અંતરની ઓળખઃ (૧૯) – સંકલનઃ જયશ્રી વિનુ મરચંટ


અંતરની ઓળખઃ (૧૯) – સંકલનઃ જયશ્રી વિનુ મરચંટ

ઓશોવાણીઃ

ઓશોને એક પ્રશ્ન પૂછવામાં આવ્યોઃ

“ભગવાન બુદ્ધ કહે છે કે અલ્પતમ અને ન્યૂનતમ જરૂરિયાત રાખો. એટલું જ રાખો કે જે જીવન ટકાવી રાખવા માટે આવશ્યક હોય. જ્યારે આપ કહો છો કે કંજૂસીથી અને કરકસરિયા બનીને ન જીવે, અતિરેકમાં જીવો તો બેઉમાં તાલમેળ કઈ રીતે બેસે? અને તાલમેળ બેસાડવા શું કરવું જોઈએ?”

ઓશો જવાબ આપે છેઃ

“તાલમેળ બેસાડવાનું કહ્યું છે જ કોણે? અને, તાલમેળ બેસાડવા માટેની ઘાલમેળ કરવાની જરૂર પણ શું છે? તમને બુદ્ધની વાત સાચી લાગે તો બુદ્ધને માનો અને મારી વાતમાં દમ લાગે તો મારી વાત માનો. બેઉ વાત કે બેઉ વિચારધારાની સરખામણી કે ભેળસેળ કરવાનો વિચાર કરવો એટલે હોમિયોપેથી અને એલોપેથીની દવાનું આગવું મિશ્રણ બનાવીને – Catastrophe – ઉત્પાત અને અંતની ઘટનાને આમંત્રણ આપવા જેવું છે. સાજાં થવા કોઈ એક પંથની દવા લેવી એના પ્રિસ્ક્રાઈબ્ડ કોર્સ પ્રમાણે, એ અગત્યનું છે નહીં કે બેઉ પંથ વચ્ચે જેમતેમ કરીને પણ ગાંઠ્સાંઠ બેસાડી લેવી. જ્યારે આવું કરવાની કોશિશ થાય ત્યારે સમજી લેવું કે અહીંથી જ વિપદાઓ શરૂ થવાની છે.

બુદ્ધ કહે છે કે ન્યૂનતમ પર જીવો આ એક વિચારધારા છે અને હું કહું છું અતિરેક માણીને, અંતિમ પર આવીને, અંદરથી સંતુષ્ટિનો અહેસાસ કરીને, પછી સાચી તૃપ્તિ સુધી પહોંચો, એ બીજી વિચારધારા છે. કોઈ એક વિચારપ્રવાહના હાર્દને પામવા અને એની અંદર ડૂબકી મારવા માટે કિનારા પર તો આવવું જ પડે છે. સીધી ડૂબકી પ્રવાહ કે ધારાની વચ્ચોવચથી તો નથી મારી શકાતી. દરેક પ્રવાહ કે ધારાના બે કિનારા તો હોય જ છે. નક્કી તમારે કરવાનું છે કે ક્યા કિનારા પરથી એના મધ્યમાં પહોંચવું છે, મોતી પામવા માટે.

બુદ્ધ કહે છે કે દીન, દરિદ્ર ને ભિક્ષુ બનો. હું કહું છું, તમે તમારા મનોવિશ્વના અને કર્મજગતના સમ્રાટ બનો. બુદ્ધ કહે છે વચ્ચેથી ખસી જાઓ અને પોતાની અંદર જ પોતાને શોધો. હું કહું છું કે મધ દરિયામાં જાઓ અને મોતી શોધવા ડૂબકી મારી, આગળ વધો.

આ બેઉનું અંતિમ એટલે કે Outcome – તો છેવટે એક જ છે, પોતા સુધી પહોંચવું એટલે કે ઈશ્વર સુધી પહોંચવું.

એટલે જ આ વાત તાલમેળ બેસાડવાની નથી. એમ કરવા જશો તો પોતાને વચ્ચે જ, અસંમજસમાં ઊભેલા અને સ્થગિત થયેલા પામશો. તમને થશે કે બુદ્ધ કહે છે બધું છોડી દો અને હું કહું છું કે પરાણે કશું જ છોડવાની જરૂર જ નથી. તમને થશે કે એવું ન કરી શકાય કે અડધું પકડી રાખીએ અને અડધું છોડી દઈએ અને એમ બેઉ વિચારધારાની વચ્ચોવચ રહીએ? આવો અધકચરો સમન્વય તમને અંદરથી મારી નાખશે. કોઈ જ જરૂર નથી એક વિચારધારાને બીજી વિચારધારા સાથે સરખામણી કરવાની કે એનું મિશ્રણ કરવાની. બુદ્ધ પરિપૂર્ણ છે. એમના પંથને મારી વાતો સાથે જોડીને અપૂર્ણ ન કરશો. બુદ્ધ જે આપી ગયા છે એ એક પરિપૂર્ણ વ્યવસ્થા છે. એનામાં રત્તીભારની પણ કમી નથી. દુનિયાના દરેકેદરેક ધર્મ એની રીતે એક એકમ તરીકે સંપૂર્ણ છે.

બધી અવ્યવસ્થા કે અરાજકતા આ ધર્મોમાં ત્યારે થાય છે કે જ્યારે તમને એ સમજાવવાવાળા કે તાલમેળ બેસાડવાવાળા મળે છે અને કહે છે કે બધી ધારાઓને સાંધા મારીને અને તડજોડ કરીને જોડી શકાય છે! આ So Called – કથિત કહેવાવાળાઓ, મહાત્મા ગાંધી સહિત, પછી કહેવા માંડે છે કે, “ઈશ્વર, અલ્લાહ તેરો નામ, સબ કો સન્મતિ દે ભગવાન.” અને અહીં, આ બાજુ, તાલમેળ બેસાડવાનું શરૂ થયું કે ઉપદ્રવનો આરંભ થયો. અલ્લાહ એની રીતે પર્યાપ્ત અને પૂર્ણ છે. રામ એની રીતે પર્યાપ્ત અને સંપૂર્ણ છે. એ બેઉને સાથે પરાણે જોડવાની કોઈ આવશ્યકતા નથી. આ રીતે કોઈને ય જોડવાનો આગ્રહ જ શા માટે રાખવો જોઈએ? સહુને પોતાની અખંડિતતાને પોતાની રીતે સમજવાનો, માનવાનો અને પામવાનો  અધિકાર છે. કોઈ એક વિચારધારાને બીજી વિચારધારામાં પરાણે બંધબેસતી બેસાડવામાંથી જ ધર્મના નામના ડખા, વિવાદો ને વિખવાદો પેદા થાય છે.

મહાત્મા ગાંધી એ ભજન આખરી પળો સુધી ગાતા રહ્યા, પણ કદી પોતે પણ મૃત્યુ પર્યંત એ ભાવનાને જોડી ન શક્યા. મૃત્યુ સમયે એમના મોંમાંથી ‘હે રામ!’ જ નીકળ્યું. એનું કારણ એ હતું કે એમના હ્રદયમાં રામ રહ્યા હતાં અને કેટલા પણ પવિત્રભાવથી એમણે બે સંપૂર્ણ ધર્મને જોડવાની કોશિશ કરી પણ જેમ એમના હ્રદયના ‘રામ’ એમના માટે એટલા જ પર્યાપ્ત ને પૂર્ણ હતા જેટલા એમના સમકાલિન  ઝીણા માટે અલ્લાહ પર્યાપ્ત અને પૂર્ણ હતા.

કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે દરેક ધર્મ એક પૂર્ણ એકમ છે પણ દરેક ધર્મ થકી અંતિમ પ્રાપ્તિ ‘સ્વ’ થકી ‘સર્વને પેદા કરનાર’ ને જ પામવાની છે, પછી એ બુદ્ધ, મહાવીર, રામ, જિસસ કે પયગંબર કેમ ન હોય! હું પોતે આ બાબતમાં ન તો સમન્વયવાદી છું કે ન તો બધા ધર્મોની ખિચડી બનાવવામાં વિશ્વાસ રાખું છું.

તો, અહીં તમે પૂછેલા પ્રશ્નના પરિપેક્ષ્યમાં હું માત્ર એટલું જ કહું છું કે તમને બુદ્ધની વાત ગળે ઉતરે તો એને એના Nascent કે Organic – તાજું અસ્તિત્વમાં આવતું, આવિર્ભૂત થતું અથવા અન્તર્ગત, મૂળભૂત સ્વરૂપમાં સ્વીકારો અને મારી વાત ગળે ઊતરે તો એને એ રીતે સ્વીકારો. આનું એક એ કારણ છે કે મન અતિશય ચંચળ છે. એને એક દિશામાં પૂરી રીતે સમર્પિત નહીં કરો તો કદીક ડાબે તો કદીક જમણે એ ભાગ્યા જ કરશે. ક્યારેક એક કદમ આગળ વધશો ને ક્યારેક બે કદમ પાછળ. છેવટે જીવનની આખરી પળોમાં સમજાશે કે ન અહીંના રહ્યાં ન ત્યાંના રહ્યાં. ગતિ આ રીતે કદી નથી થતી. પ્રગતિમય ગતિ એક દિશામાં જ થઈ શકે છે, ‘ઝિગઝેગ’ નહીં. હું આ કડવું સત્ય કહી રહ્યો છું, સંભવ છે કે સહુના ગળે ન પણ ઊતરે.”

( ઓશોના હિંદી પુસ્તક “એસ ધમ્મો સનંતનો” ના પ્રવચન ચારઃ ‘અકંપ ચૈતન્ય  હી ધ્યાન’ ના એક ગદ્યખંડનો ગુજરાતી ભાવાનુવાદ, સાભાર.)

 

 

3 thoughts on “અંતરની ઓળખઃ (૧૯) – સંકલનઃ જયશ્રી વિનુ મરચંટ

  1. વિચારધારા ‘અતિરેક માણીને, અંતિમ પર આવીને, અંદરથી સંતુષ્ટિનો અહેસાસ કરીને, પછી સાચી તૃપ્તિ સુધી પહોંચો.દરેક ધર્મ એક પૂર્ણ એકમ છે પણ દરેક ધર્મ થકી અંતિમ પ્રાપ્તિ ‘સ્વ’ થકી ‘સર્વને પેદા કરનાર’ ને જ પામવાની છે, પછી એ બુદ્ધ, મહાવીર, રામ, જિસસ કે પયગંબર કેમ ન હોય! હું પોતે આ બાબતમાં ન તો સમન્વયવાદી છું કે ન તો બધા ધર્મોની ખિચડી બનાવવામાં વિશ્વાસ રાખું છું.’ યોગ્ય લાગે છે

    Liked by 1 person

  2. any way you can reach one place like by walk/ car/plane or different route you can reach that place. same way any way you can reach at atma- your svyam, but dont mix up with your way. like sun give you warmness by shine, but when cloud cover sun sun rays being gone, cloud release again shine, behind cloud sun is always shine,thats way clouds like man na vichro avrodh lave che te dur askti ne chodvathi you can reach with atma. darek dharm ma lakhel che kashyo dur karo atma pase pahochi jasho. kashayo pan sarkha che.geeta thi lai ne koi pan dharm nu pustak vacho. same vat lakhi che.thats way proof hazaru sal pahela ekj dharm hashe. pan santo e potana dharm is good kahi ne sampraday -vada ubha karya.

    Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s