ગઝલઃ    “..બેસ..!” – ગઝલઃ અનિલ ચાવડા – આસ્વાદઃ જયશ્રી વિનુ મરચંટ


ગઝલઃ    “..બેસ..!”

બેસવાનું દે વચન તો પાળ, બેસ!
થઈ શકે તો તું જવાનું ટાળ, બેસ!

જો તું ઇચ્છે થઈ શકે બંનેનું કામ,
તું વિહરતું પંખી છે હું ડાળ, બેસ!

વાત જાણે છે હવે એ કાગડો,
આપશે ક્યાંથી પૂરી? શિયાળ બેસ!

એકધારો ચાલતો અટક્યા વિના,
કોક દિ’ તો થાક ખાવા કાળ, બેસ!

વારતા ના માંડ, પ્રશ્નો પણ ન પૂછ,
અમથા અમથા આવીને વેતાળ બેસ.

થોડું પાસે બેસ,  થોડું ભીતરે,
બેઉ જગ્યાએ સમય તું ગાળ, બેસ!

                                   અનિલ ચાવડા

કવિશ્રી અનિલ ચાવડાની ગઝલ “..બેસ..!” નો આસ્વાદઃ જયશ્રી વિનુ મરચંટ

આજે ઉર્દુ ગઝલોમાં ફુરસતની પળોને કેવી રીતે વર્ણવી છે એનો આસ્વાદ શ્રી રમેશ પુરોહિતની સશક્ત કલમ દ્વારા કરાવવામાં આવ્યો ત્યારે મને આજના મબલખ લખતા, ગુજરાતી ભાષાની ગઝલોને ભાવ, ભાષા અને પ્રવાહિતામાં નખશિખ નવીનતા પરિધાન કરાવીને પ્રસ્તુત કરનારા, ધરખમ શાયર શ્રી અનિલ ચાવડાની આ ગઝલ મળી અને હું તો વારી ગઈ. આજના  કવિ ફુરસદની પળોને કઈ રીતે જુએ છે?

ફુરસદની ક્ષણો આજના આ દોડતા જેટયુગમાં દોહ્યલી છે અને જો એ ક્ષણોને જથ્થાબંધ માણવી હોય તો? એના પહેલાં તો સમયને નાના નાના ગાળાનાં બીબાંમાં ઢાળીને જાત સાથે વચનબદ્ધ થવાનું છે, અને ઠરીઠામ બેસવાનું વચન પોતાને આપીને, એને પાળવા માટે, ફુરસદ કાઢીને શાંતિથી બેસતાં પણ શીખવાનું છે, કંઈ પણ ન કર્યા વિના. આમેય કશું ન કરવું અને બસ, નિરાંતને માણવી એ પણ બહુ મોટી કરવાની ચીજ છે. અને આ કરવા માટે અહીં-ત્યાં ભાગવાના વિચારોને છોડી દઈને સ્થાયિત્વ કેળવવું પડે છે. આ સ્થાયિત્વ જ કદાચ ઈશાવાસ્યવૃત્તિનું ઉદગમ છે. બસ, અહીં મતલાની ઊંચાઈ નક્કી થઈ જતાં ગઝલની ઉર્ધગામી દિશા પણ નક્કી થઈ જાય છે.

સમસ્ત વિશ્વનો કારોબાર એકમેકની પૂરક એનર્જી-ઉર્જા પર જ ચાલે છે. પંખીને બેસવા માટે ડાળ જોઈએ છે પણ ડાળને પણ પોતાના ટહુકાઓ પર ઝૂલાવનારા પંખી જોઈએ છે. કામ બેઉનું છે, પણ ફરી એક વાર ટહુકાઓની મીઠાશ રેલાવા જાત સાથે સંવાદ હોવો જરૂરી છે, જે પોતા સાથે ફુરસદની પળો સિવાય શક્ય જ નથી. લીલીછમ ડાળમાં મેઘધનુષી ટહુકાઓ સૂરોના સાથિયા પૂરે છે અને થંભી ગયેલો સમય રંગીન બની જાય છે. કોણે કહ્યું છે કે ફુરસદમાં કંઈ થતું નથી? નિરાંતની ક્ષણોમાં આપણે બેસીએ છીએ, તો જ અને ત્યારે જ કુદરતનો કલબલાટ પાંખો ફફડાવી શકે છે.

સમય સાથે સમજણ પડવા માંડી છે કે ઝાડની ડાળી ઉપર, મોંમાં પૂરી લઈને બેઠેલા કાગડાની ગાયકીના, ગમે તેટલા વખાણ, પૂરી પડાવી લેવા માટે ટાંપીને બેઠેલો શિયાળ કરે, પણ, એ હવે કાગડાને ગાવા માટે પ્રોત્સાહિત નહીં કરી શકે અને એ રીતે એની પૂરી પણ પડાવી નહીં શકે. આથી શિયાળ જેવા તકસાધુઓએ પણ જરાક થોભીને આત્મસંશોધન કરવાની જરૂર છે. સાવ સાદો દેખાતો આ શેર આમ જુઓ તો ખૂબ મોટી વાત અને ઊંડી વાત કહી જાય છે કે પોતે કોણ છે એ સમજી જઈએ અને હકીકતને સ્વીકારી લઈએ તો કંઈ કેટલાયે શિયાળવા આવે, આપણાં સ્વત્વને ઝૂંટવી શકતા નથી. અહીં ફરી ગહન અનુસંધાન પાછું મતલાના ઊંડાણ સાથે સંધાય છે કે આમ ‘સ્વ’ ને પામવા માટે પણ આપણે સ્વયં સાથે સંવાદ સાધવા ફુરસદ કાઢવી આવશ્યક છે.

આમેય આપણે સમય ફાળવીએ નિરાંત માટે કે ન ફાળવીએ, સમય તો એની ગતિથી ચાલ્યા જ કરવાનો છે. શું આ સતત ગતિમાન કાળચક્ર એની ધરી પર ચાલીને થાકતું નહીં હોય? શાયરની ખુમારી તો જુઓ, સમયને પણ પડકારે છે પણ પોતાનો માનીને, અને,પોતા પાસે બેસવા માટે અને થોડીવાર પોરો ખાવા માટેના આમંત્રણ રૂપે આ પડકાર કરે છે.
‘એકધારો ચાલતો અટક્યા વિના,
કોક દિ’ તો થાક ખાવા કાળ, બેસ!’

કવિ આગળના શેરમાં એક ટકોર કરે છે કે કેટલા પ્રશ્નો વેતાળ પૂછશે અને કેટલા ઉત્તરો વિક્રમ આપશે? વિક્રમ-વેતાળ દરેક યુગમાં આ પ્રશ્નોત્તરી અનાદિકાળથી કરતા આવ્યાં છે અને કર્યા કરશે, કારણ, સમય સાથે વેતાળના સવાલો બદાલાય છે અને વિક્રમ રાજાના જવાબો નવા આયામો લઈને આવતા રહે છે. કંઈ એવું ન થઈ શકે કે સમય નવા પ્રશ્નો પેદા ન કરે અને વેતાળ ચૂપચાપ અમથા અમથા જ આવીને બેસી શકે, એવું ન બની શકે? જીવનની આ પ્રશ્નોત્તરી અનંતકાળથી ચાલી આવે છે અને ચાલ્યા જ કરવાની છે.  થોડું અમસ્તું જીવી  જઈએ નિરાંતનો ઉત્સવ મનાવીને, એ જ સમય પોતાનો બનીને રહી જાય છે.

ગઝલના છેલ્લા શેરમાં કવિ સહજ લાગતી અભિવ્યક્તિને સાદગીથી રજુ કરીને, એમાં અભિપ્રેત ઊંડાણથી આપણને ઝંઝોડી જાય છે. અહીં કશું જ પોતાની મેળે થતું નથી.  પણ, જીવનમાં શું પામવું છે, ક્યાં જવું છે, કેવી રીતે જીવન વિતાવવું છે એને માટે કોઈ આંટીઘૂંટીવાળો ને અટપટો પ્લાન હોવો જરૂરી નથી.  વાત સાવ નાની છે, પોતા સુધી પહોંચવાની વાત છે અને પોતા સાથે રહીને, જાત સુધી પહોંચવાનું છે. જીવનની આ સફરનું અંતિમ આવે ત્યારે શું આપણે એવું કહી શકીશું કે હા, આપણે થોડું સ્વયંની પાસે બેઠાં, થોડું આપણી અંદર ડોકિયું  કર્યું અને અહંકાર છોડીને, દંભ રાખ્યા વિના આપણે આપણી જાતને વફાદાર રહીને આત્મતત્વને સ્વીકારી લીધું? શું અંદરના અને બહારના, બેઉ જગતમાં ફુરસદ લઈને બેઠાં અને કાળનો સ્વીકાર કર્યો?
થોડું પાસે બેસ,  થોડું ભીતરે,
બેઉ જગ્યાએ સમય તું ગાળ, બેસ!
અહીં, શાયર જવાબ જેવા લાગતા શેર થકી સવાલ કરી જાય છે એ આપણા આત્માને જગાડી જાય છે. અનાયસે યાદ આવી જાય છે કુરુક્ષેત્રમાં કહેવાયેલી ભગવદ ગીતાના શ્લોકખંડો,
‘અહં કાલોસ્મિ”
અને “સર્વ ધર્માન્ પરિતજ્ય મામેકં શરણં વ્રજ!’

કાલાય નમઃ  બસ!

1 thought on “ગઝલઃ    “..બેસ..!” – ગઝલઃ અનિલ ચાવડા – આસ્વાદઃ જયશ્રી વિનુ મરચંટ

  1. .
    અનિલ ચાવડાની ગઝલઃ “..બેસ..!” નો સુ શ્રી જયશ્રી વિનુ મરચંટદ્વારા સરસ આસ્વાદ.તેમા આ વાત ‘એ આપણા આત્માને જગાડી જાય છે. અનાયસે યાદ આવી જાય છે કુરુક્ષેત્રમાં કહેવાયેલી ભગવદ ગીતાના શ્લોકખંડો,‘અહં કાલોસ્મિ”
    અને “સર્વ ધર્માન્ પરિતજ્ય મામેકં શરણં વ્રજ!’
    કાલાય નમઃ બસ!’ વાત ખૂબ ગમી

    Liked by 2 people

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s