારના ત્રણ સરખા ભાગ કર્યા અને સિંહને કહ્યું, “લો મહારાજા, તમારો ભાગ.” શિકારના ત્રણ સરખા ઢગલા જોઈને સિંહે ગધેડાને પૂછ્યું, “કેમ ત્રણ ભાગ સરખા કર્યા?” ગધેડો કહે, “આપણે ત્રણેય મિત્રો છીએ એટલે મેં ત્રણ સરખા ભાગ કર્યા.” સિંહ કહે, “ઓ ગધેડા, તને ખબર છે કે હું વનનો રાજા છું. તું એક સરખા ભાગ કરીને મારું અપમાન કરે છે?” એમ કહી એણે તો એક તરાપ મારી ગધેડા પર અને ગધેડાને મારી નાખીને પેલા શિકારમાં મૂકી દીધો. પછી સિંહે શિયાળને કહ્યું, “શિયાળભાઈ, હવે તમે ભાગ કરો.” શિયાળે શિકારના બે ઢગલા કર્યા. એક મોટો, બીજો નાનો. અને પછી વિવેકી ભાષામાં એણે સિંહને કહ્યું, “મહારાજ, આ મોટો ભાગ તે આપનો અને નાનો તે મારો.” સિંહ તો ખુશ થઈ ગયો. એણે શિયાળનો ખભો થાબડતાં પૂછ્યું, “વાહ શિયાળભાઈ, આવા સરસ ભાગ પાડતાં તમને કોણે શીખવ્યું?” શિયાળ કહે, “પેલા ગધેડાએ મહારાજ.”
જવાબમાં બધા જ વિદ્યાર્થીઓએ ગધેડાનો વાંક કાઢેલો. હવે વિચાર કરો કે વિદ્યાર્થીઓએ કેમ આવું કર્યું હશે? કોઈકે તો સિંહનો વાંક કાઢવો જોઈતો હતો. પણ, ના. કોઈએ એમ ન કહ્યું. કદાચ આપણામાંના ઘણા બધા મારા વિદ્યાર્થીઓ જેવું જ વિચારતા હશે. કેટલાક કદાચ એવું પણ વિચારતા હશે કે ગધેડાએ વનના રાજાનું સ્ટેટસ ધ્યાનમાં રાખ્યું હોત તો એણે જીવ ગુમાવવો ન પડત. પણ, ગધેડો તે ગધેડો.

જ્યારે પણ આપણે કશુંક વાંચતા હોઈએ છીએ ત્યારે આપણે કોઈક ચોક્કસ એવી ફ્રેમ વાપરતા હોઈએ છીએ. આ ફ્રેમનું પણ એક સ્વરૂપ હોય છે. બની શકે કે વિદ્યાર્થીઓએ જે ફ્રેમ વાપરી હશે એમાં રાજાનો અથવા તો સત્તાધીશનો વાંક ન કાઢવો એવો એક નિયમ હોઈ શકે. એવું પણ બને કે એ ફ્રેમમાં સમરથને કોઈ દોષ નહીં આપવાનો નિયમ હશે.

મારું માનવું છે કે હવે બોધકથાઓને વાંચવા માટે આપણે બીજા જ પ્રકારની ફ્રેમ ઊભી કરવી જોઈએ. મેં જ્યારે પહેલી વાર આ બોધકથા વાંચેલી ત્યારે મને ઘણા બધા પ્રશ્નો થયેલા. સૌ પહેલો પ્રશ્ન મને એ થયેલો કે રાજાના મિત્ર બની શકાય ખરું? હું માનું છું કે આ બોધકથામાં ઇસપ પણ એવો જ કોઈક પ્રશ્ન ઊભો કરે છે. એ કદાચ આપણને કહેવા માગે છે કે રાજાના મિત્ર ન બની શકાય. કેમ કે, એવી તમામ શક્યતાઓ છે કે રાજા પોતાની સત્તાને ટકાવી રાખવા મૈત્રીને જોખમમાં મૂકી દે.

પછી મને એવો પ્રશ્ન પણ થયેલો કે આ બોધકથામાં આવતા ગધેડાની મૈત્રી વિશેની સમજ કયા પ્રકારની હશે? મેં મારા વિદ્યાર્થીઓને મજાકમાં કહેલું, “આ ગધેડાભાઈ કદાચ સામ્યવાદી હશે.” અહીં ગધેડો એમ માને છે કે મૈત્રીમાં ઊંચનીચના ભેદ ન હોય. આ એક આદર્શ વિચાર છે. પણ, આવું હોઈ શકે ખરું?

હજી આપણે શિયાળ વિશે અને બીજાના અકુદરતી મરણ પાસેથી કશુંક શીખી લેવાની વાત તો કરી જ નથી. શિયાળ અહીં ગધેડાના મોતની ઘટનાને એક બોધકથામાં ફેરવી નાખે છે અને એમાંથી શીખી લે છે કે રાજા રાજા જ હોય, મિત્ર કદી ન હોય.

ઇસપની આવી જ એક બીજી એક બોધકથા છે. એમાં જંગલનો રાજા સિંહ એક દિવસે જાહેર કરે છે કે હું શિકારે જવાનો છું અને હું જંગલનાં તમામ પ્રાણીઓને મારી સાથે શિકારમાં જોડાવા આમંત્રણ આપું છું. પ્રાણીઓ તો આ જાહેરાત સાંભળતાં જ ખુશ થઈ જાય છે. પછી સિંહ સ્થળ અને સમય નક્કી કરીને કહે છે કે સાંજે આપણે બધાં આપણો શિકાર લઈને આ ટેકરી પર મળીશું. પછી બધાં શિકારે નીકળી પડે છે.

એમ કરતાં સાંજ થાય છે. બધાં પ્રાણીઓ પોતપોતાનો શિકાર લઈને પેલી ટેકરી પર પહોંચી જાય છે અને શિકારનો એક ઢગલો કરે છે. પછી સિંહ શિકારના ચાર સરખા ભાગ કરે છે અને પ્રાણીઓને સંબોધતો કહે છે: આમાંનો એક ભાગ મારો. કેમ કે હું તમારો રાજા છું. બીજો ભાગ પણ મારો. કેમ કે આ વિચાર મને સુઝેલો. ત્રીજો ભાગ પણ મારો. કેમ કે હું પણ તમારી જેમ શિકારે નીકળેલો. હવે રહ્યો ચોથો ભાગ. જેનામાં તાકાત હોય તે આગળ આવીને લઈ જાય.

 

પ્રશ્ન: કઈ રીતે વાંચીશું આ બોધકથાને? મને લાગે છે કે ઇસપ અહીં આપણને એટલું જ કહેવા માગે છે કે પ્રજાએ કદી એવું માનીને ન ચાલવું કે રાજા એમનું કલ્યાણ કરશે. આજે પણ પરિસ્થિતિ એવી જ છે. આજે રાજ્ય પહેલાં પોતાનું તરગાણું ભરે અને પછી જો કંઈક વધે તો પ્રજાને આપે. ઇસપના જમાનામાં તો રાજાશાહી હતી. એટલે એણે અહીં સિંહનો ઉપયોગ કર્યો. આપણા જમાનામાં આપણે આ સિંહને રાજા તરીકે જોવાને બદલે રાજકીય નેતા તરીકે જોઈ શકીએ ખરા? એ જ રીતે, સિંહને રાજ્ય તરીકે કે સરકાર તરીકે પણ જોઈ શકીએ કે નહીં? ઇસપે જેમ પહેલી બોધકથામાં રાજા સાથે મૈત્રીની અશક્યતાની વાત કરી છે એમ અહીં રાજાના વચન પર વિશ્વાસ મૂકવાની અશક્યતા પર ભાર મૂક્યો છે. અત્યારના રાજાઓ વચનપાલક નથી હોતા.

 

શાસકો સાથે નિકટની મૈત્રી ધરાવતા લોકો મોટે ભાગે એવું માનતા હોય છે કે એ લોકો એમના શાસકમિત્રો પાસે  કંઈ પણ કામ કરાવી શકે. એમની એક જ મુશ્કેલી હોય છે: એ લોકો કદી પણ એવું સ્વીકારતા નથી કે રાજાની પણ મર્યાદાઓ હોય છે.

આ વાત કરતી એક સરસ આફ્રિકન બોધકથા છે. એમાં એક કાગડાને રાજા સાથે ભાઈબંધી છે. એટલે સુધી કે કાગડાભાઈ જે કંઈ કહે એ બધું રાજા કરે. એક દિવસે કાગડાએ રાજાને કહ્યું, “મહારાજ, મારો અને કોયલનો રંગ એક જ છે. તો પણ આપણા રાજ્યના લોકો કોયલનાં વખાણ કરે છે ને મારાં વખાણ નથી કરતા. તો એક કામ કરશો? એક વટહુકમ બહાર પાડીને મારું નામ ‘કોયલ’ અને કોયલનું નામ ‘કાગડો’ ન કરાવી શકો? રાજા કહે, “એમાં તે શી મોટી વાત છે? આજે જ એ કામ કરી નાખું.” પછી રાજાએ તો એક વટહુકમ બહાર પાડીને કાગડાનું નામ કોયલ ને કોયલનું નામ કાગડો પાડી દીધું. તો પણ લોકો તો કાગડાનાં (જૂનું નામ ‘કોયલ’) વખાણ કરતા હતા. પાછો કાગડો રાજા પાસે ગયો. કહે, “મહારાજ, એક વટહુકમ બહાર પાડીને મારો કંઠ પણ કોયલના કંઠ જેવો કરી આપોને?” રાજા કહે, “કાગડાભાઈ, એ કામ મારાથી નહીં થાય. કેમ કે, રાજાની પણ કેટલીક મર્યાદાઓ હોય છે.”

 

હવે એ જ પ્રશ્ન: કઈ રીતે વાંચીશું આ બોધકથાને? આપણે એમ કહી શકીએ ખરા કે કાગડાભાઈ કુદરતના જગતની મર્યાદાઓ અને મનુષ્યના જગતની મર્યાદાઓ વચ્ચે ભેદ જાણતા નથી? બીજું, આપણે એમ કહી શકીએ ખરા કે રાજાને એ ભેદની બરાબર ખબર છે. અર્થાત્, એને પોતાનું રાજ્ય ક્યાં ચાલે ને ક્યાં ન ચાલે એની બરાબર ખબર છે. ત્રીજું, આપણે એમ કહી શકીએ ખરા કે આ બોધકથા કુદરતની સત્તા અને માણસની સત્તા વચ્ચેની ભેદરેખા સ્પષ્ટ કરે છે? ચોથું, આપણે એમ કહી શકીએ ખરા કે અહીં કાગડાભાઈ રાજાને ભગવાન માનવાની ભૂલ કરે છે?

આ ઉપરાંત પણ બીજા ઘણા પ્રશ્નો થવાની શક્યતાઓ છે. કેટલીક છુપાયેલી શક્યતાઓ વિશે પણ વિચારવા જેવું ખરું: જેમ કે, અહીં કોયલબેનને કંઈ પડી જ નથી. એમનું પાત્ર જ જાણે કે નથી. નહીં તો એ પણ મારું નામ કેમ બદલી નાખ્યું એમ કહીને રાજાની સામે પડ્યાં હોત. કદાચ કોયલને ખબર હતી કે રાજા મારું નામ બીજાને આપી શકશે પણ કુદરતે મને જે આપ્યું છે એને એ છીનવી નહીં શકે.

હજી પણ એક બીજો છુપાયેલો વિચાર છે. અને એ વિચાર પ્રજા સાથે સંકળાયેલો છે. પ્રજા મહારાજાધિરાજના વટહુકમને માન આપીને કોયલને કાગડો અને કાગડાને કોયલ કહે છે પણ વખાણ તો કોયલના જ કરે છે. આ પ્રજા એક સ્તર પર રાજાની તો બીજા સ્તરે કુદરતની આજ્ઞાંકિત લાગે છે.

ત્રીજો એક વિચાર: રાજાઓને/સત્તાને હંમેશાં કાગડા જેવા એટલે કે મૂરખ અથવા તો સ્વાર્થી મિત્રો જ વધારે હોય છે. તમે વિચારજો.

હું માનું છું કે રાજ્યો હવે ધીમે ધીમે અમાનવીય બન્યાં છે. એ સંજોગોમાં માણસે માણસાઈ ટકાવી રાખવા બોધકથાઓને નવેસરથી, નવી રીતે વાંચવી પડશે. હવે શાણપણ સંતો પાસેથી મળી શકે એમ નથી. કેમ કે મોટા ભાગના સંતો પેલા કાગડા જેવા હોય છે.

4 thoughts on “‘વારતા રે વારતા’ – (૧૦) – બાબુ સુથાર

  1. ‘અમાનવીય રાજ્યોની માણસાઈ ટકાવી રાખવા બોધકથાઓને નવેસરથી, નવી રીતે વાંચવી પડશે. હવે શાણપણ સંતો પાસેથી મળી શકે એમ નથી. કેમ કે મોટા ભાગના સંતો પેલા કાગડા જેવા હોય છે.’
    મા બાબુભાઇની બોધકથાઓ અંગે સ રસ સટિક વાત

    Like

  2. બાબુભાઈ પાસેથી આપણા વિચારોને એક નવી દિશા મળે છે. સામાન્ય રીતે આપણે ઘરેડમાં વિચારવા ટેવાયેલા છીએ. સ્વતંત્ર વિચારની બહુ મોટી કિંમત ચૂકવવી પડે તેવો ડર હોય છે. સંસ્કૃત ઉકિત છે-गतानुगतिका लोका:न लोका पारमार्थिका।

    Like

પ્રતિભાવ