વારતા રે વારતા – (૧૩) – બાબુ સુથાર


સમાજવ્યવસ્થા સામે બળવો કરતી નાયિકાની વાર્તા

બાબુ સુથાર

આપણામાંના ઘણાએ metonymy શબ્દ સાંભળ્યો હશે. Metonymy હકીકતમાં તો એક પ્રકારનો અલંકાર છે. સંસ્કૃત કાવ્યશાસ્ત્રીઓ એને ‘અજહલ્લક્ષણા’ તરીકે ઓળખાવે છે. ‘સાર્થ જોડણીકોષ’ આ શબ્દનો અર્થ આપતાં કહે છે: ‘લક્ષણાનો એક પ્રકાર – અજહતી લક્ષણા, જ્યાં મૂળ અર્થ અથવા વાચ્યાર્થનો ત્યાગ થતો નથી અને બીજા અર્થનો બોધ થાય છે. કોશ આ અર્થ સમજાવવા એક ઉદાહરણ પણ આપે છે: “બંદૂક જોઈ બધા ભાગ્યા.’ વાસ્તવમાં તો બધા બદૂંકધારીઓને જોઈને ભાગ્યા હોય છે. ટૂંકામાં, આ પ્રકારના અલંકારમાં એકની જગ્યાએ બીજો શબ્દ વપરાતો હોય છે અને એ બીજો શબ્દ મૂળ શબ્દના વાચ્યાર્થનો ત્યાગ કરતો નથી.

બ્રાઝિલનાં ખૂબ જાણીતાં લેખિકા રેચલ દી ક્વિરોઝે (Rachel de Queiroz) એમની ‘Metonymy, or The Husband’s Revenge’ વાર્તામાં આ અલંકારનો એક પ્રયુક્તિ તરીકે સરસ ઉપયોગ કર્યો છે.

               વાર્તાની શરૂઆતમાં જ કથક કહે છે કે મારી પહેલી નવલકથા પ્રગટ થઈ ત્યારે એક વિવેચકે મને ઠપકો આપેલો. એણે કહેલું કે તમે તમારી નવલકથામાં “ખુલ્લી છાતી” જેવો પ્રયોગ કર્યો છે જે બરાબર નથી. છાતી કોઈ દિવસ ખુલ્લી ન હોય. હા, શર્ટ ખુલ્લું હોઈ શકે. કથક કહે છે કે મેં તો આ ઠપકો સ્વીકારી લીધેલો. પણ, પછી એક પ્રોફેસરે મને કહ્યું કે તમે ખોટાં નથી. કેમ કે તમે અહીં એક અલંકારનો ઉપયોગ કર્યો છે. એ અલંકારને અજહલ્લક્ષણા તરીકે ઓળખવામાં આવે છે. એ કહે છે કે એ પ્રોફેસરે મને “ઊભરાતા કપ”નું એક ઉદાહરણ આપેલું અને કહેલું કે એમાં ‘કપ’ નથી ઊભરાતો. કપમાંનું પ્રવાહી ઊભરાતું હોય છે. કથક કહે છે કે હું એમની વાત સાથે સંમત થઈ અને પછી અમે બન્નેએ જે સમાચાર પત્રમાં મારી નવલકથાની સમીક્ષા પ્રગટ થયેલી એને એક પત્ર લખેલો અને એ પત્રમાં અમે પેલા વિવેચકને બરાબરનો ઉધડો લીધેલો.

               આ ઘટના બન્યા પછી કથક કહે છે કે મેં આ અજહલ્લક્ષણા વિશે વિચારવાનું શરૂ કર્યું અને એક તબક્કે મને થયું કે આપણે હવે ‘પ્રાયોગિક (applied) અજહલ્લક્ષણા’ જેવું કંઈક વિચારવું જોઈએ.  ત્યાર બાદ કથક આ રૂપકનો ઉપયોગ થઈ શકે એવી એક બેએક ઘટનાઓની પણ વાત કરે છે અને પછી કહે છે હવે હું તમને આ પ્રાયોગિક અજહલ્લક્ષણાનું ઉત્તમ ઉદાહરણ બની શકે એવી એક ઘટનાની વાત કરવા માગું છું.

               એ ઘટના આપણે થોડી વારમાં જ જોઈશું. પણ, કોઈ વાચકને કદાચ પ્રશ્ન થશે કે લેખિકાએ આ અજહલ્લક્ષણા અલંકાર સમજાવવામાં આટલો બધો વખત શા માટે કાઢી નાખ્યો? એનો જવાબ ખૂબ સરળ છે. લેખિકા અહીં વાચકોને તૈયાર કરી રહ્યાં છે. કેમ કે એ જે ઘટનાઓની વાત કરવાનાં છે એ ઘટનાઓને આ અલંકારની ફ્રેમ વગર બરાબર સમજી શકાય નહીં. ઘણા વાર્તાકારો પોતાની વાર્તાના અર્થઘટનનું ફ્રેમવર્ક એમની વાર્તામાં જ આપી દેતા હોય છે.

               લેખિકા જે ઘટનાનું વર્ણન કરે છે એમાં એક પુરુષની વાત છે. એને બેરિબેરિ નામનો રોગ થયેલો છે. આ રોગ ‘વિટામિન બી’ના અભાવે થતો હોય છે. આ રોગને કારણે પુરુષના પગ પાતળા થઈ ગયા છે. એની ત્વચા પીળી પડી ગઈ છે અને એની આંખોમાંથી સતત પાણી ઝમ્યા કરે છે. એ માણસ પૈસે ટકે સુખી છે. એને પોતાનું ઘર પણ છે. એટલું જ નહીં, એ ઘરમાં જ એણે એક કરિયાણાની દુકાન પણ નાખી છે. સારી ચાલે છે. જો કે, એ પુરુષ જરા પણ દેખાવડો નથી. એટલે એેને સરળતાથી કન્યા ન મળે. પણ, એ પૈસેટકે સુખી છે એટલે એ એક કન્યા શોધી કાઢે છે અને એની સાથે પરણે પણ છે.

               એ કન્યા એક ગરીબ ઘરમાંથી આવે છે. એ એક સીવવાના કારખાનામાં કામ કરતી હતી. એ પણ દેખાવે સુંદર ન હતી. જો કે, લગ્ન પછી એ સુંદર બને છે. એને હવે પહેલાંની જેમ દિવસના આઠ કલાક કામ કરવું પડતું નથી. એને સારું ખાવાનું પણ મળે છે. જોઈતો આરામ પણ મળે છે. એને કારણે એનું શરીર પહેલાંના કરતાં વધારે સુડોળ બને છે. એનો ચહેરો પણ ખીલે છે. એટલું જ નહીં, પતિ પૈસેટકે સુખી હોવાથી એ થોડાક પૈસા મેઈકઅપ પાછળ પણ ખર્ચે છે. એને કારણે એ હવે ખૂબ સુંદર લાગવા માંડે છે.

               આવી દેખાવડી સ્ત્રીને એનો પતિ માંદલો, કસમયે ઘરડો થઈ ગયેલો, ભારરૂપ અને કંટાળાજનક લાગે છે. અને એનો પતિ છે પણ એવો જ. એ પણ આખો દહાડો કંઈ કરતો નથી. એ સાંજે સ્ટોર બંધ કરીને ઘેર આવે. દૂધ પીએ. છાપું વાંચે. આરામ કરે. એને ન તો સિનેમા ગમે, ન રમતગમત. ન પ્રેમ. ન રતિક્રીડા.

               એ દરમિયાન એ સ્ત્રીને એક સાર્જન્ટ સાથે પ્રેમ થઈ જાય છે. કથક કહે છે કે હું નહીં કહું કે એ સાર્જન્ટ હવાઈદળમાં હતો કે ભૂમિદળમાં કે નૌકાદળમાં. પણ, એ હતો સશક્ત, ખડતલ, તંદુરસ્ત અને પ્રેમાળ. દેખીતી રીતે જ લેખિકા અહીં સાર્જન્ટને સ્ત્રીના પતિના વિરોધમાં મૂકી આપે છે.

               જો કે, આ પ્રેમ પણ બહુ લાંબો ચાલતો નથી. થોડા સમય પછી સાર્જન્ટની બદલી થઈ જાય છે. ત્યાર પછી સ્ત્રી પણ સુકાવા લાગે છે. એનું સૌંદર્ય પણ ધીમે ધીમે વિલાવા લાગે છે. એ ઘણી વાર ઊંઘમાં પણ સાર્જન્ટનું નામ બોલતી હોય છે. આ બધાને કારણે પતિને એના પર શંકા જાય છે.

               એક દિવસ એ પત્નીની ગેરહાજરીમાં પત્નીની પેટી ખોલે છે અને એમાં પત્નીએ સંતાડી રાખેલા એના પ્રેમીના કાગળો વાંચે છે. એને ખ્યાલ આવી જાય છે કે એની પત્નીએ એને દગો કર્યો છે.

               પાંચ મહિના સુધી એ એની પત્ની પર આવતા પત્રો છાનો છાનો વાંચે છે. એને પુષ્કળ ઈર્ષ્યા પણ આવે છે.પણ કરે શું? ધીમે ધીમે એેને પણ ખાવાનું ભાવતું નથી.

એક દિવસે એ દુકાન પર હોય છે ત્યારે ખાનામાંથી રિવૉલ્વર કાઢે છે. એમાં ગોળીઓ ભરે છે. પાછી એ રિવૉલ્વર એની પોતાની નથી. એક ગ્રાહક એ રિવૉલ્વરને એના ત્યાં ગિરવે મૂકી ગયેલો. પછી એ પત્નીને ગલ્લો સોંપીને દુકાન અને ઘરની વચ્ચેના પૅસેજમાં જાય છે. બધાંને એમ કે એ બહાર જઈ રહ્યો છે. ત્યાં જ દુકાનમાં બેઠેલા લોકો રિવૉલ્વરમાંથી ગોળી છૂટવાનો અવાજ સાંભળે છે અને થોડી જ વારમાં એ લોકોને દુકાન અને પૅસેજ વચ્ચેના દરવાજાના ઉંબરે ઢળી પડેલો એક માણસ દેખાય છે. જો કે, એમને એ માણસ આખો તો નતી જ દેખાતો. એના બે પગ દેખાય છે. એ માણસે ખાખી પેન્ટ અને બૂટ પહેરલા છે.

               જ્યારે પતિ એની પત્ની પર આવેલા સાર્જન્ટના પ્રેમપત્રો વાંચે છે ત્યારે આપણને થાય છે કે હવે એ ચોક્કસ એ એની પત્નીને કાં તો ઠપકો આપશે, કાં તો માર મારશે. એ જ રીતે, જ્યારે એ રિવૉલ્વરમાં ગોળીઓ ભરે છે ત્યારે પણ આપણને લાગે છે કે હવે એ કાં તો આત્મહત્યા કરશે કાં તો પત્નીની હત્યા કરશે. જ્યારે એ રિવૉલ્વર લઈને દુકાન અને ઘરની વચ્ચેના પૅસેજમાં જાય છે ત્યારે આપણને લાગે છે કે હવે એ ચોક્કસ આત્મહત્યા કરશે. પછી જ્યારે રિવૉલ્વરમાંથી ગોળીઓ છૂટવાનો અવાજ આવે છે ત્યારે આપણને થાય છે કે હવે એણે આત્મહત્યા કરી લીધી. પણ, પછી જ્યારે લેખિકા એમ લખે કે દુકાનમાંથી પૅસેજમાં પ્રવેશવાના બારણામાં એક માણસ પડ્યો છે અને એનો પેન્ટ ખાખીનો છે તથા એણે બૂટ પહેર્યા છે ત્યારે આપણને લાગે કે એણે સાર્જન્ટની હત્યા કરી છે.

               પણ, મજાની વાત એ છે કે આમાંનું કશું જ બન્યું નથી. હત્યા કરીને પતિ પાછો દુકાનમાં આવે છે. પત્ની અને ગભરાયેલા ગ્રાહકો ભણી નજર નાખે છે અને કહે છે: “હવે તમે પોલીસ બોલાવી શકો છો.”

               લેખિકા ત્યાંથી સીધા જ આપણને પોલીસ સ્ટેશને લઈ જાય છે. હજી એ કહેતાં નથી કે પેલા પતિએ કોની હત્યા કરી છે. પોલીસ સ્ટેશનમાં પોલીસ ઓફિસર પતિને કહે છે કે મને તો આ ઘટના વિચિત્ર લાગે છે. આવા કિસ્સાઓમાં પતિ કાં તો પત્નીની હત્યા કરે કાં તો પત્નીના પ્રેમીની. પતિ કહે છે, “ના, હું મારાં પત્નીની હત્યા ન કરું. કેમ કે એ સુંદર છે, સખત કામ કરે છે, મારું ખાવાનું બનાવે છે, મારી કાળજી રાખે છે, મને સમયસર દવાઓ આપે છે, એ દુકાન સાચવે છે, હિસાબકિતાબ પણ કરે છે. એવી પત્નીની હું શા માટે હત્યા કરું?”

               પછી પોલીસ અધિકારી પૂછે છે, “એટલે તમે એના પ્રેમીની હત્યા કરી એમ?” પતિ જવાબ આપતાં કહે છે, “ના, તમે ફરી એક વાર ભૂલ કરો છો. મારી પત્નીનો પ્રેમી ખૂબ દૂર રહે છે. હું એની કઈ રીતે હત્યા કરી શકું? વળી મેં એના પ્રેમપત્રો વાંચ્યા છે. એમાં મેં મારી પત્નીના કોમળ હૃદયનાં પણ દર્શન કર્યાં છે. મારાથી એ ન ભુલાય.”

પોલીસ અધિકારી પૂછે છે, “તો પછી તમે કોની હત્યા કરી છે?” ત્યારે પતિ જવાબ આપે છે, “ટપાલીની. એ પ્રેમપત્રો લાવતો હતો!”

હવે તમને સમજાયો હશે ‘અજહલ્લક્ષણા’નો અર્થ. પતિ પત્નીના પ્રેમીના બદલે પત્નીના પ્રેમીના પત્રો લાવનારની હત્યા કરે છે!

               કોઈ પણ વાચકને લાગશે કે આ વાર્તા ઘટનાપ્રધાન છે. એનો અર્થ એ થયો કે ઘટનાનું ‘તિરોધાન’ થયેલું હોય એ જ વાર્તા સારી એવું નથી. ઘટનાપ્રધાન વાર્તા પણ સારી વાર્તા બની શકે. પણ આવડવું જોઈએ. બીજું, અહીં વાર્તાકારે મેલોડ્રામાનો પણ વિનિયોગ કર્યો છે. જેમ કે નબળા અને રોગિષ્ટ પતિની જગ્યાએ તાકાતવાન અને તંદુરસ્ત સાર્જન્ટના આગમનની અને એના ચાલ્યા જવાની ઘટના. એ જ રીતે, લેખિકાએ ચમત્કૃતિનો પણ ઉપયોગ કર્યો છે. આમ લેખિકાએ ઘણી બધી પરંપરાગત પ્રયુક્તિઓનો ઉપયોગ કર્યો હોવા છતાં આ વાર્તા તદ્દન બીબાંઢાળ વાર્તા બની જતી નથી. આમ કેમ?

મને માટે બે કારણો જવાબદાર લાગે છે.

પહેલું કારણ, તે વાર્તા કહેવાની રીત. કથક પોતાના પુસ્તકની સમીક્ષાથી શરૂઆત કરે છે અને એ રીતે કાવ્યશાસ્ત્રની એક મહત્ત્વની વિભાવના આપણને સમજાવે છે. ત્યાર બાદ એ વિભાવનાની સંરચનાને પકડીને એ એક ઘટનાની વાત કરે છે અને એ ઘટના વાર્તા બને છે. આમ અજહલ્લક્ષણાની સંરચનાનું અહીં લેખિકાએ રૂપાન્તર કર્યું છે. આ રૂપાન્તર આ વાર્તાને પ્રયોગશીલ વાર્તા બનાવે છે.

બીજું કારણ, તે સ્ત્રીનું પાત્ર. આખી વાર્તામાં સ્ત્રીપાત્ર ક્યાંય કશું બોલતું નથી. એની વાત અપરોક્ષ કથનથી જ આવે છે. એનું પાત્રાલેખન પણ જોવા જેવું છે. કોઈને લાગશે કે એ એક અસંતુષ્ટ સ્ત્રી હતી. પણ, ના. એવું નથી. ‘અસંતુષ્ટ’ શબ્દ જરા વધારે પડતો નકારાત્મક અર્થ ધરાવે છે. હકીકત એ છે કે આ અસંતુષ્ટતાનાં મૂળ એના પોતાના જીવનમાં પડેલાં નથી. એનાં મૂળ સામાજિક વ્યવસ્થામાં પડેલાં છે.

વાર્તાકાર દી ક્વિરોઝ સ્ત્રીપાત્રો પાસે સમાજવ્યવસ્થાની સામે બળવો કરાવવામાં માહેર છે. એટલું જ નહીં, એમનાં સ્ત્રીપાત્રો કોઈની સામે બદલો પણ લેતાં નથી. આ વાર્તામાં પત્નીને પતિ સામે બદલો લેતી બતાવી શકાઈ હોત. પણ એમ નથી બનતું. કોઈ પરંપરાગત વાચકને કદાચ એમ પણ લાગે કે પતિ હોવા છતાં પરપુરુષ સાથે સંબંધ રાખીને એ સ્ત્રીએ પાપ કર્યું છે તો મારે એટલું જ કહેવાનું કે એ સ્ત્રી અહીં ‘પાપ’નો ઉપયોગ બળવો કરવા માટે કરે છે. આ છે આ વાર્તાનું સૌંદર્ય.

2 thoughts on “વારતા રે વારતા – (૧૩) – બાબુ સુથાર

 1. બ્રાઝિલનાં ખૂબ જાણીતાં લેખિકા રેચલ દી ક્વિરોઝે એમની વાર્તામાં આ અલંકારનો એક પ્રયુક્તિ તરીકે સરસ ઉપયોગ કર્યો છે.તે સમાજવ્યવસ્થા સામે બળવો કરતી નાયિકાની વાર્તા નો મા.બાબુ સુથાર દ્વારા
  સ રસ આસ્વાદ
  ‘વાર્તાકાર દી ક્વિરોઝ સ્ત્રીપાત્રો પાસે સમાજવ્યવસ્થાની સામે બળવો કરાવવામાં માહેર છે. એટલું જ નહીં, એમનાં સ્ત્રીપાત્રો કોઈની સામે બદલો પણ લેતાં નથી. આ વાર્તામાં પત્નીને પતિ સામે બદલો લેતી બતાવી શકાઈ હોત. પણ એમ નથી બનતું. કોઈ પરંપરાગત વાચકને કદાચ એમ પણ લાગે કે પતિ હોવા છતાં પરપુરુષ સાથે સંબંધ રાખીને એ સ્ત્રીએ પાપ કર્યું છે તો મારે એટલું જ કહેવાનું કે એ સ્ત્રી અહીં ‘પાપ’નો ઉપયોગ બળવો કરવા માટે કરે છે’.
  એ આ વાર્તાનું સૌંદર્ય એમના આસ્વાદ દ્વારા સમજાયુ
  ધન્યવાદ

  Like

 2. એક વિશિષ્ટ દ્રષ્ટિ દ્વારા આ વિલક્ષણ વાર્તાનો આનંદ લેવા માટે બાબુભાઈનો આ પ્રયત્ન આપણા બધા માટે સૂચક છે.

  Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s