પ્રાર્થનાને પત્રો – (૧૦૩) – ભાગ્યેશ જહા


(૧૦૩) પ્રાર્થનાને પત્રો… 

 પ્રિય પ્રાર્થના,

કેવું છે? હવે અમે પણ કાતિલ ઠંડીનો અનુભવ કરી રહ્યા છીએ. પવનની રેઝર જેવી ધાર અડે ત્યારે, ‘ઉહ’ બોલી જવાય છે. રાત વહેલી પડે છે, એન.આર.આઇ મેરેજના વરઘોડા ક્યારેક ઠંડીને હરાવવા બહાર નીકળે છે, પણ પેટ્રોમેક્ષની સીક્યુરીટીને કારણે કશા દંગલ વિના જ ઘટના ઓલવાઈ જાય છે. ક્યારેક કો’ક વ્યથિત કુતરું એના રુદનગાનથી ઠંડીની દિવાલ ધ્રુજે છે, ક્યાંક તાપણે બેઠેલા લોકોની નિરાંત ઠંડીના પાતળા પંડને હચમચાવે છે. બાકી તો ખુબ જ લાં….બી ચાલેલી સિરીયલની ઘરડી થઈ ગયેલી હીરોઇનના ગાલની કરચલીઓ જેવા બેઠકરુમોમાં ઠંડી બારી બહાર સંતાઈને ઉભી રહે છે.

અહીં ઉમાશંકર જોશીની જન્મભૂમિ બામણામાં પૂ.મોરારીબાપુ માનસ-ઉમાશંકર એવી કથા કરી રહ્યા છે, ફરી એકવાર સાહિત્યકાર મિત્રો સાથે બામણા જવાનું થયું. બામણા હિમ્મતનગરથી ત્રીસેક કિલોમીટર દુર નામ વગરની ગિરિમાળાઓ વચ્ચે ભુલાઈ ગયેલું ગામ છે, એકલું, અટુલું. પાછળ હાથમતીનો અજાણ્યો પ્રવાહ છે. પણ આદરણીય મોરારીબાપુની આ કથાને લીધે જાણે પ્રદેશ જાગી ગયો હોય એમ લાગે. આમ જુઓ તો હિમ્મતનગરથી ઉદયપુર જતો રાષ્ટ્રીયધોરી માર્ગ પુરતો ધમધમતો અને બોલકો. કશુંક પીવાની લાલચે જતા પર્યટકોની અભિપ્સાના લિસોટા દેખાય. શામળાજી જતી ભક્તમંડળીઓ પૂનમની આસપાસ જોવા મળે, બાકી, પર્વત તોડીને કોઇ ગુફાને ખુલ્લી કરી દીધી હોય એવી ખામોશી, લીલાશાકભાજીનો લહેરાતો પાક વેચાઇ જવાની ઉતાવળમાં હોય એવું લાગે. પણ આ કથાને લીધે ગાંભોઇ ગામ ઊંઘમાંથી સફારું જાગ્યું હોય તેમ લાગે. કવિની પંક્તિઓ પરથી આ ગ્રામ્યપરિવેશને ઉકેલવા મથું છું. ગિરિ કંદરાઓમાં ઉમાશંકરના રખડવાના મનસુબાના મહેલની ઉડાઉડ કરતી ધજાઓ સંભળાય, ક્યાંય રોતાં ઝરણાં દેખાય નહીં તેથી તેમની રોતી આંખ લુછવાનો પ્રશ્ન ઉભો જ ના થાય. એમ તો થાય છે કે કવિનું બાળપણ સાચવી શકે તેવું ભોળપણ આ વિસ્તારે સાચવી રાખ્યું છે. મઝા આવી રહી છે, આવી રીતે કવિતાના પુનર્પાઠની, કવિના સ્મરણોત્સવની. ઉમાશંકરની આ પંક્તિઓ મને ખુબ જ ગમે છે,

બધો પી આકંઠ, પ્રણય ભુવનોને કહીશ હું,
મળ્યાં વર્ષો તેમાં અમૃત લઈ આવ્યો અવનિનું… “

ઉમાશંકરનાં બે સોનેટ, ‘ગયાં વર્ષો’ અને ‘મળ્યાં વર્ષો’. કવિના આંતરને ખોલી આપતી આ બે કાવ્યકૃતિઓ છે. કવિ જીવનના ક્યા મૂલ્યો સાથે તત્કાલીન જાહેરજીવનમાં જીવતા તેનો એક અણસાર કે આલેખ આમાં ધ્વનિ પામ્યો છે.

ઉમાશંકર જોશીને યાદ કરીને રોજ એક પ્રાધ્યાપક વક્તા બોલે છે અને ઉમાશંકરની કોઇ એક કવિતાનું રસદર્શન કરાવે છે. સરસ વાતાવરણ જામ્યું છે.

ઉમાશંકરની એક પંક્તિ જાને કે નવા કવિઓની ‘હેન્દબુક’ બની શકે એવી છે. યુવાન ઉમાશંકર આબુના નખીતળાવ પર જાય છે ત્યાં નિસર્ગનું અનુપમ સૌંદર્ય જોઇને કવિનું હ્રદય દ્રવી જાય છે, અને કે સરસ પંક્તિ આપણને મળે છે.

સૌંદર્યો પી,
ઉરઝરણ ગાશે પછી આપમેળે.’ 

કવિ એકસાથે પોતાની અનુભૂતિઓ અને આયાસપૂર્વક કવિતાઓ લખતા કવિઓને ઉમાશંકરની ટકોર છે તો બીજી તરફ આ કવિતાના ઉઘાડની કવિની આત્માનુભૂતિનો દસ્તાવેજ પણ છે. સૌંદર્યો પીવાથી, અને જોવાથી નહીં, ઉરઝરણ આપમેળે જ ગાઈ ઉઠશે. આ કવિનું વિધાન બહુ જ અગત્યનું અને કાવ્યશાસ્ત્રનો બહુ મોટો સિદ્ધાંત પ્રસ્થાપિત કરે છે. અહીં ‘પછી’ અને ‘આપમેળે’ શબ્દો અનેક સ્તરે અર્થો ખોલ્યા કરે છે. ઉમાશંકરને યાદ કરીને પૂ.મોરારીબાપુએ ગુજરાતી કવિતાને જાણે કે જગાડી છે.

હમણાં એક ખાસ ધ્યાન ખેંચે એવું ‘હાસ્યપુસ્તક’ પ્રકાશિત થયું. તું ઓળખે છે એ વિવેક દેસાઇ (નવજીવન પ્રકાશન અને એના ‘નવજીવન-સાંપ્રત નામે નવરુપ પામેલી નવજીવન પ્રકાશંસંસ્થા)ના પત્ની શિલ્પા દેસાઈનો આ હાસ્યસંગ્રહ છે, ક્રીસ્પ, ડ્રોઈંગરુમ-હ્યુમર, પ્યોર અને પોતીકો. અચ્છા, બીજી ઓળખાણ આ લોકો આપણા રાહુલા મહેતાની પુત્રી હેત્વીના સાસરાપક્ષે એકદમ અડીને સગા. બસ, સામાજિક આટલું જ.. બાકી તો એક સરસ સંગ્રહ, સારું પ્રીન્ટીંગ અને આકર્ષક ફોન્ટ્માં અપૂર્વ આશરની કમાલ. અપૂર્વભાઇ આશર ગુજરાતી પુસ્તકોની ડિઝાઈનમાં અપૂર્વ છે, આ મારો જ નહીં, સુરેશ દલાલનો પણ અભિપ્રાય હતો.

એક બીજું કનેક્શન, શિલ્પા વિવેક દેસાઇ આપણા વિનોદ ભટ્ટને ખુબ પ્રિય. વિનોદભાઇ મને અનેકવાર એમની વાત કરે. મને કહેતા,’યા’ર, આ વિવેક દેસાઇ ખરેખર વિવેકી છે, મળજો.’

અચ્છા, આ પુસ્તકનો વિશેષ પરિચય હવે પછી કરાવીશ.

અત્યારે તો,

નૂતન 2020.

ભાગ્યેશના.

2 thoughts on “પ્રાર્થનાને પત્રો – (૧૦૩) – ભાગ્યેશ જહા

  1. પૂ મોરારીબપુ અને ઉમાશંકરને યાદ કરી ઘણી નવી વાત જાણવા મળી
    ધન્ય
    હાસ્ય સાહીત્યના ઘણા ખરા લેખકો પુરુષો હોય છે અને સ્ત્રીઓ ,ઘણી વાર તો પોતાની પત્ની ગમાર હોય તેવી રમુજોનુ હાસ્ય હોય છે.શિલ્પા દેસાઈના પુસ્તક અંગે વધુ જાણવાની રાહ

    Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s