પારદર્શી લેખક/ભાઈ શ્રી નવીન બેંકરને શબ્દાંજલિ…- દેવિકા ધ્રુવ


(સ્વ. પી. કે. દાવડા, “દાવડાનું આંગણું”ના સ્થાપક અને સ્વ. નવીનભાઈ બેંકર નીસુંદર મૈત્રી હતી. દાવડાભાઈ કાયમ નવીનભાઈની મૈત્રીની વાત ખૂબ આનંદથી કરતા હતા, જે  મારા સ્મરણમાં હજી અકબંધ છે. “દાવડાનું આંગણું”ની પૂરી ટીમ વતી હું પ્રભુને પ્રાર્થના કરું છું કે પ્રભુ દિવંગત શ્રી નવીનભાઈ બેંકરના આત્માને પરમ શાંતિ અર્પે અને પૂરા પરિવારને એમની ખોટ સહન કરવાની શક્તિ આપે. ઓમ શાંતિ.)

પારદર્શી લેખક/ભાઈ શ્રી નવીન બેંકરને શબ્દાંજલિ…

—દેવિકા રાહુલ ધ્રુવ

બાળપણમાં  જેમની સાથે જીંદગીને, એના સંઘર્ષોને નજીકથી જોયા હોય તેવા  નિકટના આત્મીય ભાઈને માટે  ’હતા’ લખવાનું આવે ત્યારે  કેવું અને કેટલું લાગી આવે? નાનપણથી જ સંઘર્ષોના વહેણમાં અમે સાથે વહ્યા છીએ.. અનાયાસે જ નવીનભાઈની અને મારી એકસરખી લેખનશક્તિ કેળવાઈ અને એકસરખા  સાહિત્યના રસ બંનેના વિકસતા રહ્યાં. હા, પ્રવાહ બદલાતા રહ્યા. પ્રવાહની દિશા બદલાતી ગઈ  અને તેમના પ્રવાસનો મુકામ પણ આવી ગયો.

૯-૨૬-૧૯૪૧ થી ૯-૨૦-૨૦૨૦

શું લખું? ઘણું બધું, એક દળદાર પુસ્તક જેટલું બધું અંદર ઘૂમરાય છે..જોરથી વલોવાય છે.

ગઈ રક્ષાબંધને…
આ છેલ્લી છે, એ જાણ સાથે હૈયું હચમચાવીને, રાખડી બાંધી’તી.
છેલ્લી ન રહે, એ ભાવ સાથે  ઘૂંટ ગટગટાવીને રાખડી બાંધી’તી.
ચાહ એવી ખૂબ જાગે, ચમત્કાર થાય  ને સઘળુ સારું થઈ જાય પણ
ખોટા, જૂઠા દિલાસા સાથે, કડવું સચ પચાવીને રાખડી બાંધી’તી.
જાણ્યું’તું સમય બળવાન છે, પણ કોપાયમાન આવો? સાવ કટાણે?
વિધિની વક્રતાના દ્વારો ખૂબ ખટખટાવીને રાખડી બાંધી’તી.
મજબૂત છીએ, આવજે પણ પીડા વિના મળજે ભાઈને, માની જેમ જ,
હકભર્યા હુકમના સાદ સાથે, બહુ જ મન મનાવીને બાંધી’તી.
जानामि सत्यं न च मे स्वीकृति, એ લાચારી ને વેદનાને હરાવી
રુદિયે શ્રધ્ધાસભર સૂતરનો તાર કચકચાવીને રાખડી બાંધી’તી.

પણ….  આખરે સપ્ટે.૨૦ની રાત્રે ૧૧.૧૫ વાગે તેમણે જીવનમંચ પરથી વિદાય લઈ જ લીધી. આમ તો તેમની જીવન-કિતાબના પાનેપાના ખુલ્લાં જ હતા. પણ છેલ્લે સંવેદનાના સાત સાત સાગર સમાવીને સૌને અલવિદા કહીને સૂઈ ગયા.

જીવનના સારા-માઠા, હળવા-ભારે પ્રસંગો, હજ્જારો બનાવો, એના પ્રતિબિંબો મારા માનસપટ પર ઉભરાઈ આવે છે. અત્યારે તો  યાદ એ આવે છે કે આજથી પાંચ વર્ષ પહેલાં તેમણે મારી પાસે પોતાના વિશે લખવા જણાવ્યું હતું ત્યારે તો મેં તરત લખી આપ્યું હયું પણ આજની અને ત્યારની વાત વચ્ચે કેટલો મોટો ફરક છે? છતાં એમાંનો  કેટલોક ભાગ અહીં…

 નવીન બેંકર એટલે  એક બહુમુખી પ્રતિભા અને બહુરંગી વ્યક્તિત્વ.

નવીન બેંકર એટલે એક મસ્ત મઝાના, રંગીલા–રસીલા,મળતાવડા, નિખાલસ, ઉમદા અને ખુબ જ ઊર્મિશીલ માનવ. તેમની કલમ એટલે કમાલ ! અજબનો જાદૂ. અમેરિકન ફિલ્મ હોય કે ગુજરાતી નાટક, વ્યક્તિ પરિચય હોય કે હ્યુસ્ટનની કોઈપણ સંસ્થાની પ્રવૃત્તિ; તેમનું અવલોકન અને અહેવાલ આબાદ જ હોય. નાટક–સિનેમા, ફોટા,સંગીત અને લેખન તેમના મુખ્ય રસના વિષયો.

“સંકટભરી આ જીંદગીથી હારનારો હું નથી,સાગર ડુબાડી દે મને તેવો કિનારો હું નથી.” એવી જુસ્સાદાર શાયરીઓ ગણગણવાના નાનપણથી શોખીન, તો વળી નજર સામે સતત ‘આ દિવસો પણ વહી જશે’નું સૂત્ર રાખી જીવનના ચડાવ–ઊતારની ફિકરને, ફાકી કરી ફરનાર અલગારી પણ લાગે. ક્યારેક પોતાને ‘નિત્યાનંદભારતી’ બનાવે તો ક્યારેક શાંતિકાકા બની જાય. એક ઠેકાણે એમણે લખ્યું છે કે,”જિન્દગીમાં, મેં એવા અને એટલા બધા અનુભવો કર્યા છે અને સત્યોને ધરબાઇ ગયેલા જોયા છે એટલે ‘સત્યમેવ જયતે‘ સ્લોગનમાં મને વિશ્વાસ રહ્યો નથી.”

કદાચ એટલે જ એ જીંદગીને શિસ્તથી કે ગંભીરતાથી ક્યારેય જીવી જ શક્યા નથી.

આજે તેમના ભીતરમાં ડોકિયું કરતો વિશેષ પરિચય આપું. ૧૯૪૧માં ભૂડાસણ નામે નાનકડાં ગામમાં તેમનો જન્મ; ઉછેર અમદાવાદમાં અને ૧૯૭૯થી અમેરિકામાં સ્થાયી થયાં હતા.  દાદા શરાફી પેઢી ચલાવતા અને ઘણાં ધનિક. પણ કાળે કરીને સઘળું ઘસાતું ચાલ્યું. તેથી પિતાની સ્થિતિ અતિ સામાન્ય.  અમે નાની ચાર બેનો અને એક નાનો ભાઈ. પોતે સૌથી મોટાં. ચૌદથી અઢાર વર્ષની કિશોરાવસ્થામાં  અમદાવાદમાં દોઢસો જેટલી જગાએ છાપાં નાંખવા જતા..પગમાં જુતિયાં પણ નહિ અને બપોરે ધોમધખતા તાપમાં છાપાનાં ‘વધારા’ પણ બૂમો પાડીને ખપાવવા જતા.દિવાળી ટાણે ખભે પાટિયું ભરાવી માણેકચોકમાં દારુખાનું વેચતા અને ઉતરાણના આગલા દિવસોમાં પતંગ દોરી પણ વેચવા નીકળતા. અરે! આ બધા કામો કરતાં કરતાં ૧૯૫૬માં મહાગુજરાતના તોફાનોમાં છાપાવાળા તરીકેનો પાસ હોવા છતાં પોલીસનો માર ખાઈ જેલ પણ વેઠેલી !

આર્થિક સંકડામણો અને યુવાનીના અધૂરા ઓરતાની વચ્ચે ઝઝુમતા નવીન બેંકર ૧૯૬૨માં બી.કોમ. થયાં. સરકારી ઑડિટર તરીકે અમદાવાદની એકાઉન્ટન્ટ જનરલની ઑફિસમાં પૂરાં ૨૩ વર્ષ કામ કર્યું. આ ખર્ચા–નિયમનનું કામ તેમણે બરાબર ખબરદારી અને રુઆબભેર કર્યું. હંમેશા તેમને લાગતું કે જીંદગીનો એ દોર સુવર્ણકાળ હતો.

બાવીસની ઉંમરે કેન્દ્રિય સચિવાલય હિન્દી પરિષદ યોજિત “પ્રેમચંદજીકી સાહિત્ય સેવા” એ વિષય પર વક્તૃત્વ સ્પર્ધામાં વૈવિધ્યપૂર્ણ વક્તવ્ય આપ્યું હતુ અને પ્રથમ ઈનામ પણ મેળવેલું. તેમાં તેમની વાક્‍છટા દાદપાત્ર બની હતી. સિનેમા અને નાટકો પ્રત્યેના અનુરાગ પછી લેખનનો છંદ લાગ્યો અને પછી તો એ જ જીવનનો રંગ બની ગયો. ૧૯૬૨માં નવીનભાઈની પહેલી વાર્તા ‘પુનરાવર્તન’ કોલેજના વાર્ષિક અંકમાં છપાયેલી. અનંતરાય રાવળ, રમણલાલ જોશી, અશોક હર્ષ અને પીતાંબર પટેલે તેમને નવલિકાલેખન અંગે માર્ગદર્શન આપેલું. ત્યાર પછી ‘સ્ત્રીઓ અને સરકારી નોકરી’ કટાક્ષિકા, ’દિલ એક મંદિર’ ‘ ચાંદની’ માં પ્રગટ થઈ. તે પછી વાર્તાલેખનમાં વેગ આવ્યો. ઉપરાછાપરી સવાસો જેટલી તેમની નવલિકાઓ જુદા જુદા મેગેઝીનોમાં પ્રકાશિત થતી રહી. સ્ત્રી, શ્રી, મહેંદી, શ્રીરંગ ડાયજેસ્ટ,આરામ, મુંબઈ સમાચાર, કંકાવટી, જન્મભૂમિ પ્રવાસી, નવચેતન વગેરેમાં છપાતી રહી.તેમની ઘણી વાર્તાઓને ઈનામો પણ મળ્યાં. આમાંથી પાંચ વાર્તાસંગ્રહો બન્યાં.” હેમવર્ષા’, ‘અરમાનોની આતશબાજી’, ’રંગભીની રાત્યુંના સમ’,’કલંકિત’ અને ‘પરાઈ ડાળનું પંખી’. ૧૮ જેટલી રોમેન્ટીક પોકેટબુક્સ પણ ૧૯૬૪ થી ૧૯૭૧ દરમ્યાન પ્રસિધ્ધ થઈ હતી. એ જમાનામાં, બે રુપિયાની કિંમતમાં ૯૬ પાનાની પોકેટબુકોનું ચલણ હતું. રસિક મહેતા, કોલક, લક્ષ્મીકાંત વોરા..એમના જમાનાના જાણીતા લેખકો. આ પોકેટબુકો એસ.ટી સ્ટેન્ડો પર વધુ વેચાતી.

નવીનભાઈની વાર્તાને અંગત જીવન સાથે સીધો સંબંધ.હ્રદયમાં હેલે ચઢેલી ઊર્મિઓએ તેમની પાસે વાર્તા લખાવી છે. તેમની કલ્પનાની ત્રિજ્યા , જીવનના વર્તુળ બહાર જઈ શકી નથી. આભને અડવા કરતાં વાસ્તવિકતાની નક્કર ધરતી પર સહજ રીતે  તેમની  કલમ સરી છે. અતીતમાં જઈ વાર્તાના ઉપાડ અને ઉઘાડની તેમની શૈલીની રસાળતા ઘણી સફળ અને વાંચકને  જકડનારી રહી છે.

૧૯૬૪થી ૧૯૭૭ સુધી તેમણે  ડઝનેક એકાંકીઓ અને  કેટલાક  ત્રિઅંકી નાટકોમાં કામ કર્યું હતું. ૧૯૭૦ થી ૧૯૭૪ દરમ્યાન ગુજરાતી રંગમંચ અને ફિલ્મી જગતના જાણીતા કલાકારોની વ્યક્તિગત મુલાકાત અંગેના લેખો  સ્વ. ચાંપશી ઉદ્દેશીના ‘નવચેતન’માં દર મહિને નિયમિત છપાતા. પ્રતાપ ઓઝા, માર્કન્ડ ભટ્ટ,અરવિંદ પંડ્યા, મનહર રસકપૂર, પ્રાણસુખ નાયક, પી.ખરસાણી, સ્વ.વિજય દત્ત, નરોત્તમ શાહ, દામિની મહેતા, જશવંત ઠાકર, દીનેશ શુક્લ, નલીન દવે વગેરે.. નામોની યાદી તો ખુબ લાંબી છે પણ મુખ્યત્વે આ છે. ૧૯૭૯માં અમેરિકા આવ્યાં. ન્યુયોર્કની ‘Russ Togs‘નામની કંપનીમાં અને સબ–વે સ્ટેશનો પરના કેન્ડી સ્ટોરોમાં અર્થ–ઉપાર્જનના કામની સાથે સાથે ઈતર પ્રવૃત્તિઓ પણ ચાલુ રહી. ફિલ્મો, ગુજરાતી નાટકોના અહેવાલ, અવલોકનો આદિ વિષય પરના તેમના અભ્યાસપૂર્ણ લેખો  ‘ગુજરાત ટાઈમ્સ’, ગુજરાત સમાચાર’,  ‘નયા પડકાર’ વગેરેમાં આવતા રહ્યાં.પહેલાં તો આ લેખોની તેઓ અનુક્રમણિકા રાખતા.૧૯૯૧–૯૫ દરમ્યાન આ આંકડો ૧૦૭ સુધી પહોંચી ગયો. પછી તો એ દિનચર્યા છોડી દીધી!

૧૯૮૬માં ન્યુયોર્કના ગુજરાતી સમાજે યોજેલી એક નાટ્ય હરિફાઈમાં નવીન બેંકર દિગ્દર્શિત નાટક ‘ધનાજીનું ધીંગાણુ’ રજૂ થયેલું જેમાં તેમણે મુખ્ય ભૂમિકા ભજવી હતી. ૧૯૮૮માં હ્યુસ્ટન સ્થળાંતર કર્યા પછી હ્યુસ્ટન નાટય કલાવૃંદ સાથે જોડાયા અને  ક્યારેક ‘મહાભારત’ના અંધ ધૃતરાષ્ટ્ર બને તો ‘શોલે’ના કાલિયાનો રોલ કરે. હ્યુસ્ટનની ગુજરાતી સાહિત્ય સરિતા, અને સીનીયર  સિટીઝન એસોસિયેશન સાથે પણ જોડાયા.દરેક સંસ્થાની પ્રવૃત્તિઓમાં સક્રિયપણે તે અચૂક હાથ બઢાવે જ. નાટક સ્પોન્સર કરતાં પહેલાં પ્રમોટર, તે નાટકના કલાકારો અંગે નવીનભાઈનો અભિપ્રાય પૂછે. જૂની અવેતન રંગભૂમિના નાટકોથી માંડીને આજના નાટકો સુધીનું, તેમનું જ્ઞાન અજોડ હતું.

નવીનભાઈને એક કામ અતિ પ્રિય અને તે નાટ્યમંચ કે ફિલ્મ જગતની કોઈપણ વ્યક્તિ હ્યુસ્ટનમાં આવે ત્યારે તેમની સાથેની મુલાકાત અને વાર્તાલાપનું આલેખન. આવનાર વ્યક્તિ પણ તેમને મળીને અચૂક કૃતકૃત્ય થઈ જાય. એ અંગેની રસપ્રદ વાતો  નવીનભાઈના મુખે સાંભળવાની મઝા આવે.અને આલ્બમ જુઓ તો નવાઈ જ પામો. મન્નાડે, આશાભોંસલે, અનુમલિક,એ.આર. રહેમાન,ધર્મેન્દ્ર, અમીરખાન, અક્ષયકુમાર, બબીતા, કરિશ્મા, પ્રીતિઝીન્ટા,પરેશ રાવલ, પદમારાણી,ફાલ્ગુની પાઠક, નાના પાટેકર, અનિલકપૂર,ઐશ્વર્યારાય,અમિતાભ બચ્ચન, સલમાનખાન અને આવાં બીજાં તો અનેક..નવીન બેંકરની દરેક સાથે તસ્વીર તો હોય જ! આમાનાં ઘણાં કલાકારોને પોતાની કારમાં બેસાડીને હિલક્રોફ્ટ પરના ઈન્ડીયન સ્ટોરોમાં, હિન્દી ચલચિત્રો દર્શાવતા સિનેમા થિયેટરોમાં અને હોટલોમાં લઈ ગયા છે. શો કરવા આવતા કલાકારોને હોટલ પરથી લાવવા લઈ જવાની, સ્ટેજ પરની વ્યવસ્થામાં મદદ કરવાની  કામગીરીની રોમાંચક વાતોનો તો તેમની પાસે ખજાનો છે.અત્યાર સુધીમાં તેમણે ૨૫૦ જેટલાં અહેવાલો લખ્યાં. કોઈ સંસ્થામાં આગેવાનીનું પદ ન લે, કોઇ કમિટીમાં મેમ્બર  પણ નહીં. પોઝીશનનો જરા યે મોહ નહિ પણ મૂક સેવક રહેવાનું પસંદ કરે.

૨૦૧૦ની સાલમાં હ્યુસ્ટનના વરિષ્ઠ મંડળે નવીનભાઈના આ પ્રદાનને સન્માન–પત્રથી નવાજ્યું.. ઈન્ડિયન કલ્ચરલ સેન્ટર ઓફ હ્યુસ્ટને તેમને ‘સ્પીરીટ ઓફ ટાગોર એવોર્ડ’  કોન્સ્યુલર જનરલના શુભ હસ્તે.

8 thoughts on “પારદર્શી લેખક/ભાઈ શ્રી નવીન બેંકરને શબ્દાંજલિ…- દેવિકા ધ્રુવ

  1. પરમ કૃપાળુ પરમાત્મા સદગતના પવિત્ર આત્માને શાંતી અર્પે
    તથા
    પરિવારને આ દુઃખ સહેવાની હિંમત આપે એવી પ્રાર્થના ..!

    Liked by 2 people

  2. હ્રદય ભીંજવતી શબ્દાંજલિ વાંચતાં નવિનભાઈને વધુ જાણ્યા! ખરેખર અજોડ પ્રતિભા હતા. તેમની સાથે નાટ્ય કલાવૃંદ, સાહિત્ય સરિતા તેમજ સીનીયર સેન્ટરમાં મળવાનું થતું. ખુબ અનોખું વ્યક્તિત્વ હતું. હવે તો તેમની અવિસ્મરણીય યાદો ફુલોની ફોરમ જેવી પ્રસરી ગઈ . પ્રભુ તેમના સદ્દગત આત્માને પરમ શાંતિ અને પરિવારને દુ:ખ સહન કરવાની શક્તિ અર્પે!

    Liked by 1 person

  3. દેવિકા, નવીનભાઈને હું તથા શરીફ અનેક રીતે યાદ કરીએ છીએ. જાણે અમારા મોટાભાઈએ વિદાય લીધી હોય એવી પીડા હૃદયમાં થાય છે. અમે હ્યુસ્ટન આવ્યા ત્યારે ગુજરાતી થાળી માં જમવા ગયા એ અમૂલ્ય સમયને મેમરીમાં સાચવી રાખીશ . તારી વેદના ઓછી થાય એટલે ફોન કરીશ. ઈશ્વર સદગતના આત્માને શાંતિ અર્પે.

    Liked by 1 person

  4. દેવિકાબેન,
    ભાવ ભરી શબ્દાંજલિ વાંચતા તેઓનો હસ્તો ચહેરો નજર સમક્ષ આવ્યો, આંખના ખૂણા ભિંજાય ગયા.
    પરમ કૃપાળુ પરમાત્મા તેમના ઉમદા આત્માને શાંતિ આપે અને બહોળા પરિવારને આ વિયોગ સહન કરવાની શક્તિ આપે એ જ પ્રાર્થના.

    Liked by 1 person

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s