“જરા તો નજીક આવ” – ગઝલઃ અમર પાલનપુરી – આસ્વાદઃ – સપના વિજાપુરા


“જરા તો નજીક આવ…!”

છે પ્રેમનો સવાલ, જરા તો નજીક આવ !
ઊભી ન કર દીવાલ, જરા તો નજીક આવ !

મોટેથી કહી શકાય, નથી એવી વાત એ;
સુણવા હો દિલના હાલ, જરા તો નજીક આવ !

અંતર હંમેશા પ્રેમમાં અંતરાય થાય છે,
રાખીને એ ખયાલ, જરા તો નજીક આવ !

ટાઢક વળે છે દિલને મહોબતની આગથી;
જોવાને એ કમાલ, જરા તો નજીક આવ !

જાવું છે મારે દૂર ને ઝાઝો સમય નથી,
છોડીને સૌ ધમાલ, જરા તો નજીક આવ !

વાગી રહી છે મોતની શરણાઇઓ અમર,
જોવા જીવનનો તાલ, જરા તો નજીક આવ !

– અમર પાલનપુરી

કવિ શ્રી અમર પાલનપુરી નું નામ ભાગ્યેજ કોઈ એવું હશે જે ગઝલ જગતમાં જાણતું ના હોય. કવિ શ્રી હાલમાં સુરત નિવાસ કરે છે. હાલમાં એમનો જન્મદિવસ ગયો. એમની આ ગઝલ મારી ખૂબ ગમતી ગઝલ છે.

છે પ્રેમનો સવાલ, જરા તો નજીક આવ !
ઊભી ન કર દીવાલ, જરા તો નજીક આવ !

પ્રેમની વાત ખૂબ ખાનગીમાં થતી હોય છે. મોટેથી આ વાત થતી નથી. વળી પ્રેમની વાત કાનમાં ધીરેથી કહેવાથી જે પ્રિયતમાનાચહેરા પર શરમના શેરડા પડે છે. એ જોવાની તક કવિ શા માટે ગુમાવે ?વળી એમાં જો પાલવની દીવાલ હોય તો એ પણલોઢાની લાગે છે. કવિ પ્રિયતમાને ખૂબ ખૂબ નજીક આવવા આમંત્રણ આપે છે અને આ પાલવની દીવાલને પણ હટાવવા કહે છે. જિંદગીમાં આવા મોકા અને આવા સ્મરણો હંમેશા યાદ રાખવાના હોય છે. અને પહેલો પ્રેમનો એકરાર જે કાનમાં કરવામાં આવ્યો હોય તેને અમર બનાવવાનો હોય છે.

મોટેથી કહી શકાય, નથી એવી વાત એ;
સુણવા હો દિલના હાલ, જરા તો નજીક આવ !

હાલે દિલ બયાન કરવા હોય તો મોટેથી ના કહેવાય. પ્રેમીના દિલની શું હાલત છે એ જાણવા માટે પ્રેયસી બેતાબ હોય છે. એ પ્રેમીને પૂછ્યા કરે મારા વગર તારી શી હાલત છે? વળી આધુનિક જમાનામાં તો જો મેસેજ ના આવ્યો હોય તો જે બેકરારી થાય છે તે કદાચ આ ગઝલ લખાય ત્યારે નહિ હોય પણ મુલાકાત ના થાય તો જે હાલત થાય છે એ જાણવું હોય તો જરા નજીક આવા!! દિલ ખોલીને હું બતાવીશ કે શું શું થાય છે!

અંતર હંમેશા પ્રેમમાં અંતરાય થાય છે,
રાખીને એ ખયાલ, જરા તો નજીક આવ !

સિલસિલાનું એક ગીત યાદ આવી ગયું. દેખા એક ખ્વાબ તો સિલસિલે હુએ, ફૂલ ભી હો દરમ્યાન તો ફાસલે હુએ. આવું અંતર હંમેશા અંતરાય ઊભો કરે છે. જો દિલની વાત, હાલે દિલ, પ્રેમની કોઈ વાત સાંભળવી હોય તો નજીક આવ એકદમ નજીક !! કેઆપણી વચ્ચે કોઈ ફાંસલો ના રહે અને હું તારા કાનમાં પ્રેમની કોઈ વાત ગણગણું!

ટાઢક વળે છે દિલને મહોબતની આગથી;
જોવાને એ કમાલ, જરા તો નજીક આવ !

પ્રેમની આગ ફક્ત આગ જ નથી પણ એનાથી ટાઢક પણ થાય છે. પ્યારકા દર્દ હૈ મીઠા મીઠા પ્યારા પ્યારા. આગનું કામ છે બાળવાનું, બાળીને રાખ કરવાનું. ત્યારે જો એ પ્રેમની આગ હોય તો એ કેટલું સુકુન અને શાંતિ અને રાહત પહોંચાડે છે એ વાત કોઈ પ્રેમીને પૂછો જેના દિલમાં પ્રેમની આગ લાગી હોય ! એ પણ કમાલ તો છે. એ કમાલ જો જોવી હોય તો નજીક આવ!

જાવું છે મારે દૂર ને ઝાઝો સમય નથી,
છોડીને સૌ ધમાલ, જરા તો નજીક આવ !

હવે કવિ નો ઇન્તેજાર માજા મૂકી રહ્યો છે. હવે કવિ કહે છે કે મારે દૂર જવું છે અને મારી પાસે ઝાઝો સમય નથી! કવિ શું જીવનના અંત સુધી પ્રેમિકાની રાહ જોઈ રહ્યા છે? હવે કવિના શેરમાં દર્દ જણાય આવે છે કે મારી પાસે સમય નથી તું બધી ધમાલ છોડીને નજીક આવ. ક્યાંક એવું ના બને સમય વીતી જાય અને આપણી મુલાકાત ના થાય! તું બધી ધમાલ છોડી દે અને મારી જરા નજીક આવી જા! એવું ના બને ” મરનેકે બાદ મેરી આંખે ખૂલી રહી, ઇન્હેં આદત પડી થી ઇંતેઝારકી!

વાગી રહી છે મોતની શરણાઇઓ અમર,
જોવા જીવનનો તાલ, જરા તો નજીક આવ !

મક્તા ના શેરમાં કવિ આજ વાત ફરી દોહરાવે છે કે મોતની શરણાઈ વાગી રહી છે!! જીવનનો કેવો તાલ રહ્યો એ તો જોવા જરા નજીક આવ! કવિ દિલ ખોલીને પ્રિયતમાને પ્રેમ કરે છે. મોત ની ઘડીમાં પણ એ એને જ પાસે બોલાવી રહ્યા છે. પોતાનું જીવન એના વગર કેવું વીત્યું છે એનો તાલ જોવા તો જરાક નજીક બોલાવે છે. પ્રેમનું આ સ્વરૂપ આજકાલ ખૂબ ઓછું જોવા મળે છે. પ્રેમ એ એવો સોદો છે જેમાં ખોટ અને ખોટ છે તેમ છતાં પ્રેમીનું દિલ પ્રેમથી માલામાલ હોય છે. એમાં ના તો શારીરિક બંધન આવે છે. એમાં તો બસ રૂહ સુધી પહોંચવાની વાત હોય છે. અને એ મોત સુધી જીવંત રહેતો હોય છે. સલામ અમર સાહેબ!! આપની દીર્ઘાયુ માટે પ્રાર્થના ! અંતમાં મારા એક શેર સાથે વિરમીશ!

કાનમાં તુજ એક છાની વાત કરવી છે
આવ મારે આજ નાની વાત કરવી છે

5 thoughts on ““જરા તો નજીક આવ” – ગઝલઃ અમર પાલનપુરી – આસ્વાદઃ – સપના વિજાપુરા

  1. બહુ સુંદર ગઝલ… મને આ રસાસ્વાદ અતિ સુંદર લાગ્યો…

    ‘પ્રેમીનું દિલ પ્રેમથી માલામાલ હોય છે. એમાં ના તો શારીરિક બંધન આવે છે. એમાં તો બસ રૂહ સુધી પહોંચવાની વાત હોય છે. અને એ મોત સુધી જીવંત રહેતો હોય છે.’

    Liked by 2 people

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s