મુકામ Zindagi – સ્ક્રીપ્ટઃ બ્રિન્દા ઠક્કર – રજુઆતઃ જિગર અભાણી


આજે આ લખું છું ત્યારે હૃદય ચિરાય છે. મન ચિચિયારીઓ પાડી રહ્યું છે. આંસુ કેમેય રોકાતા નથી ને એટલે થયું કે બધું લખી નાંખું. જેટલું મનમાંથી વહી શકે તેટલું વહાવી નાંખું. આખું વિશ્વ જાણે એકાએક ભેંકાર થઈ ગયું છે.
મેં થોડા જ સમય પહેલા મારા પડોશી લીમડા વિશે લખ્યું હતું. કહ્યું હતું કે જ્યારે આ જાડી ચામડીની દુનિયા સામે એ પોતાનું અસ્તિત્વ ટકાવી નહીં શકે ત્યારે હું સ્થિર ઉભી રહી શકીશ? એની રજકણો હવામાં – મારા ઘરમાં કાયમ તર્યા કરશે.

આજે એ ગોઝારો દિવસ છે. હજી એ જે.સી.બી. ના પડઘા મારા કાનને છોલી રહ્યા છે. એ પીળું વિશાળકાય મશીન મારા પડોશીને જડમૂળથી ઉખાડીને ફેંકી ચૂક્યું છે. એની લાશ મારી સામે જ-સાવ સામે પડી છે. ધૂંધળી આંખો અને હિબકાઓથી હું એને કપાતો જોઈ રહી.લોખંડની જાળીને ટાઈટ પકડીને ઉભી હતી, ધ્રૂજતી હતી. જોવાતું નહોતું મારાથી, દર્શન મને ત્યાંથી લઇ જવા મથી રહ્યા હતા ને ખેંચી રહ્યા હતા ને તોયે… મારે છેલ્લી વાર મારા સાથીને મન ભરીને જોઈ લેવો હતો.

આસપાસ બધી જ કોયલ, કાગડાઓ અને કાબરો એમનું સર્વસ્વ લૂંટાતું જોઈ રહ્યા હતા. આમથી તેમ ઉડાઉડ કરી રહ્યા હતા ને બઘવાઈ ગયા હતા! આ શું થઈ ગયું? એમનું ઘર ક્યાં ગયું? એમનો માળો, એમના બચ્ચા, એમના ઈંડા??? એમને કોઈ નોટિસ પિરિયડ કેમ નથી આપતું? એમને ઘર ખાલી કરાવવા માટે કેમ કોઈ પ્રોસિજર નથી? એમના બચ્ચા અને એમના ઘરની કેમ કોઈ જ વેલ્યુ નથી?

એ મહાકાય પીળું મશીન મારા લીલાછમ લીમડાને રહેંસી રહ્યું હતું ને અમે કશું જ એટલે કશું જ કરી શકવા સક્ષમ નહોતા. મેં આખી ઘટના જોઈ. જોવી જ હતી. મન રાડો પાડી રહ્યું હતું, મારો પડોશી આમ નિર્દયતાથી પિંખાઈ રહ્યો હતો ને હું એને જોવા સિવાય કશું જ કરી ન શકી!

પ્રેક્ટિકલ બનવું કેટલું જરૂરી હોય છે નહીં? કહે છે કે અમારા એરિયામાં જમીનનો ભાવ આસમાનને આંબે છે. નાનકડા ટુકડાની પણ કરોડોમાં વેલ્યુ છે. હશે ભાઈ! આટલા બધા જીવોનું ઘર ત્રણથી ચાર મિનિટમાં હતું-ન હતું કરી નાખ્યું અને હવે એમાં સૌથી શક્તિશાળી પ્રાણી ‘માણસ’નું ઘર બનશે! બનાવો…

સાચી વાત છે. માણસ જ જીતે છે. એની આગળ કોઈનું કશું ચાલતું જ નથી! પ્રકૃતિ એક યા બીજી રીતે એનો બદલો લેતી રહેશે અને માણસ એના સ્વભાવ પ્રમાણે બધું પિંખતો રહેશે. ચક્ર ચાલ્યા કરશે. ચલાવો.

હવે રોજ સવારે બાલ્કનીમાં જઈને હું મારા લીમડાના અંશોને ‘સૉરી’ કહીશ. આખી જમાત બદલ માફી મેં માંગી લીધી છે. એની ડાળીઓ તો કપાઈ ગઈ’તી તરત, પણ મૂળને ઉખાડવા માટે એ પીળા મશીને બહુ જહેમત ઉઠાવવી પડેલી. એને પણ ત્યાંથી નહોતું હટવું. વર્ષોથી એ ત્યાં કોઈ પાસેથી કશું જ લીધા વિના ફક્ત આપ્યા કરવા માટે અડીખમ ઉભો હતો. એણે આશરો આપ્યો, છાંયડો આપ્યો, ચોખ્ખી હવા આપી અને મારા જેવીની વાતો સાંભળવા હંમેશા સાથ આપ્યો.

મારું એ અડીખમ વૃક્ષ જતાં-જતાં જાણે મને જ જોઈ રહ્યું હતું. મારા ડૂસકાં એને આટલા અવાજમાં પણ કદાચ સંભળાતા હતા.

જાણે કહી રહ્યું હતું કે ‘હોય હવે યાર! જિંદગી છે ચાલ્યા કરે. આપણા અંજળ આટલે સુધી જ હતાં. મારો રોલ પૂરો થયો. મારી એક્ઝિટ વખતે મારે આંસુ નહીં, મારા કામનો સંતોષ જોવો છે. એટલું તું મને નહીં આપે?’
આખા મેદાનમાં વૃક્ષોની લાશોના ઢગલા જાણે મને આવું જ કહી રહ્યાં  છે.

બની શકે તો વૃક્ષો ન કાપતા. એની સાથે બીજું ઘણું કપાઈ જતું હોય છે.

અલવિદા યારા. થેન્ક યુ ફોર એવરીથિંગ.

ઓડિયો વીઝ્યુઅલ પ્રેઝન્ટેશન માટે નીચેની લીંક ક્લીક કરો

https://youtu.be/UHYSDa-7hew

Attachments area

Preview YouTube video મારી નજર સામે સાથીદાર-પડોશી લીમડો કપાઈ ગયો!

મારી નજર સામે સાથીદાર-પડોશી લીમડો કપાઈ ગયો!

4 thoughts on “મુકામ Zindagi – સ્ક્રીપ્ટઃ બ્રિન્દા ઠક્કર – રજુઆતઃ જિગર અભાણી

 1. મારે બસ આટલું જ કહેવું છે. જે પીડા તમારી એ મારી પણ છે.
  મૂંગું રુદન !

  મને મૂંગું રુદન સંભળાયું
  હું મારાં લાકડાંનાં પલંગમાંથી ઊભી થઈ

  લાકડાંનાં ફ્લોર પર ચાલતી

  રસોડાનું લાકડાંનું બારણું ખોલી,

  લાકડાંનાં કેબીનેટમાંથી ચશ્મા કાઢી

  મારી લાકડાંની રેલિંગ પકડી

  અને હું લાકડાંની બાલ્કનીમાં ધસી ગઈ

  મે શું જોયું ત્યાં..

  કદાચ કોઈનું શબ પડ્યું હતું

  લોકો ટોળે વળી વાતો કરતા હતા

  મોટી ઈમારતો બનાવવા ઊંડાં પાયા ખોદી નાખે

  એટલે વૃક્ષનાં મૂળ કપાય જાય

  અને વૃક્ષોને પોષણ ના મળે..

  એટલે વૃક્ષ નબળું પડે અંતે પડી જાય

  ટોળું હસતું હસતું વિખેરાઈ ગયું..

  અને હું લાકડાંનાં બારણાંનો સહારો લઈ

  અધ મરેલા એ વૃક્ષનું મૂંગું રુદન

  અને બેઘર બનેલા પંખીઓની ચિચિયારી સાંભળી રહી…

  સપના વિજાપુરા
  ૦૬-૦૫-૨૦૧૧

  Like

 2. હૈયા સોંસરવી વાત બ્રિન્દાબહેને લખી, એને અવાજ મળ્યો જિગરનો અને એવું જ વર્ણન સપનાબેનનુ અછાંદસ કાવ્ય વાંચ્યુ.વગર કારણે કપાતા વૃક્ષો બચાવવાની જવાબદારી આપણા સહુની છે.

  Like

 3. આ આખા દ્રશ્યનો તાદ્રશ્ય અનુભવ છે મને. આભને આંબવા સુધી પહોંચવાની નેમ લઈને વધી રહેલા એ વૃક્ષને બાજુવાળાએ વહેરી નાખ્યું.. એવા જ પીળા મશીનની કરવતોએ એને ઘડી બે ઘડીમાં હતુ ન હતું કરી નાખ્યું અને ત્યારે આવી જ વેદના હું અનુભવી રહી હતી.
  માનવજાતને ગ્રહો નડે પણ આ પ્રકૃતિએ માનવજાત નડે એનો શો ઉપાય?

  Like

 4. સ રસ કાવ્ય યાદ ૧૯૭૩મા એવું નક્કી કર્યું કે દરેક લોકોએ વૃક્ષો પર ચોકી પહેરો રાખવો. લોકો વૃક્ષને અડગતાથી વળગી રહ્યા. ચિપકી રહ્યા જેથી આ આંદોલન ચિપકો આંદોલન કહેવાયું.
  એ સમયે ત્યાનાં રાની જંગલોનાં ૨૫00 જેટલાં વૃક્ષોને સરકારે લિલામ જાહેર કર્યા. સરકારની વનનીતિ સામે અમુક લોકોએ અવાજ ઉઠાવ્યો ગરીબ પ્રજાને જંગલનું મહત્ત્વ, તેનાં વિનાશથી ઘટનારી વિનાશલીલા વિશે સમજાવ્યું અને આંદોલનમાં ડર વગર જોડાવા આહ્વાન કર્યું. મહિલાઓએ અડગતાથી ધીમા પણ મક્કમ પગલે સરકારની વનનીતિઓનો સામનો કર્યો. તેમની હિંમતનાં કારણે એક પણ વૃક્ષ કપાયું નહી. તેમણે ગામેગામ જઈ લોકોને વૃક્ષોની અને જંગલની કાળજી માટે પ્રતિબદ્ધ કર્યા.

  Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s