“વાર્તાનો વૈભવ” – (૨) – સાચી ગજિયાણી**નું કાપડું – પન્નાલાલ પટેલ


(પન્નાલાલ પટેલ (૧૯૧૨-૧૯૮૯) ગુજરાતી સાહિત્યનું એ નામ છે કે જે આવનારી અનેક પેઢીઓમાં ખૂબ આદરપૂર્વક લેવાતું રહેશે. ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કારથી સન્માનિત લેખક શ્રી પન્નાલાલ પટેલ પોતાના લેખન કર્મને એક ચમત્કાર જ ગણાવતા. એક ખેડૂતપુત્ર આઠ ચોપડી ભણીને ઊઠી જાય, જીવનની જંજાળમાં જોડાઈ જાય અને ઉમાશંકર, સુન્દરમના સંકેતે-સાહચાર્યે એમની સર્જક-ચેતના સંકોરતાં એક પછી એક કલાકૃતિઓ આપે, એવી જાદુભરી ઘટના સાહિત્યજગતમાં વારંવાર બનતી નથી.

ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર સ્વીકારતાં પન્નાલાલે કહેલું કે ભારતીય સંસ્કૃતિ મોક્ષલક્ષી નથી, જીવનલક્ષી છે. પન્નાલાલ સાચા અર્થમાં ધરતીના છોરુ છે, ધરતીથી જોડાયેલા છે. એમની કૃતિઓમાં ગ્રામચેતના અને ગ્રામ્યજીવનની સંવેદનાઓ ધબકતી હોય છે. ગામડામાં વસતા લોકોના જીવનને અને એમની દેશકાળને અનુરૂપ લાગણીઓની આંટીઘૂંટીઓને વાચક વિમાસતો રહી જાય એટલી કુશળતાથી આલેખે છે. એમણે નવલકથાઓ, નવલિકાઓ અને આધ્યાત્મિક સાહિત્ય સર્જ્યું છે. “મળેલા જીવ” એમની “સિગ્નેચર” કૃતિ છે.

પન્નાલાલની નવલિકાઓ ‘વાત્રકને કાંઠે’ અને ‘સાચી ગજિયાણીનું કાપડું’ એમનામાં રહેલા શબ્દોના શિલ્પીના કસબની સાહેદી પુરે છે. આ બેઉ નવલિકાઓ “વાર્તાનો વૈભવ”માં મૂકીશું. વાચવાનું ચૂકશો નહી.)

સાચી ગજિયાણી**નું કાપડું – પન્નાલાલ પટેલ

(**ગજિયાણી- એ નામનું એક જાતનું રેશમી કાપડ)

‘શિવલાલકાકા, જરા બાયણા બારું તો જુઓ…! … કહું છું – ક્યારનો હું રાડો કરું છું….!’ વીસે’કની ઉંમરના નીચી જાતિના લખુડાની દોઢ કલાક દરમિયાન આ પાંચમી વારની બૂમ હતી. પણ શિવલાલ શેઠે તો ગયા વખતની જેમ આ વખતેય, ‘એ બેસ જરા વાર, આવું છું.’ કહી ચોપડામાં જ માથું ઘાલી દીધું. ‘હાં, શું લીધું, રામા પટેલ? …અરે શાન્તિ, આ મરઘાને કેટલું તેલ આપ્યું? આ પેલી બીડીઓના પૈસા લીધા કે નહીં, સખારામ?…. આય ઠીક છે ભાઈ.. બીડીઓય ઉધારમાં?….’

આ વખત તો લખુડાને ઊઠીને ચાલતા જવાનું મન થયુંઃ ‘જે વાણિયો આટલા વખતથી સામું પણ નથી જોતો એ શું તને ઉધાર આલવાનો છે! જોતો નથી, શાહુકાર લોકોનેય ઉધાર માંડતાં માંડતાં દાંતિયા કરે છે એ? ને તેય મારે ચાર-આઠ આનાની વસ લેવી હોત તો ઠીક, પણ આ તો તું ભલે ન માને, બાકી સાચી ગજિયાણીના કાપડાના ઓછામાં ઓછા ત્રણેક રૂપિયા તો લાગવાના જ –‘

ત્યાં તો પોતાની વાત ઉપર પોતે જ આંખો ફાડી બેઠોઃ ‘ઓ બાપ, એક કાપડાના બધા ત્રણ રૂપિયા?’ ને પોતે જ પાછો મલકાઈ રહ્યોઃ ‘ત્યારે એ તો ભાઈ, સાચી ગજિયાણીનું કાપડું…!’

આ સાથે જ એની નજર સામે વાતવાતમાં ભડકતી ને અમથી અમથી હણહણ્યા કરતી બાજુના ડેલામાં બાંધેલી શેઠની વણપલોટેલી પેલી વછેરી સરખી જુવાન છોકરી જાણે ખડી થઈ ગઈ. લખુડો, કપડું તો હજુ શેઠના કબાટમાં પડ્યું છે એ પહેલાં તો દરજીએય જાણે સીવી નાખ્યું હોય તેમ, એ જુવાનડીની છાતી ઉપર તસતસતું ને તકતકતું બસ જોઈ જ રહ્યો.

આ પછી તો એણે, કોઈ બુઢ્ઢા માણસની જેમ સલાહ આપવા ઊઠેલા મનને રોકડું જ પરખાવી દીધુંઃ ‘રૂપિયો તો શું પણ પાવલુંય ઉમેરવું પડતું હોય તોય મારે નથી તો આને સાડલો ઓઢાડવો કે નથી કે’વડવું લોકોમાં સારુય! આપણે તો બસ એક આ કાપડું જ લેવું છે.’ ને એણે શેઠને છઠ્ઠી વારની બૂમ મારીઃ ‘શિવલાલકાકા!’

પણ આ વખતે તો એ, શેઠે શો જવાબ આપ્યો એ પૂરું સાંભળવા ન રહ્યો. પોતાનામાં જ પાછો પૂરાઈ ગયોઃ ‘પણ ભલા માણસ, તારી પાસે પૈસા તો છે નંઈ ને શાનો સાડલો ને કાપડું કરી રહ્યો છે..!જોતો નથી આ શેઠ તારી સામે પૂરું જોતોય નથી એ? ત્યારે એના કરતાં – એ ભડાકા દઈને ઉધાર માંડવાની ન પાડશે પછી કેમ તું ખાસિયાણું મોઢું કરીને પાછો જઈશ? ત્યારે એ પે’લાં લીધી લાજે જ – તારે ને આ છોડીને એવું છે શું કે તું પાછો સાચી ગજિયાણીનું કાપડું વો’રવા નીકળી પડ્યો છે? અરે, આ શેઠ જ તને આટલાં મનેખમાં — ઉધાર આપવાની તો મા મરી ગઈ ને ઉપરથી તને બનાવશે! કે’શે ન મળે સગું ન મળે વા’લું ને તારે એને કાપડું – ને તેય પાછું સાચી ગજિયાણીનું લેવાનું કાંઈ કારણ?

પણ લખુડો અહીં શેઠના કરતાંય વધારે ડાહ્યલા આ મન ઉપર ખીજાઈ ઊઠ્યોઃ ‘એમાં કારણ શું વળી! નાનપણમાં ઘણા દન ભેગાં રમ્યાં છીએ ને ઘણાં દન ભેગી ગોવાળીય કરી છે, તો સમજણાં થયાં પછીય ઘણી વાર હસીમસકરીય કરી છે… ભેગાં ગાણાં ગાયાં છે ને આમ આટલી ઉંમર ભેગાં ભેગાં ઊછર્યાં છીએ. આજે તો એ સાસરે જાય છે ત્યારે હું કટકાના એક કપડામાંથી જાઉં?….

અલબત્ત, મનને તો આ વાત ઠીક લાગી, પણ તોય એણે આ અલ્લડ લખુડાને શિખામણ તો આપી જ. ‘એક રીતે તો તારી વાત ખરી છે પણ જોજે પાછો, આ શેઠ કે બીજું કોઈ પૂછે તો કાપડું આલવાનું આવું કારણ જણાવતો, કે’જે કે માબાપ વગરની આ છોડીને કાકાએ સાસરવાસો કર્યો. ને વાસમાંથીય વત્તાઓછા સગપણવાળાંએ ઘટતું લીધું છે ત્યારે મી’કું લાવ, હુંય એને લટકાનું એક કાપડું લઉં. એમ કરીને… ને તોય આ વાણિયા જેવું કોઈ ચીકણું પાછળ પડે તો કહી નાખવુંઃ ‘એક જ વાસમાં રહ્યાં એટલે ગણવા બેસીએ તો ભાઈબુનેય ગણાઈએ જ ને!’ બાકી ઘરમાં તો તારે વહુ હજુ સાસરે નથી આવી ને ભાઈ તો હજુ બેય નાના છે. પછી કોણ તને પૂછનાર જ છે?… ‘

ને વળી એણે શેઠને હાંક મારીઃ શિવલાલકાકા, મારે વાઢવા જવું છે જરા-‘

શેઠે આ વખતે તો આંખથી આંખ માંડીને સવાલ કર્યોઃ ‘શિવલાલકાકા, શિવલાલકાકા કર્યા વગર શું લેવું છે એ ભસી મરને!’

પણ હાય રે લખુડા, ભસવાનું આવ્યું ત્યારે જ એ મૂંગોમંતર થઈ ગયો! સંકોચ પામીને શરમાતાં શેઠને કે’ છેઃ ‘પણ તમે જરા બા’ર આવો ને કાકા?’

‘તો બાંધ ત્યારે ઘોડું જરા વાર!’ કહીને શેઠ પાછા ઘરાકોમાં અને ચોપડામાં ડૂબી ગયા.

તો લખુડાએ પણ આ વખતે કીડીયો ચઢવાને બદલે ઊલટાની નિરાંત અનુભવી. અરે, એના બોલાવ્યા પ્રમાણે શેઠ જો ઊંબરમાં આવી ઊભા રહ્યા હોત તો ઊલટાનો એ બેવડી મુસીબતમાં મુકાઈ જાત. કારણ, ન તો આ બાબત એકાંતમાં કહેવા સરખી ખાનગી હતી કે નો’તી પડતી હિંમત કે’વાની.

હાસ્તો, શેઠની પેઠે ગામના પેલા શાહુકારોનેય થાય તો ખરું ને કે ન મળે સીધાં સગપણ ને જુઓ, મારો બેટો સાચી ગજિયાણીનું કાપડું વો’રે છે એ?…

પણ જ્યાં ઢોર હડ્યાં ત્યાં તો શિવલાલ શેઠનું હાટ ઘરાકોએ છોડવા માંડ્યું. તે અગિયાર વાગતામાં તો વહોર્યું ન વહોર્યું કરી એવું તો સહુ રવાના થઈ ગયું કે કોઈ ન માને કે સવારના અહીં આટલી ભીડ જામી ગઈ હશે! અરે, નોકરો પણ શાંતિથી ધોતિયું લઈ નહાવા માટે નદીએ ઊપડ્યા, તો સખારામ પણ જઈ દાળ આટવવામાં પડી ગયો. રહ્યા ફક્ત હાટમાં શેઠ અને હાટ બહાર લખુડો.

ને શેઠ, રાત સુધીની હવે જાણે રિસેસ પડી હોય એમ નિરાંત અનુભવતા માટીની ચલમમાં સૂકો (તમાકુ) ભરી ઉપર દિવાસળી ચાંપી, ‘બચ, બચ’ કરી તાણતા ને ધુમાડો કાઢતા ઉંબર પર આવી બેઠાઃ ‘બોલ, હેંડ, હવે! શાની બૂમો પાડ્યા કરતો’તો?’

‘બૂમો તો કાકા, આ બધા શાહુકારોને તો ધાન વાધવાનું ને અમારે ચમારોને ચાર વાધવાની એટલે જ છેવટનો વારો ને?’ શેઠને ખુશ જોઈને લખુડાએ જરા રમુજ કરી.

પણ ખરી તો શેઠને પેલી હરિજન ચળવળની બલ્કે અસ્પૃશ્યતા નિવારણની હવા બોલતી હોય એમ જ લાગ્યું હતું. પણ જાણે લખુડાની ફરિયાદ વાજબી હોય એ રીતે જ બોલ્યાઃ ‘હા, પણ તું બોલને હવે, અબ ઘડી તનેય રવાના કરી દઉં.’ ને પૈસા લેવા માટે હાથ લંબાવતાં પૂછ્યુંઃ ‘લાવ, હેંડ, શું લેવું છે?’

‘પૈસા તો છે ક્યાં હમણાં?’ લખુડાએ જ હળવાશથી કહ્યું.

ને લાગલો જ શેઠે લખુડાના કાળજે બરફના ગાંગડાનો હળવેકથી ડામ દીધોઃ ‘આ લો! હાથમાં કાવડિયો તો છે નહિ ને રોફ તો જુઓ લખેશરી જેવો!’ અલબત્ત, છોભીલા પડી ગયેલા લખુડાએ પોતાનો બચાવ કરવા પ્રયત્ન તો કર્યો પણ એટલી વારમાં તો શેઠે આગળના પાછળના લેણાં માટે એવાં વેણ કાઢ્યાં કે આડો દિવસ હોત તો લખુડો ઊઠીને ચાલતી જ પકડત. ‘ બાપ જાણે થાપણ મૂકી ગયો હોય તેમ બૂમો કેવી પાડે છે પાછો!’

પણ, પછી શેઠ પણ થોડાં નરમ પડ્યા ને પૂછ્યું, ‘હવે શું લેવું છે એ ભસ તો ખરો!’

શેઠની વાણીએ લખુડાના ઉત્સાહનો ભૂક્કો બોલાવી દીધો હતો. એને થયું કે લાવ, લેવા ખાતર છીંટનું એક સાદું કપડું લઈ જાઉં.

આમ તો જો કે લખુડો બા’ર જેવો વીસનો હતો એવો વીસનો બીજો ભોંયમાં હતો! દશ વરસનો મૂકીને બાપની પાછળ મા પણ પેલા કોગળિયામાં મરી ગઈ હતી ત્યારથી આ બીજાં દશ વરસ દરમિયાન જગતમાં એના ઉપર કંઈ કંઈ ટપલાં નો’તાં પડ્યા! એટલે જ તો શેઠનો પેલો ક્રોધ અને વેણ ગળી જતો હોય તેમ હસીને બોલ્યોઃ ‘શું બોલું, મારું કપાળ! હું જાણું કે હેંડો હવે તો પાક્યું છે તે ભરશું શેઠને એમ કરીને હરખીને લેવા આવ્યા હોઈએ ને તમે તો વરસ પાકેય દાંતિયું કરીને ઊઠો છો પછી બોલે તેય શું બોલે!’

શેઠ એમ તો પાછો ડાહી મા નો દીકરો ને? જાણે કશું બોલ્યા જ ન હોય એમ હળવી હલકે કહ્યુંઃ ‘હા, પણ તો તું પાછો – અરે હરખથી લેવા આવ્યા હોઈએ તો થોડી વાર ખોટીય થવું પડે, ગાંડા! લે બોલ હેંડ હવે – ‘પછી હસીને ઉમેર્યુંઃ ‘હરખાઈને આવ્યો છે તે કાંઈ વિવા છે કે શું કે પછી કોકને વો’રવો છે?’ (વો’રવોઃ પહેરામણીમાં આપવું)

‘વિવાય નું ય વો’રશું એની વખત આવે, પણ અત્યારે તો – ગજિયાણીનું એક કાપડું લેવું છે, કાકા! જો સારું જોઈને-‘

કોણ જાણે કે એ તો પોતાની વાત થોડીકેય સાચી પડી એમ ગણીને કે પછી કાપડું ને તેય પાછું ગજિયાણીનું એ સાંભળીને કે ગમે તેમ પણ શેઠ ખુશ થતાં વચ્ચે જ બોલી ઊઠ્યા, ‘લે ત્યારે મારું કે’વું થોડુંક તો સાચું પડ્યું ને?’

સામી બાજુ લખુડાને થોડોક ક્ષોભ થયો. ‘સાચું જૂઠું તો રામ જાણે. બાકી આ તો હું અમારા વાસમાં એક છોડીનું આણું આવ્યું છે એટલે.’

‘પણ આણું એય વિવા જ ને ગાંડા.’ ને લાગેલુ જ પૂછ્યુંઃ કોની છોડી લ્યા?’

‘માનિયાની, કાકા.’

માનિયો ક્યો? કહેતા શેઠે પોતાની યાદદાસ્તમાં સીધી ડૂબકી લગાવી.

લખુડો બોલ્યોઃ ‘માનિયો તો કાકા દશેક વરસ ઉપર નઈ, પે’લા કોગળિયામાં-‘ ત્યાં તો ખુદ એની જ યાદદાસ્તમાં એક નવો ઝબકારો ઝબકી ઊઠ્યો. ‘કેમ ભૂલો છો કાકા? આ પેલી જમની, તમારી ઘોડી સારુ ચાર નાખ્યા કરતી’તી ને ચારેક વરસ ઉપર ન’ઈ નાતરે જતી રઈ! એની જ આગલા ઘરની આ છોડી. ન’ઈ રાંડેલી હતી ને-‘(ન’ઈ – નહોતી?)

ત્યાં તો શિવલાલ કાકા અચાનક કંઈ કામ યાદ આવી ગયું હોય એમ સફાળા ઊભા થતા બોલ્યા, ‘મરશે નાતરે જતી રે’ કે કૂવામાં પડે એમાં આપણે શું!’ ને પીઠ ફેરવતાં મૂળ વાત જ લાવી મૂકીઃ ‘પણ ‘લ્યા, છીંટનું કાપડું હશે તો નહિ ચાલે?’

‘છીંટનું ય ચાલે, કાકા, પણ મી’કું ગજિયાણીનું-‘

‘અરે પણ ગજિયાણીના મૂલની તને કંઈ ખબર છે કે બસ, એમ જ? આ કંઈ એનો વિવા ઓછો છે કે દે’જ માં-‘(દહેજમાં)

લખુડો વિનંતીના રૂપમાં વચ્ચે બોલ્યોઃ ‘હા, કાકા, પણ મી’કું નમાઈ છોડી છે તો મરશે ત્યારે- ‘આ સાંભળીને કાકાને થોડીક ચીઢ પણ ચઢી હતી. ‘એમાં તે તું મોંઘા મૂલનું કાપડું વો’રવા બેઠો છે?’

લખુડાએ માથું ખંજવાળતાં લગભગ એની એ જ વાત કરીઃ ‘બીજું તો કાંઈ નઈ કાકા, પણ મી’કું, એનો કાકો આજે લોપાઈને ચાર જોડી લૂગડાં લાવ્યો તો છે પણ તમે જોયાં હોય તો બધાંય ભૂંડી ભૂખ જેવાં!’ પછી બીજાંની તો વાત જ શું કરવી! એટલે મી’કું લાવ ત્યારે – વાસનાં બીજાં લોકોએય સહુ સહુને ઘટતી રીતે કાંકને કાંક લીધું છે તો હુંય – મોંઘા મૂલનો સાડલો કે ઘાઘરો લેવાનું તો આપણું ગજું નઈ પણ એક આ સારી જાતનું-‘

શેઠેય પોતાનો વિરોધ પડતો મૂક્યોઃ ‘લઈ જાને તો મારે શું!’ કહી પેલા ચાલુ કબાટમાંથી નહિ પણ બાજુના પટારામાં રહેતાં ઊંચી જાતના કાપડમાંથી ગજિયાણીનો તાકો કાઢતાં ઉમેર્યુંઃ ભેંસનાં શીંગડાં ભેંશને ભારે – દેવું થશે તો તું ભરીશ!’

આટલી બધી સરળતાથી શેઠને આવું મોંઘા મૂલનું લૂગડું ઉધાર આપતા જોઈને લખુડો ખુશ થયો. એટલું જ નહિ, એક મોટી ઘાંટી પૂરી કરી હોય એ પ્રકારની નિરાંત બલ્કે રાહત અનુભવી રહ્યો. અલબત્ત, શેઠનું ભવન ફરી જવાનો ભય તો ઊંડે ઊંડે ચાલુ જ હતો ને માટે જ શેઠની દયાને સતેજ રાખવાની રીતે જ એ બોલવા લાગ્યોઃ ‘ભરવું તો પડશે જ ને કાકા, પણ મી’કું મરશે! નમાઈ છે ત્યારે-‘

શેઠને અચાનક કંઈક ઝબકારો થયો હોય એમ વધુ પડતી ઈંતેજારીથી વચ્ચે જ પૂછ્યુંઃ ‘તો શું જ….’ પણ, જમની બોલવા જતાં જીભને જાણે કાંટો વાગ્યો હોય એમ શબ્દ બદલ્યો, ને કહ્યું, ‘એની મા મરી ગઈ એમ?’ ને તાકા સાથે ઊભા થયા.

‘મરી તો નથી ગઈ કાકા, પણ ક્યું મોઢું લઈને એ દીકરીને વળાવવા આવે?’

‘એમ ત્યારે તો,’ કહી શિવલાલે તરઘટ પર કંતાન નાખી એ ઉપર તાકો નાખ્યોઃ’ જોઈ લે, હેંડ.’

લખુડો કાપડ પર એની સુંવાળપ માણતાં અને હાથ ફેરવતાં બોલ્યો, કાકા, આખા વાસમાં એની મા, ઘો (કજિયો) ઘાલીને ગઈ!’

શેઠ જાણે બોલવા ખાતર બોલ્યાઃ ‘એમાં ઘો શાની? મરવા દે એવી ગોબરીની વાત! બોલ હેંડ, કેટલી ફાડું?’

‘ફાડોને કાકા એક કાપડાની પૂણ. તમે તો એક જ જાતની ગજિયાણી લાવ્યા.’

શેઠ મનમાં બોલ્યા, ‘આ મારું હાળું, કહેવાય ત્યારે કપડું ને જોઈએ ત્યારે –‘આમ બબડતા તાકો, ગજ તથા કાતર લઈને પેલા પટારા પાસે બેઠા. પટારો ઉઘાડી જોઈતી ચીજો બહાર કાઢતાં પૂછ્યું; ‘બોલ, મોરિયાં કટોરી સાચામાં કે જૂઠામાં?’

‘આલો તો બધુંય હાચું જ આલોને?’ લખુડાનો આ જવાબ સાંભળી કાકા મૂંઝવણમાં મુકાઈ ગયા. કારણ પેલી દેખાડી હતી એ ગજિયાણી જ મૂળ જૂઠી હતી, ને છતાંયે આખા ગામમાં સાચામાં ખપતી હતી!

ત્યાં તો લખુડાએ શ્વાસ લઈને ઉમેર્યુંઃ મરશે બાપડી! હરખાઈને પે’રશે તો ખરી! એને વળી ક્યા અવતારમાં સાચી ગજિયાણીનું કાપડું પે’રવા મળવાનું છે?’

અચાનક શિવલાલે મનને જાણે મોકળું જ મૂકી. એક બીજો તાકો કાઢતાં કહ્યું; ‘જો સાચું જ લેવું હોય તો તો પછી સોનેરી બુટ્ટાવાળી સાચી ગજિયાણી જ લઈ જા. પૈસા તો બમણા પડશે પણ જો આ સોનેરી ઝબ્બાવાળી કટોરીઓ પણ ભેળી આવશે.´ અને કટોરીઓની પડી ઉખેળીને, કાપડાની બાજુમાં ધરી.

લખુડો અવાક બનીને સોનેરી બુટ્ટાવાળા એ લાલભડક કાપડને ને તેમાંય પેલી મરકમરક હસતી કટોરીઓ તરફ તાકી રહ્યો. અને મનમાં બબડ્યો પણ ખરોઃ ‘મારો બેટો વાણિયો! સાચી ગજિયાણી અત્યાર લગ ભાળતોય હતો?’ પછી ખુશ થતાં બોલી ઊઠ્યો, “કાકા, મનેય એવું ખરું કે જો લેવું તો શોભતું જ લેવું!’

શિવલાલનો જીવ પણ રોનકમાં આવી ગયો હતો, એમણે ફટ દઈને ભરત ભરેલી બીજી કટોરીઓ બહાર કાઢી, ઉકેલીને લખુડા તરફ ધરતાં બોલ્યાઃ ‘ને એથીય વધુ શોભાવવું હોય તો જો આ ભરત ભરેલો જાણે જીવતો જાગતો મોર…! બોલ આપું આમાંનું?’

લખુડાને આજે શિવલાલનો જીવ કંઈ બદલાયેલો લાગ્યો. અમથા યે પૈસા લઈને જાઓ તોયે આવો ઊંચો માલ ન દેખાડે ને સામે પાછા કહે ય ખરાઃ ‘તમારી હલકી વરણને તો શોભતું હોય ને, ઈ જ શોભે! આની કિંમત તારાથી નહિ ઊંચકાયા! ગાંડા, ઠેઠ લગી વો’રિયે, એવું જ પે’રવું કે લોકો પાછળથી ઠઠ્ઠા ન કરે!’

(આ વાર્તાનો બાકીનો  અને છેલ્લો  ભાગ આવતી કાલે વાંચવાનું ભૂલશો નહિ.)

 

 

 

 

 

 

 

2 thoughts on ““વાર્તાનો વૈભવ” – (૨) – સાચી ગજિયાણી**નું કાપડું – પન્નાલાલ પટેલ

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s