બે કાંઠાની અધવચ – (૧૨) – પ્રીતિ સેનગુપ્તા
પ્રકરણ – ૧૨
કેતકીનાં લગ્ન નક્કી તો થઈ ગયાં, પણ ત્યારથી માઇને બહુ ચિંતા થતી હતી, કે સાસરામાં કેવું લાગશે કેતકી રસોઇ નહીં કરી શકે તો. દીજી એ સાંભળીને બહુ હસ્યાં હતાં, અરે, તને તારી છોકરીની હોંશિયારી ખબર નથી. એ તો રસોડામાં ગયા વગર બધું શીખી ગઈ છે. ફક્ત જોઈને, ને ચાખીને, કેટલીયે વાનગીઓ એને આવડી ગઈ છે.
એવું તે કાંઈ બનતું હશે? માઇ માનવા તૈયાર નહતાં, પણ દીજી આગળ માઇ વધારે શું કહી શકે? પણ લો, બન્યું એવું, કે કેતકીને સાસરાના રસોડામાં જવાનો વારો જ ના આવ્યો. સુજીત અમેરિકા જવા નીકળ્યો તે પહેલાં એ ત્યાં રહી જ કેટલા દિવસ?
તો હવે માઇ એમ ટોકવા લાગ્યાં, કે અમેરિકા જઈશ. ત્યાં તું ને તારો વર ખાશો શું? ચલ, હવે રોજ કશું બનાવતી જા, અને શીખતી જા. કેતકીને પણ જાણે અચાનક રસોઈ કરવાનો શોખ લાગી ગયો. દરરોજ સવારે એ રસોડામાં માઇને મદદ કરતી. દાળ-શાક તો ખરાં, પણ કેટલાંક ફરસાણ શીખી; અને દૂધપાક-શિરો તો ખરા, પણ ખાસ તો નારકોળના લાડુ બનાવતાં શીખી.
દીજી કહે, જોજે, નારકોળના લાડુ ખાઈ ખાઈને સુજીતકુમાર ગોળમટોળ ના થઈ જાય.
વાહ, દીજી પણ સૅક્સી મજાક કરતાં થઈ ગયાં!
દેવકી તો પહેલેથી જ એને ચિડાવતી હતી. તમે તો હવે મઢમ થવાનાં. લાડુને બદલે કેક બનાવતાં થઈ જવાનાં.
કેતકી ઉપરથી ગુસ્સો કરતી, પણ અંદરખાને ખુશ થતી. અમેરિકામાં સુજીત સાથેના જીવન વિષે કેટલીયે સુખદ કલ્પના કર્યા કરતી.
બંને નસીબદાર જ કહેવાય, કારણકે કેતકીને પરવાનો મળી જતાં દોઢેક વર્ષ માંડ થયું. ટિકિટના પૈસા સુજીત આપતો ગયો હતો. પણ બૅગ ગોઠવાતી ગઈ તેમ કેતકી અને ઘરનાં બધાં ઉદાસ થતાં ગયાં.
માઇ કહે, તું જવાની, તુકી? આટલે દૂર? તને ફાવશે ને? બાપ્સ તો બોલીને કશું પણ કહી શકતા નહતા. વારંવાર રૂમમાં આવીને બૅગ ગોઠવાતી જોઈ જતા હતા. ને દીજી- આમ આટલાં જબરાં લાગે તેવાં, પણ હૈયું, અત્યારે, પલળેલા રૂ જેવું બની ગયું હતું. કેતકીને કહે, તુકી, કશું પણ થાય. તને ના ગમે ત્યાં, કે કશું પણ— તું તરત અહીં આવતી રહેજે.
આવું સાંભળીને બાપ્સ માથું હલાવતાં બહારના રૂમમાં જતા રહેતા. કેટલે દૂર જશે દીકરી. એમ પાછી તે કાંઈ આવી શકવાની છે? રોજની ચબરાક દેવકી પણ શાંત થઈ ગઈ હતી. કહે, તુકી, તારા વગર હું શું કરીશ?
પછી તો, સામાનમાં જે માયું તે ખરું, ને રહી ગયું તે રહી ગયું, પણ પેલી વચનની વીંટી, શેક્સપિયરનાં લવ-સૉનૅટ્સની ચોપડી, અને સ્વિમિન્ગ કૉશ્ચ્યુમ બૅગમાં મૂકવાનું એ ભૂલી નહીં.
એક ઘર છોડવાનું હતું, બીજું ઘર વસાવવાનું હતું. છૂટાં પડવાનો રંજ, ભેગાં થવાનો હરખ. હૃદયની અંદર જાણે એક લોલક ચાલતું હતું. એમ જ રડતાં-હસતાં, કેતકીએ ન્યૂઅર્ક ઍરપૉર્ટ જતી ફ્લાઇટ લીધી.
નીચે પથરાયેલું પાણી, અને ઉપર ફેલાયેલું આકાશ. બંનેની વચ્ચે વિમાન એકલું એકલું ઊડ્યા જ કરે- કલાકો સુધી. દરિયો તો એનો એ જ, ઍટલાન્ટીક મહાસાગર, પણ જવાનું એક પરિચિત કાંઠો છોડીને બીજા કોઈક અજાણ્યા કાંઠા પર.
આટલી લાંબી સફર. પહેલવહેલી વાર, આમ સાવ એકલાં, કશુંક કરવાનું આવ્યું હતું. પણ કેતકીના મનમાં મક્કમતા હતી. એટલો સમય એ કોઈના આધાર, કે દખલ, વગર ગાળી શકવાની હતી.
શાંત ચિત્તતા એની આસપાસ ફરી વળી. જાતની અંદર જોવાની એને તક મળી. ટૂંકા સમય માટે જાણેલા પતિની પાસે એ જતી હતી. કંઇક જોખમ હશે એમાં, કંઇક જવાબદારી હશે. હવે એણે જ જોવાનું હતું, કે નવી જગ્યાએ, નવા કિનારે, નવા જીવનમાં એ કઈ રીતે સફળતા પ્રાપ્ત કરે.
ભારતીય સ્ત્રી, હવે ભારતીય પત્ની, ફરજ એની જ હતી લગ્ન-જીવનની સફળતા પ્રત્યે; વધારે મહેનત, વધારે પ્રયત્ન, એણે જ કરવાના હોય. ને સુજીત જેવો પતિ. ગોવાના દિવસો દરમ્યાનની, સુજીતની રોમાન્ટીક વર્તણૂંક યાદ કરતાં પણ, કેતકીનાં અંગ એના સ્પર્શનો વિરહ અનુભવવા માંડતાં હતાં.
ક્યારે પૂરી થાય આ સફર. ક્યારે જુએ સુજીતને ઍરપૉર્ટ પર. જેવો જોશે કે તરત એ દોડીને એને વળગી પડશે, અને એક ચુંબન તો લઈ જ લેશે. અમેરિકામાં તો થાય, ત્યાં તો આવું બધાં જ કરે, એણે કોઈ ફિલ્મ મૅગૅઝીનમાં વાંચેલું. બસ, પોતે શરમમાં ને શરમમાં ના રહી જાય તો સારું.
પણ ઍરપૉર્ટ પર સુજીતની સાથે બીજા કોઈ ભાઈ હતા. તે ય પાછા ઇન્ડિયન. એમની સામે સુજીતને વળગવું કાંઈ સારું લાગે? કેમ કોઈને લઈને આવ્યા હશે એ?,કેતકીના મનમાં જરા ફરિયાદ થઈ આવી. પણ સુજીતે આગળ વધીને કેતકીને બાથમાં લીધી જ, ને જોરથી કિસ પણ કરી. કેટલું ગમ્યું, તે કેતકી કઈ રીતે બતાવે પેલા અજાણ્યા માણસની સામે?
પાસે આવીને એમણે જ કહ્યું, કેમ છો, ભાભી? ફ્લાઇટમાં બહુ તકલીફ નથી પડી ને?
જાણે એનું પ્રાઇવેટ પ્લેન ના હોય, કેતકીએ મનમાં કહ્યું.
તુકી, આ છે વિશ. મારા કલિગ છે, અને આપણા ફ્રેન્ડ છે.
વિશ એટલે શું? અંગ્રેજીમાં હોય છે તે વિશ? ઇચ્છા? કે વિષ, એટલે ઝેરના અર્થમાં? ભઈ, પછીથી પૂછવું પડશે સુજીતને.
ઍરપૉર્ટથી નીકળ્યા પછી, ગાડીમાં ક્યાંનાં ક્યાં જવાનું હતું. કહેવાય ઘર, પણ આટલું દૂર? નક્કી એવું થયેલું, કે સીધાં વિશને ઘેર જવાનું, ત્યાં એની વાઇફને મળવાનું, બેસવાનું, જમવાનું. કેતકીને સીધાં પોતાને ઘેર જવું ઘણું વધારે ગમ્યું હોત, પણ તરત ને તરત, એને અમેરિકાની સિસ્ટમમાં રસોઈ કરતાં નહીં ફાવે, એમ એ લોકોએ ધારણા કરેલી.
આવો તર્ક કેતકીને ગમ્યો નહીં. ના શું ફાવે. હું કાંઈ અભણ છું? પણ એ કાંઈ બોલી નહીં. વિશને ઘેર સરસ ગરમ પાણીથી નાહ્યાં પછી, અને નંદાના હાથની સરસ રસોઈ ખાધા પછી એને લાગ્યું, કે એ પ્લાનિંગ સારું જ કર્યું હતું બધાંએ. આવતી કાલથી, ધીરે ધીરે, બધી નવી સિસ્ટમ સમજવા માંડીશ.
ભાભી, તમને ઇન્ડિયન ગ્રોસરીની દુકાનમાં લઈ જઈશું. હવે પહેલાં જેવું નથી રહ્યું. હવે તો ઘણું મળતું થઈ ગયું છે. તમે માની જ નહીં શકો. નાન, કુલ્ચા પણ તૈયાર મળે. એવી તો મઝા છે હવે.
નંદા કહે, હા, તને લઈ જઈશું અમે.
સુજીત કેતકીની સામે જોઈને બોલ્યો, હમણાં તો હું જોઈતી ચીજો લઈ આવ્યો છું. પછી જઈશું.
કેતકી સાંભળતી હતી. બધી વાતો પણ કેવી જુદી હતી.
સુજીતે પછી એનું નામ સમજાવેલું. સરસ વિશ્વેશ નામ છે. પણ અહીં વિશુ કે વિશ થઈ ગયું છે. નંદાને પણ નૅન્ડા કહેતા હોય છે અમેરિકનો. તારું નામ સરખું નહીં બોલે, તેથી આપણે તુકી જ કહેવાનું રાખીશું.
ના, ના, એ તો વહાલનું નામ, બધાંને મોઢે એ સાંભળવાનો ખ્યાલ કેતકીને પસંદ ના પડ્યો. પણ જોવાશે, હજી એવી જરૂર તો પડે, એમ વિચારીને, એ વખતે એણે વિરોધ ના કર્યો.
કેતકીએ પોતાના ઘરમાં, સુજીતે ભાડે રાખેલા ફ્લૅટમાં પગ મૂક્યો, અને એને ફુદડી ફરવાનું મન થયું. ફ્લૅટ હતો તો સાવ સાદો, પણ એને બહુ મોટો લાગ્યો, અજવાળાથી ઝગઝગતો લાગ્યો, ને રસોડાની સગવડો તો જુઓ. વળી, બાલ્કની પણ છે, જાણીને એ બહુ ખુશ થઈ ગઈ. આહા, ઝરુખો! શેક્સપિયરના રોમિઓ ઍન્ડ જુલિઍટ નાટકમાં હતો તેવો, કેતકીને અવનવો રોમાંચ થતો હતો.
નવા દેશમાંના નવા ઘરમાં પહેલી રાત હતી. સારા એવા લાંબા વખત પછી કેતકી અને સુજીત ભેગાં થયાં હતાં. એમને માટે, ફરીથી, એ સુહાગ-રાત જ હતી.
પણ નવા દેશમાંની પહેલી સવારે વાસ્તવિકતાનો સામનો કરવાનો આવ્યો. અહીં તો કેટલું સમજવાનું અને શીખવાનું હતું. બાપ રે. કેટલા દિવસો થવાના? બધી સ્વીચો ચાલુ થાય છે કે બંધ, એ ખબર ના પડે. ગરમ પાણીનો નળ આ કે પેલો, એ યાદ ના રહે. બારણાનું લૉક આમ ફેરવો તો બંધ થાય કે આમ? બાથરૂમમાં આ વાળ માટેનું શૅમ્પૂ છે કે કન્ડિશનર? ડીશ-વૉશિંન્ગ લિક્વિડ અને ડીશ-વૉશર લિક્વિડ, એમાં શું ફેર? કપડાં ધોવાનો સાબુ પણ લિક્વિડ, પણ એ ય જુદો?
રસોડામાં ગોટાળા વધારે. મીઠું બહુ જ ખારું. ખાંડ ઘણી મૉળી. કૉફી બહુ કડક. ચ્હા સાવ પાતળી. ટામેટાં બહારથી લાલચટક, અંદરથી સાવ ફીક્કાં. બધાંયે શાક એવાં જ લાગે છે. સ્વાદ વગરનાં. ચોખા સારા લાંબા છે, પણ ઘઉંનો લોટ આટલો લાલ? જોકે, કેતકીને હૅન્ડલવાળાં વાસણો બહુ ગમી ગયાં. તપેલી કરતાં ઘણાં સારાં. સાણસી છટકવાની ચિંતા નહીં.
સુજીત તો સવારથી જૉબ પર જતો રહેતો. હજી ગાડી નહતી લીધી, તેથી એ બસમાં જતો. ક્યારેક સાંજે વિશ એને ઉતારી જતો. વિશ કલિગ તો હતો જ, પણ સુજીતના હાથ નીચે કામ કરતો હતો. સુજીત એના પર ખાસ્સા બૉસવેડા કરે છે, એમ કેતકીએ બેએક વારમાં જ નોંધી લીધેલું. આવું ના કરે તો સારું. કોઈને પણ ના ગમે વધારે પડતું બૉસિન્ગ. પણ હજી હમણાં તો, કેતકીએ સુજીતને એ બાબતે પણ કશું જ કહ્યું નહીં.
સાંજે ઑફીસેથી આવીને, અને શનિ-રવિની રજા દરમ્યાન, સુજીત કેતકીને ઘણી સિસ્ટમ સમજાવતો. સાથે બહાર લઈ જઈને નજીકની દુકાનો, બૅન્ક, પોસ્ટ ઑફીસ વગેરે બતાવ્યું. ખરીદી કરીએ ત્યારે, ડૉલર અને છૂટા પૈસા સૅન્ટમાં કઈ રીતે આપવાના, તે શીખવાડ્યું. અહીં ભાવ-તાલ ના થાય, ખબર છે ને? વસ્તુ પર કિંમત લખી જ હોય. નહીં તો કૅશિયરને પુછી લેવાનું.
અમેરિકા પહોંચીને તરત, એણે તાર કરીને, ઘેર ખબર મોકલી દીધા હતા. ને હવેથી કાગળ લખતાં રહેવાનું હતું. ટૅલિફોન તો કોઈ ખાસ કારણ હોય તો જ કરાય, ભઇ. ‘કેમ છો’, પૂછવા માટે તો બહુ મોંઘું પડે. એ નવું નવું જે જોતી, અને શીખતી, તે વિષે ઘરનાં ચારેય જણને સંબોધીને લખતી.
માઇ, તમને અહીંના રસોડામાં મઝા પડી જાય, હોં. ગૅસનો બાટલો ખલાસ થવાની કોઈ ચિંતા જ નહીં. અને વાસણો તો, મને થાય કે હું જાતે જ ફટાફટ ધોઈ લઉં, કારણકે ગરમ પાણી નળમાં હાજર જ હોય. બાપ્સ, તમે માનશો, કે અહીં દરેકના ઘરમાં ટૅલિવિઝન હોય છે? પૈસાદારો તો બબ્બે ટી.વી. પણ રાખે. તમને સમાચાર જોવાની બહુ મઝા પડે, હોં. જોકે, અહીં તો, બધા અહીંના જ સમાચાર આવે.
દીજી, તમને તો બહુ જ યાદ કરું, કારણ શું ખબર છે? અહીં કશી માથાકૂટ જ નહીં. કામવાળીએ વાસણ સરખાં ના ધોયાં, કે બે દિવસથી ધોબી કેમ દેખાયો નથી? અહીં તો વાસણ ધોવાનું યે મશિન હોય, અને કપડાં ધોવાનું યે હોય. અમારા ફ્લૅટમાં કપડાં ધોવાનું મશિન નથી હજી, પણ બિલ્ડિન્ગની બાજુમાં જ લૉન્ડ્રૉમૅટ છે. ઘણાં મશિનો છે ત્યાં – કપડાં ધોવાનાં, અને સૂકવવા માટેનાં. આપણે અમુક પૈસા ને સાબુનો પાવડર નાખવાના, બસ.
અને દેવકી રાણી, કેમ છો તમે? હવે કોની સાથે ઝગડો છો? ના, મજાક કરું છું. જો, અહીં મોટા મોટા સ્ટોરોમાં ફરવાનું તને બહુ ગમે એવું છે. તું તો, પર્ફ્યુમની સૅમ્પલ-બૉટલો ખોલી ખોલીને, મફત સુગંધ છાંટ્યા જ કરે. ને નેઇલ-પૉલિશના રંગો જોઈને તો તું આભી જ બની જાય. મને હજી આવા શોખ નથી થયા, પણ કૉસ્મૅટિક્સ જોઉં એટલે તું યાદ આવે જ.
તમે બધાં બહુ યાદ આવો છો, એમ તો કેતકી વારંવાર લાંબા કાગળોમાં લખતી, પણ કેવું એકલું લાગે છે, ને અહીંનું પાણી યે ભાવતું નથી, જેવી વાતો એ ક્યારેય ના જણાવતી.
(વધુ આવતા સોમવારે)
બે કાંઠાની અધવચ-સુ શ્રી પ્રીતિ સેનગુપ્તાની નવલકથાની શરુઆતમા નારકોળના લાડુ ચખાડ્યા હતા તે હવે બારમા પ્રકરણમા ચાખ્યા! ઍટલાન્ટીક મહાસાગરનો એક પરિચિત કાંઠો છોડીને બીજા કોઈક અજાણ્યા કાંઠા પર પહોંચી ત્યાના પહેલી મુલાકાતના ઘણાએ અનુભવેલા રમુજી અનુભવો ‘ પર્ફ્યુમની સૅમ્પલ-બૉટલો ખોલી ખોલીને, મફત સુગંધ છાંટ્યા જ કરે. ને નેઇલ-પૉલિશના રંગો ..’વાળી ખુશ્બો માણી.રાહ પ્ર-૧૩ની
LikeLike