ફરિસ્તાની નાતનો – રશ્મિ જાગીરદાર


ફરિસ્તાની નાતનો   – રશ્મિ જાગીરદાર
૧૯૪૫-૪૬ની સાલની વાત છે, નાનકડું ગામડું, મોટાભાગની વસ્તી ધોડિયા જાતિના લોકોની. ગરીબી એવી કે, પુરુષોના ડ્રેસમાં નીચે લંગોટી અને ઉપર ક્યાં તો ખુલ્લું શરીર કે બંડી. સ્ત્રીઓ નીચે કાછડો, ઉપર કાંચળી અને માથે ધડખું ઓઢે. આ ધડખું એટલે માથે નાની ઓઢણી જેવું કપડું. આ પહેરવેશ જ ખુદ, તેમની ગરીબીની ચાડી ખાતો જણાય. આ ગામમાં એક કરિયાણાની દુકાન, જેને ચલાવનાર ભાઈને, આખું ગામ “કાછીયા” તરીકે ઓળખે. આ દુકાનમાં સામાન્ય કરિયાણું અને અનાજ મળે, તે પણ ખુબ મોટા જથ્થામાં જોઈતું હોય તો ભાગ્યે જ મળે. તેને માટે બાજુના સહેજ મોટા ગામમાં હાટડી ભરાતી, જેને ગામની ભાષામાં લોકો “હાટવાડો” કહેતા. આ ગામમાં એક નદી પણ વહેતી, “કોલકનદી” ગામલોકોને માટે જીવાદોરી સમાન હતી, કારણકે, ખાવાનું તો જે દિવસે નસીબ હોય તે દિવસે મળે. બાકીના બધા દિવસોએ ગામના લોકો આખો દિવસ ધરાઈને પાણી પી શકતા. ધરાઈને એટલા માટે કે, તેઓનો ખોરાક એટલે “પેજવું.” પેજવું બનાવવાની રેસીપી તમે જાણશો તો ગામની ખરી ગરીબીનો અંદાજ સૌને આવી જશે.

આખું ગામ સવારે ઉઠીને મજૂરીએ જવા લગભગ સાત વાગે નીકળી જાય, જતાં પહેલાં ઘરની સ્ત્રી ઘરની બહાર એક ચૂલો સળગાવીને તેની ઉપર એક મોટા માટલામાં સમાય તેટલું પાણી ભરીને ઉકાળવા મુકે, અને તે પાણીમાં એક મુઠી કે બે મુઠી ચોખા અને માપનું મીઠું નાખીને ઢાંકી દે, પાણી ઉકળ્યા કરે એમાં ચોખા ચડી જાય એટલે પેજવું તૈયાર. બપોરે લંચબ્રેક(!) પડે એટલે ઘરનાં બધા સભ્યો જેમ આવતાં જાય તેમ તે માટલામાંથી ઠોબલામાં( માટીનો વાડકો) રેડીને પેજવું પીએ, જેમાં બે ચાર ઘૂંટડે બે ચાર દાણા ચોખાના હોય! એ જ એમનો ખોરાક! એ જ એમનું લંચ. આમ આપણે જોયું કે, આ ગામના લોકોને જો કંઈ ધરાઈને મળતું હોય તો તે કોલક નદીનું પાણી જ. બે મુઠ્ઠીથી વધારે ચોખા ઘરમાં હોય પણ ભાગ્યે જ, અને જો હોય તો બીજા દિવસ માટે રાખવાનું જરૂરી બને કારણકે, શેઠને ત્યાંથી મજુરીના પૈસા ના મળે તો? અથવા કાછિયાને ત્યાંથી આગલા પૈસા બાકી હોય એટલે ચોખા ના આપે તો? આવા પ્રશ્નો સતત મુંઝવતા હોય.

સવારથી પૂરું ઘર મજૂરીએ જવા નીકળી પડે. મજુરી એટલે શેઠના, મોટા મોટા એકરો સુધી ફેલાયેલા ખેતરોમાં સીઝન પ્રમાણે ચાલતા ખેતીના કામો કરવા. આજના જમાનામાં ગજબની લાગે તેવી એક વાત પણ મારે કહેવી છે. અને તે એ કે, આ ધોડીયાઓને ખેતી કામ કરવા બદલ મજુરીમાં શું મળતું કહું? પુરુષોને રોજના આઠ આના, સ્ત્રીઓને રોજના ચાર આના અને બાળકોને રોજના બે આના! આ ગામનું નામ પણ કદાચ ધોડિયાઓની વસ્તીના લીધે “ધોધડકુવા” હશે.   આવા ગરીબીના પ્રતિક સમા ગામમાં બહારવટીયાની શી વાત કહેવાની હોય? તેવો પ્રશ્ન થાય. કારણ કે જ્યાં લોકો પાસે ખાવા-પીવા કે પહેરવા -ઓઢવાનાં ફાંફા હોય ત્યાં બહારવટિયા આવે તો કદાચ ધાડ પાડીને લુંટવાને બદલે કૈંક આપીને જવાનું થાય !   એ ગામ-ધોધડકુવામાં જેટલી જમીન હતી તે બધીના માલિક મજુમદાર શેઠ. બધી જમીન તેઓની જ એટલે બધા તેમને ત્યાં મજૂરીએ જાય. અને એમ જોઈએ તો આડકતરી રીતે આખા ગામની જવાબદારી શેઠની રહેતી. તેઓ પોતે કદાચ આ વાત સમજતા હશે એટલે જ, જેમ વખત ગયો તેમ ગામમાં શાળા બંધાવી. છેક કોલક નદીથી પાણી લઈને આવવું અઘરું હતું એટલે કુવો ખોદાવ્યો, અને એક કરિયાણાની દુકાન પણ પોતે બંધાવીને માલ ભરીને દુરના એક સગાને ચલાવવા આપી.અને એમ એને ઠેકાણે પડ્યો. એટલું જ નહી એ દુકાનમાંથી જેની પાસે ખરેખર પૈસા ના હોય તેને પોતાની જવાબદારી પર ઉધાર આપવાની કાયમી સુચના પણ આપી રાખેલી.

મજુરી તો આજુબાજુના ગામોમાં ચાલતા ભાવ પ્રમાણે બધા જેટલી જ, શેઠ પણ આપતા.પણ ગામના દરેકને જયારે જરૂર પડે ત્યારે વગર વ્યાજે પૈસા ઉધાર આપતા. ગામના કોઈનું કામ અટકી ના પડે તે ધ્યાન રાખતા. આવા કારણો સર ગામ લોકો અને આજુબાજુના ગામના લોકોમાં પણ તેઓ પ્રિય હતા.   શેઠને બે દીકરીઓ અને બે દીકરાઓ હતા. છોકરાઓને ભણાવવા માટે તેમનું એક ઘર બાજુના શહેરમાં હતું. બાળકો શાળા ચાલુ હોય ત્યારે ત્યાં જ હોય. વેકેશનમાં બાળકો પણ ગામડે રહેવા આવતાં. આવા જ એક વેકેશનમાં બાળકો ગામડે હતાં. બધાં ભેગા થઇ ને આનંદ કરતાં હતાં. રાત્રે જમીને બધા ઓટલે બેસીને વાતો કરતાં બેઠા હતા, વાતોમાં ખાસું મોડું થઇ ગયું બંને દીકરીઓ ૧૦ વર્ષ નીચેની હતી તે તો ઊંઘી પણ ગયેલી. બધા ઉઠીને સુવા ગયા બધા નોકરો પણ સુવા જતા રહ્યા.   શેઠ શેઠાણી હજી જાગતા જ હતાં. એટલામાં દુરથી ઘોડાના ડાબલાનો અવાજ આવતો હોય તેમ લાગ્યું.  
શેઠાણી કહે:-” બાબર દેવાની ટોળકી આવી લાગે છે, હવે શું કરીશું છોકરાંઓ પણ અહીં છે!”   શેઠ:-” એમ ગભરાયે કશું નહિ થાય, સૌથી પહેલાં બંને દીકરીઓને ગાયની કોઢમાં ખાટલો ઢાળીને સંતાડીને, સુવાડી દઈએ, એ ઊંઘે છે એ સારું છે નહિ તો રડે તો બહારવટિયા જાણી જાય, એ સા… જાતનો શું ભરોસો, તું પણ ત્યાં જ દીકરીઓ ભેગી જતી રહે, હું બંદુક લઈને બેસું છું.”  
એ પ્રમાણે જ કરવું પડ્યું, બીજો કોઈ ઉપાય પણ નહોતો. એટલામાં તો ઘોડાના ડાબલાના અવાજ છેક ઘરના કમ્પાઉન્ડના ઝાંપે સંભળાયા, અને ત્યાં અટક્યા પણ ખરા! શેઠ- શેઠાણીના મનમાં ગભરાટ અને બીક સાથે એક પ્રશ્ન પણ હતો. “હવે?” એ પ્રશ્ન શેઠ શેઠાણીના મનમાં જ રહ્યો, અને છેવટે શેઠ બંદુક લઈને હિંમત કરીને ઘર બહારથી બંધ કરીને ઝાંપે જઈને ઉભા.

બહારવટિયાઓ ની ટોળી સાથે બાબર પણ ઝાંપે ઉભેલો જ હતો.   શેઠ:-” રામ રામ, બાબરભાઈ ”   બાબર:-” એ… રામરામ હેઠ(શેઠ),હું ચાલે?”   શેઠ:-” બધું બરાબર, પણ તમે?”   બાબર:-” હેઠ, (શેઠ) તું તો બંદુક લેયને આયવો હેં? અમે થોડા તારે ઘેર આવાના? તું તો હારો માણહ છે લોકોને તું ગમતો છે. એટલે તને ની પજવહુ,”   શેઠ:-” તો તારી હવારી (સવારી) કાં ચાયલી?” શેઠને મનમાં ડર હતો છતાં બાબર સાથે નોર્મલ રહેવા પ્રયત્ન કર્યો. મનમાં એ પણ હતું, સા….. બહારવટિયાનો શો ભરોસો?   બાબર:-” આજ તો પેલો કાછિયો ની ? સા….લોકોને લુંટતો છે તેને હીધો કરવાનો છે, તેના બેવ પોયરા પણ હરામની જાતનાં છે, તાં ચાયલો, ચાલ હેઠ, રામ રામ.”   વળતા રામરામ કરીને ઝડપથી શેઠ ઝાંપો બંધ કરીને ઘરમાં આવ્યા.

શેઠાણી અને બંને દીકરીઓને પણ કોઢમાં ગાયોની વચ્ચે સંતાડેલી ત્યાંથી ઘરમાં લાવ્યા.   એટલી વારમાં બંદુકની ગોળીઓના અવાજ આવ્યા, અને એ રાત એમ થોડી બીકમાં જ વીતી. સવારે નોકરોએ બારણા ખખડાવ્યા ત્યારે જ ખોલ્યા. બહાર નોકર ગભરામણ અને બીકનો માર્યો જાણે ધ્રુજતો હતો.  
નોકર:-” હેઠ, કાછીયાના પોયારાને બાબરિયાએ ગોળીએ દીધો.”   શેઠ:-” કયા પોયારાને? કેમ?”   નોકર:-” નાલ્લાને,(નાના છોકારાને) એની પાહે થડાની ચાવી માયગીને એ દાડાનો વકરો માયગો તેણે ના પાયડી થોડી રકઝક કયરી પછી ઠોકી પાયડી બંદુક. હિધ્ધો મરી જ ગીયો. લોકો કેટલી ખણ વાત કરતા છે.”  

બીજા દિવસે જયારે શેઠના ખેતરે લોકો મજુરી કરવા ગયા ત્યારે પણ કાછીયાના નાના છોકરાના બાબરે કરેલા ખૂનની વાતોનો ગણગણાટ ચાલુ રહ્યો. શેઠને પણ ખુન કરવાનું કારણ જાણવાની ઈચ્છા હતી કારણકે, બાબર મોટા ભાગે ગામના સામાન્ય અને ગરીબ લોકોને કનડનાર વ્યક્તિને જ કનડતો. તેના નામે જે બે ખૂન બોલતા હતા. તે એવી વ્યક્તિઓના જ હતા, જેઓ મજુરો પ્રત્યે વધારે પડતા ક્રૂર હતા અને મજુર સ્ત્રીઓ પ્રત્યે નજર બગડતા હતા.  

શેઠે મજુરોના મુકાર્દમ- સનીયાને બોલાવીને પૂછ્યું,:-” સાનિયા, આ બાબરે કેમ કાછીયાના છોકરાનું ખૂન કર્યું? લોકો શું કહે છે?”   સનીયો:-” આપણો બાબુડો ખારોકે? તેની પોરી દુકાને ગેયલી તો એને ફોહલાવીને અંદર લેઈ ગેયલો. બાબર ફરતો રામ એટલે તેણે જાયણું. જાતે પૂછ્યું ને ખાતરી થઇ કે, પેલાની ટીકીટ ફાડીને જ આયવો.   શેઠે રાત્રે શેઠાણીને વાત કરી, તો શેઠાણી કહે,:-” આ ઉજળીયાત લોકો આવી ખોરી દાનતના અને આ બાબર પોતે ધાડ પાડે, લુંટ કરે છતાં, ઊંચા ચરિત્ર અને સંસ્કાર વાળો, અને લુંટે પણ એવાને જ જે બીજાને લુંટીને તગડા થયેલા હોય અને ગરીબોને હેરાન કરતા હોય.”   શેઠ:-” હા ,હું પણ એ જ વિચારું છું કે, આ બાબરને બહારવટિયાની નાતનો ગણવો કે, ફરીસ્તાની નાતનો?”    

6 thoughts on “ફરિસ્તાની નાતનો – રશ્મિ જાગીરદાર

  1. સુ શ્રી રશ્મિ જાગીરદારનો ફરિસ્તાની નાતનો સ રસ લેખ
    અમારી સુરતી ભાષાની આ વાત ઘણી ગમી-‘સનીયો:-” આપણો બાબુડો ખારોકે? તેની પોરી દુકાને ગેયલી તો એને ફોહલાવીને અંદર લેઈ ગેયલો. બાબર ફરતો રામ એટલે તેણે જાયણું. જાતે પુયછુંને ખાતરી થઇ કે, પેલાની ટીકીટ ફાડીને જ આયવો.

    Liked by 1 person

  2. khrab kam karva vala na dil hamesha komal ane madad krava vala hoy che. india ma jya hu raheto hato 1975. tya mara resi pase ek bhai raheta tene loko gam na da etle gundo kaheta temno dhadho varli matku ane jugar .pan jyare koi garib kutumb ne madad joe to turat j api deta agar jate na jai shkay to temna khas manas ne mokli jani ne yougya madad karta. pacha te apeli madad koi di pachi na leta. koi pachi apva jatu to bolta vat gayi bat bhul jao. koi khoti rite koi ne heran kare ane temne khabar pade to heran karnar nu avi bane. kharab kam samaj ne rite lage pan temno te dhadho- roti nu sadhan che. pan dil saf che..

    Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s