“ચલ મન મુંબઈ નગરી”- (૧) – દીપક મહેતા


દીપક મહેતાનો પરિચયઃ


દીપક મહેતાનો પરિચયઃ
(દીપક મહેતાનો જન્મ ૧૯૩૯માં મુંબઈમાં થયો હતો. મુંબઈની ન્યૂ ઈરા સ્કૂલ તથા સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં અભ્યાસ કર્યા પછી ૧૯૬૩મં ગુજરાતી અને સંસ્કૃત વિષયો સાથે એમ.એ. થયા. એમ.એ. ની પરીક્ષામાં ગુજરાતી અને સંસ્કૃત વિષયો સાથે એમ.એ. થયા. એમ.એ. ની પરીક્ષામાં ગુજરાતીના વિષયમાં સૌથી વધુ ગુણ મેળવવા માટે તેમને મુંબઈ યુનિવર્સિટીનો બ. ક. ઠાકોર સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયો હતો. ૧૯૬૩થી ૧૯૭૪ સુધી તેમણે મુંબઈની કે. જે. સોમૈયા કોલેજમાં ગુજરાતીના અધ્યાપક તરીકે અને ત્યારબાદ ૧૯૭૭ સુધી પરિચય ટ્રસ્ટમાં સહાયક સંપાદક તરીકે કામ કર્યું. તે પછી ૧૯૮૬ સુધી દિલ્હીની યુ.એસ. લાયબ્રેરી ઓફ કોંગ્રેસની ઓફિસમાં ગુજરાતી અને મરાઠી ભાષા-સાહિત્યના વિશેષજ્ઞ તરીકે કામ કર્યું અને ૧૯૯૯માં નિવૃત્ત થયા.
એમની નવલકથાઃ કસબ અને કલા, કથાવલોકન, કથાપ્રસંગ, આપણા કેટલાક સાહિત્ય સર્જેકો, દીપે અરુણું પરભાત, અને ઓગણીસમી સદીની ગુજરાત ગ્રંથસમૃદ્ધિ (ગુજરાતી સાહિત્ય પરિષદના રમણલાલ જોષી પુરસ્કારથી સન્માનિત) એ તેમનાં સાહિત્ય વિવેચનનાં પુસ્તકો છે. માતૃવંદનાના પાંચ ભાગ, માતૃપ્રદક્ષિણા, માતૃસંહિતા, લગ્નકથા, પ્રતીચી (અંગ્રેજીમાં), મુનશીનો વૈભવ, ૨૦૦૪ની શ્રેષ્ઠ વાર્તાઓ, ઉત્તરાયણ, ગુલાબદાસ બ્રોકરની શબ્દસૃષ્ટિ, શ્રીધરાણીની શબ્દસૃષ્ટિ જેવાં સંપાદનો તેમણે આપ્યાં છે. તેમણે ૧૫ જેતલી પરિચય પુસ્તિકા લખી છે. મુંબઈના સમકાલીન અને મુંબઈ સમાચારમાં તથા સુરતના ગુજરાત્મિત્રમાં તેમ્ણે લાંબા વખત સુધી સાહિત્યિક કટારો લખી છે. ૨૦૧૪માં તેમને મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી તરફથી જીવન ગૌરવ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો.

આવા નિવડેલા લેખકની કલમે આપણે પણ માણીએ, “ચલ મન મુંબઈ નગરી”. દીપકભાઈ આપનું ખૂબ ખૂબ સ્વાગત છે, “દાવડાનું આંગણું”માં.)

ચલ મન મુંબઈ નગરી – (૧)
દીપક મહેતા

નાનપણમાં આપણામાંથી ઘણાએ સિન્ડ્રેલાની વાર્તા વાંચેલી કે સાંભળેલી. તેનાં ચિત્રો પણ ચોપડીમાં જોયેલાં. ફાટેલાં તૂટેલાં કપડાં પહેરીને આખો દિવસ ઘરકામનો ઢસરડો કર્યા કરતી, નોકરડીની જેમ. પણ પરીની જાદુઈ લાકડી અડી અને તે તો બની ગઈ રાજકુમારી! પછી આપણે મોટા થયા. પરીકથા એટલે તો ઠાલી કલ્પના, ગપગોળા, એવું માનતા થયા. પણ ના. પરીકથાની વાત ક્યારેક સાચી પણ પડે છે. આપણા દેશના પશ્ચિમ કાંઠા પર સાત ટાપુનું એક નાનકડું ઝુંડ. સાતે ટાપુ સિન્ડ્રેલા જેવા જ ભૂંડાભખ. પણ પુરુષાર્થની જાદુઈ લાકડી અડી અને એ સાત ટાપુઓ બની ગયા એક સોનેરી શહેર. પુરુષાર્થની એ જાદુઈ લાકડી કોઈ એક હાથમાં નહોતી. અનેક હાથમાં હતી એ લાકડી. મરાઠીઓ અને ગુજરાતીઓ, પારસીઓ અને ખ્રિસ્તીઓ, મારવાડીઓ અને કોંકણીઓ. ખાલી તળાવને દૂધથી છલકાવી દેવા માટે કોઈ ચાંગળું દૂધ લાવ્યા, કોઈ ઘડો ભરીને. જેની જેવી ત્રેવડ. રાતોરાત તો નહિ, પણ અઢી સો- ત્રણ સો વરસમાં તળાવ તો ઊભરાઈ ગયું. ન સાંધો મળે ન રેણ, એવી રીતે એ સાત ટાપુ એક બીજા સાથે જોડાઈ ગયા.

ત્રણ સો – સાડા ત્રણસો વરસ પહેલાં આ સાત ટાપુ પર ઠેર ઠેર શું જોવા મળતું? કોળી લોકોનાં ઝુંપડાં, તેમના મછવા.. આજના મહારાષ્ટ્ર અને ગુજરાતના દરિયા કિનારે આ કોળીઓની વસ્તી. મૂળ વાતની ક્યાંના? મહારાષ્ટ્રના કે ગુજરાતનાં? કે બન્નેના? દરિયા દેવ જાણે. કારણ કોળીઓની નાળ ક્યાં ભૂમિ સાથે બંધાયેલી છે? એ તો બંધાયેલી છે દરિયાલાલ સાથે. કોઈ પણ સ્થળનો વિકાસ થાય ત્યારે તેના મૂળ વતનીઓ હાંસિયામાં ધકેલાઈ જાય. મુંબઈમાં પણ તેવું જ થયું. આજે મુંબઈના જુદા જુદા વિસ્તારોમાં આવેલા ‘કોળીવાડા’ઓમાં કોળી જોવા મળે. બીજા વિસ્તારોમાં કોળી સ્ત્રીઓ માછલી વેચતી જોવા મળે. પણ તે સિવાય કોળીઓની હાજરી ન જેવી. કોળીઓનાં ઝૂંપડાની જગ્યાએ આજે ઊભી છે બહુમાળી ઇમારતો. તેમનાં શઢવાળાં વહાણ પણ ભાગ્યે જ જોવા મળે.

આ સાત ટાપુઓ પર કોંકણથી આવીને વસ્યા ભંડારીઓ. મુખ્ય કામ નાળિયેરી અને તાડનાં ઝાડની વાડીઓ બનાવવાનું. આવ્યા ત્યારે સાથે કોંકણનાં કેટલાંક ઝાડ સાથે લાવેલા. મુંબઈ આવીને પણ તેમણે ખેતીનું કામ કર્યું. નાળિયેર ને તાડની વાડીઓ કરી, સોપારી ને આંબલીની વાડીઓ પણ. ડાંગર (ભાત)નાં ખેતરો કર્યાં. ફણસ અને કાંદા ઉગાડ્યાં. આજે તેમાનું કશું ન જોવા મળે મુંબઈમાં. પણ હા, સાપ ગયા ને લિસોટા રહ્યા એ ન્યાયે કેટલાંક નામો હજી લોકજીભે વસ્યાં છે. (ભલે ભૂરા પાટિયા પર મહાનગરપાલિકાએ લખેલું કોઈ મામૂલી રાજકારણીનું નામ ઝૂલતું હોય.) ફણસ વાડી, કાંદા વાડી, તાડ વાડી, મુગ-ભાત લેન, ફોફળ વાડી, ચીંચ પોકલી, વગેરે, વગેરે. તો ભંડારીઓની યાદ સાચવતા ભંડારવાડા અને ભંડારી સ્ટ્રીટ જેવાં નામો પણ જોવા મળે. અરે, મુંબઈમાં જ ડુક્કર વાડી અને ગાય વાડી પણ હતી! આજે દુનિયાની મોંઘામાં મોંઘી ઇમારતોમાંની કેટલીક આ વાડીઓ અને ખેતરોની જગ્યાએ ઊભી છે.

સાત ટાપુઓ વચ્ચે ઘણી જગ્યાએ છીછરી ખાડી હતી. ઓટ હોય ત્યારે તો લોકો એવી ખાડી પગપાળા પાર કરીને એક ટાપુ પરથી બીજા ટાપુ પર જતા. પણ એ રીતે જતાં પગ કાદવથી ખરડાય. એટલે બીજા ટાપુ પર પહોંચ્યા પછી પગ ધોવા પડે. આ રીતે પગ ધોવાની જ્યાં સગવડ, તે જગ્યા તે પાયધુની. એ નામ પણ હજી લોકજીભે સચવાઈ રહ્યું છે: ભલે ત્યાં પગ ધોવાની આજે કોઈ વ્યવસ્થા નથી, કારણ હવે પગ કાદવથી ખરડાતા જ નથી.

એક જમાનો એવો હતો કે મુંબઈના ધૂળિયા રસ્તાઓ પર ચાલતું એકમાત્ર વાહન હતું બળદગાડી. હા, અંગ્રેજ અમલદારો અને મુઠ્ઠીભર તવંગરો પાલખીનો ઉપયોગ કરતા. આ પાલખી ઉપાડનારાઓ જે વિસ્તારમાં રહેતા તે ભોઈવાડો કહેવાયો. એ વિસ્તાર ઝવેરી બજારની નજીક કદાચ એટલે હતો કે ઘણા ઝવેરીઓ આવનજાવન માટે પાલાખીનો ઉપયોગ કરતા હશે. આજે તો એ ભોઈવાડાનો વિસ્તાર આર્ટીફીશિયલ જ્વેલરીનું મોટું કેન્દ્ર બની ગયો છે. તો આવનજાવન માટે પાલખીનો ઉપયોગ કરનાર એક ધનાઢ્ય પારસી કુટુંબની અટક જ પાલખીવાલા પડી ગઈ. બળદ ગાડી પછી આવી ઘોડા ગાડી. પણ પછીથી મુંબઈના રસ્તાઓ પર જોવા મળતી તેવી ‘વિક્ટોરિયા’ નહિ, પણ નાનકડી સિગરામ જેવી ગાડી. જેમને પોસાય તે પાઈ-પૈસો આપીને તેનો ઉપયોગ કરતા. પણ ખરેખર ‘લોકો’ માટેનું વાહન મુંબઈમાં આવ્યું તે તો ઘોડાથી ચાલતી ટ્રામ. આજે તો હવે મુંબઈના રસ્તાઓ પરથી બળદ કે ઘોડા ખેંચતા હોય એવાં વાહનો લગભગ અદૃશ્ય થઈ ગયાં છે. હા, મેટ્રોનું જાળું આખા શહેરમાં ફેલાઈ રહ્યું છે.

આજથી લગભગ ૨૨૦૦ વર્ષ પહેલાં પણ આ સ્થળ સાત ટાપુના સમૂહ તરીકે ઓળખાતું હતું એવું જાણવા મળે છે. ઈ.સ. પૂર્વે ૩૦૦ની આસપાસ આ સાત ટાપુઓ સમ્રાટ અશોકના તાબા હેઠળ હતા અને ગ્રીસનો ભૂગોળશાસ્ત્રી ટોલોમી તેનો ઉલ્લેખ ‘હેપ્ટેસિનિયા’ તરીકે કરે છે. ગ્રીક ભાષામાં ‘હેપ્ટે’ એટલે સાત. આ ‘હેપ્ટે’નો સીધો સંબંધ છે સંસ્કૃતના ‘સપ્ત’ સાથે. આજના મુંબઈ નજીકનાં કેટલાંક સ્થળો – જેમ કે કેનેરી ગુફાઓ અને મહાકાળી ગુફાઓ  – બૌદ્ધ ધર્મનાં મહત્ત્વનાં કેન્દ્રો હતાં. પણ આ સાત ટાપુ તે કિયા? એનાં નામ હતાં: કોલાબા, અલઓમેનિસ, મુંબઈ, મઝગાંવ, વરલી, પરેલ અને માહિમ. આ સાતે ટાપુઓ દરિયા કે ખાડીનાં પાણીથી ઘેરાયેલા હતા.

તેરમી સદીના પાછલા ભાગમાં મુંબઈ સાથે એક રાજાનું નામ સંકળાય છે, રાજા બિમ્બ અથવા ભીમ. પણ આ રાજા કયાંનો હતો એ અંગે જાણકારોમાં મતભેદ છે. કોઈ કહે છે કે આ બિમ્બ તે ગુજરાતનો ચૌલુક્ય રાજા ભીમદેવ. તો કોઈ કહે છે કે એ તો આવ્યો હતો દક્ષિણ ભારતથી. પણ એ બિમ્બ કે ભીમ રાજાએ અહીં એક શહેર વસાવેલું જેનું નામ હતું મહિકાવતી, આજનું માહિમ. એ શહેરની અદાલત જ્યાં હતી તેનું નામ હતું ન્યાયગ્રામ, જે પાછળથી બન્યું નાયગાંવ. રાજા પાસે મોટી સંખ્યામાં હાથીઓ હતા જેને રાખવા માટે માતંગાલય ઊભું કર્યું હતું જે આજે માટુંગા તરીકે ઓળખાય છે. એ વખતે નજીકમાં વડના ઝાડનું મોટું વન હતું જે આજે વડાળા તરીકે ઓળખાય છે. આજે પણ અમુક વર્ગના લોકો માહિમમાં આવેલા એક કાળા ખરબચડા પથ્થરની વારતહેવારે પૂજા કરે છે. એ પથ્થર રાજા બિમ્બની મૂર્તિ હોવાનું કહેવાય છે. આ બિમ્બ રાજા પોતાની સાથે રૈયતના કેટલાક લોકોને સાથે લાવ્યો હતો. એ લોકો પછી કાયમ માટે અહીં જ વસી ગયા અને વખત જતાં પાઠારે પ્રભુ તરીકે ઓળખાયા. તેમની વસ્તી મુખ્યત્વે મુંબઈમાં અને મુંબઈની આસપાસ જ જોવા મળે છે. કેટલાક કહે છે કે તેમનું મૂળ નામ ‘પાટાણે પ્રભુ’ હતું કારણ તેઓ પાટણથી બિમ્બદેવ સાથે અહીં આવ્યા હતા. એ વાત સાચી છે કે નહિ તે નક્કી કરવું મુશ્કેલ, પણ એક વાત તો ખરી: આજે પણ પાઠારે પ્રભુઓની રહેણીકરણી, રીતરિવાજ, બોલી, પહેરવેશ, વગેરે પર થોડી છાંટ ગુજરાતની જોવા મળે છે. તેઓ પહેલાં જે બોલી બોલતા તેમાં પણ મરાઠી અને ગુજરાતી ભાષાનું મિશ્રણ હતું. પણ પછીથી તેઓ પૂરેપૂરા મરાઠીભાષી બન્યા. પણ આ પાઠારે પ્રભુ રાજા બિમ્બદેવની સાથે પાટણથી મુંબઈ આવેલા એ માન્યતા જો સાચી હોય તો તેઓ હતા મુંબઈમાં વસનારા પહેલવહેલા ગુજરાતીઓ.

કવિ નિરંજન ભગતના એક કાવ્યની પહેલી બે પંક્તિઓ છે:

ચલ મન મુંબઈ નગરી,

જોવા પુચ્છ વિનાની મગરી.

હવે પછી આપણે દર અઠવાડિયે આ મુંબઈ નગરીની – તેની ગઈ કાલ, આજ અને આવતી કાલની કેટલીક વાતો કરશું અને સાથે સાથે જોશું કે મુંબઈને મુંબઈ બનાવવામાં ગુજરાતીઓએ કેવો અને કેટલો ફાળો આપ્યો છે.

 

7 thoughts on ““ચલ મન મુંબઈ નગરી”- (૧) – દીપક મહેતા

  1. મુંબઈ નગરી – તેની ગઈ કાલ, આજ અને આવતી કાલની ઘણી અજાણી વાતો માણવાની મઝા આવી
    મુંબઇમા ઘણો સમય રહ્યા હતા પણ આ વાત આજે જાણી /માણી

    Like

  2. મુંબાઈ વિષે ઘણું ઘણું જાણવા મળ્યું….હજી વધુ જાણવાની પ્રતિક્ષા! જાણે તરસ ઑર વધી ગઈ!

    Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s