‘મુશ્કેલીને જ માર્ગ બનાવો’ – રશ્મિ જાગીરદાર


મુશ્કેલીને માર્ગ બનાવો

આપણા જીવનમાં રોજબરોજ અનેક ઘટનાઓ ઘટતી હોય છે.એમાંથી કેટલીક ઘટનાઓ આપણને ગમે એવી હોય છે અને કેટલીક ના ગમે તેવી. ના ગમતી ઘટના ઘટે ત્યારે આપને હતાશ થઇ જઈએ છીએ.

નકારાત્મકતા આપણને ઘેરી વળે છે. આવું બને ત્યારે આપણે નાનપણમાં બનેલા એવા પ્રસંગોને યાદ કરવા જોઈએ જ્યારે આપણને નાની મોટી માંદગી આવી હોય. દેખીતી રીતે જ માંદગી ખુદ તો એક અણગમતી બલા હોય છે જ. પણ તે સમયે આપણને આપવામાં આવતી કડવી દવા કે અણિયાળા ઇન્જેક્શનની સોય એનાથી પણ વધુ અણગમતા હતાં. પણ બે દિવસની એવી સારવાર પછી જ્યારે આપણે  સાજા  થઈને રમવા-કુદવા લાગીએ ત્યારે ચોક્કસ સમજાયું હશે કે, એ કડવી દવા, એ દુખાડતા ઇન્જેકશનો અને પથારીમાં પડ્યા રેહેવાની સજા ખરેખર તો આપણી બીમારીને હડસેલીને દુર ભગાડવા માટે હતી.

બીજી એક વાત પણ વિચારવા જેવી છે. આપણે  જ્યારે ભણતાં હતા ત્યારે શાળાનું વેકેશન પૂરું થાય ત્યારે પહેલા દિવસે શાળાએ જવું કેટલું કંટાળાજનક હોતું . જાણે ગાયને કસાઈવાડે જવા જેવું કે પછી સાસરે જતી કોઈ ગભરુ નવોઢા ને લાગે તેવું  એ કામ ત્યારે આપણને કપરું લાગતું. પણ આ બધી જફામાંથી છૂટીએ અને શાળાએ જતાં થઈએ ત્યારે જ્ઞાન અને ભણતરનું અમુલ્ય ભાથું મેળવીને સમૃદ્ધ બનીએ ત્યારે લાગે કે, શાળાનું ભણતર છેવટે તો આપણા સારા માટે જ હતું.

દરેકનું જીવન સરળ નથી હોતું અને દરેકના જીવનની બધી પળો સરખી નથી હોતી. દરેકને નાનામોટા કોઈને કોઈ સંઘર્ષનો સામનો કરવો પડતો હોય છે. માર્ગમાં આવતાં આવાં પરિબળો મુસીબત બનીને ત્રાટકે ત્યારે   તેને પાર કરવા આપણે તનતોડ મહેનત કરવી પડતી હોય છે. અને એ કરતાં કરતાં આપણે વધુને વધુ કાબેલ બનતાં જઈએ છીએ. ત્યારે ચોક્કસ લાગે કે, માર્ગમાં આવતી મુશ્કેલીઓ એક રીતે જોઈએ તો શક્તિ બનીને માર્ગ સરળ બનાવવામાં મદદરૂપ બને છે.

આવી અનેક વાત સમજાવવાનું કામ આકરા ઉનાળામાં શેકાતો, અડીખમ ઉભો રહેલો, ગુલમહોર સરળતાથી અને સહજતાથી કરે છે. આપણા દેશ જેવા ગરમ પ્રદેશમાં ઉનાળામાં અનેક ફૂલઝાડ, છોડ, વેલ જ્યારે નસ્ટ થવા મજબુર બની જાય છે ત્યારે ગુલમહોર કાળઝાળ ઉનાળાની આગ ઓકતી ગરમીમાં પણ અડીખમ રહીને પોતાના સુંદર, કેસરી-લાલાશ ધરાવતાં પુષ્પોના વૈભવને  વેરતો જાણે ખુશીની લ્હાણી કરે છે. અને અનેક મુશ્કેલીઓ વચ્ચે અડગ રહેવાની શીખ આપે છે. એ મુશ્કેલીને જ પ્રગતિનું સાધન બનાવવાની ક્ષમતા પ્રદાન કરે છે.અને એટલે જ કોઈ કવિએ કહ્યું છે કે,

ગુલમહોર શો ખીલી શકું એટલે,
જિંદગીભરનો ઉનાળો દીધો તેં.

આ વાત સમજવા આપણે આ ઉદાહરણ જોઈશું તો સરળ પડશે. કોઈ બે કન્યાઓ છે. બંનેને સંગીતનો શોખ છે, શીખવાની ધૂન છે, આવડત પણ છે. અને એ ક્ષેત્રે ગજબનું કામ કરીને મહાન બનવાનું સ્વપ્ન પણ છે. અમાની એક દીકરીને સંગીત શીખવા માટે, બધા સાધનો ઉપલબ્ધ છે. ગુરુ પણ છે સમય પણ છે સપોર્ટ પણ સો ટકા છે. જ્યારે બીજી દીકરી જે એટલી જ કાબેલ છે પણ એને ન તો સંગીત શીખવાની રજા છે, ના કોઈ સાધનો ઉપલબ્ધ છે કે ન કોઈ ગુરુ છે. અને જ્યાં શીખવા માટેની રજા જ નથી તો સપોર્ટ તો હોય જ ક્યાંથી? આ સંજોગોમાં દેખીતી રીતે જ લાગે છે પહેલી છોકરી ખુબ આગળ આવી જશે નામ કમાઈ લેશે. કિન્તુ, બધી વિપરીત પરિસ્થિતિને પાર કરીને સંઘર્ષની સારણીથી શાર્પ બનતી જઈને જો બીજી કન્યા પોતાનું સ્વપ્ન સિદ્ધ કરીવા સુધી પહોંચી તો તે એક આગવી રીતે ખીલી ઉઠશે.વિશ્વભરમાં છવાઈ જશે. એના માટે જોઈએ તો બસ, ઊંડી ઈચ્છા, તેને પૂર્ણ કરવાનું સ્વપ્ન, સંપૂર્ણ સમર્પિત થઈને કરેલા પ્રયાસો.એ કામનું પેશન!  પછી એને ખીલતાં કોણ રોકી શકે? ગરમીનો પારો ભલે ૪૫ બતાવે   કે ૪૭ બતાવે,  શું એ ગરમીની એટલે હેસિયત ખરી કે એ ગુલમહોરને ખીલતાં રોકી શકે? બસ એવું જ.

સુરજદાદાને પરાસ્ત કરવાનો શ્રેય જો કોઈને આપવો હોય તો ગુલમહોરને જ અપાય.એ જાણે સુરજ દાદાને કહે કે,’ તમે તમારું તપવાનું કામ કરો હું મારું ખીલવાનું કામ કરીશ.’  આ સ્ટેજ પર એક પ્રશ્ન થાય છે કે, અતિ ધનવાન સાધનસંપન્ન ઘરનાં બાળકોને હંમેશાં પરદેશની સારી સ્કૂલો, કોલેજો અને હોસ્ટેલોમાં ભણવા મોકલતાં હોય છે. એનું કારણ એ  હશે કે, અતિ લાડકોડ, અને છતમાં ઉછરે તો તેમનું બાળક મુશ્કેલીમાં  હતાશ થઈ જાય. તેમ  ના થાય  પણ તેવા સમયે શું કરવું તે શીખે? અને તેમનું જીવન પણ ખીલી ઉઠે , મહેકી ઉઠે.

 

2 thoughts on “‘મુશ્કેલીને જ માર્ગ બનાવો’ – રશ્મિ જાગીરદાર

 1. સફળતા માટે..અંતર શક્તિની પહેલી જરૂર, “ઊંડી ઈચ્છા, તેને પૂર્ણ કરવાનું સ્વપ્ન, સંપૂર્ણ સમર્પિત થઈને કરેલા પ્રયાસો.એ કામનું પેશન! પછી એને ખીલતાં કોણ રોકી શકે?” સરસ લેખ.
  સરયૂ પરીખ

  Liked by 2 people

 2. સુ શ્રી રશ્મિ જાગીરદારનો ‘મુશ્કેલીને જ માર્ગ બનાવો’ પ્રેરણાદાયી લેખ
  ગુલમહોર શો ખીલી શકું એટલે,
  જિંદગીભરનો ઉનાળો દીધો તેં.
  કાવ્ય પંક્તિ દ્વારા સટિક અભિવ્યક્તિ

  Liked by 1 person

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s