“એકઝીટ…!!” – યામિની વ્યાસ – રજૂઆતઃ આર્જવી વ્યાસ


“એકઝીટ…!!”
મસમોટાં શોપિંગ મોલમાં પહેલી વાર ગઈ,
આમ તેમ નજર ફેંકતી એક ખૂણામાં પહોંચી,
જ્યાં હું હોમવર્ક કરતી
અને અહીં રેડીમેઇડ કર્ટનેઇન્સનાં પેકેટ્સની થપ્પી છે,
ત્યાં તો બારી હતી,
ત્યાં તડકાનો ટુકડો રોજ સવારે આવીને  બેસતો,
પપ્પા ત્યાં જ આરામ ખુરશી પર મોટ્ટેથી અખબાર વાંચતાં
ને
આખી દુનિયા જાણે બારીમાંથી કૂદી પડતી,
ને ચાનો કપ ટિપોઈ પર એમ ને એમ પડી રહેતો.
આ અહીં ઈમ્પોર્ટેડ ઓરીજીનલ હેરની વીગ્સ ગોઠવી છે,
ત્યાં નીચે બેસીને મમ્મી માથામાં મઘમઘતું તેલ નાખી કચકચાવીને ચોટલા ગુંથી દેતી..
ને..ત્યાં..
આર્ટીફીશીયલ ડેકોરેટીવ પ્લાન્ટ્સનાં કૂંડા ગોઠવ્યાં છે ત્યાં તુલસી ક્યારો હતો,શ્યામ તુલસી..
મમ્મી સવારે પાણી રેડી પ્રદક્ષિણા કરતી ત્યારે,
સામેનાં મંદિરની રાધેશ્યામની મૂર્તિ પણ મલકી ઊઠતી.
હા..બરાબર આ બાજુ હીંચકો, ત્યાં ચોક ને પેલી બાજુ ચોકડી..
ને વચ્ચે કોતરણીવાળો થાંભલો,
જેનાં પર અમે નાના નાના હાથથી થપ્પો રમતાં..
પેલી પરફ્યુમ્સની બોટલ્સ ગોઠવી છે,
 ત્યાં મધુમાલતીની વેલ હતી,
એની પાછળ અમે બહેનપણીઓ સાથે છૂપાતા,
હવે તો એ બહેનપણીઓ ક્યાં છૂપાઈ હશે?
ખેર..!
અરે આ ફ્લોરલ બેડશીટ્સ ગોઠવી છે ત્યાં તો દાદીની પથારી રહેતી,
પછી તો પથારીવશ દાદી ગઈ ને દાદીવશ પથારી રહી..!
મારી આંખ ડબડબી ઊઠી, ભાગી જવાનું મન થયું,
પીકલ્સનાં પેકેટ્સ પર નજર પડી..
હા..બરાબર અહીં જ તો,
મમ્મી અથાણું બનાવી બરણી ભરતી
ને અમારા ઘરનાં વરસો જૂના પથ્થરો લાલ લાલ થઈ જતાં.
હાથ લંબાવી એક  પેકેટ ઉપાડી,
બીલ પે કરી રીતસરની દોટ મૂકી,
વૉચમેને અટકાવી “મેમ બીલ?”
એણે Exitનો સિક્કો લગાવ્યો,
થયું, હવે કદી નહીં આવું.
ફરી ઉતાવળે પગ ઉપાડવા જાઉં છું ને
પાછળથી જાણે મમ્મી બોલી,
“બેટા, પાછી ક્યારે આવીશ? લે તારા માટે તાજા અથાણાની બરણી ભરી છે!”
અત્યારે જ્યાં આ મસમોટો મૉલ છે ત્યાં પહેલાં અમારું ઘર હતું.
અને હું Exitનાં ઝૂલતાં પાટિયાની નીચે ઊભી રહી ગઈ છું  વચ્ચોવચ્ચ..!
                                                              –    યામિની વ્યાસ
                                                                  (કાવ્ય સંગ્રહ: ‘સૂરજગીરી’ માંથી સાભાર)
ઓડિયો વીઝ્યુઅલ રજૂઆત: આર્જવી વ્યાસ

4 thoughts on ““એકઝીટ…!!” – યામિની વ્યાસ – રજૂઆતઃ આર્જવી વ્યાસ

  1. :સૂરજગીરી:યામિની વ્યાસના કાવ્યની ઇ-બુકના કાવ્ય’એકઝીટ મા ખૂબ સરસ ઓડિયો વીઝ્યુઅલ રજૂઆત: આર્જવી વ્યાસની.
    .
    આર્જવી વ્યાસ હાલ તો મૅડીકલ કોલેજમા અભ્યાસ કરે છે પરંતુ બાળપણથી એણે ઘણા નાટકોમા
    અભિનય કર્યા છે અને પારિતોષિક મળ્યા છે.
    .
    ધન્યવાદ

    Liked by 1 person

પ્રતિભાવ