લલિતકળાઃ મ્યુઝિયમ્સ – (૭) – જયા મહેતા – સંપાદનઃ સુરેશ દલાલ
ભારતનાં મ્યુઝિયમોઃ
ઈતિહાસ અને પરિચયઃ
આપણે આગળના પ્રકરણોમાં જોઈ ગયા કે મ્યુઝિયમ સર્વ સામાન્ય જનતા માટે, બાળકો માટે, શાળા કોલેજના વિદ્યાર્થીઓ માટે, પ્રૌઢ વસ્તીના જ્ઞાન વર્ધન માટે, અને સંશોધનના વિદ્વાનો તથા વિદ્યાર્થીઓ માટે હોય છે.
સભ્ય અને કેળવણી માટે સજાગ સમાજ અને દેશના અગ્રણીઓ આ વાતથી સુપેરે સુવિદિત છે. આજના વિકસિત ટેકનોલોજીના દોડતા જમાનામાં મ્યુઝિયમોની વિઝિટ એક પ્રકારની Temporary – હંગામી ધોરણે, એક વિરામ પૂરૂં પાડે છે, જે લોકોમાં ભૂતકાળ અને ઈતિહાસમાં એક ડોકિયું કરવાની જિજ્ઞાસા અને કુતુહલ જગાડે છે. એટલું જ નહીં, પણ આ ભાવો આજના સમયમાં અનુભવી શકાય એવું પ્લેટફોર્મ પણ આપે છે. માણસે માત્ર સતત વિકસતા વિજ્ઞાનની દોટનું પ્યાદું ન રહેતાં, પોતા માટે પણ સમય ફાળવીને ભૂતકાળની ભવ્યતા ને ખંડેરના અવશેષોમાંથી પણ ઘણું શીખવાનું છે એની પ્રતિતી પણ મ્યુઝિયમો થકી થાય છે.
એનું કારણ છે, મ્યુઝિયમના કેન્દ્રિત વિષયો, જે નીચે પ્રમાણે છેઃ
૧. સર્વસમાવેશી
૨. લલિતકળા (જેમ કે, ચિત્રકળા, શિલ્પકળા, સ્થાપત્યકળા, ફોટોગ્રાફી, સંગીતના વાદ્યો વગેરે)
૩. વિજ્ઞાન
૪. ઈતિહાસ
૫. ભૂગોળ
૬. પ્રાકૃતિક સંરચનાઓનો ઈતિહાસ
૭. ખગોળશાસ્ત્ર
૮. પુરાતત્વશાસ્ત્ર
આ વિષયો ઉપરાંત પણ ખાસ રસના વિશિષ્ઠ મ્યુઝિયમોની પણ શક્યતા છે. જેમ કે, કમ્પ્યુટર, આર્મી, રેલ્વે, વહાણવટું, સિક્કા, ટપાલટિકિટ, હસ્તપ્રતો, વાસણો, કપડાં, ચિકિત્સા અને અન્ય વેપાર-વાણિજ્યને લગતાં મ્યુઝિયમો.
ભારતની વાત કરીએ તો ભારતાં ઘણાં મ્યુઝિયમોમાં મુકાયેલી કેટલીયે વસ્તુઓ હજીયે લોકજીવનની પરંપરામાં છે. દા.ત. દેવીદેવતાઓની મૂર્તિઓ, કર્મકાંડનાં સાધનો, વાસણો, રાચરચીલું વગેરે વગેરે..
ક્યારેક પૂજાની દ્ર્ષ્ટિએ તો ક્યારેક આપણા વારસાને લીધે, આમાંનું કેટલુંક આજે પણ લોક વપરાશમાં છે. આમ, આ બધાં જ મ્યુઝિયમોમાં પ્રદર્શિત વસ્તુઓ, ભારતનો મૂલ્યવાન ઐતિહાસિક, સાંસ્કૃતિક અને શૈક્ષણિક વારસો જાળવવામાં ખૂબ મદદરૂપ થાય છે.
ભારતમાં રાજા-મહારાજ અને નવાબોએ તેમ જ દિનકર કેળકર અને સુરેન્દ્ર પટેલ જેવી વ્યક્તિઓએ પોતાના અંગત માલિકીનાં મ્યુઝિયમ ઊભાં કર્યાં હતાં. હવે તેમાંનાં મોટા ભાગનાં મ્યુઝિયમો સરકારની અથવા સાર્વજનિક માલિકીનાં બની ગયાં છે અને તેમનો વહીવટ પણ એ જ રીતે કરવામાં આવે છે.
ભારતનું સૌથી પહેલું અને સૌથી મોટું, “ધ ઈન્ડિયન મ્યુઝિયમ” કોલકત્તામાં છે. એશિયાટિક સોસાયટી ઓફ બંગાળે સન ૧૮૧૪માં મ્યુઝિયમ માટે વિચાર કર્યો. બે જ વિભાગોથી, આમ જુઓ તો ખૂબ નાના પાયેથી આનો આરંભ કરવામાં આવ્યો. ધીરે, ધીરે આનો વિકાસ થતો ગયો અને સન ૧૯૧૪માં તો એ સર્વસમાવેશી મ્યુઝિયમ બની ગયું.
સન ૧૮૬૫માં બેંગલોરમાં “કર્ણાટક ગવર્નમેન્ટ મ્યુઝિયમ” અને “વેંકટપ્પા આર્ટ ગેલેરી” બન્યાં.
મુંબઈમાં સન ૧૮૭૨માં ભાઉદાજી લાડ મ્યુઝિયમ અને સન ૧૯૨૩માં પ્રિન્સ ઓફ વેલ્સ મ્યુઝિયમની સ્થાપના થઈ. આજે તો ભારતનાં ઘણાં નાનાંમોટાં શહેરોમાં એક કે વધુ મ્યુઝિયમ છે. આજે ભારતના કોઈપણ શહેર કે રાજ્ય કરતાં વધારે મ્યુઝિયમ અને આર્ટ ગેલેરી દિલ્હીમાં છે.
૧. ધ પ્રિન્સ ઓફ વેલ્સ મ્યુઝિયમઃ જેનું પુનઃનામકરણ મરાઠા સામ્રાજ્યના સ્થાપક અને ભારતીયતાના પ્રણેતા છત્રપતિ શિવાજી મ્યુઝિયમ તરીકે ૧૯૯૮માં કરવામાં આવ્યું છે.
આ મ્યુઝિયમ આ બ્રિટિશ શાસન દરમિયાન અંગ્રેજોએ ભારતમાં ઊભું કરેલું પ્રથમ મ્યુઝિયમ છે. આ મ્યુઝિયમ ૧૯૨૩માં બનાવવામાં આવ્યું હતું. આ મ્યુઝિયમની ઈમારતનો પાયો સન ૧૯૦૫માં પ્રિન્સ ઓફ વેલ્સના હસ્તે નંખાયો હતો. સન ૧૯૧૪માં આનું બાંધકામ પૂરૂં થયું. આ દરમિયાન જ પહેલા વિશ્વયુદ્ધનો આરંભ થઈ ચૂક્યો હતો, એટલે એ બિલ્ડીંગમાં સૈનિકો માટેની હોસ્પિટલ ઊભી કરવામાં આવી. આખરે સન ૧૯૨૩માં ત્યાં મ્યુઝિયમનું ઉદઘાટન થયું. આ ઈમારતનો ઘુમ્મટ બીજાપુરના ગોળગુંબજ જેવો બનાવ્યો છે. સન ૧૯૭૦ સુધી તો આ ઘુમ્મટ સીમાચિન્હરૂપ ક્ષિતિજરેખા (Skyline) હતો. આ બેમજલી સુંદર ઈમારતનું પ્રાંગણ આજે પણ વૃક્ષો અને ફૂલછોડથી છવાયેલું છે, જે હવે સિમેન્ટ-કોંકરીટના જંગલ બની ગયેલા મુંબઈ શહેરમાં ભાગ્યે જ જોવા મળે છે. આ સર્વસમાવેશી મ્યુઝિયમમાં પ્રાકૃતિક ઈતિહાસ વિભાગ, શિલ્પગેલેરી, મિનિએચર પેઈન્ટિંગ્સ ગેલેરી, તિબેટિયન કળા, નેપાળી કળા, યુરોપિયન પેઈન્ટિંગ્સ તથા શસ્ત્રાસ્ત્રો વગેરે વિવિધ ગેલેરીઓ છે.
ભોંય તળિયાના સેન્ટ્રલ હોલમાં મ્યુઝિયમની બધીજ ગેલેરીમાંથી નમૂનારૂપ થોડીથોડી વસ્તુઓ મૂકી છે, જેના થકી આ વિભાગ મ્યુઝિયમની ચાવીરૂપ પ્રદર્શન રજુ કરે છે.
અહીં છે ગંધર્વ આર્ટ, દેવદેવીઓની તાંબા-પિત્તળ-કાંસાની મૂર્તિઓ, ભરતકલા અને વણાટકલાના નમૂનાઓ, ઝવેરાત-આભૂષણો, માટી, ધાતુ, અને કાચનાં વાસણો, હાથીદાંત, ચાંદી, કાષ્ઠ ઈત્યાદિની કલાત્મક વસ્તુઓ, પ્રાચીન-મધ્યકાલીન હસ્તપ્રતો સમેત ખૂબ કિમતી ખજાનો, જે અમૂલ્ય છે. અને, ભૂસું ભરીને તૈયાર કરેલાં ને એકદમ જીવંત લાગે એવાં પશુપક્ષીઓ તો અહીંના નેચરલ હિસ્ટ્રી વિભાગનું તો આગવું આકર્ષણ છે.
વખત જતાં, આ મ્યુઝિયમ પાંચ હજાર વર્ષોની કલા-કારીગીરી અને સિંધુ ખીણની સંસ્કૃતિથી માંડીને આજ સુધીની અનેક જ્ઞાન-વિજ્ઞાનની વસ્તુઓથી સમૃદ્ધ બન્યું છે અને બનતું પણ જાય છે, જે એના વહીવટકર્તાઓની દૂરંદેશી અને મ્યુઝિયમ વિષેના ઊંડા અભ્યાસની સાહેદી પૂરી છે.
છત્રપતિ શિવાજી મહારાજ વસ્તુ સંગ્રહાલય અને એમાં મૂકેલું શિવાજી મહારાજનું પોર્ટેટ
(વધુ આવતા બુધવારના અંકે)
(પરિચય ટ્રસ્ટની પરિચય પુસ્તિકા પ્રવૃત્તિની અંતર્ગત પ્રકાશિત, પરિચય પુસ્તિકા ૧૧૨૮, “વિખ્યાત મ્યુઝિયમ્સ” ના સૌજન્યથી, સાભાર –આમાં સંપાદક તરફથી સોશ્યલ મિડીયાનો ઉલ્લેખ કરવાની છૂટ લેવામાં આવી છે જેથી મ્યુઝિયમ માટે લખાયેલા આટલા સુંદર સંશોધન લેખને આજના જમાનાના પરિપેક્ષ્યમાં માણી શકાય એ બદલ લેખકનો આગોતરો આભાર માનું છું)
લલિતકળાઃ મ્યુઝિયમ્સ અંગે સુ શ્રી જયા મહેતા અભ્યાસપુર્ણ લેખનુ મા સુરેશ દલાલનુ સરસ સંપાદન.
છત્રપતિ શિવાજી મહારાજના વસ્તુ સંગ્રહાલય અને સ રસ ચિત્રો
LikeLike