“એક જ દે ચિનગારી” – કવિશ્રી હરિહર ભટ્ટ – આસ્વાદઃ પ્રો. મધુસુદન કાપડિયા


આજે ગાંધી જયંતિ નિમિત્તે, ગાંધીજીને અતિશય પ્રિય એવું ભજન-કાવ્ય, ‘એક જ દે ચિનગારી’ નો આસ્વાદ, જે ગુજરાતી ભાષાના પ્રખર વિદ્વાન અને વિવેચક,  પ્રો. ડો. મધુસુદન કાપડિયાએ કરાવ્યો હતો, એની યાદ આવી. મેં આ  આસ્વાદ ફરીથી સાંભળ્યો અને થયું આપ સહુ સાથે આને વહેંચું. ડો. મધુસુદન કાપડિયા, એ ગુજરાતી સાહિત્યનું બહુ મોટું નામ છે. એમની કસોટીની એરણ પર જે ખરા ઉતર્યા હોય એ જ કાવ્યોના રસાસ્વાદ તેઓ કરાવે, ભલે પછી તે કાવ્યો નવા-જૂના કે ઓછા પ્રચલિત કવિઓના હોય. એમણે આ કાવ્યનો આસ્વાદ કરાવ્યો એ કવિના શિરે યશકલગી છે. 

આપ સહુ સાથે આ કાવ્ય અને આ કાવ્યનો આસ્વાદ કરાવતાં મને અનહદ ખુશી થઈ રહી છે.

“એક જ દે ચિનગારી” કવિશ્રી પ્રો. ડો. મધુસુદન કાપડિયાએ કરેલો આસ્વાદ સાંભળવાનું ચૂકશો નહીં

“એક જ દે ચિનગારી”

એક જ દે ચિનગારી, મહાનલ!
એક જ દે ચિનગારી.

ચકમક લોઢું ઘસતાં ઘસતાં ખરચી જિંદગી સારી,
જામગરીમાં તણખો ન પડ્યો, ન ફળી મહેનત મારી.
મહાનલ! એક જ દે ચિનગારી.

ચાંદો સળગ્યો, સૂરજ સળગ્યો, સળગી આભઅટારી,
ના સળગી એક સગડી મારી, વાત વિપતની ભારી.
મહાનલ! એક જ દે ચિનગારી..

ઠંડીમાં મુજ કાયા થથરે, ખૂટી ધીરજ મારી,
વિશ્વાનલ હું અધિક ન માગું, માગું એક ચિનગારી.
મહાનલ! એક જ દે ચિનગારી..

હરિહર ભટ્ટ

આજે ગાંધી જયંતિ છે  અને જોગાનુજોગ એવો થયો કે અમારા મિત્ર શ્રી સુબોધભાઈ ભટ્ટ તરફથી અમને ગાંધીજીએ જે પ્રવચનમાં “એક જ દે ચિનગારી” કાવ્યનો ઉલ્લેખ કર્યો હતો, એ બાબતનો નાનકડો લેખ લખીને મોકલ્યો અને એ સાથે ગાંધીજીના પ્રવચનની ક્લિપ પણ મોકલી.ગાંધીજીને આ ભજન-કાવ્ય ખૂબ જ પ્રિય હતું.  આપણા ગુજરાતી ભાષાના સુગમ સંગીતની યુનિવર્સિટી સમી સંગીતકાર અને ગાયક બેલડી, આદરણીય આસિતભાઈ અને હેમાબેન દેસાઈએ ગાયેલું આ ભજન-કાવ્ય પણ અહીં મૂક્યું છે. આશા છે આપ સહુ વાચકોને ગમશે.


કવિશ્રી હરિહર ભટ્ટ

અમારા પિતાશ્રી હરિહર ભટ્ટ નો પરિચય અને તેમના કાવ્ય “એકજ દે ચિનગારી”ના સત્વનું  ઉલ્લેખ કરતું
ગાંધીજીની પાર્થનાસભાનું પ્રવચન
પ્રસ્તુતકર્તા સુબોધ ભટ્ટ અને સુધાકર ભટ્ટ

કવિશ્રી  હરિહર ભટ્ટનો પરિચય
કવિ હરિહર ભટ્ટનો જન્મ સૌરાષ્ટ્રના વેકરિયા ગામમાં ઈ.સ. ૧૮૯૫માં થયો હતો. તેમના પિતા પ્રાણશંકર ભટ્ટ સાવરકુંડલામાં સંસ્કૃત શીખવાડતા. ભાવનગરની શામળદાસ અને મુંબઈની વિલ્સન કોલેજમાં અભ્યાસ કરી મુંબઈ યુનિવર્સિટીમાંથી B.A.  (MATH) થયા.
મહારાષ્ટ્રમાં આકોલામાં ગણિતનાં શિક્ષક તરીકે શરૂઆત કરી. ૧૯૨૦માં ગાંધીજીએ સાબરમતિ આશ્રમ સ્થાપ્યો. તેઓ નોકરી છોડીને ગાંધીઆશ્રમમાં આવ્યા. અસહકારની લડતમાં પોલીસની લાઠીનો માર અને ૩ વર્ષની જેલ ભોગવી. ૧૯૩૦માં ગાંધીજીએ આશ્રમનું વિસર્જન કર્યું ત્યારે  અમદાવાદની ન્યુ એજ્યુકેશન હાઈસ્કૂલમાં ગણિતનાં શિક્ષક બન્યા. ૧૯૫૦માં બી.જે. ઇન્સ્ટીટયુટ ઓફ લર્નિંગ એન્ડ રિસર્ચમાં ગુજરાત યુનિવર્સિટીના M.A. અને  Ph.D. ના  ભારતીય ખગોળ વિષયના પ્રાધ્યાપક થયા. ત્યાં નિવૃત્તિ સુધી કામ કર્યું.
૧૯૨૫માં તેમનું “એક જ દે ચિનગારી”  કાવ્ય કુમાર સામયિકમાં પ્રકાશિત થયું. “આશ્રમ ભજનાવલી”થી માંડીને ગુજરાતની માધ્યમિક શાળાઓના પાઠ્યપુસ્તકમાં તેનો સમાવેશ થયો. આશ્રમની પ્રાર્થનામાં ગવાતું અને હજુ શાળાઓની પ્રાર્થનામાં ગવાય છે. ગાંધીજીએ નવેમબર ૧૯૪૭ની પ્રાર્થનાસભામાં તેનો ઉલ્લેખ કર્યો હતો અને “ગાંધી” ફિલ્મમાં તે સાંભળવા મળે છે. નરસિંહરાવ દિવેટિયા અને અન્ય સાહિત્યકારોએ તેને ઊચ્ચ કોટિનું કાવ્ય ગણ્યું છે. ૧૯૩૪માં તેમણે ૨૦ કાવ્યોનો “હૃદયરંગ” નામનો  કાવ્યસંગ્રહ પ્રકાશિત કર્યો. તેમના ૪૦ જેટલા કાવ્યો ખગોળની પ્રવૃત્તિઓને લીધે અપ્રાકિશત હતાં. ૨૦૦૩માં તેમના પુત્રો સુબોધ અને સુધાકર ભટ્ટે તે બધા ભેગા કરી ૬૦ કાવ્યોનો એક કાવ્ય સંગ્રહ ”એક જ દે ચિનગારી” નામથી પ્રકાશિત કર્યો. તેમના કાવ્યોમાં ઈશ્વરવિશ્વાસ, દેશપ્રેમ, ગાંધીભક્તિ, હાસ્યરસ અને કુદરતની પ્રશંસા સમાયેલી છે.
ખગોળના ક્ષેત્રમાં તેમણે કુમાર,પ્રસ્થાન અને સંદેશમાં વર્ષો સુધી આકાશદર્શનના લેખો ઉપરાંત ખગોળગણિતના ઘણા પુસ્તકો લખ્યા. પંચાગોના સૂર્ય,ચંદ્ર, અને ગ્રહોના ઉદય-અસ્તના સમયોમાં ભૂલો થતી. તે માટે પંચાંગ સુધારણાની પ્રવૃતિઓ કરી. ૧૯૪૫માં “સંદેશ પ્રત્યક્ષ પંચાંગ” પ્રકાશિત કર્યુ. જરા પણ ભૂલ ન થાય તેવા આધુનિક ગણિતનો તેમાં ઉપયોગ કર્યો. તેનું સંપાદન મૃત્યુ સુધી કર્યું. ભારત સરકારે તેમને All India Calander Reform Committeeના સભ્ય બનાવ્યા. જનતાને આકાશ દર્શન મળે તે માટે ૧૯૬૫ના અરસામાં અમદાવાદમાં વેધશાળા (Observatory)ની સ્થાપના કરી અને તેનું સંચાલન કર્યું. અમદાવાદ રેડીઓ સ્ટેશન પરથી તેમના ગ્રહણ વિગેરે વિષયોના વાર્તાલાપ આવતા અને “એક જ દે ચિનગારી” પણ સંભળાતું !!!
મેઘધનુષની જેમ તેમનું જીવન ઈશ્વરશ્રધા, દેશપ્રેમ, ગાંધીભક્તિ, કાવ્યરચના અને ખગોળશાસ્ત્રના  વિવિધ રંગોથી રંગાયેલું હતું.  તેમનું અવસાન ૧૯૭૮માં થયું. આટાટલા વર્ષો પછી પણ ‘એક જ દે ચિનગારી’ કાવ્ય આજે પણ એટલું જ વંચાય છે અને ગવાય છે.

૮ નવેમ્બર ૧૯૪૭ના ગાંધીજીના આ પ્રવચનને રજુ કરતાં અમને ખુબજ આનંદ થાય છે.  તે YouTubeમાં હિન્દી ભાષામાં છે.

પૂર્વભૂમિકા

બધા જાણે છે તે પ્રમાણે ગાંધીજી સાંજે પ્રાર્થનાસભા કરતા જેમાં પ્રાર્થના પછી તેઓ વર્તમાન વિષય પર પ્રવચન  કરતા. ઓલ ઇન્ડિયા રેડીઓ તેને રેકોર્ડ કરીને તે જ સાંજે તેના બધા સ્ટેશનો પર પ્રસારિત કરતું.

પ્રવચન

૮ નવેમ્બર ૧૯૪૭ની પ્રાર્થના પછી ગાંધીજી એક શિખ સજ્જને મોકલેલ ચિઠ્ઠીની વાત કરે છે. ચિઠ્ઠીમાં લખ્યું હતું કે તે શિખ ધર્મના પવિત્ર પુસ્તક ગ્રંથસાહીબમાંથી એક ભજન ગાવા માંગે છે. તેનો જવાબ આપતા ગાંધીજી કહે છે કે તેઓ તમામ ધર્મોનું એક સરખું સન્માન કરે છે. અને શિખ સજ્જનનો વિચાર તેમને  ગમે છે. પણ તે ગાંધીજીને મળીને તે ભજન તેમને બતાવે. જો તેમને તે ભજન ગમશે તો ચોક્કસ તેને પાર્થનમાં ગાવા દેશે. પછી (ઉદાહરણ તરીકે), ગાંધીજી અમારા પિતાજી અને તેમના કાવ્ય “ એક જ દે ચિનગારી “નો ઉલ્લેખ કરે છે. જો કે તેઓ કવિનું નામ નથી આપતા. આ ઉલ્લેખ બે મિનિટ જેટલો  ટૂંકો  છે અને પ્રવચનની શરૂઆતની ચાર મિનિટની અંદર છે. જે લોકો હિન્દી નથી જાણતા તેમના માટે ગાંધીજી શું કહે છે તેનો શાબ્દિક અનુવાદ નીચે પ્રમાણે છે:

“અમારે ત્યાં એક ભજન છે. ભજન ગુજરાતીમાં છે. એક (કવિ) ભક્ત છે. તે કહે છે કે આખી દુનિયામાં ઘણી બધી બત્તીઓ ચમકી રહી છે. તે તો સૂર્ય, ચંદ્ર અને તારાગણો છે. તેમાંથી (હે ભગવાન) કૃપા કરીને મને એક ચિનગારી આપ. જો મને તેમાંથી એક ચિનગારી પણ ન મળે તો પછી તો હું શું કરી શકું?

ગાંધીજી  “ચાંદો સળગ્યો, સૂરજ સળગ્યો ……” થી શરુ થતી કાવ્યની ચાર પંક્તિઓનો ઉલ્લેખ કરી રહ્યા છે. યોગાનુયોગ  એ જ ચાર પંક્તિઓ  ‘ગાંધી “ ફિલ્મમાં પણ ગાવામાં આવી છે!!!

પછી ગાંધીજી શિખ સજ્જનની વિનંતી વિષે કહે છે કે તે જે પ્રાર્થના લાવે તેનાથી તેમને સારો પ્રતિભાવ નહિ થાય તો તેઓ શ્રોતાઓ સમક્ષ રજુ કરતા અનુકુળતા નહિ અનુભવે કારણ કે પછી તો તે રજૂઆત  કૃત્રિમ બની જાય છે.

અને અંતમાં

અમારા પિતાશ્રીને આ પ્રવચનની જાણ ન હતી અને  તેમને એ જાણવાની જરૂર પણ ન હતી, તો ગાંધીજીને અમારા પિતાશ્રી અને તેમના કાવ્યની કેવી રીતે ખબર પડી? તેનો જવાબ બહુ સરળ છે.

૧૯૨૦થી ૧૯૩૦ સુધી અમારા માતાપિતા અન્ય ૮૦ કુટુંબો સાથે  અમદાવાદના સાબરમતી આશ્રમમાં ગાંધીજી સાથે રહ્યા હતા. ૧૯૨૫માં અમારા પિતાશ્રીનું  “એક જ દે ચિનગારી” કાવ્ય કુમાર માસિકમાં પ્રકાશિત થયું. તરત જ તે ખુબ પ્રસિદ્ધ થયું. આશ્રમના  પ્રાર્થના પુસ્તક “આશ્રમ ભજનાવલી “માં તેને સ્થાન મળ્યું. તેથી ત્યારે અમારા પિતાશ્રી અને ગાંધીજીની હાજરીમાં તે આશ્રમની પ્રાર્થનામાં ગવાતું. ગુજરાતની શાળાઓના પાઠ્ય પુસ્તકમાં હજુ પણ તેનો સમાવેશ થાય છે અને ઘણી શાળાઓમાં પ્રાર્થના તરીકે ગવાય છે. નરસિંહરાવ દિવેટિયા, બળવંતરાય ઠાકોર,  ઉમાશંકર જોશી અને રામનારાયણ પાઠક જેવા અનેક ગુજરાતી સાહિત્યકારોએ તેને ખુબ જ  ઊચી કોટિનું કાવ્ય ગણ્યું છે. તેમણે લગભગ ૭૦ કાવ્યો લખ્યા હોવા છતાં આ કાવ્યનું સ્થાન ગુજરાતી સાહિત્યમાં અમર છે.

આ પ્રવચનમાં ગાંધીજી કવિ અને તેમના કાવ્ય વિષે બહુ ઓછા શબ્દોનો ઉપયોગ કરે છે. પરંતુ કાવ્યનું સત્વ બતાવવા સાથે સાથે પોતાનો મુદ્દો પણ સાબિત કરે છે તે અત્યંત મહત્વપૂર્ણ છે. તેથી અમને એક સાથે ગૌરવ અને નમ્રતાની લાગણીનો અનુભવ થાય છે. YouTubeના  ઓડીઓ અને વિ ડિઓથી ભરપુર જંગલમાંથી આ પ્રવચન અકસ્માતથી મળ્યું તેથી અમે ખરેખર નસીબદાર છીએ.

તમારા સમય માટે ખુબ જ અભાર. ગાંધીજીનું પ્રવચન સાભળવા માટે કૃપા કરીને નીચેની YouTube લિંક પર ક્લિક કરો અને આનંદ પામો!!

આસિતભાઈ અને હેમાબેન દેસાઈના કંઠે ગવાયેલું “એક જ દે ચિનગારી ” ભજન-કાવ્ય

2 thoughts on ““એક જ દે ચિનગારી” – કવિશ્રી હરિહર ભટ્ટ – આસ્વાદઃ પ્રો. મધુસુદન કાપડિયા

  1. કવિશ્રી હરિહર ભટ્ટ ના ગીત–“એક જ દે ચિનગારી” નો સ રસ આસ્વાદઃ પ્રો. મધુસુદન કાપડિયા દ્વારા
    ધન્યવાદ

    Like

  2. SCHOOL MA EK J DE CHINGARI DER SOMVARE GAVDATA HATA SCHOOL CHALU PACHI THAY. 6 DIVAS NI 6 JUDI PARHNA SCHOOL MA GAVADATA MIKE DHVARA OFFICE MA 6 DIVAS DREK NE CHANCE APE JENE INTEREST HOY TE NAM NODHAVE PACHI SANGIT TEACHER AVAJ NO TEST KARI NAM PANSAD KARE. 6 DIVAS MA SOMVARE EKJ DE CHINGARI THI CHALU THAI SHANI VARE DAYAMAY MANGAL MANDIR KHOLO THI SAMAPTI THAY PRTHNA ANTE ROJ EK SHLOK “ASTIYO MAHE TO HOYJ. BUT A PRATHNA NA LEKHK VISHE AJE JANKARI THAI ,SHRI HARIHAR BHAI VYAS NI. PRO. MADHUKER BHAI E SARO ASVAD KAVITA NI APYO. SHRI SUBODH BHAI ANE SUDHAKAR BHAI TEMNA PITA SHRI NO SARAS PARICHAYA APYU TAMO NE SAHU NE TEMAJ DAVDA NA AGNA MA LEKH PUBLISH KARVA MATE SMT. JAYU BEN MERCHANT NE ABHINANDAN.

    Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s