“હો આવ્યા આવ્યા ખેલૈયા”- (૧) -“હૈયાને દરબાર”- નંદિની ત્રિવેદી


(૧) – “હો આવ્યા આવ્યા ખેલૈયા
આવિયા રંગરાજીયા ખેલૈયા”

–      નંદિની ત્રિવેદી
1981ની સાલ અને 17 સપ્ટેમ્બરનો દિવસ ગુજરાતી નાટ્યજગતમાં સુવર્ણ અક્ષરે નોંધાઈ ગયો. શું અસબાબ હતો એ નાટકનો ને શું પ્રચંડ લોકપ્રિયતા! કેટલાક દર્શકો તો દરેક શોમાં એક, બે નહીં પચ્ચીસ વાર હાજર. પૃથ્વી થિયેટરને ફેમસ કરનાર તેમજ ટાટા થિયેટરને છલકાવી દેનાર એ નાટક એટલે ‘ખેલૈયા’. જબરજસ્ત ગુજરાતી મ્યુઝિકલ પ્લે! ગીતો તો એવાં રમતિયાળ કે લોકો આજેય ભૂલી શકતા નથી. પરેશ રાવલ, ફિરોઝ અબ્બાસ ખાન, દર્શન જરીવાલા, ઉદય શેટ્ટી, કિરણ પુરોહિત, સુરેન ઠાકર, મમતા શેઠ જેવા જાંબાઝ કલાકારો. આમિર ખાન એમાં બૅક સ્ટેજ કરે, બોલો!
ચંદ્રકાન્ત શાહ નાટ્યલેખક, રજત ધોળકિયા સંગીતકાર અને મહેન્દ્ર જોશી દિગ્દર્શક. સ્ટાર સ્ટડેડ પ્લે કહીએ ને, બસ એવું જ! જોકે, આ સ્ટાર્સ એ વખતે તો લબૂક ઝબૂક થતા વીસ-બાવીસ વર્ષના નાના છોકરડા! પણ, દરેકનો સ્પાર્ક એવો હતો કે એ બધા તેજોમય સૂરજ થઈને નાટ્યજગતને અજવાળશે એનો અંદેશો બધાને આવી જ ગયો હશે. ને સાહેબ, એક નાટકમાં સોળ-સત્તર ગીતો! નવી-આધુનિક રંગભૂમિમાં આ તદ્દન નવતર પ્રયોગ હતો. બ્રોડવે મ્યુઝિકલ્સ પ્રકારનો. ઓફકોર્સ, એવી ભવ્ય મંચસજ્જા નહીં, પણ થીમ આખી એવી. 220ની કેપેસિટી ધરાવતા પૃથ્વી થિયેટરમાં શો ભજવાય ત્યારે દરેક શોમાં ત્રણ સો દર્શકો આવી જાય, જેમાંના કેટલાક ગેટ પાસે ઊભા રહીને જુએ, કેટલાક બૅક સ્ટેજની વિંગમાંથી. ક્યારેક તો એટલો ધસારો થાય કે સ્ટેજ ઉપર બન્ને બાજુ એમને લાઈનબંધ બેસાડી દેવા પડે! કલાકારો તો સક્ષમ હતા જ પણ નાટકનું સંગીતેય કાબિલેદાદ! આ મ્યુઝિકલ પ્લેનાં રજત ધોળકિયાએ કમ્પોઝ કરેલાં ગીતો અને એની કથા જ નાટકનો જાન હતાં!
આ નાટકના કયા ગીત વિશે વાત કરું એ બહુ મોટી દુવિધા છે. કોઈક ગીતના શબ્દો અદ્ભુત છે તો કોઈકનું સંગીત. કોઈની વળી સિચ્યુએશન સરસ છે. એટલે પહેલાં તો આ સંગીતમય નાટકના સર્જનની વાત કરું.
અમેરિકાના બોસ્ટન શહેરમાં કવિ-નાટ્યલેખક ચંદ્રકાન્ત શાહ રહે છે. ચંદુના નામે મિત્રો સંબોધે છે. ચાર વર્ષ પહેલાં એમની એક પાર્ટીમાં આ નાટકના અમુક કલાકારોને ‘ખેલૈયા’ના ટાઈટલ સોંગ પર ઝૂમતા-ગાતા જોઈને વિચાર આવ્યો કે કોઈક નાટક કેવી સહજ રીતે કલાકારની જિંદગીનું અવિભાજ્ય અંગ બની જાય છે! જે મસ્તીથી બધાં ગાતાં હતાં એ દૃશ્ય મારા મન પર અંકિત થઈ ગયું હતું.
આ સદાબહાર ગીતો તથા નાટ્યસર્જન વિશે અમેરિકાથી રાત્રે બાર વાગે ઉત્સાહપૂર્વક વાત કરતાં ચંદ્રકાન્ત શાહ કહે છે, “‘ખેલૈયા’ની વાત આવે એટલે હું ચાર્જ્ડ અપ થઈ જાઉં છું. આ નાટક મૂળ ‘ધ ફેન્ટાસ્ટિક્સ’ નામના 1960માં ભજવાયેલા ઓફ્ફ બ્રોડવે મ્યુઝિકલનું નાટ્ય રૂપાંતર છે. અમારા નાટ્યગુરૂ, દિગ્દર્શક દિનકર જાનીની નજરે આ નાટક પડ્યું. એમણે કોઈ નાટ્યસંગ્રહમાં એ વાંચ્યું હતું. એમના અને મહેન્દ્ર જોશીના સૂચનથી મેં એનું નાટ્ય રૂપાંતર કર્યું. ‘ધ ફેન્ટાસ્ટિક્સ’ની લોકપ્રિયતા એટલી બધી હતી કે અમેરિકામાં એ 42 વર્ષ ચાલ્યું હતું. મારા હાથમાં તો હીરો આવી ગયો હોય એવું લાગ્યું. મચી પડ્યો લખવા. નાટ્ય કલાકારોનો મીઠીબાઈ અને એન.એમ.કૉલેજમાં અડ્ડો. ફિરોઝ, પરેશ, હનીફ, દર્શન એ બધા મિત્રો તથા નાટકના જીવ એટલે કલાકારો બીજે શોધવા જવાનો તો પ્રશ્ન જ નહોતો. ‘અવાન્તર’ પ્રોડક્શન મિત્રોએ જ ભેગા મળીને શરૂ કર્યું હતું એના નેજા હેઠળ રિહર્સલ્સ શરૂ કરી દીધાં. પૃથ્વી થિયેટર એ વખતે સાવ નવું હતું. ગુજરાતીઓને એ વિશે બિલકુલ ખબર નહોતી. પહેલો શો અમે પૃથ્વીમાં કર્યો અને જે ધસારો થયો એ જોઈને પૃથ્વી થિયેટરના સ્થાપક અભિનેતા શશિ કપૂર રોમાંચિત થઈ ગયા. લોકો પૃથ્વી થિયેટરને જાણતા થયા એનો પુષ્કળ આનંદ હતો. તેથી અમે એમને વચન આપી દીધું કે આ નાટકના પહેલા પચાસ શો અમે પૃથ્વીમાં જ કરીશું. હકીકતે તો, અમે બધાં પાર્લાની કૉલેજોમાં ભણતાં એટલે પૃથ્વી થિયેટરની નજીકમાં હોવાથી શશિ કપૂરે પહેલેથી જ પૃથ્વી થિયેટર અમને એક વર્ષ માટે નાટકો કરવા આપી દીધું હતું જેમાં અમે 36 એકાંકીઓ કર્યાં હતાં. શશિ કપૂરને પૃથ્વી થિયેટરથી લોકો પરિચિત થાય એવી ઈચ્છા અને અમારે બીજાં થિયેટરો શોધવાની ઝંઝટ નહીં એટલે ડીલ પાક્કી થઈ ગઈ. પૃથ્વી થિયેટર ગુજરાતી દર્શકોથી ઊભરાવા માંડ્યું અને અમારા બધાનું શેર લોહી ચડતું ગયું. દરમ્યાન એનસીપીએનું પ્રતિષ્ઠિત ટાટા થિયેટર નવું જ બન્યું હતું. હજાર દર્શકોની કેપેસિટી ધરાવતું એ ઓડિટોરિયમ ‘ખેલૈયા’ના પહેલા જ શોમાં છલકાઈ ગયું. પહેલી વાર અમને રૂ.ત્રીસ હજારની કમાણી થઈ હતી. પૃથ્વીમાં તો એ વખતે રૂ. 15ની ટિકિટ હતી. એમાં શું મળે? નાટકનું મુખ્ય પાત્ર બની ગયેલા વાદ્ય પિયાનોને લાવવા-લઈ જવામાં જ કમાણીના અડધા રૂપિયા ખર્ચાઈ જતા, બાકીના રૂપિયા કલાકારોના ચા-નાસ્તા અને ટેક્સીભાડામાં. કમાણી કંઈ નહીં છતાં પ્રેક્ષકોનો પ્રેમ અને ઉત્સાહ જોઈને જ અમે પોરસાતા હતા.”
નાટકનો ઉઘાડ શીર્ષકગીત ખેલૈયા…થી થાય છે. પિયાનોની પહેલી ટ્યુન શરૂ થતાં જ દર્શકો નાટક સાથે જોડાઈ જાય છે. ગીત છે ; હો આવ્યા આવ્યા ખેલૈયા, આવિયા, રંગરાજીયા ખેલૈયા..! ગીતની પંક્તિઓમાં સપનાની સિંદૂરી સાંજ અને યુવા હૈયાંની કુમાશનું સાયુજ્ય મનમોહક છે. ટહુકાતી સાંજ, મઘમઘતી સાંજ, રણકતી, કલબલતી સાંજનો બપૈયા, ખેલ લાવ્યા છે ખેલ ખેલૈયા..! તળપદો ગુજરાતી શબ્દ બપૈયો ગીતમાં સરસ ગોઠવાઈ ગયો છે. કોયલ કૂળના આ શરમાળ પંખી જેને હિન્દીમાં પપીહા કહીએ છીએ એ જ ‘બપૈયો’ ગીતમાં તાર સ્વરે ગવાય ત્યારે આખા હૉલમાં એના ટહુકા પડઘાય. એક સાથે બધાં કલાકારોને સ્ટેજ પર નાચતા-ઝૂમતા જોઈને જ દર્શકો આફરીન થઈ જાય. ગીતના અંતમાં વેસ્ટર્ન સિમ્ફની જેવું મ્યુઝિક મનને તરબતર કરી દેવા કાફી છે.
પરેશ રાવલ નાટકમાં ત્રણ પાત્રો ભજવે છે. એક સૂત્રધાર અક્ષયકુમાર તરીકે, બીજું નાટક કંપનીના માલિક અને ત્રીજું છોકરીના બનાવટી પ્રેમીનું.
આરંભમાં સૂત્રધાર કાવ્યાત્મક ભાષામાં નાયિકા (મમતા શેઠ)ની ઓળખ આપે છે ; આંખોમાં ખીલે છે સપનાં ટમ ટમ! નાયક (ફિરોઝ અબ્બાસ ખાન)ની ઓળખ પ્રસ્થાપિત થાય છે મસ્ત મજાના ડ્યુએટ સોંગથી, આંગળીમાં ફૂટે ટચાકા ને ટાચકામાં રઘવાતું કોડીલું નામ!
અભિનયના એક્કા પરેશ રાવલ જૂની સ્મૃતિઓ તાજી કરતાં કહે છે, “નિરાશ માનસિકતા સાથે કોઈ આવ્યું હોય તો ફૂલગુલાબી કરી નાંખે એવું નાટક અમે ભજવ્યું હતું. પ્રેમ, સંવેદના, લાગણીની અહીં રમતિયાળ ચર્ચા થતી. પ્રૌઢને જુવાન કરી દે એવી જડીબુટ્ટી હતી આ નાટક પાસે. એક છોકરાએ પચીસ વાર આ નાટક જોયું પછી એની પાસે પૈસા નહોતા તો એણે કહ્યું કે મને આ નાટકમાં બેક સ્ટેજનું કામ આપો જેથી હું નાટક સાથે જોડાઈ શકું. ‘ખેલૈયા’ નામ પડે એટલે લોકોના ચહેરા પર મુસ્કાન આવી જતી. ઉત્સવની જેમ આ નાટક ભજવાતું હતું. ભાવનગર, રાજકોટ, અમદાવાદથી લોકો ટિકિટ બુક કરાવતા. ગીતોનો ક્રેઝ તો જાણે રૉકસ્ટાર ફેસ્ટિવલ હોય એવો. કલાકારોમાંથી એકેય ગાયક નહીં પણ આપણા સંગીતકાર અજિત મર્ચન્ટ એકવાર નાટક જોવા આવ્યા તો મેં એમને પૂછ્યું કે હું બરાબર ગાઉં છું ને? તો કહે નાટકના કલાકારો સંગીતમાં માહેર હોય એ જરૂરી નથી. એમનું ગાયન ભાવવાહી હોય તો સૂર થોડા ઉપર-નીચે જાય તો પ્રેક્ષકો ચલાવી લે. તમારા ઈમોશન્સ-એક્સપ્રેશન્સ અભિવ્યક્ત થવા જરૂરી છે. નાટકમાં પિયાનોની ઈમ્પેક્ટ જબરજસ્ત હતી. આ પ્રકારનું પિયાનો પ્લેયિંગ કોઈ ગુજરાતી નાટકમાં મેં જોયું નથી. પિયાનો વાદનમાં સુરિન્દર સોઢીએ કમાલ કરી હતી. દરેક શોમાં અમે ઉત્તરોત્તર જુવાન થતા જતા હતા. નાટકમાં ચંદુએ જે ભાષા ઉપયોગમાં લીધી હતી એ લાજવાબ હતી. કાળક્રમે સરસ ગુજરાતી ભાષા નાટકમાંથી લુપ્ત થવા માંડી છે. મને તો થાય કે શુદ્ધ ગુજરાતી ભાષા જ નાટકમાં વાપરો અને સાથે ગાઈડબુક આપો જેથી નવી પેઢી એ શબ્દો સાથે નાતો બાંધી શકે. ઉદય શેટ્ટી બિનગુજરાતી હતો એટલે એનું પાત્ર મૂક હતું છતાં નાટકનો એ સ્ટાર હતો. ઉગ્રતા, વ્યગ્રતા, સંતાપ સાથે આવ્યા હો તો તમને ચંદન લેપ લગાડીને મોકલી દે એવું નાટક હતું.”
‘ખેલૈયા’ની કથા હવે સાંભળો. ખૂબ સરળ એવી વાર્તામાં છોકરો-છોકરી (ફિરોઝ અબ્બાસ ખાન-મમતા શેઠ)બન્ને પડોશી છે, એકબીજાને ચાહે છે. બન્નેના બાપાઓને એ ખબર છે પણ એમને આ પ્રેમ પસંદ નથી એવો દેખાડો કરે છે. સુરેન ઠાકર ‘મેહુલ’ અને હનીફ મોહમ્મદ આ નાટકમાં છોકરા-છોકરીના બાપ છે. છોકરાઓ વિશેનું એક રમૂજી ગીત તેઓ તોફાની અંદાજમાં રજૂ કરે છે. બન્નેના પ્રેમની પરીક્ષા લેવા તેઓ એક પેંતરો ઘડી કાઢે છે જેમાં છોકરીનું અપહરણ ભાડૂતી અપહરણકારો (દર્શન જરીવાલા-કિરણ પુરોહિત) કરે, છોકરો ફિલ્મી હીરોની જેમ પ્રેમિકાને છોડાવે, છોકરી અંજાઈ જઈને ફરી પ્રેમમાં પડે અને લગ્ન લેવાય એવો પ્લોટ તૈયાર થાય છે.
અહીં નાટક કંપનીના માલિક પરેશ રાવલ અપહરણ કરવાની જુદી જુદી રીતો, સસ્તું-મોંઘું, જાજરમાન, અટપટી સ્ટાઈલો બતાવતું એક લાંબું રૅપ સોંગ રજૂ કરે છે.
નાટકમાં પછી અપહરણનો તખ્તો તૈયાર થાય છે. પ્રેમીઓને મળવાનું લોકેશન નક્કી થાય છે. વાદળ ઘેરાયાં છે, વરસાદ પડવાની તૈયારીમાં છે એ દરમ્યાન બે-ત્રણ રોમેન્ટિક ગીતો દિલ બહેલાવી જાય છે. પ્રેમીઓની મુલાકાત જામી છે એવામાં જ હુમલો થાય છે. અપહરણની કોશિશ, બનાવટી મારામારી, સૂત્રધાર સાથેની ફાઈટ અને છેવટે છોકરાની જીત. છોકરો હીરો પુરવાર થતાં છોકરી ઓળઘોળ થઈને એને પરણવાના ખ્વાબમાં ખોવાઈ જાય છે. બે પ્રેમીઓ અને એમના પિતાઓ લગનમાં કેવી રીતે ફોટા પડાવશે એવા પોઝમાં ચારેય જણ ચિયર્સ કરી ફોટો પડાવે છે ત્યાં ઇન્ટરવલ પડે છે. બટાટાવડાં અને આઈરિશ કૉફીનો સમય થઈ ગયો છે. પેટપૂજા કરી આવીએ પછી સંગીતકાર રજત ધોળકિયા તથા અન્ય એક-બે કલાકારો સાથે વાત કરીશું. નાટકનો વધુ રસપ્રદ ભાગ અને મસ્ત મજાનાં બીજાં ગીતોની વાત આવતા અંકે.
*****
હો આવ્યા આવ્યા ખેલૈયા આવિયા
રંગરાજીયા ખેલૈયા
હો લાવ્યા લાવ્યા છે ખેલ પેલી સાંજનો રંગભીનો ખેલૈયા
કેવી સાંજ?
એવી તમારી ઉંમરની સાંજ હતી
કેવી ફાગણની મધમધ સાંજ હતી
ફાગણની કલબલતી સાંજનો બપૈયા
ખેલ લાવ્યા છે આજે ખેલૈયા
કેસરીયાળા તમે ખીલ્યા’તા પહોર ત્રીજામાં
તરવરિયાં રે તમે ખોવાતાં એકબીજામાં
એવી ફાગણની સાંજનો કે રણકાતી સાંજનો કે ટહુકાતી સાંજનો બપૈયા
ખેલ લાવ્યા છે ખેલ ખેલૈયા
યાદ આવે છે?
યાદ આવે તો સપનાંની સાંજ હતી
એવી તમારા ફાગણની સાંજ હતી
તમારા ફાગણની સાંજનો બપૈયા.
ખેલ લાવ્યા છે ખેલ ખેલૈયા
ફાગણીયા રે આજ ખીલેલાં ફૂલો ને ભમ્મરા
શ્રાવણીયા રે આજ ભીંજાશે કોતર ને કંદરા
હો એવી શ્રાવણની સાંજનો કે ભીંજાતી સાંજનો કે ટહૂકાતી સાંજનો બપૈયા
ખેલ લાવ્યા છે ખેલ ખેલૈયા
હો ખેલ લાવ્યા છે ખેલ ખેલૈયા
વીંખાતી પીંખાતી પડઘાતી સાંજ હતી
પડઘાતી સાંજ હતી!
પડઘાતી સાંજ હતી!
પડઘાતી સાંજ હતી!
પડઘાય છે તમારા એ ફાગણની કુંવારી સાંજ?
ફાગણની કલબલતી સાંજનો બપૈયા
ખેલ લાવ્યા છે આજે ખેલૈયા
મોરલિયા રે તમે ટહુકતા વંન જોયા’તા
વંનરાયા રે તમે અમ્મારી જેમ મોહ્યા’તા
હો તમે અમ્મારી જેમ મોહ્યા’તા
એવી ફાગણની સાંજનો કે રણકાતી સાંજનો કે વૈશાખી સાંજનો બપૈયા
ખેલ લાવ્યા છે ખેલ ખેલૈયા
હો લાવ્યા લાવ્યા છે ખેલ પેલી સાંજનો રંગભીનો ખેલૈયા…!
ગીતકાર : ચંદ્રકાન્ત શાહ
સંગીતકાર : રજત ધોળકિયા
લીડ સિંગર્સ : પરેશ રાવલ, ફિરોઝ અબ્બાસ ખાન, દર્શન જરીવાલા, કિરણ પુરોહિત. 

(“હૈયાને દરબાર” – “મુંબઈ સમાચાર” ના સૌજન્યથી, સાભાર)
(ભાગ બીજો, આવતા ગુરુવારે વાંચવો ચૂકશો નહીં.)

ઓડિયો વીઝ્યુઅલ પ્રેઝન્ટેશન માટે નીચેની લીંક ક્લીક કરો.

1 thought on ““હો આવ્યા આવ્યા ખેલૈયા”- (૧) -“હૈયાને દરબાર”- નંદિની ત્રિવેદી

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s