“ફુરસત કે દો પલ” – સંપાદન-આસ્વાદઃ રમેશ પુરોહિત


“ફુરસત કે દો પલ” – સંપાદન-આસ્વાદઃ રમેશ પુરોહિત

આપણી વ્યસ્ત જિંદગીમાં ‘ફુરસત’ કોઈને હોતી નથી અને આમ જોવા જઈએ તો ઘણી મોકળાશ હોય છે. પરંતુ પ્રેમીઓની દુનિયાના રસમો-રિવાજ અલગ હોય છે. ‘ફુરસત’ હોય છે તો પણ કેવી હોય છે એનો ખ્યાલ જનાબ ‘ફાની’ બદાયુનીના આ શેરમાં ખૂબ ખૂબીથી અપાયો છે.

‘હમેં તેરી મુહબ્બત મેં ફકત દો  કામ આતે હૈં
જો રોને સે કભી ફુરસત હુઈ, ખામોશ હો જાના’

મહોબતમાં આંસુ વહેવડાવવામાંથી ક્યારેક અવકાશ મળે છે ત્યારે હું ખામોશ થઈ જાઉં છું, કારણ મને આ બે જ કામ આવડે છે. ખામોશ રહેવાનું કારણ આપતા હોય એમ આ શાયર કહે છેઃ

‘ફુરસત જો પાકે કહતે કભી દર્દ-એ-દિલ જો હાય
વો  બદગુમાં  કહે  હૈં  કિ હમ  કો  યકીં   નહીં’

વળી ક્યારેક ફુરસત મેળવીને દિલના દર્દની દાસ્તાન કહેવા જઈએ છીએ તો એ સંશયી જીવ અમને કહે છે કે તમારી આ વાતમાં મને વિશ્વાસ નથી.

ગાલિબ પણ દિલના દર્દની અને પ્રેમની વ્યથાની વાત શા માટે નથી કહેવાતી, એનું સચોટ કારણ આપતાં કહે છે કેઃ

‘તુમ કો ભી હમ દિખાએં કિ મજનૂં ને ક્યા કિયા
ફુરસત કશ્મકશે – ગમ-એ પિન્હાં સે ‘ગર મિલે’

‘પિન્હા’ એટલે છુપાયેલા. ‘ગમ’ એટલે દુઃખ અને ‘કશ્મકશ’ એટલે ખેંચતાણ, અવઢવ. આ અમારા છૂપા દર્દની ખેંચતાણમાંથી જો ફુરસત મળે તો અમે તાદ્રશ્ય આપને બતાવી આપતે કે મજનૂંએ શું કર્યું હતું! મજનૂની જેમ પ્રાણ ન્યોછાવર કરવાની તૈયારી છે પરંતુ આ છાના, છાના દુઃખની ઉલઝન એમ કરવા દેતી નથી. ઉર્દૂમાં ‘પિન્હાં’ ની જેમ ‘નિહાં’ શબ્દ વપરાય છે.

જિગર મુરાદાબાદી પણ આવા અંતરમાં ધરબાયેલા દર્દની વાત કરે છેઃ

‘ફુરસત કહાં હૈ બાત કરેં આસમાં સે હમ
લિપટે પડે હૈં લજ્જતે-દર્દે -નિહાં સે  હમ’

છુપાયેલા દર્દની લિજ્જતમાં લપેટાયેલા રહેવાથી નવરાશ મળે તો પછી આકાશ સાથે વાતો કરવાની મારી પણ ઈચ્છા છે.

આવી ઈચ્છા આપણા બધાંની હોય છે પરંતુ સમય આમ કરવા દેતો નથી અને એમ છતાં મનના ઊંડાણમાં ઊતરી ગયા હોય એવા પ્રિયજનની યાદ તો આવતી જ રહે છે.

‘જિયા’નો એક શેર આવી અનુભૂતિને વ્યક્ત કરતાં કહે છેઃ

‘કુછ સોચને કી વક્તને ફુરસત ન દી હમેં
ફિર ભી તુમ્હારી યાદ સે ગાફિલ નહીં રહે’

જીવન દુઃખ દર્દથી ભરેલું છે, પરંતુ એનો ઈલાજ શું? આવું વિચારવાની નવરાશ ન હોવાનું કહેતા ‘જિયા’ સાહેબનો આ બીજો શેર પણ એટલો જ ચોટદાર છેઃ

“જિંદગી દર્દ હૈ, ઈસ દર્દ કા દરમાં ક્યા હૈ
મુઝકો ફુરસત હી કહાં હૈ કિ યહ સબ સોચૂં’

‘અસર’ સાહેબે પ્રિયતમાને અને તે પણ બેવફા પ્રિયતમાને સંબોધીને કહેલો શેર પ્રિયજનને અને મિત્રોને લાગુ પડે છેઃ

‘તુમ્હેં ગૈરોં સે કબ ફુરસત, હમ અપને ગમ સે કબ ખાલી
ચલો બસ હો ચુકા મિલના, ન તુમ ખાલી ન હમ ખાલી’

આપણે વાતવાતમાં કહીએ છીએ કે હવે તો મોત આવે તો ફુરસદ મળે! તસ્લીમ સાહેબ નીચેના આ શેરમાં કહે છે કે આપણાં પરસ્પરનાં ઝઘડાઓ, ફરિયાદો આખી જિંદગી ચાલ્યા કરત માટે ચાલો હવે હું નથી અને ‘ફુરસત હિ ફુરસત’ બાકી રહી ગઈ છેઃ

‘ચલો હમ મર ગયે, ફુરસત મિલી, ઝઘડા મિટા વર્ના
વહી શિકવે – ગિલે  બાહમ  મેરી  જાં  ઉમ્રભર હોતે’

(સંપાદક અને આસ્વાદક રમેશ પુરોહિતના ઉર્દુ ગઝલ પરના પુસ્તક, “અંગૂરી” ના સૌજન્યથી, સાભાર )

(મૂળ લેખમાં શીર્ષક “ફુરસત” છે, પણ અહીં શીર્ષકમાં “… કે દો પલ” ઉમેરવાની ગુસ્તાખી કરી છે એ બદલ સંપાદક અને આસ્વાદકની આગોતરી ક્ષમાપ્રાર્થી છું.)

 

1 thought on ““ફુરસત કે દો પલ” – સંપાદન-આસ્વાદઃ રમેશ પુરોહિત

  1. “ફુરસત કે દો પલ” – સંપાદનનો રમેશ પુરોહિતનો સ રસ આસ્વાદ
    ‘તુમ કો ભી હમ દિખાએં કિ મજનૂં ને ક્યા કિયા
    ફુરસત કશ્મકશે – ગમ-એ પિન્હાં સે ‘ગર મિલે’
    વાહ

    Liked by 2 people

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s