પ્રાર્થનાના પત્રો – (૧૦૨) – ભાગ્યેશ જહા


[૧૦૨] પ્રાર્થનાને પત્રો…

પ્રિય પ્રાર્થના,

ઠંડીના ચમકારા સાથે બેહજાર ઓગણીસ જઈ રહ્યું છે. હમણાં રાત્રે ગાંધીનગર વધારે ઠંડું પડી જાય છે એટલે અખબારો ‘પાટનગર ઠંડુગાર’ કે ‘ગાંધીનગર થરથર ધ્રુજે છે’ એવું લખે છે.

તને ખબર છે આ નગરને આવા ‘ઠંડા’ રહેવાનો અભિશાપ પણ છે, જાણ્યે-અજાણ્યે સરકારી નગરની છાપ નગરને આભડી જતી હતી, આજે સહેજ વાતાવરણ બદલાયું છે, પણ સાવ બદલાયું નથી. મને યાદ છે અમે આવ્યા ત્યારે બધું જ ખરીદવા અમદાવાદ જવું પડતું, શોપીંગ સેન્ટરો હજી જોઇએ એટલા વાઈબ્રન્ટ નહોતા થયાં. એવા કેટલાયે ચહેરાઓ યાદ છે જે એક ફાઈલ-કવર જેવા લાગે, ચહેરા ઉપર ચમક ઓછી, ક્યારેક તો એવું લાગે એમનું લોહીનું પરિભ્રમણ સાડાદશે જ શરું થાય છે. તો બીજાઓની આંખોમાં નાનકડો કેફ છલકે, ભારેખમ અને સપાટ ચહેરો, એક અઘરા જીઆર જેવા. મને ઘણીવાર વિચાર આવે કે મંત્રીઓએ સોગંધ લેવાના હોય એમાં એક ભાગ ‘બંધારણને વફાદારી’ના હોય અને બીજો ભાગ ‘ગુપ્તતાના સોગંધ’નો હોય. કેટલાક લોકો આ ‘ગુપ્તતાના સોગંધ’ની પ્રતિકૃતિ જેવા લાગતા, ઠાવકા, શંકાશીલ અને ગંભીર. મને જે વાતે હેરાન કરેલો એ ઠાવકી ગંભીરતા, દંભની પડોશણ હોય તેવો એનો ચહેરો, અણસમજની ઊંડી આંખો અને મહત્તાના કૃત્રિમ કીમિયાનો મુખવટો. આખું શહેર આ બધાની સમગ્ર અસરને કારણે એક ‘નગર’ હોવાનું ઝંખ્યા કરે. અને આ બાબુઓ આ નગરને એક સરકારી કચેરીની શાખાનો પરિવેશ રોજ પહેરાવ્યા કરે. મારા મનમાં આનો એક નાનકડો સંઘર્ષ ચાલ્યા કરતો, જે આજેય જુદા પ્રકારે અને જુદી સૂક્ષ્મતાથી ચાલ્યા કરે છે.

મને આજેય સમજાતું નથી કે ‘પાવર’માં હોય એ એનો ‘શો-ઑફ’ કેમ કર્યા કરતા હોય છે, કેમ માણસ સત્તામાં આવે એટલે બદલાઈ જાય છે, કેમ એના તેવર, એની ભાષા કૃત્રિમ બની જાય છે. મને લાગે છે, માણસે પોતાના ‘સ્વ’ની સીક્યુરીટી નથી રાખી હોતી એને લીધે એ ‘બીજો માણસ’ બનવા મથવા માંડે છે. યાદ છે, સાર્ત્ર એ કહેલું, ‘ધ અધર ઈઝ હેલ’, પોતે સત્તાધીશ છે અથવા બીજાઓ તુચ્છ કે સેમીતુચ્છ અથવા નીચા છે, આ ભાવનાથી એ એવું પણ માનવા માંડે છે કે ‘ એ લોકો અજ્ઞાની પણ છે.’ આ વાત જ્યારે ઉંડે સુધી ઘુસે છે ત્યારે માણસના ઇગોના રંગમાં ફેર પડવા માંડે છે, એ ફુલાયેલો, મેદસ્વી ઇગો માણસના વાણીવર્તનને તરોડ-મરોડ કરે છે, આ ભારેખમતા નિર્દોષ ડામરના રસ્તાની સુમસામ ગલીઓને ડહોળે છે, એ નગરનો ચહેરો બનાવે છે. હું એકલો નથી પણ આઝાદી પછી જન્મેલા ઘણાઓની વધારે સરળ અને સહજ રહેવાની વૃત્તિ ગણો કે ભારે-ખમતા સામેનો બળવો કહો, અમે એક મશાલ પકડી લીધી. સદનસીબે કેટલાક [એટલે કે ઘણા ઓછા] રાજકારણીઓ આ વાત સમજ્યા, એમને પણ સહજ રહેવું હતું એટલે અમારી મદદમાં આવ્યા, પણ જોઈએ એવું સમર્થન ના મળ્યું. કારણ યુગથપ્પડ, યુગ બદલાયો. યુગની લીલા માર્કેટીંગમાં વિકસી.

માર્કેટીંગ એટલે બ્રાન્ડનો પ્રચાર-પ્રસાર નહીં પણ ‘ જે નથી તે છે’ તેવું ઠસાવવાનું. પેલું છીછરું મન અને પ્રદુષિતભાષાએ આખી વિભીષિકાને મોટી કરી દીધી. આજે ‘સત્યાભાસી યુગ ચાલે છે, સત્ય પણ સત્ય ના લાગે, સત્યને પણ ચકાસવું પડે. આ યુગબદલાવને લીધે ગાંધીનગરનો ચહેરો બદલાઈ ગયો. હવે આ નગર રૂપાળું બની ગયું છે, જીઆર જેવા લાગતા સર્કલો અનેક આભુષણોથી શોભે છે, રસ્તાઓને નિયોન લાઈટો પહેરાવાયી છે, રસ્તાઓ પર ઉભી રહેતી લારીઓ પર નવાયુગની જાહોજલાલી છે, બહુ યુવાનો આવી ગયા છે, એમની પાસે એમના બાપાએ લાવી આપેલી ગાડીઓ છે. કરપ્સનની વાસ આવે એટલી હદે કો’ક બેનામી ગટર ઉભરાણી છે, તમને ખબર જ પડી જાય આ ચુકવણું સરકારી બાબુ નથી કરતો. અમનો દિકરો કે દિકરી જ્યારે રકઝક કર્યા સિવાય મોટી રકમ ‘કેશ’માં ચુકવે ત્યારે કાળીગાડીનો ચમકતો પ્રકાશ લાંબા સમય સુધી રસ્તા પર પોતાની નિશાની છોડતો જાય છે. આ નગરની બદલાતી સંસ્કૃતિ છે.

એકબીજી ઘટના છે એ આપણા નગરનું કુડાસણ સર્કલ. ટીસીએસ આવ્યા પછી જેને નગરની ‘ડેમોગ્રાફી’ કહીએ એ બદલાવા લાગી છે, બહુ બિનગુજરાતી યુવાનો આવી ગયા છે, એ લોકો આઈટીમાં કમાલ કરી રહ્યા છે અને રોડ પર ધમાલ કરી રહ્યા છે. ખબર નથી શું થઈ રહ્યું છે એનો તો અલાયદો અભ્યાસ કરવો પડે, પણ ગાંધીનગરનો આ વિસ્તાર કશીક નવાયુગની ફ્લેવર સાથે વિકસી રહ્યો છે, સાફસુથરી અને નિખાલસ નવી પેઢી મને ગમે છે, નિદંભ અને ભણેલા નવયુવાનોની ‘એનર્જી’ મને ખુબ પ્રેરણા આપે છે. ક્યારેક આવા યુવાનોની એનર્જી જોવું છું, ક્યારેક એમની સાથે ચર્ચા કરું છું ત્યારે ભારે આનંદ અને ગૌરવ પણ થાય છે. હું ઇચ્છું કે ‘ગ્લોબલ’ થવાના વ્યામોહમાં આપણે ગુજરાતીપણું ખોઇ ના બેસીએ, આપણે ગાંધીનગરના બગીચાઓમાં ઉગતા ફુલોના સગાઓ છીએ એવો સાત્વિક અહંકાર મેં મારા શારુઆતના કાવ્યોમાં ગાયેલો એ ક્યાંક પ્રગટતો જોવું છું ત્યારે મઝા પડી જાય છે. ખરેખર, યુવાનોને પોતાની ઓળખ વિશે જાગૃતિ આવવી જોઇએ.

એક પ્રસંગની વાત કરવી છે, [કારણ આપણી આ આઇડેન્ટી’ની ચર્ચા તો ચાલું જ રહેવાની છે.] હમણાં ડલાસથી આવેલા ભાઈ રીપલ વ્યાસ જે મુકેશ વ્યાસના પુત્ર થાય. મોટા સીઈઓ છે, સારી સંપત્તિ પામ્યા છે પણ એમણે જે ‘ઓથેન્ટીક’ રીતે એમના પુત્ર નિવાનને જનોઈ દીધી એનાથી મારે મન આ નવી પેઢી વિશે નવો સંવાદ રચાયો છે. મેં અમેરિકાથી આવેલા ઘણા યુવાનો સાથે વાત કરી. જનોઈની વાત કરી, કૃષ્ણની વાત કરી, ગીતાની વાત કરી. મઝા આવી. એટલા માટે મઝા આવી કે મને એક તીવ્ર જિજ્ઞાસાના દર્શન થયા, મને આ અમેરિકન યુવાનોમાં ‘ઓળખ’ સાચવવાની ભૂખ જોઈ. એ લોકો બોલ્યા વગર એક વાત બોલતા હતા, અંકલ, વી વૉન્ટ ટૂ રીમેઈન ટ્રુ ગુજરાતી, ટ્રુ ઇંડીયન, ટ્રુ હિંદુઝ’ આ મારે માટે ઓગણીસનો બહુ મોટો પદાર્થપાઠ છે, હું નવી આશાથી બેહજારવીસને આવકારું છું.

નૂતન 2020…

ભાગ્યેશ.

જય જય ગરવી ગુજરાત.

1 thought on “પ્રાર્થનાના પત્રો – (૧૦૨) – ભાગ્યેશ જહા

 1. મા. ભાગ્યેશ જહાનો પ્રેરણાદાયી લેખ
  આ નગરને આવા ‘ઠંડા’ રહેવાનો અભિશાપ પણ છે
  યાદ આવે
  મળી આજીવન કેદ ધ્રુવના પ્રદેશે;
  હતા આપણે મૂળ તડકાના માણસ.
  ‘અણસમજની ઊંડી આંખો અને મહત્તાના કૃત્રિમ કીમિયાનો મુખવટો.’
  કેમકે દરેક વ્યક્તિ પોતાનો મુખવટો ઘરનો ઉંબર ઓળંગતા પહેરી લે છે
  અને બહાર થી અંદર પ્રવેશે ત્યારે ઉતારી દે છે
  ‘સત્ય પણ સત્ય ના લાગે…’
  ‘કૃષ્ણે કહે છે,“ સત્યનો સ્વભાવ એવો છે કે જે તમને અમૃત જેવું દેખાય છે તેને તમે પીશો તો તે વિષ (ઝેર) થઈ જશે. અને જે તમને વિષ જેવું લાગે છે તેને તમે પીશો તો તે અમૃત બની જશે.”
  ‘ અમેરિકન યુવાનોમાં ‘ઓળખ’ સાચવવાની ભૂખ જોઈ. એ લોકો બોલ્યા વગર એક વાત બોલતા હતા, અંકલ, વી વૉન્ટ ટૂ રીમેઈન ટ્રુ ગુજરાતી, ટ્રુ ઇંડીયન, ટ્રુ હિંદુઝ..’કાશ ઘણા યુવાનો આવા હોય!

  Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s