ઊર્મિલ સંચાર, પ્ર. ૧૦ ઝરમરમાં ઝાપટું. નવલિકાઃ સરયૂ પરીખ
http://ઊર્મિલ સંચાર, પ્ર. ૧૦ ઝરમરમાં ઝાપટું. નવલિકાઃ સરયૂ પરીખ
પ્રકરણ ૧૦. ઝરમરમાં ઝાપટું
લયબદ્ધ લોક સંગીતના મધુર તાનમાં અંજલિ, શોમ અને મિત્રો નાચતાં હતાં. આનંદના એ માહોલમાંથી અંજલિના મમ્મી, મંજરીને જરા ખેંચીને દાદા સામે હાજર કરવામાં આવ્યાં. અંજલિએ જોયું, અને તે પણ પોતાની મમ્મી પાછળ આવી. “આ શું સાંભળું છું? મારી પૌત્રી એક મુસલમાન માવડીનાં છોકરા સાથે પરણે છે? મારો દીકરો જીવતો હોત તો આવું ન થવા દેત!” આ સાંભળીને અંજલિએ જોયું કે તેની મમ્મીને ચાબખો વાગ્યો હોય તેમ વળ ખાઈ ગઈ.
“ભાઈ! દાદાજીને તમારે ઉતારે લઈ જાવ, હું હમણાં આવું છું.” અંજલિએ જરા સખ્તાઈથી આદેશ આપ્યો. એ સાંભળી મંજરી અંજલિને વારતી હોય તેવી નજરે જોઈ રહી.
“મહા અનર્થ…!” એમ બોલતા બોલતા, દાદા લાકડીને ટેકે ભત્રીજા સાથે જતા રહ્યા. મમ્મીને લઈને અંજલિ પાછી બધાં સાથે સંગીતમાં જોડાઈ. વેવાણનો ચહેરો જોઈ માહી ‘કંઈક અણઘટિત’ છે તે સમજી ગઈ.
કાર્યક્રમ પુરો થયો અને બધા વિખરાયા. અંજલિનો ગંભીર ચહેરો જોઈ, તેના બન્ને હાથ પકડી શોમ તેની આંખોમા આંખ પરોવી પ્રશ્નભરી નજરે જોઈ રહ્યો.
“મારા દાદાએ ધમાલ કરી મૂકી છે, અને વચ્ચે મારી મમ્મી સોરાઈ રહી છે.” અંજલિ રડમસ ચહેરે બોલી.
“પણ શું થયું? મને કહે,” શોમ ઉત્સુક્તાથી બોલ્યો.
“મારા દાદા તમારા અબ્બાસમામાને મળ્યા અને જાણ્યું કે માહીમમ્મી મુસ્લિમ છે. એકદમ આપણા લગ્નનો વિરોધ જણાવ્યો. દાદા પોતાની માન્યતાઓને અનુસરે તેનો વાંધો નથી પરંતુ ‘મારો દીકરો હોત તો આવું ન થવા દેત’ એમ કહીને મારી મમ્મીને બહુ આઘાત આપ્યો છે.” અંજલિની આંખો ભરાઈ આવી.
“પણ તારા પપ્પા તો એવા વિચારના હતા જ નહીં. ચાલો, આપણે દાદા સાથે વાત કરીએ, ભલે ને મોડી રાત છે.” શોમ બોલ્યો અને બન્ને દાદાના ઉતારા તરફ વળ્યા.
“હું તમને ઇતિહાસ જણાવું.” અંજલિ બોલી, “મારા પપ્પાને દાદાના સંકુચિત વિચારો માટે અત્યંત અણગમો હતો, અને દાદાને પપ્પાના સિધ્ધાંતો માટે નફરત. દાદાએ કદી પપ્પા વિષે વખાણનો શબ્દ કહ્યો નથી બલકે, પપ્પાની પ્રવૃત્તિઓ તેમને શર્મજનક લાગતી. દાદીના અવસાન પછી પપ્પા ગામડેથી ઘર છોડી નીકળી ગયા હતા. મમ્મી સાથે લગ્ન કરવાના હતા ત્યારે મમ્મીના આગ્રહને લીધે દાદાને મળવા ગયા હતા. બસ, પછી મમ્મી કાગળ લખી સંબંધ રાખતી…એ સિવાય ખાસ મનમેળ નહોતો.”
શોમ અને અંજલિએ ઉતારા પર આવીને બારણે ટકોરા માર્યા ને ભત્રીજાએ તરત બારણું ખોલ્યું. દાદા પથારી પર સંકોડાઇને બેઠાં હતાં. શોમ નજીક ખુરશી ખેંચી બેઠો અને અંજલિ નારાજગીના ભાવ સાથે ઊભી રહી. “દાદા, તમને મારી સામે તો વાંધો નથી… તો મારી મમ્મી મુસ્લિમ છે તે એટલું બધું અગત્યનું છે?” શોમ નમ્રતાથી બોલ્યો.
દાદા સખ્ત અવાજમાં બોલ્યા, “આવા લગન થાય જ નહીં. હું તો જોષીસાહેબનું ઉચ્ચ કુટુંબ સમજીને આવ્યો હતો. આવામાં તો અમારી આબરુના કાંકરા થઈ જાય.”
“વડીલ, મારી મમ્મીને લીધે ‘જોષી’ નામની ગરિમા વધી છે, ઘટી નથી.” શોમ ગૌરવથી બોલ્યો.
“દાદાજી! ભલે તમારી આવી માન્યતા છે. પણ તમે મારા પપ્પા ‘આ લગ્ન ન થવા દેત’ એવું કેવી રીતે માન્યું? તમે મારા પપ્પાના શું વિચારો હતા એ જાણવા કોઈવાર પ્રયત્ન કર્યો છે કે આજે આવો મોટો ચાબખો તમે મમ્મીને માર્યો?” અંજલિ વ્યાકુળતાથી બોલી.
“તમને જેમ ફાવે તેમ કરો. હું કાલે સવારે જ અહીંથી હાલ્યો જઈશ.” બેદરકારીથી તેમણે નિર્ણય જણાવ્યો.
“દાદા એવું ન કરો,” શોમે કહ્યું…પણ દાદાએ ગુસ્સામાં મોઢું ફેરવી લીધું.
“ભલે, જેવી તેમની મરજી,” કહીને અંજલિ દાદાના ચરણસ્પર્શ કરી બારણા તરફ જતાં બોલી, “ભાઈ, દાદાને સાંચવીને લઈ જજો.” શોમે બહાર નીકળતા પહેલાં, પાકીટમાંથી રૂપિયાની થોકડી કાઢી ભત્રીજાને આપી દીધી.
શોમે બહાર નીકળી અંજલિને કમ્મરે હાથ મૂકી વ્હાલ કરી કહ્યું, “જવા દે…Life is too short to waste and too long to ignore. સૌને તેમની માન્યતાઓ મુબારક.”
ઘેર જઈને અંજલિએ મંજરીને બધી વાત જણાવી અને ખાસ ચેતવણી આપી, “જો મમ્મી, તેં દાદાને સન્માન આપવાના બનતા પ્રયત્નો કર્યા છે. કાલે તેઓ જઈ રહ્યા છે તે બાબત તારે બિલકુલ પોતાનો વાંક નથી ગણવાનો.” કહીને અંજલિ તેની મમ્મીને ભેટી. “ઓ મારી વ્હાલી મમ્મી! મારે ખાતર, પપ્પાના સિધ્ધાંતોને ખાતર, કબૂલ?” અને મંજરીએ હળવા દિલથી “બહુ રાખતા ના રહે, તેને વહેતા રે મૂકીએ” ગાઈને દીકરીને સંમતિ આપી દીધી.
અંજલિએ સુવાની તૈયારી કરી પણ ઉંઘ તો ક્યાંય વરતાતી ન હતી. કુમારિકા તરીકેની છેલ્લી રાત! તે બારીની ઓથે વરસતી ઝરમરને ઘેલછાભરી જોઈ રહી.
ધૂમ્મસની આછેરી ચાદર ત્યાં દૂર સુધી,
નીતરતા ટીપાની ઝાલર ત્યાં દૂર સુધી.
પત્તાને ફૂલોનો થરથરાટ ધીર અધીર,
મસ્તક નમાવીને વૃક્ષો દે તાલ મધીર.
ઊંચેરી બારીની કાંગરીની કોર પર,
સુંદર ને શર્મિલા ચહેરાની આડ પર,
નીલમ સી આંખોની કાજળની કોર પર,
ભીની થઈ પાંપણ, યાદોની છોર પર.
આંસુનાં આવરણ ઉતારવાને, ઓ સજન!
ઉત્સુક મન ઘેલું ને આતુર, ઓ રે સજન!
પાંખો ફફડાવું, તું આવે, ઓ રે સજન!
અવની ને આભનું ઝરમર મીલન સજન!
“હવે ઊંઘી જા બેટા,” એવું બે ત્રણ વખત સાંભળ્યાં પછી અંજલિ મીઠી નીંદરમાં ખોવાઈ ગઈ.
અરૂણોદયની સુરખીમાં, દરિયા કિનારે શોમ રોજના નિયમ પ્રમાણે દોડી રહ્યો હતો. તેને લાગ્યું કે પાછળથી કોઈ બોલાવી રહ્યું હતું. શોમે ધીરા પડી પાછળ જોયું તો એક સજ્જન આશ્રમના પાછલા દ્વારમાંથી નીકળી, તેના તરફ આવી રહ્યા હતા. નવાઈથી તે જોઈ રહ્યો અને પરિચીત ચહેરાની યાદ સાથે અણગમાનો ભાવ ઊપજ્યો.
“માફ કરજો, હું અંજલિના મામા,” હાંફતા તે બોલ્યા.
“હાં મને ખ્યાલ આવી ગયો…નમસ્તે.” શોમે જરા રૂક્ષતાથી અભિવાદન કર્યું.
“મારી દીકરી માયાએ તમારી સાથે અમેરિકાના ગ્રીનકાર્ડ માટે લગ્ન કરવાનું કપટ કર્યું, તેની હું માફી માગું છું. માયાએ પણ હાથ જોડીને માફી માંગી છે.” સજ્જન ગળગળા થઈ બોલ્યા.
શોમ ગૂંચવાઈને બોલ્યો, “તમને પણ આંચકો લાગેલો, ખરૂં? અંજલિએ કહેલું કે તમારા પરિવાર અને માયાની વચ્ચે સમાધાન કરાવવાનો તેણે પ્રયત્ન કરેલો. બધું ઠીક છે?… ખેર, મને એ અનુભવથી ઘણું શીખવા મળ્યું…અંત ભલા તો સબ ભલા. આપણે હવે તે ભૂલી જઈએ. તમે લગ્નમાં આવ્યા તે સારું કર્યું, સ્વાગત.” કહીને શોમે હસીને હાથ જોડ્યા અને ફરી દોડવાનું શરુ કર્યું.
સવારમાં પ્રાર્થના હોલમાં વૈદ્યજીના આદેશ મુજબ અંજલિના મમ્મી વ્યવસ્થા કરાવી રહ્યાં હતાં. સફેદ અને પીળાં ફૂલોથી શણગારેલો હોલ સ્નેહનાં મંત્રોથી ગુંજતો હતો. બધા સમજી શકે તે પ્રમાણે વૈદ્યજી મંત્રોચ્ચાર બોલ્યાં, અને શુકનની ઉબટન શોમ-અંજલિના ગાલે લગાડવામાં આવી. “રમેશભાઈ અને માહીબેન, આજના લગ્ન અનોખા પ્રકારના થશે.” વૈદ્યજીએ હસતાં હસતાં શોમના માતા-પિતાને કહ્યું.
“અમારું દિલ આનંદથી હર્યુંભર્યું છે અને વાતાવરણ પવિત્ર લાગે છે. આમેય અમારામાંથી કોઈ ચુસ્ત કર્મકાંડમાં માનતા જ નથી.” ડો.રમેશ માહીને આગળ કરી બોલ્યા. માહી ભારે સાડીમાં સજ્જ અને વાળમાં વેણી…અહા! રમેશ નવાં પરણેલાં હોય તેવી રસભરી નજરથી પત્નીને જોઈ રહ્યા હતા… જે નીના અને આસપાસના જાનૈયાઓએ નોંધ્યું.
ત્યારબાદ મહેંદી લગાવવાનો શોખ પુરો કરવા અંજલિએ નાની કલાકારી ‘શોમ’ના નામ સાથે પોતાનાં હાથમાં કરાવી અને નીનાએ બન્ને હાથ બરાબર મહેંદીથી સજાવવાનો લ્હાવો લીધો. સારા, સ્ટિવ અને આરી પણ છોકરીઓ સાથે જોડાયા ત્યારે અંજલિનાં મામીએ પૂછ્યું, “હ્યુસ્ટન કરતાં અહીં સારું છે કે નહીં?” અને શોમના મિત્રોએ કહ્યું, “ઓહ! ગોઆ અને તમે બધાં…આ અમારી જિંદગીનો અદભૂત અને અવર્ણનીય અનુભવ છે.” શોમે દૂરથી અંજલિને ઈશારો કરીને બોલાવી અને બન્ને દરિયા કિનારા તરફ નીકળી ગયા.
મંડપનું બાંધકામ અને સજાવટ અંજલિની યોજના પ્રમાણે થઈ રહ્યું હતું. સફેદ તંબુની આસપાસ લાલ, લીલા પડદા અને તોરણ પર સુંદર ફૂલો ઝૂલતા હતા. શોમ ચારેબાજુ નિરીક્ષણ કરી ખાત્રી કરી રહ્યો હતો કે પવનની ગતિ વધે તો પણ મંડપ હલે નહીં.
“હું પણ અત્યારે બધું જોઈ લઉં. દુલ્હન બનીને આવીશ ત્યારે તો કોણ જાણે, મારી આંખ ઊંચી થશે કે નહીં!” અંજલિ શોમના હાથમાં હાથ પરોવી બોલી. વર-કન્યા મંડપ, દરિયો અને પોતાનાં સૌભાગ્ય પર હરખાઈ રહ્યાં.
દાદાના ઉતારા પાસે જતાં મંજરી બોલી, “બાબા! હું સવારે પ્રાર્થના હોલમાં આવતા પહેલા શ્વસૂરજીને મળવા ગઈ હતી, પણ તેમના નિર્ણયમાં ફેર ન પડ્યો.” દાદા ગાડીનો સમય થતા નીકળ્યા અને મંજરીએ ભારે હૈયે વિદાય આપી. વૈદ્યજીએ મંજરીને કહ્યું, “આજે અંજલિનો ખાસ દિવસ છે. તેની ખુશી આજે આગવું સ્થાન લે છે. દાદાને ધર્મના વાડાનું મહત્વ છે અને આપણને માનવીના સદગુણોનું…”
કરતા ફરિયાદ રુંધી અંતરનું વ્હાલ,
હો સાચું કે ખોટું, ભલે તેનું અભિમાન,
અંતરથી આપીએ શુભેચ્છા સન્માન,
સમજણ સિધ્ધાંતોનું જાળવી સ્વમાન.
——
આવતા રવિવારે પ્ર.૧૧. ‘ઊર્મિલ સંચાર’ નવલિકા, મારી નવલકથા ‘ફ્લટર ઓફ વિંગ’ની કથાવસ્તુ પર આધારિત છે. ગુજરાતીમાં નવલિકા લખવાના પ્રોત્સાહન માટે સાહિત્ય રસિક મિત્રોનો આભાર. મારી અંગ્રેજીમાં, Flutter of Wings…a poetic novel by Saryu Parikh is open to read on, https://saryu.wordpress.com
રંગોળી…ઈલા મહેતા
સુ શ્રી સરયૂ પરીખની નવલિકા ઊર્મિલ સંચાર, પ્ર. ૧૦ ઝરમરમાં ઝાપટું. સ રસ નવલિકા પ્રકરણ અને
ધૂમ્મસની આછેરી ચાદર ત્યાં દૂર સુધી સુંદર કાવ્ય અને સુંદર કલાકૃતિ
LikeLiked by 1 person
સરયૂબેનની આ વાર્તા લાગણીઓની ગૂંથણી,અંદર રજૂ થતાં ભાવાનુરૂપ કાવ્યો અને સુંદર રંગોળીઓની સજાવટથી શોભાયમાન છે.
LikeLiked by 1 person