થોડી ખાટી, થોડી મીઠી – (૧૧) – દિપલ પટેલ


થોડી ખાટી, થોડી મીઠી – (૧૧) – દિપલ પટેલ

તમે અગાઉના લેખથી હવે અમારી કોલેજના પ્રિન્સિપાલ ડો.વિઠ્ઠલ કામતને ઓળખતાં થઇ ગયાં હશો. ખુબ મહેનતુ, ભોળા અને કર્મનિષ્ઠ. તેઓ માત્ર કોલેજના કામ ઉપર નહિ પણ છોકરીઓની પર્સનલ બાબત હોય એમાં પણ પોતાની દીકરી હોય એમ રસ લેતાં અને ફોન કરો ને અડધી રાત્રે હાજર થઇ જતાં.

અમારી કોલેજ એ સેલ્ફ-ફાયનાન્સ કોલેજ હતી એટલે એની વર્ષની ફી 60000 થી 70000 રૂપિયા હતી, ઘણી બધી એવી વિદ્યાર્થીનીઓ હોય જે આટલી ફી ભરી શકે એમ ન હતી, હા, ૫% સીટ રાખવામાં આવી હતી કે જેમાં ઓછી કિંમતે ભણી શકાય પણ બાકીની ૯૫% છોકરીઓમાંથી પણ ઘણી એવી હતી જેની ફી ભરવી અઘરી પડતી. એક તો દીકરીના ભણતર પાછળ આમેય મા-બાપ પૈસા ખર્ચતા અચકાય (જોકે એનું સ્તર ધીમે ધીમે સારું થયું છે) અને કોઈ છોકરી ફીના પૈસા ભરી નહિ શકે કે તકલીફ છે એવી વાત પ્રિન્સિપાલ સર પાસે આવ્યા કરતી હોય, ઘણાંને સરે મદદ કરી છે પણ કોલેજમાં 2000 છોકરીઓ ભણે, અને એથીય જો માત્ર 50-100 ની પણ મદદ કરવી પડે એમ હોય તો સર પાસે તો કંઈ બચે જ નહિ!

એ મને કાયમ કહે કે મારે ગવર્નેમેન્ટ પાસે જઈને કંઈક વાત કરવી છે કે ૫૦% ફી સરકાર ભરે. હું એમને સમજાવતી કે સર સેલ્ફ-ફાયનાન્સ કોલેજમાં ૫૦% ફી ગવર્મેન્ટ ભરશે તો પછી ગવર્નમેન્ટ કોલેજ બનાવાનો અર્થ શું? પણ, સરને ખુબ ઈચ્છા કે છોકરીઓને કંઈક રીતે મદદરૂપ થાય, સરને ગુજરાતી લખવા વાંચવામાં પહેલેથી થોડી તકલીફ એટલે હું એમને મદદ કરતી અને અમે ગુજરાત ગવર્નમેન્ટમાં ઘણા પત્રો અને અરજીઓ કરી. સ્વાભાવિક છે અમારી માંગણી થોડી અર્થ વગરની તો હતી જ એટલે ત્યાંથી જવાબ ના માં જ આવે. સર કહે આપણે જ શિક્ષણમંત્રીને મળવા જઈએ.

ગુજરાત ગવર્નમેન્ટમાં એક વાત સરસ છે કે દર મંગળવાર એ પબ્લિક ડે, એટલે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ મંત્રીને એ દિવસે જઈને મળી શકે. અમે પણ એક મંગળવાર નક્કી કર્યો અને સવારે 9 વાગે કોલેજની ગાડીમાં હું, સર, એક વિદ્યાર્થીની અને ડ્રાયવર ભાઈ નીકળ્યાં. 10:30 એ ગાંધીનગર પહોંચ્યા અને એ સમયે વસુબેન ત્રિવેદી શિક્ષણમંત્રી હતાં એટલે એમનાં ચેમ્બરની બહાર જઈને એમની રાહ જોઈને બેઠા. મંત્રી કેટલા વ્યસ્ત હોય એ દિવસે રૂબરૂમાં જોયું, ઢગલો માણસોની લાઈનો મંત્રીને મળવા માટેની હતી, સવારે 9 વાગ્યાનાં નીકળેલા અમારો નંબર આવ્યો 4 વાગ્યે! ખુબ ભૂખ લાગી હતી પણ અમે જો નીચે કેન્ટીનમાં જમવા જઈએ અને કદાચ અમારો નંબર જતો રહે તો એ બીકે અમે ત્યાંથી ખસ્યાં જ નહિ.

અમારો નંબર આવ્યો અને અમારી ફાઈલ સાથે અમે અમારી વાત વસુબેન આગળ મૂકી. સરને થોડું વધારે બોલવાની ટેવ એટલે એ વાત કરી રહ્યાં હતા અને મારી નજર મેડમના ટેબલ ઉપર પડેલા મોટા 2 બોક્સ મીઠાઈના ડબ્બા ઉપર હતી (જે એમને આગળ કોઈ મળવા આવ્યું હશે એ આપી ગયું હશે) અને એમાંથી જોરદાર ઘી અને ચણાના લોટની સુગંધ આવતી હતી. એક તો સવારનું ભૂખ્યું પેટ એટલે મારું નાક, આંખો બધું એ તરફ જ હતું. મારાથી રહેવાયું નહિ અને મેં મેડમને પૂછી લીધું : “મેડમ, માફ કરશો પણ મારાથી આ બોક્સમાંથી લાડુ ખવાય? સખ્ખત ભૂખ લાગી છે”. મેડમ ખડખડાટ હસ્યાં અને મને આખું બોક્સ આપી દીધું અને મેં લાડવા કોઈ જ પ્રકારની શરમ વગર ખાધાં.

એ સમયે સર ગુજરાતની દીકરીઓ ‘બિચારી’ છે, એમને મદદની જરૂર છે એના ઉપર કંઈક બોલી રહ્યાં હતા. મેડમ તરત જ એમને અટકાવતાં બોલ્યા કે “સાહેબ, જે ગુજરાતની દીકરી મિનિસ્ટર પાસેથી એમનાં લાડવા માંગીને ખાઈ શકે એ ગુજરાતની છોકરી બિચારી હોઈ જ ના શકે!!” અમે બધા ખુબ હસ્યાં અને હું ધારતી હતી એમ જ થયું. મેડમ એ સીધે સીધું જણાવી દીધું કે સાહેબ જુઓ, અમે ગુજરાતની સેલ્ફ ફાયનાન્સ કોલેજોના બાળકો માટેનો 50% ખર્ચો પૂરો પાડીએ તો અમારી ગવર્મેન્ટ કોલેજ શેના માટે ખોલી છે? કાં તો તમારા મેનેજમેન્ટને કહો કે ફી ઘટાડે અથવા દીકરીઓને કહો કે ગવર્મેન્ટ કોલેજમાં એડમિશન લે!”
પછી અમે એમનો આભાર માન્યો, સરને પણ થોડો સંતોષ થયો અને અમે મીઠાઈના ડબ્બા સાથે પાછા વળ્યાં!

મજાની વાત મને એ લાગી કે શિક્ષણમંત્રીએ ના તો અમને કોઈ ખોટા વાયદા આપ્યા કે ના શિખામણ. સીધેસીધું કહી દીધું કે આ શક્ય નથી એટલે તમારો અને અમારો સમય ના વેડફશો અને મને મારી ગુજરાતની દીકરીઓ ઉપર પૂરો વિશ્વાશ છે.

અમે લાડવા ખાતાં ખાતાં પાછા આવ્યા અને સરે આ વ્યર્થ પ્રયત્ન કરવાનું છોડી દીધું 🙂

3 thoughts on “થોડી ખાટી, થોડી મીઠી – (૧૧) – દિપલ પટેલ

  1. શિક્ષણમંત્રીએ ના તો અમને કોઈ ખોટા વાયદા આપ્યા કે ના શિખામણ. સીધેસીધું કહી દીધું કે આ શક્ય નથી સટિક વાત ગમી

    Liked by 1 person

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s