વિશિષ્ટ પૂર્તિઃ લલિતકળાઃ મુંબઈ મ્યુઝિયમ – વર્ષા ચિતલિયા – “મિડ ડે” ના સૌજન્યથી


વિશિષ્ટ  પૂર્તિઃ લલિતકળાઃ મુંબઈ મ્યુઝિયમ – વર્ષા ચિતલિયા – “મિડ ડે” ના સૌજન્યથી

(નીચેના મુંબઈના મ્યુઝિયમોની માહિતી, વર્ષા ચિતલિયા, મિડ ડે.કોમ ના મે ૧૮, ૨૦૧૯ ના સૌજન્યથી સાભાર)

સામાન્ય રીતે બધાં સર્વસમાવેશી મ્યુઝિયમોમાં અનેક પ્રકારની પ્રાચીન-અર્વાચીન કલાત્મક વસ્તુઓ તેમ જ દસ્તાવેજી સામગ્રી પણ હોય છે અને ઘણીવાર અન્ય નાનાં મ્યુઝિયમો, મોટાં સર્વસમાવેશી મ્યુઝિયમોમાં મૂકાયેલી મૂળ વસ્તુ કે કૃતિની પ્રતિકૃતિ મૂકવામાં આવે છે. તેથી જ, હવે બીજાં કેટલાંક મ્યુઝિયમોની વિશિષ્ટતાની જ નોંધ લીધી છે.

 ૨.  નૅશનલ મ્યુઝિયમ ઑફ ઇન્ડિયન સિનેમા

    સ્થળ: ગુલશન મહલ, પેડર રોડ

“હાથથી પેઇન્ટ કરેલા પોસ્ટરની ઝલક જોવી હોય કે શોમૅન રાજ કપૂર સાથે ફોટો પડાવવો હોય તો પહોંચી જાઓ સિને મ્યુઝિયમ!”

ઇતિહાસ: ૧૦૦ વર્ષના ફિલ્મી ઇતિહાસની ઝાંખી કરાવતું આ મ્યુઝિયમ હાલમાં જ બન્યું છે. જાન્યુઆરી મહિનામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હાથે ખુલ્લું મૂકવામાં આવેલું નૅશનલ મ્યુઝિયમ ઑફ ઇન્ડિયન સિનેમા ભારતનું પ્રથમ સિને મ્યુઝિયમ બનવાનું જશ ખાટી ગયું છે. પેડર રોડ વિસ્તારમાં આશરે ૧૨ હજાર ચો.મી.માં પથરાયેલા ગુલશન મહલ અને એની નજીક બનાવવામાં આવેલી પાંચ માળની અત્યાધુનિક કાચની ઇમારતમાં નિર્માણ પામેલા સિને મ્યુઝિયમ પાછળ રૂ. ૧૫૦ કરોડનો ખર્ચ થયો હોવાનું અંદાજવામાં આવે છે.

૧૮૦૦ની સાલમાં કચ્છથી મુંબઈ વેપાર માટે આવેલા ખોજા મુસ્લિમ સમાજના વેપારી પીરભોય ખલકદીનાએ અરબી સમુદ્ર નજીક ગુલશન મહલ નામનો વિશાળ બંગલો બનાવ્યો હતો. બે પેઢી અને ભારત-પાકિસ્તાન ભાગલા બાદ આ બંગલાને ખાલી મિલકત તરીકે જાહેર કરવામાં આવી હતી. ત્યારથી સરકાર દ્વારા વિવિધ હેતુ માટે એનો ઉપયોગ કરવામાં આવતો હતો. (મુન્નાભાઈ એમબીબીએસ સહિત અનેક ફિલ્મોનાં શૂટિંગ અહીં થયાં છે.) નૅશનલ કાઉન્સિલ ઑફ સાયન્સ મ્યુઝિયમ વિભાગે ૧૯૯૭ના વર્ષમાં દેશની ફિલ્મી રાજધાની મુંબઈમાં સિને મ્યુઝિયમની પરિકલ્પના કરી ત્યારે વિક્ટોરિયન શૈલીના આ ભવ્ય બંગલાને મ્યુઝિયમમાં ફેરવવાનું નક્કી થયું હતું, પણ કેટલાક કારણસર આ પ્રોજેક્ટ ખોરંભે ચડી ગયો હતો. ૨૦૦૬માં ફરીથી વિચાર અમલમાં મુકાતાં કાર્ય શરૂ થયું હતું. છ વર્ષની જહેમત બાદ ગુલશન મહલ પ્રદર્શની માટે તૈયાર થયું હતું. જોકે, સરકારે નવી ઇમારતનું બાંધકામ નક્કી કરતાં ઉદઘાટનમાં વિલંબ થયો હતો.

નૅશનલ મ્યુઝિયમ ઑફ ઇન્ડિયન સિનેમાને હેરિટેજ બંગલો અને નવી ઇમારત એમ બે ભાગમાં વિભાજિત કરવામાં આવ્યું છે. બ્લૅક ઍન્ડ વાઇટથી કલર ફિલ્મના જમાનાની સચિત્ર રજૂઆત માટે ત્રણ ડઝનથી વધુ ઇન્ટરઍક્ટિવ ગૅલેરી બનાવવામાં આવી છે. મૂંગી ફિલ્મોથી ટૉકીઝ અને સ્ટુડિયો સુધીની ઝલક દર્શાવતા આ ફિલ્મ હબને વૈશ્વિક સ્તરે ભારતની કળાત્મક અને સર્જનાત્મક અભિવ્યક્તિ તરીકે જોવામાં આવી રહ્યું છે. મૂવી પ્રીવ્યુ, સોશ્યલ ઇવેન્ટ્સ, કૉન્ફરન્સ, સેમિનાર, કલ્ચરલ પ્રોગ્રામ જેવી અનેક સુવિધાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. મ્યુઝિયમના થ્રીડી માળખાને ઇકો-ફ્રેન્ડલી બનાવવામાં આવ્યું છે. નૅશનલ મ્યુઝિયમ ઑફ ઇન્ડિયન સિનેમાની ઍડવાઇઝરી કમિટીનું નેતૃત્વ પીઢ નર્મિાતા-નર્દિેશક શ્યામ બેનેગલ અને માહિતી પ્રસારણ મંત્રાલય દ્વારા સર્પોટેડ છે.

(હાથથી પેઇન્ટ કરેલા પોસ્ટરની ઝલક જોવી હોય કે શોમૅન રાજ કપૂર સાથે ફોટો પડાવવો હોય તો પહોંચી જાઓ સિને મ્યુઝિયમ) 

વિશિષ્ટતા: ગુલશન મહલ ભારતીય સિનેમાનો પ્રારંભિક ઇતિહાસ રજૂ કરે છે. ૧૯૧૩માં બનેલી પ્રથમ ભારતીય ફિલ્મ ‘રાજા હરિશચંદ્ર’થી સ્પેશ્યલ ઇફેક્ટ સુધીની ઝલક જોઈ શકાય છે. આ મ્યુઝિયમમાં હાથેથી ચરખાની જેમ ફેરવવામાં આવતી ફિલ્મની રીલ, વિન્ટેજ કૅમેરા, પ્રોજેક્ટર, લાઇટ્સ, એડિટિંગ અને રેકૉર્ડિંગ માટે વપરાતાં નવાં તેમ જ જૂનાં સાધનો, કૉસ્ચ્યુમ, ફોટોગ્રાફ્સ સહિત અનેક વસ્તુઓ કાળક્રમાનુસાર ડિસપ્લે કરવામાં આવી છે. અનેક યાદગાર ફિલ્મના સેટ્સ, પ્રોપ્સ, ફિલ્મ ટેપ, સાઉન્ડ ટ્રૅક, ટ્રેલર અને ફિલ્મને લગતાં પુસ્તકોનો સંગ્રહ છે. અહીં હિન્દી ફિલ્મના પ્રથમ સુપરસ્ટાર તરીકે ઓળખાતા સૈગલના રેકૉર્ડિંગ્સ પણ સાંભળી શકાય છે. આ ઉપરાંત હાથેથી પેઇન્ટ કરેલાં ફિલ્મનાં પોસ્ટર અને આંતરરાષ્ટ્રીય સ્તરે વખણાયેલી ફિલ્મ-દિગ્દર્શક સત્યજિત રેની હિટ ફિલ્મ ‘પાથેર પાંચાલી’નો પણ સમાવેશ થાય છે. શોમૅન રાજ કપૂરની પ્રતિમા પાસે ઊભા રહી સેલ્ફી પણ લઈ શકાય છે.

નવી ઇમારતમાં મહાત્મા ગાંધીના ૧૫૦મા જન્મજયંતી વર્ષની ઉજવણીને ધ્યાનમાં રાખી ગાંધી ઍન્ડ સિનેમા વિભાગનો સમાવેશ કરવામાં આવ્યો છે. અહીં ચિલ્ડ્રન સ્ટુડિયો, ડિજિટલ ટેક્નૉલૉજી અને ઍનિમેશન ફિલ્મ માટે વપરાતાં ઉપકરણો મૂકવામાં આવ્યાં છે. આ મ્યુઝિયમ માત્ર ફિલ્મરસિકો જ નહીં, દેશ-વિદેશના ફિલ્મનર્મિાતાઓ, વિદ્યાર્થીઓ, પ્રશંસકો, વિવેચકો અને પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

મુખ્ય આકર્ષણ: ભારતીય સિનેમાને સમર્પિત આખા દેશમાં બીજે ક્યાંય આવું મ્યુઝિયમ નથી એ જ એની વિશેષતા છે એમ ગર્વભેર જણાવતાં ફિલ્મ્સ ડિવિઝનના જનરલ ડિરેક્ટર પ્રશાંત પાઠરાબે કહે છે, ‘માત્ર ભારતના જ નહીં, સમસ્ત વિશ્વના સિનેરસિકો માટે આ મ્યુઝિયમનું અદકેરું મહત્વ છે. એ સમયની ક્લાસિક ફિલ્મો સુધી પહોંચવાનો માર્ગ આ મ્યુઝિયમે ખોલી આપ્યો છે. આજે જૂની ફિલ્મોના પ્રસારણ વિશે વિચારી ન શકાય, પરંતુ એની જાળવણી શક્ય છે. ફિલ્મના ચાહકો હંમેશાથી ઇચ્છતા હતા કે સો વર્ષની ફિલ્મી સફરની ભવ્ય ઉજવણી કરી શકાય એવું કોઈ સ્થળ હોવું જોઈએ. નૅશનલ મ્યુઝિયમ ઑફ સિનેમાએ ચાહકોનાં આ સપનાંને સાકાર કર્યા છે.’

અહીં ન જોવા જેવું કશું નથી એવો જવાબ આપતાં તેઓ કહે છે, ‘મૂંગી ફિલ્મો, બ્લૅક ઍન્ડ વાઇટ પોસ્ટરો, ફોટોગ્રાફ્સ, હાથેથી દોરેલાં રંગીન ચિત્રો, ગીતો, ફિલ્મના વિડિયો, ફિલ્મ બનાવવા માટે વાપરવામાં આવેલાં સાધનો, કલાકારોની પ્રતિમાઓ સહિત તમામ વસ્તુને કાયમી ધોરણે સાચવી શકાય એવી કાયમી સુવિધા આ મ્યુઝિયમે ઊભી કરી આપી છે. બસો વર્ષ જૂના ગુલશન મહલમાં બનાવવામાં આવેલા આ મ્યુઝિયમમાં સિનેમાના ચાહકો વારંવાર આવવાનું પસંદ કરે છે.’

નામ: ડૉ. ભાઉ દાજી લાડ મ્યુઝિયમ
સ્થળ: ભાયખલા (ઈસ્ટ)

ઇતિહાસ: ૧૮૫૧માં છેક લંડનમાં મુંબઈના આ મ્યુઝિયમની પરિકલ્પના થઈ હતી. અગાઉ વિક્ટોરિયા ઍન્ડ આલ્બર્ટ તરીકે જાણીતું ડૉ. ભાઉ દાજી લાડ મ્યુઝિયમ શહેરનું સૌથી જૂનું મ્યુઝિયમ છે. આ મ્યુઝિયમની ઇમારતની સ્થાપના ૧૮૫૭માં થઈ હતી. દેશની સમૃદ્ધ સાંસ્કૃતિક પરંપરાઓને વિશ્વ સમક્ષ રજૂ કરવાના હેતુથી બાંધવામાં આવેલી આ ઇમારત શહેરના મહત્વનાં ઐતિહાસિક સ્થળોમાંની એક છે. ૧૮૫૧માં લંડનસ્થિત ક્રિસ્ટલ પૅલેસમાં આયોજિત ગ્રેટ એક્ઝિબિશન ઑફ વર્ક્સ ઑફ ઇન્ડસ્ટ્રી ઑફ ઑલ નૅશન્સના કાર્યક્રમમાં પ્રિન્સ આલ્બર્ટ અને રાણી વિક્ટોરિયાને બ્રિટનના ઔદ્યોગિક આર્ટ્સ અને હસ્તકળાને વિશ્વ સમક્ષ રજૂ કરવા તેમ જ વેપારને પ્રોત્સાહિત કરવાના હેતુથી મુંબઈમાં એક સંસ્થા ખોલવાનો વિચાર આવ્યો હતો.

૧૮૫૫ની સાલમાં નૅચરલ હિસ્ટ્રી, ઇકૉનૉમી, જિઓલૉજી અને ઇન્ડસ્ટ્રી ઑફ આટ્ર્સ તરીકે આ ઇમારત આકાર પામી હતી. ૧૮૫૭માં બૉમ્બેમાં બાંધવામાં આવેલી આ પ્રથમ મહત્વની સંસ્થાને મ્યુઝિયમના સ્વરૂપમાં જાહેર જનતા માટે ખુલ્લી મૂકવા ભંડોળ એકત્ર કરવા મુંબઈના એ વખતના અગ્રણી વેપારી જગન્નાથ શંકરસેટની અધ્યક્ષતા હેઠળ બેઠક બોલાવવામાં આવી હતી. ભારતના મૅન્યુફૅક્ચર્સના શ્રેષ્ઠ સંગ્રહનો સમાવેશ કરવા જનતાને અનુદાન આપવાની અપીલ કરવામાં આવી હતી. ડૉ. ભાઉ દાજીની પ્રેરણાથી દરેક સમુદાયના લોકોએ ઉદાર હાથે દાન આપ્યું હતું.

૧૯૭૫માં મુંબઈના પ્રથમ ભારતીય શેરીફ, પરોપકારી, ર્દીઘદ્રષ્ટા, ઇતિહાસકાર, ચિકિત્સક અને મ્યુઝિયમ સમિતિના સેક્રેટરી રહી ચૂકેલા ડૉ. ભાઉ દાજી લાડના સન્માનમાં આ મ્યુઝિયમનું નામ બદલવામાં આવ્યું હતું. જોકે ૧૯૯૭માં ઇમારત જર્જરિત બનતાં એના રિસ્ટોરેશનની ફરજ પડતાં પબ્લિક માટે બંધ કરી દેવામાં આવ્યું હતું. ફેબ્રુઆરી, ૨૦૦૩માં મ્યુનિસિપલ કૉર્પોરેશન ઑફ ગ્રેટર મુંબઈ (એમસીજીએમ), જમનાલાલ બજાજ ફાઉન્ડેશન અને ઇન્ડિયન નૅશનલ ટ્રસ્ટ ફૉર આટ્ર્સ ઍન્ડ કલ્ચર હેરિટેજ વચ્ચે ત્રિપક્ષીય કરાર કરવામાં આવ્યા બાદ મ્યુઝિયમના પુનરુદ્ધારનું કાર્ય શરૂ થયું હતું. પાંચ વર્ષ બાદ ૨૦૦૮માં ફરીથી એને જાહર જનતા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું.

વિશિષ્ટતા: ૧૮મી સદીથી ૨૦મી સદીની શરૂઆતમાં મુંબઈના લોકોનું જીવન અને શહેરના ઇતિહાસનું વર્ણન કરતાં લઘુ ચિત્રો, મૉડર્ન આર્ટ, ડાયોરામા, નકશા, લિથોગ્રાફ્સ, ફોટોગ્રાફ્સ, દુર્લભ પુસ્તકો, માટીનાં મૉડેલ અને ૧૯મી સદીના ફાઇન અને ડેકોરેટિવ આટ્ર્સનો આવો કાયમી સંગ્રહ તમને બીજે ક્યાંય જોવા નહીં મળે. ૨૦૦૩માં મ્યુઝિયમ ટ્રસ્ટની સ્થાપના બાદ ૧૯મી સદીની સમકાલીન કળા સહિત શહેરની આર્ટ, સંસ્કૃતિ અને વાણિજ્યને ઉજાગર કરતા નવા સંગ્રહનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

ઇન્ડસ્ટ્રીયલ આર્ટ ગૅલેરી, કમલનયન બજાજ મુંબઈ ગૅલેરી, ફાઉન્ડર્સ ગૅલેરી, ૧૯મી સદીનાં પેઇન્ટિંગ્સ અને સ્પેશ્યલ એક્ઝિબિશન ગૅલેરી એમ વિવિધ વિભાગમાં રાખવામાં આવેલા સંગ્રહો શહેરના વેપારઉદ્યોગ, ગ્રામ્યજીવન અને અન્ય સ્થળેથી મુંબઈમાં સ્થળાંતર કરીને આવેલા જુદા જુદા સમુદાયની લાઇફસ્ટાઇલનું ચિત્રણ રજૂ કરે છે. અહીંની લાઇબ્રેરીમાં ૧૭મી સદીનાં પુસ્તકોનો સંગ્રહ જોવા મળે છે. પુસ્તકોની જાળવણી માટે એને ડિજિટલાઇઝડ કરવાની પ્રક્રિયા ચાલે છે.

મુખ્ય આકર્ષણ: મુંબઈ સાત દ્વીપની વચ્ચે આવેલું છે એવો શહેરનો ઇતિહાસ દર્શાવતા સપ્તદ્વીપનાં પેઇન્ટિંગ્સ મુખ્ય આકર્ષણ છે. અહીંના રિસર્ચ સેન્ટર અને લાઇબ્રેરી પણ મુલાકાતીઓમાં પૉપ્યુલર છે.

નામ: નેહરુ સાયન્સ સેન્ટર

સ્થળ: મહાલક્ષ્મી રેસર્કોસ, વરલી

“તમે ઇચ્છો તો મુંબઈમાંથી ડાયરેક્ટ સ્પેસ પર પહોંચી શકોઅને પૃથ્વીના ગોળાને અધ્ધર પણ રાખી શકો!”

 ઇતિહાસ: મુંબઈસ્થિત નેહરુ સાયન્સ સેન્ટર ભારતનું સૌથી મોટું ઇન્ટરઍક્ટિવ સાયન્સ સેન્ટર છે. વિજ્ઞાન અને ટેક્નૉલૉજીનાં વિવિધ પાસાંને રસપ્રદ અને માહિતીસભર બનાવવાની પહેલ રૂપે એનું નર્મિાણ થયું છે. આ સંસ્થા દેશભરમાં ૨૫ સાયન્સ સેન્ટર ધરાવતા નૅશનલ કાઉન્સિલ ઑફ સાયન્સ મ્યુઝિયમની વહીવટી સંસ્થાનો જ એક ભાગ છે.

વર્ષ ૧૯૭૭માં અહીં લાઇટ એન્ડ સાઇટ એક્ઝિબિશનનું આયોજન થયું એ પહેલાં એની ગણના સાયન્સ અને ટેક્નૉલૉજી મ્યુઝિયમ તરીકે થતી હતી. ૧૯૭૯માં આ સ્થળે વૈશ્વિક કક્ષાનું બાળ વિજ્ઞાન કેન્દ્ર બનાવવાની પરિકલ્પના કરવામાં આવ્યા બાદ સાયન્સ પાર્ક બાંધવાના કાર્યને અંતિમ રૂપ આપવામાં આવ્યું હતું. ૧૯૮૫ની ૧૧ નવેમ્બરે ભારતના તત્કાલીન વડા પ્રધાન રાજીવ ગાંધીના હસ્તક એને બાળ વિજ્ઞાન કેન્દ્ર તરીકે જાહેર જનતા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું.

આ સેન્ટરના આઠ એકરમાં વૃક્ષો, છોડ અને ઝાડીઓની અનેક જાતિઓ પ્રસ્થાપિત કરવામાં આવી છે. પાર્કમાં ઊર્જા, ધ્વનિ, ગતિશાસ્ત્ર, મેકૅનિક્સ, પરિવહન સહિત પાંચસોથી વધુ વૈજ્ઞાનિક પ્રદર્શનો કાયમી ધોરણે મૂકવામાં આવ્યાં છે. મ્યુઝિયમની ઇમારત એના અનન્ય આર્કિટેક્ચર (અલગ આકાર) અને શ્રેષ્ઠ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે પૉપ્યુલર છે. ઉચ્ચ ગુણવત્તાના વૈજ્ઞાનિક પ્રદર્શનના આયોજન, શૈક્ષણિક પ્રવૃત્તિઓ અને સ્પર્ધાઓ માટે અહીં ખાસ ગૅલેરીઓ બનાવવામાં આવી છે. આ ઉપરાંત પ્રયોગશાળા અને તાલીમકેન્દ્ર પણ બનાવ્યાં છે.

વિશિષ્ટતા: વિજ્ઞાન અને ટેક્નૉલૉજીની ઉત્પત્તિ અને વિવિધ પાસાંઓને લગતા ઐતિહાસિક આર્ટફેક્ટ્સ નેહરુ સાયન્સ સેન્ટરની વિશિષ્ટતા છે. વૈજ્ઞાનિક સિદ્ધિઓને દર્શકો સમક્ષ રચનાત્મક અને મનોરંજક રીતે પ્રસ્તુત કરવા મૉન્સ્ટર ઑફ ધ ડીપ, હ્યુમન ઍનૅટૉમી, સાયન્સ ઓડિસી અને તારામંડળના થ્રીડી શો યોજાય છે.

સ્કૂલના વિદ્યાર્થીઓ માટે નિયમિતપણે સાયન્સ ફિલ્મ સ્ક્રીનિંગ સહિત અનેક કાર્યક્રમો ચાલતા હોય છે.

એનર્જી મૉડેલ, હેડ ઑન અ પ્લેટર, પિન સ્ક્રીન, નેઇલ શીટ, વચ્યુર્અલ હાર્ટ, ધ જાયન્ટ હાર્ટનો રોલર કોસ્ટર જેવો રોમાંચક અનુભવ નાના-મોટા સૌને આકર્ષે છે. ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલયની વિશેષ પહેલ હેઠળ આર્થિક રીતે નબળા પરિવારના બે હજાર વિદ્યાર્થીઓને નેહરુ સાયન્સ સેન્ટરમાં મફતમાં પ્રવેશ તેમ જ તેમની વૈજ્ઞાનિક સિદ્ધિઓના પ્રદર્શન માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે.

મુખ્ય આકર્ષણ: અહીં તમને સ્ટેટિક ઑબ્જેક્ટ નહીં, રિયલ ટાઇમ ઇમેજીસ જોવા મળશે એમ જણાવતાં નેહરુ સાયન્સ સેન્ટરના એજ્યુકેશનલ હેડ ઉમેશકુમાર કહે છે, ‘સામાન્ય રીતે મ્યુઝિયમમાં તમે વર્ષોવર્ષથી સંગ્રહી રાખેલી વસ્તુને માત્ર દૂરથી જોઈ શકો, પણ ટચ ન કરી શકો, જ્યારે અમારું સેન્ટર ઇન્ટરએક્ટિવ છે. અહીં બધુ લાઇવ છે. એને તમે ટચ કરી શકો છો, અનુભવી શકો છો. તમને મન પડે કે આ બટન દબાવવું છે તો એમ કરો. તમારે હવામાં ઊડવું છે કે પૃથ્વીના ગોળાને અધ્ધર રાખવો છે તો એમ કરો. ફલાણી જગ્યાએ આવેલા વાવાઝોડાંનો અનુભવ લેવો છે તો બટન દબાઓ અને જુઓ કે ચોવીસ કલાક પહેલાં ત્યાં કેવું તોફાન આવ્યું હતું. આ કલ્ચરલ અને એજ્યુકેશનલ હબની મુલાકાત લઈ તમે સ્પેસની યાત્રાનો અનુભવ પણ લઈ શકો છો એ જ અમારી યુએસપી છે.’

મુંબઈમાં રહીને સ્પેસની યાત્રાનો અનુભવ કઈ રીતે લઈ શકાય એ વિશે માહિતી આપતાં તેઓ કહે છે, ‘અહીં સાયન્સ ઑન સ્પિયર વચ્ચે ગોઠવવામાં આવેલો ૧.૮ ડાયામીટરનો ગ્લોબ મુખ્ય આકર્ષણ છે. આ જગ્યાએ તમે સ્પેસમાંથી પૃથ્વીનો ગોળો કેવો દેખાય છે એ જોઈ શકો છો. પૃથ્વી હવામાં તરતી હોય એવું લાગશે. અન્ય ગ્રહોની સફરનો આનંદ પણ લઈ શકો છો. અલગ અલગ ડાઇમેન્શનથી જોતાં તમે એ સ્થળ પર હાજર હોવ એવી ફીલિંગ્સ આવે છે. આ ઉપરાંત મશીન ટુ થિન્ક (આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સી) અને ૩૬૦ ડિગ્રી વચ્યુર્અલ ગૅલેરી પણ પૉપ્યુલર છે. સાયન્સ અને ટેક્નૉલૉજીના યુગમાં તમારી જાતને અપગ્રેડ રાખવા આ સ્થળની નિયમિત મુલાકાત લેતા રહો.’

(વધુ આવતા બુધવારના અંકે)

(પરિચય ટ્રસ્ટની પરિચય પુસ્તિકા પ્રવૃત્તિની અંતર્ગત પ્રકાશિત, પરિચય પુસ્તિકા ૧૧૨૮, “વિખ્યાત મ્યુઝિયમ્સ” ના સૌજન્યથી, સાભાર, આ લેખમાળા છેલ્લા આઠ અઠવાડિયાથી ચાલી રહી છે.

આજના આ લેખમાં સંપાદક તરફથી સાંપ્રત સમયની માહિતીનો સમાવેશ કરવા વર્ષા ચિતલિયાના “મિડ ડે” મે, ૨૦૧૯ના લેખને લેવામાં આવ્યો છે. જેથી મ્યુઝિયમ માટે લખાયેલા આટલા સુંદર સંશોધન લેખને આજના જમાનાના પરિપેક્ષ્યમાં માણી શકાય. એ બદલ, “દાવડાનું આંગણું” ની ટીમ વતી, મિડ ડે અને વર્ષા ચિતલિયાનો આગોતરો આભાર માનું છું)

3 thoughts on “વિશિષ્ટ પૂર્તિઃ લલિતકળાઃ મુંબઈ મ્યુઝિયમ – વર્ષા ચિતલિયા – “મિડ ડે” ના સૌજન્યથી

  1. આ બધા મ્યુઝિયમો અદભુત તો છેજ. એનું વિવરણ પણ બહુ સુંદર રીતે કર્યું છે અને બહુ સુંદર જાણકારી આપી છે.

    નવાઈની વાત એ પણ છે કે આ બધી ઈમારતો ૧૫૦ થી ૨૦૦ વરસ જુની છે તો પણ અડીખમ ઉભી છે, જ્યારે આજના જમાનામાં ભારતમાં મુંબઈ હોય કે બીજું કોઇ મોટું શહેર હોય, ઘણી ૩૦-૪૦ વરસ જુની ઈમારતો પણ ક્ડડડ ભુસ થઈને પડી જાય છે, અને એમાં રહેવાવાળા અનેકો બીચારા પ્રભુને પ્યારા થઈ જાય છે,

    Liked by 1 person

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s