પ્રેમાગ્નિ
નાદિયાને એકદમ ચક્કર આવ્યા, અને જમીન પર પડી ગઈ.બેભાન નાદિયાને ઘરનાં લોકો ઉઠાડવાનો પ્રયત્ન કરવા લાગ્યા.નાદિયા હોશમાં ન આવી.એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી.જલ્દીથી હોસ્પિટલ પહોંચાડવામાં આવી. થોડીવાર પછી ડૉક્ટર બહાર આવ્યા.ડૉક્ટરે નાદિયાના પપ્પાને એક બાજુ લઈ જઈને કહ્યું કે નાદિયાએ આત્મહત્યા કરવા પ્રયત્ન કર્યો હતો.વધારે પડતી ઊંઘની ગોળીઓ લીધી હતી.ઘરનાં સર્વ લોકો ઉપર જાણે વીજળી પડી.
નાદિયા હૈદરભાઈની ચોથા નંબરની દીકરી હતી.હૈદરભાઈને આઠ બાળકો હતા.છ દીકરીઓ અને બે દીકરા.ત્રણ દીકરીઓનાં લગ્ન થઈ ગયેલાં. ચોથી નાદિયા પછી શમા અને સાયરા. નાદિયાનાં આવા પગલાંથી ઘરમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું. હૈદરભાઈએપોતાની દીકરીઓને ઘણી પ્રેમથી રાખેલી. જ્યારે મુસ્લિમ સમાજમાં સ્ત્રીઓને ખૂબ જ ઓછા હક આપવામાં હતા ત્યારે દીકરીઓને ભણાવીને ઊંચી પદવીઓ અપાવી. છ દીકરીઓ હોવા છતાં બધીને ખૂબ લાડથી રાખી. હૈદરભાઈને એક ઝટકો લાગી ગયો.થું ખોટું થયુ? સમજ પડતી ન હતી. સૂની સૂની આંખોમાં ઘણાં સવાલ હતા. નાદિયાને ઊંઘની ગોળી સુવાડી ન શકી, તે સલામત ઘરે આવી.
શમા અને સાયરા પુસ્તક લઇને વાંચવાનો ડહોળ કરતા હતા. નાદિયા આવીને એમની સાથે બેસી ગઈ.બન્ને બહેનો ચુપ હતી. ગુસ્સામાં પણ હતી. નાદિયાના પગલાં પર ગુસ્સો હતો. બધી બહેનો એક્બીજાથી કશું છુપાવતી ન હતી.અને આ થું થઈ ગયું? નાદિયા હસી. બહેનો ન હસી શકી નાદિયાએ માફી માંગી. પણ બહેનો બન્ને ખૂબ ઉદાસ હતી..નાદિયાએ જે પગલું ભર્યુ હતું. તેનાથી બન્ને બહેનો ભાંગી પડી હતી.
હૈદરભાઈ અને ગુલશનબહેન તો જાણે હેબતાઈ જ ગયાં હતાં પછી નાદિયા એ પોતાની વાત કરી. નાદિયાએ કહ્યું એ ઈન્દરને પ્રેમકરતી હતી.ઈન્દર હિન્દુ છોકરો હતો. સમાજનાં ડરથી નાદિયાએ આ પગલું ભર્યુ. એ ઈન્દર વગર રહી શકે એમ નથી. ઈન્દરકોલેજનો દેખાવડો અને હોશિયાર છોકરો હતો. પણ છોકરીઓ સાથે રમત રમવામાં પણ પહેલો નંબર હતો.કૉલેજની યુવતીઓનેપ્રેમની જાળમાં ફસાવવી અને તેમની લાગણી સાથે રમવું એજ એનો ધંધો હતો. આખો સમય કૉલેજનીબહાર ઊભા રહેવું માવા ખાવા અને આવતી જતી યુવતીઓને છેડછાડ કરવી. નાદિયાને એની કોઈ પણ ખોટી આદત ખોટી લાગતી ન હતી, કારણ કે એ પ્રેમમાં હતી.પ્રેમ આંધળો હોય છે. નાદિયાને ખબર ન હતી કે એ એની લાગણી સાથે રમતો હતો. નાદિયા તો એનાં પ્રેમમાં અંધ હતી. નાદિયા પોતે શાયર હતી એટલે બસ આખો દિવસ ઈન્દર ઉપર શાયરી લખ્યાં કરતી. અને દિલની વાત કોઈને કરી નહોતી. અને ઈન્દર હિન્દુ હોવાથી સમાજ અને મમ્મી પપ્પા આ સંબંધને સ્વીકારશે કે નહીં એમ વિચારી એણે આત્મહત્યા કરવા પ્રયત્ન કરેલો. અને થોડી ડીપ્રેશનમાં રહેતી હતી.
कितने अरमान कितने ज़जबात तुम्हे बता ना पाउ
जिंदगी भी क्या है मेरी? एक अधूरा नगमा हो जैसे
पहेले बरसो-माहो बादमे रात दिन
अब करती हुं हर घडी इन्तेज़ार.
હૈદરભાઈ તો એ ઊંઘની ગોળી ખાઈ લીધી એટલે ખૂબ ગભરાઈ ગયેલાં. સમાજથી ડરીને દીકરીની જિંદગીથી હાથ ધોવાનાં, એ સોદો એમને મંજૂર ના હતો. એમણે નાદિયાને સમજાવીને કહ્યું ” બેટા,જો ઇન્દર તારી સાથે લગ્ન કરવા તૈયાર હોય તો મને વાંધો નથી, સમાજ અને ધર્મની વીરુધ જઈને તારા લગ્ન ઈન્દર સાથે કરાવી આપીશ. મારે માટે દીકરીનું જીવન કોઈ સમાજ કે ધર્મ કરતા વધારે છે. પણ તું ઈન્દર સાથે લગ્નની વાત કરી લેજે.” નાદિયા તો ખુશીથી પાગલ થઈ ગઈ. નાદિયા હવે ઇન્દર સાથે છૂટથી હળતી મળતી. પણ પોતાની સીમા કદી ઓળંગતી નહિ.
એણે ઈન્દરને એ દિવસે ઘરે બોલાવ્યો. ઈન્દર આવ્યો. શમા કોલેજ ગઈ હતી. સાયરા અગાસીમાં બેસીને પરીક્ષાની તૈયારી કરી રહી હતી. નાદિયાની મા, ગુલશનબેનને દમનો રોગ હતો એ પોતાનાં ઓરડામાં આરામ કરી રહી હતી. નાદિયા આજે ખુશ હતી. આજે એ ના પ્રેમની જીત થવાની હતી. એને ઈન્દર માટે કોફી બનાવી. કોફી પીતા પીતા નાદિયા બોલી, “ઈન્દર હું તને એવા સમાચાર આપવાની છું કે તું ખુશીથી પાગલ થઈ જઈશ.” ઈન્દર બેદરકારીથી બોલ્યો “શું સમાચાર?” નાદિયા તો પોતાનાં પ્રેમમાં મસ્ત હતી. તેણે ઈન્દરનો હાથ પકડીને કહ્યું, “પપ્પાએ લગ્ન કરવાની રજા આપી છે. તું કહે ત્યારે આપણે કોર્ટ મેરેજ કરી લઈએ.” નાદિયા એક શ્વાસે બોલી ગઈ. ઈન્દર આને માટે તૈયાર ન હતો. બનાવટી સ્મિત કરીને એ બોલ્યો ” શું ઉતાવળ છે? બધું સમય આવ્યે થઈ જશે.” નાદિયા થોડી નિરાશ થઈ પણ ફરી વાર બોલી, “ઈન્દર મારે મારી બહેનોનું પણ વિચારવાનું ને! હું જલ્દી લગ્ન કરું તો એમના વિષે પપ્પા આગળ વિચારી શકે.” ઈન્દર એકદમ ઊભો થઈ ગયો, અને બોલ્યો, “જો નાદિયા હું હમણાં લગ્ન કરી શકું નહી. મારી નાની બહેનનાં લગ્ન ન થાય ત્યાં સુધી મારે લગ્ન કરવાનો કોઈ વિચાર નથી. તું તારી નાતના છોકરા સાથે લગ્ન કરી લે. મને વાંધો નથી. આપણે બન્ને મિત્રો તરીકે રહીશું. “તેના ચહેરા ઉપર લુચ્ચું સ્મિત હતું. હવે નાદિયા સમજી ગઈ. ઈન્દર એ ના જેટલો ગંભીર ન હતો. નાદિયાને સમજ ન પડી એને કેવી રીતે સમજાવવો. એને કેવી રીતે કહે કે એ ઈન્દર વગર જીવી નહિ શકે. એ કોઈ રીતે ઈન્દરને સમજાવી ના શકી કે એ એને કેટલો પ્રેમ કરતી હતી. એણે ખૂબ ધીમા પણ મક્કમ અવાજમાં ઈન્દરનેપૂછ્યું, “ઈન્દર,શું આ તારો જવાબ ફાઈનલ છે? શું તું મને પ્રેમ નથી કરતો? તારા આ નિર્ણયથી તારે પસ્તાવું ના પડે!” એનાં અવાજમાં પથ્થર જેવી લાગણીવિહિનતા હતી. પણ ઈન્દર તો નીચું મોઢું કરીને મલપતો જ રહ્યો.
એ મક્કમતાથી સ્મિત કરી ઊભી થઈ. વરંડામાં ગઈ.વરંડામાં બે બાજુથી દરવાજા હતા. એક મોટી બારી જે ડાઇનિંગ રુમમાં ખૂલતી હતી. ઈન્દર ડાઇનિંગ રુમમાં બેઠો હતો. નાદિયાએ બન્ને દરવાજા અંદર થી બંધ કરી લીધા. ત્યાં કેરોસીનની બાટલી પડીહતી,તેણે શરીર ઉપર કેરોસીન છાંટી લીધું. અને ઈન્દરને બારીમાંથી જોતા જોતા કહ્યું કે, “જો ઈન્દર, તારા પ્રેમ માટે હું શું કરી શકું છું! અને દીવાસળી ચાંપી દીધી. હવે નાદિયાનું શરીર ભડકે બળી રહ્યુ હતુ. સાયરાને અગાસીમાંથી ભડકા દેખા્યા. દોડીને નીચેઆવી. નાદિયાથી બળતરા સહન ન થઈ અને દરવાજાનો આંકડો ખોલી નાંખ્યો. સાયરાએ બ્લેન્કેટથી નાદિયાને ઢાંકી દીધી. શમા કોલેજથી ઘરે આવી રહી હતી. રસ્તામાં પડોસણ લાભુબેન મળ્યાં એ કહે, “શમા, જલ્દી ઘરે જા. તારા ઘર ઉપર ક્યામત ઉતરી છે.” શમાના હાથમાંથી પુસ્તકો પડી ગયાં. એ ઘર તરફ દોડી. ઘરમાં નાદિયાની અર્ધ બળેલી લાશ પડી હતી. જેમાંથી ચામડી બળવાની દુર્ગંધ આવી રહી હતી. શમાની જાણે છાતી ફાટી જશે એવું લાગ્યું. ઈન્દર જે હજુ ત્યા ઊભો હતો શમાએ જોરથી કોફીનો કપ એનાં માથા ઉપર માર્યો અને બરાડા પાડી કહેવા લાગી કે, “તે મારી બહેનને મારી નાખી. સાલા પાખંડી તને આ ભવમાં ક્યાંય સુખ નહી મળે!”
એમ્બ્યુલન્સ આવી. થોડી વારમાં નાદિયા હોસ્પિટલમાં હતી. શમાના દિલમાંથી હાયકારો નીકળી ગયો. એ હોસ્પિટલ તરફ ભાગી. ઈન્દર ગામમાંથી રફુચક્કર થઈ ગયો કારણ કે નાદિયાના ભાઈ છરો લઈને એને ગામમાં શોધી રહ્યા હતાં. ભાઈઓ ખૂબ નાના હતાં પણ બહેનની હાલત જોઈને ખૂબ ગુસ્સામાં હતાં. નાદિયા ખરાબ રીતે બળી ગઈ હતી. બચવાની કોઈ આશા ન હતી.
હૈદરભાઈની આંખોમાં ચોધાર આંસું હતા. નાદિયા થોડી વાર માટે હોશમાં આવી.પપ્પા બાજુમાં બેઠાં હતા. પપ્પાને જોઈને બોલી, “પપ્પા મને બચાવી લો, મારે એ ખોટા માણસ માટે નથી મરવું. મારો જીવ એ બેવફા માટે નથી આપવો.” પપ્પાએ કહ્યું, “બેટા તને જરૂર બચાવી લઈશ.” નાદિયા ફરી બોલી, “પપ્પા મારા શરીર ઉપર બળવાના ડાઘ તો રહી જશેને?” પપ્પાની આંખોમાંથી ચોધાર આંસું વહી રહ્યા હતા. એ બોલ્યા, “બેટા, તું શું કામ ચિંતા કરે છે, હું તારી પ્લાસ્ટીક સર્જરી કરાવીશ.” નાદિયાએ પપ્પાનો હાથ પકડી રાખ્યો. ધીરે ધીરે એની આંખો સદા માટે બંધ થઈ ગઈ. હૈદરભાઈ અને ગુલશનબેન આ ગમ જિંદગીભર ભુલી ન શક્યા. કોઈની રમતને અને દિલ્લગીને લીધે એમની દીકરીની જાન ગઈ, કે પોતાની નાદાનિયતથી દીકરીએ તેની જાન ખોઈ તે દ્વિધામાં આખી જિંદગી જીવ્યા અને છેવટે આ ગમ લઈ દુનિયાથી વિદાય થયાં. નાદિયા પ્રેમ અગ્નિમાં હોમાઈ ગઈ. ઈન્દર પોતાની પત્ની અને બાળકો સાથે સુખી છે. પણ હા, શમાની હાય એને ચોક્કસ લાગી છે કારણ કે સાંભળ્યું છે કે નાદિયાનું બળેલા શરીરને ભૂલાવી શકતો નથી અને શરાબી બની ગયો છે. છતાં આ દુનિયામાં એનાં શ્વાસ ચાલી રહ્યા છે. જ્યારે નાદિયા બિચારી! પ્રેમજાળમાં ફસાઈ પ્રેમાગ્નિમાં હોમાઈ ગઈ!
(આ વાર્તા સત્યઘટના પર આધારિત છે. ગોપનીયતા જાળવવા દેશકાળ અને પાત્રોના નામ બદલી નાખવામાં આવ્યા છે.)
સુ શ્રી સપના વિજાપુરાની વાર્તા પ્રેમાગ્નિ ઘણા ખરા ફળીયામા- ગામમા બનતી સામાન્ય ઘટના છે અમે આ અંગે જાગૃતી માટે પ્રયાસો કર્યા છે કેટલામા સફળ રહ્યા .હજુ પણ આ અંગે દીકરીઓને વિશ્વાસમા લઇ મા બાપે,વડીલોએ સમજ આપવાનો પ્રયાસ કરવો જોઇએ
LikeLike
આજની ભણેલી છોકરીઓ પણ નજરે દેખાતું સત્ય ન જોઈ શકતી હોય, એને માટે દિલમાં કંપા જાગે છે. આપણે ઘણી વાર સાંભળીએ છીએ, વાંચીએ છીએ કે પ્રેમમાં પાગલ છોકરી બળી મરી કે આપઘાત કરી લીધો, પણ, જો છોકરી લગ્ન કરવાની ના પાડે તો કેટલા છોકરા ્બળી મરે છે કે આપઘાત કરે છે…???? ઉલટાની ના પાડનાર છોકરીને, છોકરાઓ ક્યાં તો બદનામ કરે છે અથવા તો એના ઉપર તો એસીડ પણ છાંટી દયે.
LikeLike