શ્રીમદ્ ભાગવત કથા, પ્રથમ સ્કંધ –બારમો અધ્યાય – જયશ્રી વિનુ મરચંટ


શ્રીમદ્ ભાગવત કથા, પ્રથમ સ્કંધ –બારમો અધ્યાયજયશ્રી વિનુ મરચંટ

પ્રથમ સ્કંધબારમો અધ્યાયપરીક્ષિતનો જન્મ.

 (પ્રથમ સ્કંધના દસમા અધ્યાયમાં આપે વાંચ્યું કે, શ્રી કૃષ્ણ દ્વારકા પધારે છે. એમના આગમનની ખુશીમાં સમસ્ત દ્વારકાનગરીને નવવધુની જેમ શણગારવામાં આવી હતી. પ્રજાજનોનો આટલો સ્નેહ ઝીલતાં શ્રી હરિ માતા-પિતાના મહેલે સહુ પ્રથમ જાય છે. સહુ વડીલોને, વસુદેવજીને, દેવકી માને, અને અન્ય માતાઓને મળીને, પ્રણામ કરીને, એમના વ્હાલના આંસુઓનો અભિષેક પામે છે. ત્યાંથી સહુની અનુમતિ લઈને પોતાના મહેલ પર, પત્નીઓને મળે છે.સહુ કમનીય કામિનીઓ પોતાના કામવિલાસોથી શ્રી કૃષ્ણના મનમાં સંગનો વિકાર પેદા નહોતી કરી શકી કારણ કૃષ્ણ તો અસંગ છે. અસંગ પ્રભુનો સંગ એટલે નરી નિર્મળતા. તો ભગવાનની ભગવત્તતા છે. તેઓ મનુષ્યદેહે કર્મ કરે છે પણ એમાં લિપ્ત થતા નથી. સ્નેહ, પ્રેમ અને વ્હાલ તો પ્રભુનો અતિપ્રાકૃત ગુણ છે. પ્રાકૃતતા હોય ત્યાં પ્રકૃત્તિ હોય અને પ્રકૃત્તિ સદૈવ, સ્કટીક સમી નિર્મળ હોય. નિસર્ગતામાં બનાવટ સંભવી શકે નહીં. આથી , શ્રી હરિને પામવા માટે માનઅભિમાન અને દંભને ત્યજીને સોળ હજાર રાણીઓ એમના દર્શન માત્રથી પાવન થઈ રહી હતીહવે અહીંથી આગળના બારમા અધ્યાયમાં પરીક્ષિતના જન્મ વિષે વાંચો.)

શ્રી શૌનકજીએ કહ્યુંઃ – શ્રી કૃષ્ણ તો દ્વારિકા પધાર્યા પણ અશ્વત્થામાએ જે અત્યંત તેજસ્વી બ્રહ્માસ્ત્ર છોડ્યું હતું તેનાથી ઉત્તરાનો ગર્ભ નાશ પામ્યો હતો, પરંતુ, ભગવાન શ્રી કૃષ્ણએ હસ્તિનાપુર છોડ્યા પહેલાં, પોતાના પુણ્યના પ્રતાપે એને પુનર્જીવિત કરી દીધો હતો. તે ગર્ભથી જન્મ પામેલા મહાજ્ઞાની મહાત્મા પરીક્ષિત, કે જેમને શુકદેવજીએ જ્ઞાનોપદેશ આપ્યો હતો – તેમનાં જન્મ, કર્મ, મૃત્યુ અને ત્યાર પછી તેમને મળેલી સદગતિ વિષે અમને વિસ્તારથી કહો, હે મહાજ્ઞાની સૂતજી.

સૂતજીએ કહ્યુંઃ – ધર્મરાજ યુધિષ્ઠિર પોતાની પ્રજાનું લાલનપાલન એક કર્મઠ પિતાની જેમ કરતા હતા. યુદ્ધ પછી, શ્રી કૃષ્ણના ચરણકમળની સેવાથી તેઓ હવે સમસ્ત ભોગોથી નિઃસ્પૃહ થઈ ગયા હતા. હે શૌનકાદિ ઋષિઓ, યુધિષ્ઠિર તો અતુલ સંપત્તિના માલિક હતા. તેઓ પ્રજા કલ્યાણ માટે સદૈવ યજ્ઞાદિ કાર્યો કરતા રહેતાં અને પ્રજા કઈ રીતે સુખી જીવન ગુજારે અને વિદ્યા સાથે વિકાસ પામે એ કાર્યોમાં સંલગ્ન રહેતા હતા.  આખી પ્રજા, ભાઈઓ અને રાણીઓ, સહુ એમની છત્રછાયામાં સુખી હતા. તેઓ સમસ્ત જમ્બુદ્વીપના સ્વામી હતા અને એમની કીર્તિ સ્વર્ગલોક સુધી પહોંચી હતી. એમની પાસે ભોગવિલાસના સર્વ સાધનો અને સામગ્રી હતાં પણ ભગવાનના સતત નામસ્મરણ સિવાયની અન્ય કોઈ વસ્તુ એમને સુખ આપી શકતી નહોતી.

હવે તમને હું પરીક્ષિતની વાત કરું. હે શૌનકાદિ મુનિઓ, ઉત્તરાના ગર્ભમાં સ્થિત તે વીર શિશુ પરીક્ષિત જ્યારે અશ્વત્થામાના બ્રહ્માસ્ત્રના તેજથી બળવા માંડ્યો, ત્યારે તેણે જોયું કે પોતાની આંખો સામે એક દિવ્ય જ્યોતિર્મય પુરુષ ઊભો છે. તે દેખાવે તો અંગૂઠા જેવડો છે પણ તેનું સ્વરૂપ અત્યંત નિર્મળ છે., પીળું રેશમી પીતાંબર અને માથા પર સોનેરી મુગુટમાં એક મોરપીચ્છ ધારણ કરેલું તેનું શ્યામ સુંદર શરીર ઝગમગી રહ્યું હતું. તેના કાનોમાં સુવર્ણ કુંડળ છે અને આંખોમાં મોહક ખેંચાણ છે. તે નિર્વિકાર પુરુષ પોતાની સુંદર ચાર ભુજાઓમાં અંગારા જેવી ગદા લઈને વારંવાર ઘૂમાવી રહ્યો છે અને તે પોતે એની ચારે બાજુ ઘૂમી રહ્યો છે. તે દિવ્ય પુરુષ પોતાની એ ગદા વડે બ્રહ્માસ્ત્રના તેજનું શમન કરી રહ્યો હતો. તે તેજસ્વી પુરુષને જોઈને એ ગર્ભસ્થ શિશુ વિચારવા લાગ્યો કે આ દિવ્ય પુરુષ કોણ છે. આમ દસ માસના ગર્ભસ્થ શિશુ સામે જ ધર્મરક્ષક અપ્રમેય ભગવાન શ્રી કૃષ્ણ બ્રહ્માસ્ત્રના તેજનું શમન કરીને ત્યાંથી અંતર્ધાન થઈ ગયા.

ત્યાર પછી ત્યાર પછી અનુકૂળ ગ્રહોના સંયોગથી, શુભ સમયે પરીક્ષિતનો જન્મ થયો. પૌત્રના જન્મના સમાચાર સાંભળી રાજા યુધિષ્ઠિર અત્યંત પ્રસન્ન થયા. તેમણે ધૌમ્ય, કૃપાચાર્ય વગેરે પૂજનીય સહુ બ્રાહ્મણોને બોલાવીને મંગળવચન અને જન્મના જાતકર્ણ-સંસ્કાર કરાવ્યા અને નગરજનોને અને બ્રાહ્મણોને ઉચિત દાન આપ્યું. આ પછી, વિદ્વાન બ્રાહ્મણોએ સંતુષ્ટ થઈને મહારાજાને કહ્યું કે, “હે પુરુવંશ શિરોમણિ, કાળની દુર્નિવાર ગતિથી આ પવિત્ર પુરુવંશ સમાપ્ત થવામાં જ હતો પણ તમારા પર કૃપા કરીને ભગવાન વિષ્ણુએ આ બાળક આપીને પુરુવંશનું રક્ષણ કર્યું છે. તેથી આ બાળકનું નામ વિષ્ણુરાત** થશે. નિઃસંદેહ, આ બાળક સંસારમાં ઘણો યશસ્વી, ભગવાનનો પરમ ભક્ત અને મહાપુરુષ થશે.”

(**પરીક્ષિતનું નામ બ્રાહ્મણોએ વિષ્ણુરાત રાખ્યું હતું કારણ કે ઉત્તરાના ગર્ભમાં આ બાળકનું અશ્વત્થામાના બ્રહ્માસ્ત્રથી વિષ્ણુએ રક્ષણ કર્યું હતું.)

મહારાજા યુધિષ્ઠિર પૂછે છે કે, “હે મહાત્માઓ, શું આ બાળક અમારા વંશના પુણ્યકીર્તિ મહાનુભવો એવા રાજર્ષિઓને અનુસરશે?”

ત્યારે બ્રાહ્મણોએ કહ્યું; – “હે ધર્મરાજ! બાળક મનુપુત્ર ઈક્ષ્વાકુની જેમ પોતાની પ્રજાનું પાલન કરશે તથા દશરથપુત્ર ભગવાન શ્રી રામની જેમ બ્રાહ્મણભક્ત અને સત્યપ્રતિજ્ઞ થશે. આ જાતક ઉશીનર-નરેશ શિબિ જેવો દાતા અને શરણાગતિ-વત્સલ થશે, દુષ્યંતપુત્ર ભરતની જેમ પોતાના વંશનો યશ ફેલાવશે. આ પુત્ર પોતાના દાદા પાર્થ જેવો વીર ધનુર્ધર થશે. સિંહ જેવો પરાક્રમી અને હિમાલય જેવો આશ્રય લેવા યોગ્ય અને સહિષ્ણુ થશે. આ બાળકમાં બ્રહ્મા જેવી સમતા હશે, આ ભગવાન શંકર જેવો કૃપાળુ થશે, શ્રી કૃષ્ણનો અનુયાયી અને યયાતિ જેવો ધાર્મિક થશે. આ જાતક ધૈર્યમાં બલિરાજા જેવો અને ભગવાનની નિષ્ઠામાં પ્રહલાદ જેવો થશે. આ ઘણા બધા અશ્વમેઘ યજ્ઞો કરનારો અને પ્રજાનો સેવક થશે, એટલું જ નહીં પણ પૃથ્વીમાતા અને ધર્મના રક્ષણ માટે કળિયુગનું પણ દમન કરશે. પણ એક વાત છે કે થનારું કોઈ ટાળી શકતું નથી. આ કુમાર બ્રાહ્મણ કુમારના શાપને લીધે, તક્ષક દ્વારા પોતાના મૃત્યુની વાત સાંભળીને આસક્તિ છોડીને ભગવાનના ચરણનું શરણ લેશે. હે રાજન, આ વ્યાસનંદન શુકદેવજી પાસેથી આત્માના ખરા સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત કરશે અને અંતે ગંગાકિનારે પોતાના શરીરનો ત્યાગ કરીને ચોક્કસ અભયપદ પ્રાપ્ત કરશે.”

આ પ્રમાણે જ્યોતિષશાસ્ત્રના પંડિત એવા બ્રાહ્મણોએ બાળકના જન્મલગ્નનું ફળ બતાવ્યું અને રાજાએ આપેલી દાનદક્ષિણા લઈને પોતપોતાના ઘરે ગયા. તે જ આ બાળક સંસારમાં પરીક્ષિતના નામે પ્રસિદ્ધ થયો. પરીક્ષિતે ગર્ભમાં જ શ્રી હરિની દિવ્યતા અનુભવી હતી. આ રાજકુમાર પોતાનાં ગુરુજનોના લાલનપાલનથી રોજરોજ ક્રમશઃ વધતો રહીને જલદી પુખ્ત થતો ગયો.

આ દરમિયાન સ્વજનોના વધનું પ્રાયશ્વિત કરવા માટે રાજા યુધિષ્ઠિર અશ્વમેઘ યજ્ઞ અને અન્ય ઉચિત અનુષ્ઠાન દ્વારા પ્રજા હિતના કામ થકી ભગવાનની સેવા કરવામાં મન પરોવવા લાગ્યા. આ બધા યજ્ઞ કાર્યો માટે પાંડવો ઉત્તર દિશામાં જઈને રાજા મરુત્તે અને બ્રાહ્મણોએ છોડેલું ધન લઈ આવ્યા આથી જ આ કાર્યો પણ થઈ શક્યા. જ્યારે લોક હિતાર્થે કામ કરવાના હોય ત્યારે નિયતિ પણ એમાં સાથ આપે છે, એનું આ ઉદાહરણ છે.

યુધિષ્ઠિરના નિમંત્રણથી, અન્ય યદુવંશીઓ સાથે પધારેલા ભગવાન શ્રી કૃષ્ણ તેમના યજ્ઞકાર્યો સંપન્ન કરાવવા થોડો સમય ત્યાં રહ્યા અને ત્યાર બાદ, રાજા યુધિષ્ઠિર, દ્રૌપદી અને અન્ય ભ્રાતાઓની અનુમતિ લઈને, અર્જુનની સાથે અન્ય યદુવંશીઓથી ઘેરાયેલા ભગવાન શ્રી કૃષ્ણે દ્વારકા જવા પ્રસ્થાન કર્યું.

ઈતિ શ્રીમદભાગવત મહાપુરાણનો પ્રથમ સ્કંધનો નૈમીષીયોપાખ્યાને શ્રીપરીક્ષિજ્જન્માદ્યુત્કર્ષો નામનો બારમો અધ્યાય સમાપ્ત થયો.
શ્રીમન્ નારાયણનારાયણનારાયણભગવદ્ નારાયણનારાયણનારાયણ.

વિચાર બીજઃ

.          રાજાનો ધર્મ નિભાવવો એટલે સમસ્ત પ્રજાના કલ્યાણનાં કાર્યોમાં સતત રત રહેવું તે. પ્રજાની ઉન્નતિ અને ઉત્થાનના કાર્યો એ જ સાચા યજ્ઞો છે. દરેક અલગ અલગ યજ્ઞોમાં પ્રજાના કલ્યાણનો જ ગોપિત સંદેશો છે. ઉદાહરણ રૂપે, અશ્વમેઘ યજ્ઞ એટલે પ્રજાના યાતાયાતના સાધનો અને રોજગારીના અવસરો પેદા કરવા. અશ્વને અન્ય રાજ્યોમાં મોકલવામાં આવે અને એ રાજ્યનો રાજા એને રોકે નહીં તો એ રાજા સાથે કરાર કરવામાં આવે કે પ્રજાની આવ-જા માટે રસ્તો બેઉ રાજ્યમાં ખુલ્લો રાખવામાં આવશે અને એકમેકના રાજ્યોમાં લોકો કારોબાર માટે પણ જઈ શકશે. એ સમય માટે એ જ કદાચ સામાજિક શાસ્ત્રને અનુરૂપ વ્યવસ્થા હોવી જોઈએ. આ રીતે જ મેઘ માટે થતાં યજ્ઞો પણ ઈન્દ્રદેવને પ્રસન્ન કરવા માટે થતાં જેથી દુષ્કાળ ન પડે અને પ્રજાજીવન અસ્તવ્યસ્ત ન થાય. આમ દરેક યજ્ઞોનો મૂળ હેતુ જનતાનું ભલુ થાય એ જે રહેતો.

.        રાજા પુત્ર જન્મ સમયે કે કોઈ પણ ખુશખબરી સમયે પ્રજાને જ્યારે દાન આપે છે કે પ્રજામાં ધન વહેંચે છે એમાં એક સંદેશ એ પણ છે કે “હે મારા પ્રજાજનો, તમારા દુઃખો દૂર કરવાની મારી જવાબદારી છે અને હું એની ચિંતા પણ સદૈવ કરું છું. અને, એટલે જ, મારી ખુશીને તમારી સાથે વહેંચીને, તમને સહુને, મારા સુખમાં ભાગીદાર કરું છું અને ભાગીદાર માનું છું.” આ જ છે સાચો રાજધર્મ, જે આજના સત્તાધારીઓ ભૂલી ગયા છે. પહેલાં આગળના અધ્યાયોમાં કહ્યું હતું એમ જ, આ પુરાણ સમાજશાસ્ત્ર, વિજ્ઞાન, નાગરિકશાસ્ત્ર, રાજકરણ અને અર્થશાસ્ત્ર જેવા અનેક શાસ્ત્રોના જ્ઞાનથી અતિ સમૃદ્ધ છે.

.      બ્રહ્માસ્ત્રનું શમન એટલે ન્યુક્લિયર શસ્ત્રોની અસરનું શમન કેમ કરવું આજના સમયમાં, એ વિષે વધુ સંશોધન થવું જોઈએ.

1 thought on “શ્રીમદ્ ભાગવત કથા, પ્રથમ સ્કંધ –બારમો અધ્યાય – જયશ્રી વિનુ મરચંટ

 1. સરળ રીતે સમજાવેલ બારમો અધ્યાય માણ્યો.
  ચિંતન મનન કરવા જેવા વિચાર બીજ માણ્યો.
  ૧’ રાજાનો ધર્મ નિભાવવો એટલે સમસ્ત પ્રજાના કલ્યાણનાં કાર્યોમાં સતત રત રહેવું અને યજ્ઞોનો મૂળ હેતુ જનતાનું ભલુ થાય એ જે રહેતો.’ વાત સહજ સમજાય તેવી છે.
  ૨ ‘આ પુરાણ સમાજશાસ્ત્ર, વિજ્ઞાન, નાગરિકશાસ્ત્ર, રાજકરણ અને અર્થશાસ્ત્ર જેવા અનેક શાસ્ત્રોના જ્ઞાનથી અતિ સમૃદ્ધ છે.’ .દરેક વાંચન કરતા અને ચિંતન મનન કરતા અનેક વાતો સમજાય છે.
  ૩ ‘ બ્રહ્માસ્ત્રનું શમન એટલે ન્યુક્લિયર શસ્ત્રોની અસરનું શમન કેમ કરવું ..’ અંગે ચિંતન કરતા–પ્રાચીન ભારતનાં પ્રાચીન યુદ્ધો, રામાયણ અથવા મહાભારતનાં મહાકાવ્યોની જેમ, વિશ્વની લગભગ દરેક અન્ય પુરાણકથામાં સૌથી પ્રચંડ અને વિનાશક યુદ્ધો છે. રાવણનો પુત્ર મેઘનાદ પાસે ત્રણેય સર્વોચ્ચ શસ્ત્રો, વૈષ્ણવસ્ત્ર, પાશુપતાસ્ત્ર અને બ્રહ્માસ્ત્ર હતા.દુર્ગા, ગણેશ અને કાર્તિકેય મહામહારાથીઓ પાસે બધા અવકાશી શસ્ત્રો વચ્ચે, બ્રહ્માસ્ત્ર અત્યાર સુધીનું સૌથી શક્તિશાળી શસ્ત્ર હતું. આ શસ્ત્ર સમગ્ર બ્રહ્માંડ અથવા બ્રહ્મંડળનો નાશ કરવામાં સક્ષમ હતું.બ્રહ્માસ્ત્ર, વૈષ્ણવસ્ત્ર અને પાશુપતાત્ર, ત્રણેય શસ્ત્ર અર્જુન પાસે હતા. પરશુરામ પાસે પણ આ ત્રણેય શસ્ત્રો હતા. બ્રહ્માસ્ત્ર : પૌરાણિક કાળનું Nuclear Weapon … !
  સાંપ્રતસમયે ગૌ માતા જ છે કોરોનાના ઈલાજમાં અંતિમ બ્રહ્માસ્ત્ર !
  ૨0 મી સદીમાં 300 કરોડ લોકો અદ્રશ્ય વાયરસ જે નાક અને ગળા દ્વારા શરીરમાં પ્રવેશ કરી જાય છે તેનાથી મૃત્યુ પામ્યા .આ ખતરનાક વાયરસ ગાયના શરીરમાં રહેતા ગાયના વરિઓલા નામના વાયરસ સામે હારી જતો હતો અને ગાયને શીતળાથી કશું જ થતું ન હતું, ભારતના ગોવાળિયાના આ અનુભવને એડવર્ડ જેનર નામના એક અંગ્રેજી વૈજ્ઞાનીકે કર્યો અને ગાયના શરીરમાંથી આ વેરિયોલા વાયરસના આ પીપ કાઢીને તેને માણસોને આપવાનું શરૂ કર્યું,વૈજ્ઞાનિકોએ એચ.આઈ.વીનો વાયરસ ગાયના શરીરમાં મૂક્યો ગાયના લોહીમાં એક વિશિષ્ટ એન્ટિ-વાયરસ પણ બની ગયું, જે એચ.આય.વી વાયરસને મારવામાં સક્ષમ હતું.સાઉથ ડાકોટાની એસએબી બાયોથેરાપ્યુટિક્સ નામની કંપનીએ ગાયના માધ્યમથી કોરોનાની રસી ઉત્પન્ન કરવાના પ્રયાસો શરૂ કર્યા છે. મોટી સફળતા પણ પ્રાપ્ત થઈ છે.હોલેસટન ગાય યાક અને ભૂંડના જીન્સમાંથી બનાવેલુ એક વિચિત્ર પ્રાણી છે જે માનવજાતની દુશ્મન છે!

  Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s