પ્રથમ સ્કંધ – તેરમો અધ્યાય – વિદુરજીના ઉપદેશથી ધૃતરાષ્ટ્ર અને ગાંધારીનું વનગમન
(પ્રથમ સ્કંધના બારમા અધ્યાયમાં આપે વાંચ્યું કે, શ્રી કૃષ્ણ તો દ્વારિકા પધાર્યા પણ અશ્વત્થામાએ જે અત્યંત તેજસ્વી બ્રહ્માસ્ત્ર છોડ્યું હતું તેનાથી ઉત્તરાનો ગર્ભ નાશ પામ્યો હતો, પરંતુ, ભગવાન શ્રી કૃષ્ણએ હસ્તિનાપુર છોડ્યા પહેલાં, પોતાના પુણ્યના પ્રતાપે એને પુનર્જીવિત કરી દીધો હતો. તે ગર્ભથી જન્મ પામેલા મહાજ્ઞાની મહાત્મા પરીક્ષિત, કે જેમને શુકદેવજીએ જ્ઞાનોપદેશ આપ્યો હતો – તેમનાં જન્મ, કર્મ, મૃત્યુ અને ત્યાર પછી તેમને મળેલી સદગતિ વિષે અમને વિસ્તારથી મહાજ્ઞાની સૂતજી શૌનકાદિ ઋષિઓને કહે છે. સૂતજી જણાવે છે કે બ્રાહ્મણોએ રાજા યુધિષ્ઠિરને જણાવ્યું હતું કે “આ બાળકમાં બ્રહ્મા જેવી સમતા હશે, આ ભગવાન શંકર જેવો કૃપાળુ થશે, શ્રી કૃષ્ણનો અનુયાયી અને યયાતિ જેવો ધાર્મિક થશે. આ જાતક ધૈર્યમાં બલિરાજા જેવો અને ભગવાનની નિષ્ઠામાં પ્રહલાદ જેવો થશે. આ ઘણા બધા અશ્વમેઘ યજ્ઞો કરનારો અને પ્રજાનો સેવક થશે, એટલું જ નહીં પણ પૃથ્વીમાતા અને ધર્મના રક્ષણ માટે કળિયુગનું પણ દમન કરશે. પણ એક વાત છે કે થનારું કોઈ ટાળી શકતું નથી. આ કુમાર બ્રાહ્મણ કુમારના શાપને લીધે, તક્ષક દ્વારા પોતાના મૃત્યુની વાત સાંભળીને આસક્તિ છોડીને ભગવાનના ચરણનું શરણ લેશે. હે રાજન, આ વ્યાસનંદન શુકદેવજી પાસેથી આત્માના ખરા સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત કરશે અને અંતે ગંગાકિનારે પોતાના શરીરનો ત્યાગ કરીને ચોક્કસ અભયપદ પ્રાપ્ત કરશે.” આ પ્રમાણે જ્યોતિષશાસ્ત્રના પંડિત એવા બ્રાહ્મણોએ બાળકના જન્મલગ્નનું ફળ બતાવ્યું અને રાજાએ આપેલી દાનદક્ષિણા લઈને પોતપોતાના ઘરે ગયા. તે જ આ બાળક સંસારમાં પરીક્ષિતના નામે પ્રસિદ્ધ થયો. પરીક્ષિતે ગર્ભમાં જ શ્રી હરિની દિવ્યતા અનુભવી હતી. આ રાજકુમાર પોતાનાં ગુરુજનોના લાલનપાલનથી રોજરોજ ક્રમશઃ વધતો રહીને જલદી પુખ્ત થતો ગયો. હવે અહીંથી વાંચો આગળ તેરમો અધ્યાય)
સૂતજી કહે છે – વિદુરજી તીર્થયાત્રા દરમિયાન મહર્ષિ મૈત્રય પાસેથી આત્મજ્ઞાન મેળવીને હસ્તિનાપુર પાછા આવ્યા. તેમને જે કંઈ જાણવાની ઈચ્છા હતી તે પૂર્ણ થઈ ગઈ હતી. વિદુરજીએ મૈત્રય ઋષિને જેટલા પ્રશ્નો કર્યા હતા તેમના ઉત્તરો સાંભળવાની એમને જરૂર નર્હી કારણ એમનામાં શ્રી કૃષ્ણમાં અનન્ય ભક્તિનો આવિર્ભાવ થયો હતો. હે શૌનકજી, પોતાના કાકા વિદુરજીને હસ્તિનાપુર આવેલાં જાણીને સમસ્ત પાંડવ પરિવારમાં પ્રસન્નતા વ્યાપી જાય છે. સહુ એમનું સામૈયું કરવા સામે ગયાં અને યથાયોગ્ય સત્કાર કર્યો. સ્વજન કાકાનું આવવું યુદ્ધ પછી રાહતદાયક બન્યું હતું. કાકાનું અભિવાદન કરી મહારાજા યુધિષ્ઠિરે વિનયપૂર્વક સહુની સામે જ પૂછ્યું કે, “કાકા, તમે અમને અત્યંત વાત્સલ્યથી તમારી છત્રછાયામાં પાળ્યા અને લાયક બનાવ્યાં. તમે અમારી બધી આપદામાં અમારી સાથે રહ્યાં અમને અને અમારી માતાને વિષદાન અને લાક્ષાગૃહ જેવી વિપત્તિઓથી બચાવ્યાં. કાકા, આ મહાભારતના યુદ્ધ પછીની તીર્થયાત્રામાં આપ ક્યાં ક્યાં ગયા અને પૃથ્વીના ક્યા તીર્થો અને ક્ષેત્રોનું સેવન કર્યું? કાકા, તમે તમારી તીર્થયાત્રા દરમિયાન, જ્યાં અમારા સુહ્રદ અને બંધુ-બાંધવ યાદવો તથા અમારા આરાધ્યદેવ શ્રી કૃષ્ણ રહે છે તે દ્વારકાનગરીમાં પણ અવશ્ય ગયા હશો. કેમ છે સહુ ત્યાં? અમને શ્રી હરિની કમી અત્યંત સાલે છે. આપે ત્યાં જે કંઈ જોયું કે સાંભળ્યું હોય તે અમને કહો.”
યુધિષ્ઠિરના આગ્રહપૂર્વક પૂછવાને કારણે વિદુરજીએ ક્રમશઃ કહી જણાવ્યું પણ યદુવંશના વિનાશની વાતો કહી નહીં કારણકે કરૂણામય વિદુરજી પાંડવોને વ્યથિત જોઈ શકતા નહોતા. આથી જ એમણે કદાચ યાદવકુળના વિનાશની અસહ્ય ઘટના સંભળાવી નહોતી. આ વાત એના યોગ્ય સમયે આપોઆપ જ પ્રગટ થાય એમાં જ એમણે ઔચિત્ય સમજ્યું હતું. વિદુરજી પોતાના મોટાભાઈ ધૃતરાષ્ટ્રના કહેવાથી ત્યાં બધાને પ્રસન્ન કરવા હસ્તિનાપુરમાં રહ્યાં. વિદુરજી આમ તો યમરાજનો અવતાર હતા અને માંડવ્ય ઋષિના શાપને કારણે એમને શુદ્ર યોનિમાં સો વરસ જીવવું પડ્યું હતું. જેટલો સમય વિદુરજી
માંડવ્ય ઋષિનો શાપ પૂરો કરતા હતા તેટલો સમય અર્યમા યમરાજના પદ પર હતા. પણ હવે એમના શાપની અવધિ પૂરી થતી હતી. આ બાજુ પાંડવો સપરિવાર, ગૃહસ્થીના અને રાજકાજના કામમાં રત રહેતા હતા અને પરીક્ષિતને જોઈને આનંદ પામતા હતાં. આ બધી પળોજણમાં એ વાત તેઓ ભૂલી ગયા કે એમનું જીવન મૃત્યુ ભણી જઈ રહ્યું છે અને જોતજોતામાં એ સમય પણ આવી પહોંચવાનો હતો.
પરંતુ, વિદુરજી કાળની ગતિને જાણી ચૂક્યા હતાં. એમણે મોટાભાઈ ધૃતરાષ્ટ્રને કહ્યું – “મહારાજ, આપણા સહુના માથા પર સર્વ સમર્થ કાળ ભમી રહ્યો છે, જેને ટાળવાનો કોઈ ઉપાય નથી તો પછી આ ધન, વૈભવ, અને બીજી વસ્તુઓની મોહમાયા કે બદલો લેવાની ભાવના કે વ્યથાનો કોઈ અર્થ નથી રહેતો. તમારા, કાકા, ભાઈ, સગાસંબંધી, અને પુત્રો તથા એમનો પરિવાર સહુ માર્યા ગયા છે. તમારી ઉંમર પણ ઢળી ચૂકી છે.” અને આમ કહીને મહાભારતના યુદ્ધની વાતોથી માંડીને ભૂતકાળની એ સહુ બીનાઓ યાદ કરાવી અને કહ્યું – “જેમને તમે આગમાં બાળી નાખવાનો પ્રપંચ કર્યો, ઝેર આપવાની કોશિશ કરી, જેની વિવાહિતા પત્નીનું ચીરહરણ તમે તમારી રાજસભામાં થવા દીધું, જેમને તમે સંપત્તિ છીનવીને બેઘર કરી નાખ્યા, આજે એમની દયા પર તમે જીવી રહ્યા છો. આ શરીરના મોહનો હવે તો ત્યાગ કરો અને પ્રભુ શરણનો રસ્તો અપનાવો.” ધૃતરાષ્ટ્ર એક મોહિત જીવ હતા અને એમના મોહને તોડવા જ વિદુરજીને એમના કુકર્મોની યાદ અપાવી પડી હતી. જ્યારે નાનાભાઈ વિદુરે આમ બોધ કર્યો ત્યારે ધૃતરાષ્ટ્રના પ્રજ્ઞાચક્ષુ ખુલી ગયા અને એમણે બધાં બંધનો કાપીને નાનાભાઈ વિદુરના બતાવેલા રસ્તે ચાલવાનો નિર્ણય કરી લીધો અને સંન્યાસ લઈને હિમાલયના રસ્તે નીકળવા માંડ્યા. જ્યારે સુબલસુતા ગાંધારીએ આ જોયું તો એ સતી પણ પતિ સાથે નીકળી પડ્યાં.
આ બાજુ અજાતશત્રુ યુધિષ્ઠિર પણ પ્રાતઃકાળે સંધ્યાવંદન તથા અગ્નિહોત્ર કરીને બ્રાહ્મણોને નમસ્કાર કરીને, એમને તલ, ગાય, જમીન અને સુવર્ણનું દાન આપ્યું. ત્યાર પછી તેઓ વડીલો અને ગુરુજનોની ચરણવંદના કરવા ધૃતરાષ્ટ્રના રાજમહેલે ગયા તો ધૃતરાષ્ટ્ર, વિદુર અને ગાંધારીના દર્શન થયાં નહીં અને ખબર પડી કે તેઓ તો મહેલ છોડીને ક્યારના નીકળી ચૂક્યા છે, તો ઉદ્વિગ્ન ચિત્તે મહારાજ યુધિષ્ઠિરે ત્યાં બેઠેલા સંજયને પૂછ્યું – ‘હે સંજય, મારા નેત્રહીન પિતા ધૃતરાષ્ટ્ર અને કાકા વિદુર અને મારી માતા ગાંધારી ક્યાં છે? શું અમારો કોઈ અપરાધ થયો છે કે અમને કશું જ કહ્યું નહીં અને અમને ત્યાગીને આમ વિદાય લીધી?” આ બાજુ સંજય પણ અશ્રુભરેલી આંખો સાથે કહે છે કે – “હે મહારાજ, મને પણ કશું જ કહ્યા વિના તેઓ જતા રહ્યા છે.” આમ સંજય કહી જ રહ્યા હતા કે ત્યાં જ નારદજી પધારે છે. મહારાજ યુધિષ્ઠિર એમનું ઉચિત સન્માન કરે છે અને વિહ્વળ થઈને શોક વ્યક્ત કરતાં પોતાના બેઉ પિતાતુલ્ય કાકા અને માતા ગાંધારીના ગમનની વાત કરે છે ત્યારે નારદજી તેમને કહે છે કે હે ધર્મરાજ, તમે કોઈનાય માટે શોક ન કરો. કારણ સઘળું જગત ઈશ્વરને વશ છે. સહુ પ્રાણી અહીં જ્ઞાતરૂપે કે અજ્ઞાતરૂપે, ઈશ્વરની આજ્ઞાનું જ પાલન કરે છે. સંસારમાં સંયોગ અને વિયોગ પ્રભુની મરજીથી જ થાય છે તો એનો શોક કરવો આપ જેવા ધર્મના જાણકાર માટે યોગ્ય નથી. પાંચ મહાભૂતોનું બનેલું આ શરીર અંતે તો કાળ અને કર્મના વશમાં છે અને ‘જીવો જીવસ્ય કારણમ્’ બની રહે છે. આ બધું જ કાળચક્રને આધીન છે અને એને કોઈ રોકી શકતું નથી. હે ધર્મરાજ, હિમાલયના દક્ષિણ ભાગમાં, કે જ્યાં સપ્તર્ષિઓની પ્રસન્નતા માટે ગંગાજીએ અલગ, અલગ સાત પ્રવાહોના રૂપમાં પોતાને સાત વિભાગોમાં વિભક્ત કરી દીધી છે, જેને સપ્તસ્ત્રોત કહે છે, ત્યાં જ ઋષિઓના આશ્રમમાં ધૃતરાષ્ટ્ર પોતાની પત્ની ગાંધારી અને વિદુરની સાથે ગયા છે. ત્યાં તેઓ ત્રિકાળ સ્નાન અને અગ્નિહોત્ર કરે છે. હવે તેમના ચિત્તમાં કોઈ કામના નથી. તેઓ માત્ર પાણી પીને શાંત ચિત્તે નિવાસ કરે છે. એમણે પોતાની આસક્તિઓનો ત્યાગ કરી દીધો છે. ભગવદ્ કૃપાથી એમના તમોગુણ, રજોગુણ અને સત્વગુણના મળ પણ નષ્ટ થઈ ચૂક્યા છે. ધૃતરાષ્ટ્રએ એમના અહંકારને બ્રહ્મમાં લીન કરી દીધો છે અને જીવને પણ બ્રહ્મમાં લીન કરી દીધો છે. માયાથી થતા પરિણામોને તેમણે સર્વથા ટાળી દીધાં છે. હે ધર્મરાજ, આજથી પાંચમા દિવસે તેઓ દેહત્યાગ કરશે અને એમનું શરીર બળીને ભસ્મ થઈ જશે. ગાર્હપત્ય વગેરે અગ્નિઓ વડે પર્ણકુટીની સાથે પોતાના પતિના મૃતદેહને બળતો જોઈને સાધ્વી ગાંધારી પણ પતિનું અનુગમન કરતાં તે અગ્નિમાં પ્રવેશ કરશે. આમ વિદુરજી પોતાના ભાઈને મોક્ષ પામતા જોઈને, બાકી રહેલા એમના દિવસો તીર્થાટનમાં વ્યતીત કરશે. તો હે યુધિષ્ઠિર, તમે હવે એમના જીવને મુક્ત થવા દો અને તમે પણ શોકમુક્ત થાવ.” આમ કહીને દેવર્ષિ નારદજીએ સ્વર્ગ તરફ પ્રયાણ કર્યું. ધર્મરાજ યુધિષ્ઠિરે પણ એમનો ઉપદેશ અક્ષરસઃ ગ્રહણ કર્યો અને શોકનો ત્યાગ કર્યો.
ઈતિ શ્રીમદભાગવત મહાપુરાણનો પ્રથમ સ્કંધનો નૈમીષીયોપાખ્યાને ધૃતરાષ્ટ્ર અને ગાંધારીના વનગમન નામનો તેરમો અધ્યાય સમાપ્ત થયો.
શ્રીમન્ નારાયણ, નારાયણ, નારાયણ. ભગવદ્ નારાયણ, નારાયણ, નારાયણ.
વિચાર બીજઃ
૧. નારદજી ઈશ્વરના પાર્ષદો છે અને હંમેશાં જ જગતમાં ક્યાંય પણ જટિલ પ્રશ્નો ઊભા થાય ત્યારે એનું સમાધાન કરવા-કરાવવામાં અને જનહિતના કાર્યોમાં સદા રત રહે છે. ઈશ્વરના ભક્તોને અને પ્રભુના સહુ સંતાનો રૂપી પ્રાણીમાત્રને દેવર્ષિ મોહત્યાગનો ઉપદેશ આપીને શરીરની નશ્વરતાથી અવગત કરાવે છે. જ્યારે કોઈ પણ ઉપાય ન રહે ત્યારે દેવર્ષિના આગમનથી પરિસ્થિતિનું નિવારણ થાય છે. દેવર્ષિ નારદ એ શું Intuition – તર્કની મદદ વિના થતું પ્રત્યક્ષ જ્ઞાન, કે પ્રમાણ નિરપેક્ષ જ્ઞાન, કે અંતર્જ્ઞાન અથવા અંતર્દ્રષ્ટિ હશે? જો મનની શુદ્ધિ હોય તો આ કેવળ જ્ઞાન પૂર્વની ભૂમિકા પર પહોંચી શકાય?
૨. એક વિચાર એવો પણ આવે કે શા માટે વિદુર, ધૃતરાષ્ટ્ર અને ગાંધારી સહિત ધર્મરાજ અને અન્ય પાંડવોની અનુમતિ લીધા વિના સપ્તસ્ત્રોત આશ્રમ માટે ગમન કરે છે? આનો એક એવો તર્ક મળે છે કે જો સર્વની અનુમતિ લઈ સંસાર ત્યાગીને જવાની વાત કરત તો પાછળ રહેલા સગાસંબંધીઓને શોકમગ્નતા અને ગુનાહિત હોવાની લાગણી થાત. એટલું જ નહીં, પણ બધું છોડતી વખતે જે માન-સન્માન મળત એ અહંકારને પોષત. આ અહંકાર જ મુક્તિના માર્ગમાં આડો આવત. જ્યાં અભિમાન હોય ત્યાં શ્રી કૃષ્ણ સંભવી શકે નહીં, આ ધ્રુવ વાક્ય છે.
ધૃતરાષ્ટ્ર અને ગાંધારીના વનગમન નામનો તેરમો અધ્યાય માણ્યો.
ૐ તત્સત્ શ્રી નારાયણ તું,
પુરુષોત્તમ ગુરુ તું;
સિદ્ધ બુદ્ધ તું, સ્કન્દ વિનાયક
સવિતા પાવક તું,
..
વિચાર બીજઃ૧ અંગે નમ્ર નિવેદન
નારદ કહે છેઃ ‘यल्लब्ध्वा पूमान् सिद्धो भवति, अमृतो भवति, तृप्तो भवति’. અહીં ‘सिद्ध’ એટલે જેને પાતંજલ મુનિએ અષ્ટસિદ્ધિ કહી છે તે નહીં,પરંતુ ઈચ્છિત ધ્યેયપ્રાપ્તિ. આ સૌ પ્રાપ્ત કર્યા બાદ બીજું મેળવવાનું શું રહે છે? સાચો સંતોષ વાસના મટે, કોઈ પણ વસ્તુની ઈચ્છા મટે, પછી જ આવે; કારણ કે વાસના નિર્મૂળ થાય પછી જ આંતરતત્વ જાગે. અને અંતસ્તત્વ જાગી સાધક ઈશ્વરમય બને પછી એને મેળવવાનું શું બાકી રહે? પછી તો ગીતા કહે છે તેમ “यं लब्ध्वा चापरम् लाभम् मन्यते नाधिकं ततः” યાને એ પછી એને કોઈ પણ પ્રકારની પ્રાપ્તિની ઝંખના રહેતી નથી. પછી તો ભક્ત “मत्तो भवति, स्तब्धो भवति, आत्मारामो भवति,” યાને એ ભક્ત એક અનુપમ મસ્તીમાં આવી, સ્તબ્ધ થઈ, ‘આત્મ’માં રમમાણ થઈ જાય છે. એને સર્વ કાંઈ પ્રભુમય લાગે છે.
.
૨’… અહંકાર જ મુક્તિના માર્ગમાં આડો આવત. જ્યાં અભિમાન હોય ત્યાં શ્રી કૃષ્ણ સંભવી શકે નહીં, ‘એ સટિક વાત છે.બીજી તરફ શ્રી કૃષ્ણના કુટુંબનો નાશ અહંકારને લીધે થયો !!
LikeLiked by 2 people