“તમે જતાં રહ્યાં પછી” – ગઝલઃ મોહસીન મીર ‘સ્પર્શ’ – આસ્વાદઃ સપના વિજાપુરા


“તમે જતાં રહ્યાં પછી!”

વિશેષ કંઇ થયું નથી, તમે જતાં રહ્યાં પછી !
શ્વસન જરા શમ્યું નથી, તમે જતાં રહ્યાં પછી !

રમત બમત રમે નહીં, કશાયથી રીઝે નહીં ;
હ્રદય હ્રદય રહ્યું નથી, તમે જતાં રહ્યાં પછી !

ચમન,સુમન,નદી,ઝરણ,પહાડ ગીત ને ગઝલ;
ઘણું બધું ગમ્યું નથી, તમે જતાં રહ્યા પછી !

ગલી ગલી, ડગર‌ ડગર, નગર નગર, અવાક છે;
કશું જ ધમધમ્યુ નથી તમે જતાં રહ્યાં પછી !

તમારૂ મુલ્ય કેટલું વધારે કંઇ ખબર નથી;
તમારૂં ઘર જમ્યું નથી તમે જતાં રહ્યાં પછી !

ધબક ધબક જતું રહ્યું પલક જબક જબક નથી,
બીજું કશું ગયું નથી, તમે જતાં રહ્યાં પછી !

                                 – મોહસીન મીર ‘સ્પર્શ’

યુવા કવિ મોહસીન મીર  ‘સ્પર્શ’ ગોધરા  નિવાસી છે. એક શિક્ષક અને ખૂબ જ સારા ગઝલકાર છે. એમની આ ગઝલ મને ફેઈસ બુકમાંથી સ્વરાંકન સાથે મળી હતી. એમના સૂરીલા અવાજમાં આ ગઝલ સાંભળી મને આ ગઝલ વધારે પસંદ પડી ગઈ. આ ગઝલ પ્રિયતમાના જવા પછીશું શું થયું એની વાત એ રીતે દર્શાવામાં આવી છે કે વાત સીધી હૃદયમાં ઉતરે છે. કવિ દરેક શેરમાં કબુલ કરે છે કે તમે જતાં રહ્યાં પછી શું શું થયું  છતાં કવિનું માન  જળવાઈ રહે છે. મારો એક શેર અહિં યાદ આવી ગયો!

तूमसे बिछडके खास कुछ नही हुआ
बस जिंदगीसे हम खफा खफासे रहे
મત્લાના શેરમાં કવિ કહે છે કે

વિશેષ કંઇ થયું નથી ,   તમે જતાં રહ્યાં પછી !
શ્વસન જરા શમ્યું નથી, તમે જતાં રહ્યાં પછી !

વિશેષ કઇં થયું નથી. તમે જતાં રહ્યાં પછી એટલે તમારા જવાથી કંઈ જીવનમાં કઈ બહુ ફરક નથી આવ્યો.  પોતાની વ્યથા તેમ છતાં છુપાવી શકતા નથી અને બીજા મિસરામાં કહે છે કે શ્વસન જરા શમ્યું નથી. પ્રેમિકા વગર નું જીવન કેવું છે? હૃદયમાં ઉત્પાત રહે છે. ચેન ક્યાંય પડેનહી.  ક્યાંય ચેન પડે નહીં તેથી શ્વસન શી રીતે શમે ? શ્વસન શમવાની વાત કરી પોતાની બધી વ્યથા એક મિસરામાં કહી બતાવી છે. આનાથી વધારે પ્રિય વ્યક્તિને શું કહો કે તારા જવા પછી શું થાય છે?

રમત બમત રમે નહીં, કશાયથી રીઝે નહીં ;
હ્રદય હ્રદય રહ્યું નથી, તમે જતાં રહ્યાં પછી !

“દિલ હૈ કે માનતા નહીં , મુશ્કિલ બડી હૈ યેહ જાનતા નહીં। ” દિલ ક્યાંય લાગે નહીં , રમત ગમત માં કે પછી હવેનાં રમકડાં ફોન કે કૉમ્પ્યુટરમાંદિલ લાગે નહીં. બેચેની બેચેની રહે. દિલને મનાવવાની હજારો કોશિશ નિષ્ફ્ળ જાય કોઈ પણ વાતથી દિલ રીઝતું નથી. આવું જિદ્દી થઇ ગયું છેહ્ર્દય  હ્રદય રહ્યું નથી, તમે જતાં રહ્યાં પછી !

ચમન,સુમન,નદી,ઝરણ,પહાડ ગીત ને ગઝલ;
ઘણું બધું ગમ્યું નથી, તમે જતાં રહ્યાં પછી !

ઘણીવાર કુદરતના આ અપ્રતિમ સૌંદર્ય ફક્ત કોઈની હાજરીને લીધે સુંદર લાગે છે. કવિને તો કુદરત ના દરેક રૂપમાં સૌંદર્ય દેખાય છે. ચમન હોય કે ફૂલ હોય નદી ઝરણ પહાડ કે ગીત અને ગઝલ !! કવિને આ ગમતી વસ્તુઓ છે. પણ જો પ્રિયતમાની ગેરહાજરી હોય તો ? તો આ ચમન માં જવું કોને ગમે આ સુમન આ નદી આ ઝરણ એ બધામાં શું પ્રિયતમા નહિ દેખાય? આ બધું જે અતિ પ્રિય હતું બધું એ હવે નથી ગમતું તમે જતાં રહ્યાં પછી !

ગલી ગલી, ડગર‌ ડગર, નગર નગર, અવાક છે;
કશું જ ધમધમ્યુ નથી તમે જતાં રહ્યાં પછી !

કોઈનું મીઠું બોલવાનું, કોઈની હાજરી, કોઈનું હોવાપણું આપણા અસ્તિત્વને કેટલું તરબોળ રાખતું હોય છે. કોઈના જવાથી જે સુનકાર જે સન્નાટો છવાઈ જાય છે. એ કોઈ પ્રેમીનું દિલ જ જાણી શકે! પ્રિયતમા વગર બધે સુનકાર છે. ગલી ગલી , ડગર ડગર, નગર નગર બધું અવાક છે. કશું જ ધમધમ્યું નથી તમેં જતાં રહ્યાં પછી! ભીડમાં પણ પોતાની જાત એકલી લાગે ત્યારે સમજવું કે પ્યાર છે.

તમારૂ મુલ્ય કેટલું વધારે કંઇ ખબર નથી;
તમારૂં ઘર જમ્યું નથી તમે જતાં રહ્યાં પછી !

માણસની કિંમત માણસના ગયા પછી થાય છે. વ્યકિતની હાજરીમાં એની કિંમત થતી નથી. આ શેર જાણે કોઈ પ્રિયતમા માટે કહેવાયો હોય એવું નથી લાગતું.  કોઈ એવી વ્યક્તિ જીવનમાંથી જતી રહી છે, અને એટલે દૂર ગઈ છે કે પાછી ફરી શકે એમ નથી એવું લાગે છે. તમારું મુલ્યકેટલું વધારે એ ખબર નથી પણ એ વ્યક્તિ જેનું આ ઘર છે એ ઘર જમ્યું નથી તમે જતાં રહ્યાં પછી!! અહીં એવી અઝીઝ વ્યક્તિની વાત થઇ રહી છે જે ઘરની મોભ જેવી હતી. એમની ચીર વિદાય સહન થતી નથી.

ધબક ધબક જતું રહ્યું પલક જબક જબક નથી,
બીજું કશું ગયું નથી, તમે જતાં રહ્યાં પછી !

હ્રદયે ધબકવાનું બંધ કર્યું, પલકો પણ તમારી રાહમાં જબક જબક નથી , બસ બીજું કશું ગયું નથી તમે જતા રહ્યાં પછી. મકતાના શેરમાં આખી ગઝલનો નિચોડ છે. કવિ ભલે કહે બીજું કશું ગયું નથી. પણ આખી ગઝલમાં એમની દુનિયા લૂંટાઈ ગઈ એવો ભાસ થાય છે. છતાં કવિ મત્લામાં કહે છે કે વિશેષ કાંઈ નથી થયું તમે જતા રહ્યાં પછી! એક સુંદર હ્રદયસ્પર્શી ગઝલ!

1 thought on ““તમે જતાં રહ્યાં પછી” – ગઝલઃ મોહસીન મીર ‘સ્પર્શ’ – આસ્વાદઃ સપના વિજાપુરા

  1. “તમે જતાં રહ્યાં પછી” મોહસીન મીર ‘સ્પર્શ’ની ગઝલનો સપના વિજાપુરા દ્વારા સ રસ આસ્વાદ
    યાદ
    बेहोशी का मातम समा है दिल में इस कदर की
    दीवानगी की आग कागज पर लिखता हूँ

    Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s