અંતરનેટની કવિતા – (૯) – અનિલ ચાવડા


‘જેટલા ઘસાવ એટલી મહેક આવે’

લોગ ઇનઃ

સ્હેજ જો હળવાશ છે? તો કર કવિતા!
હોઠ ઉપર હાશ છે? તો કર કવિતા!

ભીતરે કડવાશ છે? તો કર કવિતા!
આંખમાં ખારાશ છે? તો કર કવિતા!

ચાલ, અંદર આગ ચાંપી જોઈ લઈએ,
સંઘર્યો પોટાશ છે? તો કર કવિતા!

આવવાના એ નથી – કહીને ગયાં છે,
‘આવશે’ એ આશ છે? તો કર કવિતા!

જિંદગી આખી ઘસી નાખી શકાશે?
એટલી નવરાશ છે? તો કર કવિતા!

હિમલ પંડ્યા

કવિઓ વિશે ઘણા જોક્સ પ્રચલિત છે. એકાદ વર્ષ પહેલાં તો કવિના જોક્સ ખૂબ ચગ્યા હતા. કંઈ પણ હોય તો તરત લોકો કહેતા આમાં કવિ આમ કહેવા માગે છે. છાપાંઓએ પણ આ વાતની નોંધ લીધેલી. કવિ બિચારો નટુ-ગટુ કે સાન્તા-બાન્તાના જોક્સ જેવો થઈ ગયેલો. વળી ગુજરાતીમાં એક જોક્સ બહુ જાણીતો છે કે કોઈ કવિને પૂછે, ‘તમે શું કરો છો?’ કવિ કહે, કવિતા કરું છું. પછી સામેવાળી વ્યક્તિ કહે, એ તો ઠીક, પણ કવિતા સિવાય બીજું શું કરો છો?’ કવિ અને તેના કવિતાકર્મને આપણે ત્યાં બહુ સહજતાથી અને મજાકના અંદાજથી જોવામાં આવે છે. વળી બીજી બાજુ આપણે ત્યાં કવિને આર્ષદ્રષ્ટા પણ કહેવામાં આવ્યો છે. એવું પણ કહેવાય છે કે જે કવિની આંખ જોઈ શકે છે, તે બધા જોઈ શકતા નથી. જયંત પાઠકે કવિતા ન કરીએ તો શું થાય? એવો પ્રશ્ન ઊભો કરીને જુદાં જુદાં ઉદાહરણો આપ્યો છે કે આમ ન થાય, તેમ ન થયા અને કવિતાની છેલ્લી પંક્તિમાં ઘણું બધું કહી દીધું છે, કવિતા કરવાનું બંધ કરીએ તો આમ તો કશું ન થાય, એટલે કે કશું થાય જ નહીં!’

હિમલ પંડ્યાએ કેવી અવસ્થામાં કવિતા કરવી અથવા તો શું હોય તો કવિતા લખી શકાય તેની વાત ગઝલની કેડી પર ચાલીને કરી છે. હળવાશ એ કવિતાની પ્રાથમિક જરૂરિયાત છે. તમારી અંદર ઊથલપાથલ થતી હોય, તમે પીડાથી તરતબતર હોય, પણ એ પીડાને વ્યક્ત કરવા માટે થોડી હળવાશ જોઈએ. જીવન પ્રત્યેનો અસંતોષ તમને કવિતા લખાવી શકે, તો જીવન પ્રત્યેનો પરમ સંતોષ પણ તમને કાવ્યના રસ્તે લઈ જઈ શકે. મૂળ વાત કવિતાનો હાથ ઝાલીને ચાલવાની છે. એક અંગ્રેજ કવિએ કહેલું, તમારે કવિતા લખવી છે? તો તમારા ઘાવ ક્યાં છે એ બતાવો. ગૌરાંગ ઠાકરે પણ લખ્યું છે, તમને કવિતા તો કહેવી છે પણ, તમારા દિલમાં ક્યાંક ઉઝરડતો જોઈએ. લખવા માટે તો ઉઝરડો જોઈએ જ, સાંભળવા માટે પણ અંદર રહેલી કડવાશ તમને મદદ કરતી હોય છે. હિમલ પંડ્યા પણ ભીતરની કડવાશ અને આંખની ખારાશની વાત કરે છે. ખલીલ ધનતેજવીએ લખ્યું છે, ખાલી ગઝલ જો હોય તો ફટકારી મારીએ, આ તો હૃદયની વાત છે હાંફી જવાય છે. કવિતા મૂળ તો હૃદયની વાત છે, એ નામાના આંકડા નથી કે તમે સંવેદનાની ગણતરી કરી શકો. એ તો લાગણીની નદી છે, તેમાં તો વહેતા જવાનું હોય! કવિ હીમલ પંડ્યા આ વાત સારી રીતે જાણે છે. ભીતરની આગ કવિતાની માગ ઊભી કરે છે, એ વાતથી એ સુપેરે પરિચિત છે. આપણને ખબર જ હોય કે આપણને છોડીને ગયેલી વ્યક્તિ કદી પાછી આવવાની નથી, છતાં આપણું હૃદય તેની રાહ જોયા કરે છે, ત્યારે આપણી અંદર પ્રતીક્ષા કવિતા થઈને ફૂટી નીકળે છે. ન આવવાનું જાણ્યા છતાં પણ જો આવવાની આશા હોય તો સમજી જવું કે તમારી ભીતર પ્રગટેલી સંવેદનાને કવિતાની કેડી પર વિહાર કરવો છે. લાગણી કવિતાની મુખ્ય માગણી છે.

હૃદયની પીડાને હીમલ પંડ્યા બરોબર સારી રીતે જાણે છે. માત્ર સંવેદનાની રીતે જ નહીં, શારીરિક રીતે પણ! તેમની કવિતા આગ અને પોટાશની વચ્ચેની ધાર પર ચાલે છે. આપણે ત્યાં એવું પણ કહેવાય છે કે કવિતા નવરા લોકોનું કામ છે. હીમલ પંડ્યાએ  આ વાતને ઉલટાવી નાખી. તેમણે કવિતા માટે જિંદગી ઘસી નાખવાની તૈયારી હોય તો જ લખજો કહીને લાલ બત્તી ધરી છે. કાવ્યલેખન એ નવરા બેઠા છીએ તો બેચાર કવિતા ઘસી નાખવાની પ્રવૃત્તિ નથી. કૃષ્ણ દવે કહે છે તેમ, જાત બળી જાય તો ખ્યાલ ન રહેને એ જ માને આ પૂનમની રાત!’ કવિતાનું ચંદન જેવું છે, જેટલા ઘસાવ એટલી વધારે મહેક આવે!

લોગ આઉટઃ

તમને તારાઓની બારાખડી ઉકેલતાં આવડે છે?
– તો લખો.

તમને ફૂલોની પાંખડીમાં પ્રવેશતાં આવડે છે?
– તો લખો.

તમને ક્ષણની આંખડીમાં કશુંક આંજતાં આવડે છે?
– તો લખો.

તમને રણના વિષાદને મૃગજળથી માંજતાં આવડે છે?
– તો લખો.

તમને આંખમાં આવેલા વાદળને નહીં વરસાવતાં આવડે છે?
– તો લખો.

તમને મેઘધનુષને સુક્કી ધરતી પર વાવતાં આવડે છે?
– તો લખો.

તમને લોકોની વચ્ચે તમારી સાથે રહેતાં આવડે છે?
– તો લખો.

તમને તમારાથી છૂટાં પડતાં આવડે છે?
– તો લખો.

તમને કંઈ પણ આવડતું નથી
એ અવસ્થા પર ઊભા રહેતાં આવડે છે?
– તો લખો.

સુરેશ દલાલ

 

1 thought on “અંતરનેટની કવિતા – (૯) – અનિલ ચાવડા

 1. તમને કંઈ પણ આવડતું નથી
  એ અવસ્થા પર ઊભા રહેતાં આવડે છે?
  – તો લખો. મા સુરેશ દલાલ આ રચના કરી અને અનેકોને લખ વા થયો અને
  કવિશ્રી હિમલ પંડ્યાએ લખનુ કર કરી લખ્યુ
  જિંદગી આખી ઘસી નાખી શકાશે?
  એટલી નવરાશ છે? તો કર કવિતા! તો
  – ડો.મહેશ રાવલએ લખ્યું
  થીજી ગયેલું સ્વપ્ન થોડું ઓગળે,તો લખ મને
  એકાદ કારણ ઓળખીતું નીકળે,તો લખ મને !
  સ્નેહી પરમાર લખ્યુ
  ફેણ દરિયાઓ ઉછાળે તો લખો,.
  એ પછી કાંઠો વટાવે તો લખો.
  Hetaxi એ લખ્યુ
  નાનકડો કાગળ તો લખ
  પ્રિયથી આગળ તો લખ
  હું ક્યાં માંગું છું ચોમાસું
  ખાલી પણ વાદળ તો લખ
  રાજીવજી એ લખ્યુ
  ..ઇતિહાસ તો લખ
  ચેંગિજ઼ખાન બાબર અકબર બાહદુર્શા જફર નો ઇતિહાસ છોડ
  પોતાના મુઠ્ઠીભર પરાક્રમો નો ઇતિહાસ તો લખ…..
  સૌને લખ લખ વધાઈયું

  Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s