વિશિષ્ટપૂર્તિ. માર્ગદર્શન. સરયૂ પરીખ. એ રાત. શૈલા મુન્શા.


લઘુકથાઃ જો માર્ગદર્શન મળે…સરયૂ પરીખ

ગૃહત્રાસમાં ફસાયેલી સ્ત્રીઓને મદદ કરવાનું કામ હ્યુસ્ટનમાં રહેતા હતાં ત્યારે મેં શરૂ કરેલું તે ઓસ્ટિનમાં આવ્યા પછી પણ ચાલુ રહ્યું છે. ભારતથી દૂર દેશમાં આવી વસેલી સ્ત્રીનાં પતિની મિત્ર હોઉં તો પણ…, સેવાકાર્યમાં જોડાયેલી છું તે જાણીને, મારી મદદ માંગે છે. અબળાને કાયદા કાનૂનની સમજ પડે અને પોતે અસહાય નથી એટલો ભરોસો અને આત્મશ્રધ્ધા આવે તો, પરિસ્થિતિનો સામનો કરવા કટિબધ્ધ થાય. રડતી સ્ત્રીને વાત કરવાની અને જાણકાર વિશ્વાસુ વ્યક્તિની દિલસોજી અને માર્ગદર્શન મળી શકે…એ વાત,  મને આજે એક અતિતનો પ્રસંગ યાદ આવતા, અત્યંત મહત્વની લાગી.

 આવી કોઈ મદદ જો કનકને મળી હોત…

૧૯૬૦ના સમયની વાત યાદ આવી ગઈ…ભાવનગરમાં મારા બા, ભાગીરથી મહેતા માજીરાજ હાઈસ્કુલમાં શિક્ષિકા હતા. રજાના દિવસે કેટલિક વિદ્યાર્થિનીઓ આવતી અને રસથી કવિતાથી માંડી પોતાની અંગત વાતો બાને કરતી. હું નાની છોકરી તરીકે તેમને જોયા કરતી. તેમાં એક કનક નામની છોકરી એકદમ ચેતનવંતી અને ખુશદિલ હતી. તેને બાને માટે અનન્ય પ્રેમ હતો અને પોતાની અંગત વાતો ખુલ્લા દિલથી કરતી. તેની માતાનાં અવસાન પછી કેવળ પિતાની તેને ઓથ હતી. હાઈસ્કુલ પૂરી કર્યા પછી કોલેજ-કાળ દરમ્યાન કનક અમારે ઘેર આવતી રહેતી. પછી લગ્ન થવાનાં હતાં ત્યારે કંકોત્રી આપવા આવી હતી.

“બેન, મને જોવા આવ્યા અને એમણે હા પાડી પછી મારા અભિપ્રાયને જાણે અવકાશ જ નહોતો. ભણેલો છે…અને આમેય મુરતિયા મળવા મુશ્કેલ તેથી હા જ પાડવાની. અમારા પરિવારોમાં એમ જ થતું આવ્યું છે, મારા પપ્પા બિચારા શું કરે!” કનકની વાતમાં અણગમાનો ધ્વનિ સંભળાતો હતો.

આ વાતને પાંચેક વર્ષ નીકળી ગયા. એક દિવસ બા તેમની બહુ દૂર રહેતી બેનપણીને મળ્યાં પછી રસ્તા પરથી જઈ રહ્યાં હતાં ત્યારે ઊપરનાં ફ્લેટનાં રવેશમાંથી, ‘બેન!’, ‘બેન!’ ની બૂમ સંભળાઈ.

બાએ જોયું તો કનક બોલાવી રહી હતી. બા અટક્યા એટલે દોડતી નીચે આવી અને વળગી પડી. “ચાલો ઊપર, અમારું ઘર બતાવું.” ઘરમાં જતાં પરિચય કરાવતા બોલી, “આ મારા સાસુ છે. ભાગીરથીબેન મારા પ્રિય ટીચર છે.” સાસુએ ભાવરહિત આવકાર આપ્યો. કનક બાની સાથે વાતોમાં વ્યસ્ત થઈ ગઈ. સાસુ બોલ્યાં, “ચા બનાવીશ કે વાતુ જ કર્યા કરીશ?”

કનક બુજાયેલાં ચહેરે ઊઠી અને રસોડામાં કામે લાગી. મારા બા તેની નજીક ગયા અને તેની નિરાશાભરી હિલચાલ જોઈ રહ્યાં, પણ વાત કરવા જેવું એકાંત નહોતું. કનકના હાથ પર કાળા ચકામા જોઈ બાએ ઈશારામાં પૂછ્યું. કરૂણ નજર બા સાથે મેળવી અને પછી મોટેથી બોલી, “હાં, મારા પપ્પા ગયા વર્ષે હાર્ટઍટેકમાં ગુજરી ગયા.” આ પરથી લાગ્યું કે પતિનો અને સાસુનો ત્રાસ છે અને તેનાં પિયરમાં કોઈ નથી રહ્યું. ચાર વર્ષની દીકરી હતી એ વિષે વાત કરતાં તેનાં ચહેરા પર જરા ખુશી દેખાઈ.

“છોકરીને નીશાળેથી આવવાનો ટેમ થયો, જાવ.” સાસુનો બીજો હૂકમ આવ્યો.

નીચે ઉતરતાં દાદર પર અટકી, કનક લગભગ ડૂસકા સાથે બોલી, “બેન…! જીવન આવું હોય?… કોઈ દિવસ ઠીક હોય છે તો કોઈ દિવસ અસહ્ય! શું કરું સમજ નથી પડતી.”

મારા બાને પંદર મિનિટની કનક સાથેની મુલાકાતમાં સહાનુભૂતિ ઘણી થઈ હશે પણ કોઈ માર્ગદર્શન આપવાનો ઉપાય ધ્યાનમાં નહીં આવી શક્યો હોય.

થોડાં મહિનાઓ પછી કનકની બેનપણીએ આવીને ગોઝારા સમાચાર આપ્યાં હતાં, “કનક બળીને મરી ગઈ…”
ખરેખર, ત્રાસિત વ્યક્તિના આત્માને શક્તિમાન કરવા કોઈ સમયસર મદદ મળે તો જ તેમાંથી સલામત રસ્તો મળી શકે. સમાજસેવામાં કેળવાયેલ સભ્યને કદાચ કઈ રીતે મદદ કરવી તેનો ખ્યાલ આવી શકે.
————————-

         એ રાત!!!! લે. શૈલા મુન્શા.

   અતિત્લાન સરોવર

                             એ રાત!!!! લે. શૈલા મુન્શા.

જિંદગી માણસને ઘણુ શીખવાડે છે. લગ્ન કરી અમેરિકા આવી ત્યારે માંડ વીસ બાવીસની ઉંમર. અજાણ્યો દેશ, અજાણ્યા લોકો પણ ધીરે ધીરે જીવન ગોઠવાતું ગયું. સારી નોકરી અને ઘર સંસારની જવાબદારીમાં વર્ષો વિતી ગયા. એક ઈચ્છા મનના ખૂણામાં ગોપિત હતી એને ઉજાગર કરવાનો સમય આવી ગયો. નોકરીમાંથી નિવૃત થઈ કોઈ સામાજિક સંસ્થા સાથે જોડાવાના આશયથી હું કેલિફોર્નિઆની રોટરી ક્લબ સાથે જોડાઈ. દેશ વિદેશ રોટરીના પ્રોજેક્ટ માટે અમારે જવાનુ થતું. ક્યાંક કેટલી સમૃધ્ધિ અને ક્યાંક કેટલી ગરીબાઈ. નાના ગામોમાં રહેતા લોકોની સાદગી અને અતિથિ ભાવનાના વિવિધ અનુભવો….

આજે એક પ્રસંગની વાત કરવી છે, જેને યાદ કરતાં આજે પણ ભયમિશ્રિત રોમાંચ શરીરના રુંવાડા ઉભા કરી દે છે. વાત છે ૨૦૧૨ ની રોટરી ક્લબનો એક પ્રોજેક્ટ ગ્વાટેમાલા હંડુરસમાં હતો. અમે લગભગ ૧૨ રોટેરિઅન આ કામ માટે ગ્વાટેમાલા ગયા હતા. હંડુરસના રોટરી પ્રમુખે અમારું સ્વાગત કર્યું અને અમારી રહેવાની વ્યવસ્થા પ્રમુખ અને એમના ભાઈને ત્યાં કરવામાં આવી હતી. પ્રમુખ અને ભાઈના ઘરની વચ્ચે મોટું સરોવર હતું, અતિત્લાન ((Atitlan). આ સરોવર ત્રણ મોટા જ્વાળામુખી પર્વતોથી ઘેરાયેલું છે. સરોવરના કિનારે નાના ગામો આવેલા છે, અને ત્યાં પહોંચવાનુ સાધન સ્પીડ બોટ કે હેલિકોપ્ટર સિવાય બીજું કોઈ નથી.

ગ્વાટેમાલાનુ પ્રાકૃતિક સૌંદર્ય ખૂબ સરસ છે. સેંટ્રલ અમેરિકાનુ સહુથી ઊંડું સરોવર અતિત્લાન (Atitlan) જે લગભગ ૮૪,૦૦૦ વર્ષ પહેલા થયેલા જ્વાળામુખી વિસ્ફોટથી બન્યુ હતું અને ૧૧૨૦ ફુટ ઉંડું છે, એના કિનારે ત્યાંના સ્થાનિક રહેવાસીઓ પોતાના કપડાં ધોતા હતા અને જ્વાળામુખીના ખનિજ તત્વથી ભરેલા સ્વચ્છ પાણીને મલિન કરતાં હતા. આ પ્રશ્નનું નિરાકરણ લાવવા માટે અમેરિકાની રોટરી ક્લબે ભંડોળ ભેગું કર્યું હતુ. એ પૈસાથી ત્યાં સરોવરથી થોડે દુર એક જુદો પાણીનો કુંડ બનાવવાનો પ્લાન તૈયાર કર્યો, એને લગતી બધી સગવડ ધ્યાનમાં રાખી જેથી લોકો ત્યાં પોતાના કપડાં ધોઈ શકે અને મેલું પાણી કાંકરા, રેત, પથ્થરોમાં થી પસાર થઈ ચોખ્ખું થઈ પાછું સરોવરમાં ભળી જાય. આ પ્રોજેક્ટને અમલમાં મુકવા અમે ગ્વાટેમાલા આવ્યા હતા. ત્યાંંની સ્થાનિક પ્રજા ઘણી ગરીબ હતી અને આ પ્રોજેક્ટથી એમને ઘણો લાભ થવાનો હતો.

અમારા આદર સત્કારમાં ત્યાંના પ્રમુખે સાંજે એમના ઘરે ચાલીસેક જણાં માટે મિજબાનીનુ આયોજન કર્યું હતું. સરસ મેક્સિકન ખાવાનુ, ત્યાંનો જાણિતો બિયર, રમની મહેફિલ જામી હતી. મારા માટે પ્રમુખની પત્નિએ ખાસ શાકાહારી એન્ચીલાડા, કેસેડિયા અને વર્જિન પીનાકોલાડા તૈયાર કરાવ્યા હતા. મજાક મસ્તીનો માહોલ જામતો જતો હતો, મેક્સિકન મ્યુઝીકના તાલે સમુહ નૃત્યનો આનંદ સહુ માણી રહ્યા હતાં. રાત જામતી જતી હતી, સમયનો ખ્યાલ કોઈને નહોતો; પણ મારી નજર ઘડિયાળના કાંટે અને આકાશમાં ઘેરાતા વાદળો તરફ જઈ રહી હતી. દસ વાગવા આવ્યા અને મેં યજમાન હોસેને કહ્યું કે, આપણે પાછા જવાનુ છે અને વરસાદ પડવાની એંધાણી દેખાઈ રહી છે. આવા ખાન પાનની મફેફિલમાં મારી વાત કોણ કાને ધરવાનુ હતું? “અરે! ચિંતા નહિ કર રોમા, હમણા પહોંચી જઈશું, મારી સ્પીડ બોટમાં.” હમણા એટલે સામે પાર પહોંચતા ૪૫ મિનિટ થાય એ ત્યારે હોસેને યાદ નહોતું.

ખેર!! ચલો ચલો કરતાં રાતના અગિયાર વાગ્યા, વાદળ ગરજવા માંડ્યા ત્યારે હોસે ઊભો થયો અને અમે સહુ સ્પીડ બોટમાં ગોઠવાયા. હોસેએ સ્પીડબોટ મારી મુકી અને વિજળીના કડાકા સાથે વરસાદ શરૂ થયો. અંધારી રાત, ઉપરથી પાણી વરસે, સ્પીડબોટની ઝડપને કારણે સરોવરના પાણીની છાલક અમને ભીંજવે, અંતિમ ઘડી આવી ગઈ હોય એમ અમારા સહુના જીવ તાળવે ચોંટ્યા હતા. એક ક્ષણમાં બાળકો પતિ સહુના ચહેરા નજર સામે આવી ગયા, અહિં અતિત્લાનમાં જ આજે અમારી જળસમાધિ થશે એ બીકના માર્યા અમે ચારે જણા એકબીજાનો હાથ સજ્જડ પકડીને બેઠા હતા. ડરને ઠંડીથી સહુ થરથર કાંપતા હતા. એટલું ઓછુ હોય તેમ વધુ પડતા નશાને કારણે હોસે પોતાનુ ઘર ભુલી ગયો, ભળતા કિનારે બોટ રોકી; ઉતરવા જતાં ખ્યાલ આવ્યોને બોટ પાછી વાળી. માંડ માંડ એના ઘરે પહોંચ્યા. પહેલીવાર આભાર વ્યક્ત કરવાનો વિવેક ભુલી અમે સહુ ભગવાનનો ઉપકાર માનતા સુવાના ઓરડામાં જતા રહ્યાં.

એ રાત!!! મારી સહેલી અરૂણા ગોરડિયાનો સ્વાનુભવ…લે. શૈલા મુન્શા તા.૦૯/૧૭/૨૦૨૦
  ——————
     રંગોળી…ઈલા મહેતા

About SARYU PARIKH

INVOLVED IN SOCIAL VOLUNTEER WORK. HAPPILY MARRIED. DEEPLY INTERESTED IN LITERATURE, ADHYATMIK ABHYAS,MUSIC AND FAMILY. EDUCATION IN SCIENCE AT BHAVNAGAR AND BARODA.

3 thoughts on “વિશિષ્ટપૂર્તિ. માર્ગદર્શન. સરયૂ પરીખ. એ રાત. શૈલા મુન્શા.

 1. સુ શ્રી સરયૂ પરીખની લઘુકથાઃ જો માર્ગદર્શન મળે પ્રેરણાદાયી વાત
  સુ શ્રી શૈલા મુન્શાની એ રાત મા અતિત્લાન સરોવરનુ મનમનોહર ફોટો અને અરૂણા ગોરડિયાનો સ્વાનુભવની મજાની વાત
  અને
  ઈલા મહેતાની સ રસ રંગોળી…

  Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s