બે કાંઠાની અધવચ – (૧૪) —– પ્રીતિ સેનગુપ્તા
નામ સાંભળીને જ કેતકીને થયેલું, કેવું સરસ નામ છે. ને અર્થ પણ સરસ છે. સુંદર રમણી, એવો જ ને? એને ફરી મળવાનું, એની સાથે વધારે ઓળખાણ કરવાનું, કેતકીને બહુ જ મન થયું. હજી અહીં કોઈની સાથે એને મૈત્રી તો શું, પણ ઓળખાણ પણ થઈ નહતી.
વિશ અને નંદા ખરેખર બહુ સારાં હતાં, ને સુજીત-કેતકીને વારંવાર જમવા બોલાવતાં, ઇન્ડિયન ગ્રોસરીની ખરીદી માટે લઈ જતાં. સુજીત કહેતો, આપણે ગાડી લઈ જ લેવાનાં છીએ. પણ આ સિવાય કેતકીને કોઈ સાથે વાતચીતની બહુ તક નહતી મળતી. વામા જેવી બહેનપણી થાય તો કેવું સારું.
વામા માટે તો કહી શકાય, કે નાનપણથી જ એ અમેરિકામાં ઉછરી હતી. એના ડૅડ યુનાઇટેડ નેશન્સના એક ડિપાર્ટમૅન્ટમાં કામ કરતા હતા. એનાં મમ્મી વિમૅન્સ વિન્ગમાં સક્રીય હતાં. વામા તો ભણી પણ યુ.ઍન.ની ઇન્ટરનૅશનલ સ્કૂલમાં. પહેલેથી જ જેમ અભ્યાસમાં, તેમ બીજી ઘણી પ્રવૃત્તિમાં, એ આગળ રહેતી. ટૅનિસ, લાક્રૉસ, સ્વિમિન્ગ, ડિબેટ, કૅરૉલ સિન્ગિન્ગ, અને આર્ટ. દરેકમાં એને રસ, અને સાથે, બધી બાબતની આવડત પણ ખરી.
ઉપરાંત, યુ.ઍન.ના બધા આંતર્રાષ્ટ્રીય કાર્યક્રમો જોવા એ જઈ શકતી. સંગીત, નૃત્યનાં અનુષ્ઠાન અને ચિત્ર, શિલ્પ વગેરેનાં પ્રદર્શનો હોય, કે દલાઈ લામા જેવી વિખ્યાત વ્યક્તિનાં પ્રવચનો હોય – ડૅડની સાથે, મમ્મીને અને વામાને, પહેલી-બીજી લાઇનમાં બેસવા મળતું. કાર્યક્રમ પૂરો થયા પછીથી યોજાતા રિસેપ્શનમાં એની ઓળખાણ પણ કળાકારો તથા આમંત્રિતોની સાથે કરાવાતી. આ રીતે એ દુનિયાનાં ઘણાં દેશો-પ્રદેશો તેમજ કળાક્શેત્રો વિષે જાણવા પામી.
આશ્ચર્ય તો એ, કે આવા સ્પેશિયલ જીવનને કારણે એ ઘમંડી ના બની, બલ્કે એનો સ્વભાવ સહજ અને મળતાવડો રહ્યો, અને એના વ્યક્તિત્વની આભા તરત ધ્યાન ખેંચે તેવી બની. એ બહુ દેખાવડી ના કહેવાય, પણ હોઠ પર રહેતા આછા સ્મિત, તથા આંખોમાં રહેતી ચમકને લીધે, એ તત્ક્શણ નોટિસેબલ અને લાઇકેબલ થઈ જતી.
ડૅડ રિટાયર થઈ ગયા તે પછી, થોડો વખત તો, એ ને મમ્મી ન્યૂયૉર્કમાં રહ્યાં, પણ એ બંને, અને વામા, ચર્ચા કરતાં રહ્યાં, કે એમણે ઇન્ડિયામાં જઈને રહેવું કે અહીં? અહીં એમ તો બધું બહુ સારું. અગત્યનાં કેટલાંયે જણ ઓળખે, પાર્ટીઓમાં જવાનું ચાલતું રહે, જાતજાતનાં આમંત્રણો આવતાં રહે, પણ મોટા ભાગનું કામ જાતે કરવાનું. અપાર્ટમૅન્ટ સાફ કરવા બાઈ આવે, તે અઠવાડિયે એક વાર. રોજ તો મમ્મી રસોઈ કરે, ને ડૅડ પ્લેટ વગેરે ધોઈ આપે.
ક્યાં સુધી ફાવે આવું? ઇન્ડિયા જાય તો ખૂબ આરામથી અને સગવડમાં રહી શકે. ઓળખાણો તો ત્યાં પણ હતી જ ને. આમંત્રણો ત્યાં પણ પાર વગરનાં મળવાનાં. ડૅડ અને મમ્મીએ વામાને પૂછ્યું, એ પણ સાથે ઇન્ડિયા જશે ને? વામાએ જવાબમાં કહ્યું, કે એ પોતે તો અમેરિકન છોકરી જ કહેવાય. અહીં જ ઉછરી, વિકસી, ને અહીં જ એ વિચાર કરતી થઈ છે. એને માટે ઇન્ડિયા આવીને વસવાનો ટાઇમ હજી નથી થયો. પણ એક ને એક દિવસે તો જરૂર, એણે કહેલું.
છોકરી હોંશિયાર છે, ને કેપેબલ છે. એ જ્યાં હશે ત્યાં પહોંચી વળશે, વામાનાં માતા-પિતા જાણતાં હતાં. વામા એમની સાથે ઇન્ડિયા ગઈ ખરી, પણ એમને સરસ રીતે દિલ્હીમાં સૅટલ કરીને એ પાછી આવી ગઈ. હવે ન્યૂયૉર્ક શહેરને બદલે, હડસન નદીની પેલી બાજુ, ન્યૂપૉર્ટ ગામમાં એણે અપાર્ટમૅન્ટ લીધો.
ફક્ત કૅરિયર કરવાનું વામાએ ક્યારેય વિચાર્યું નહતું. એનો વધારે રસ કળાક્શેત્રો પ્રત્યે હતો. એણે લાયબ્રેરી સાયન્સમાં ડીગ્રી લીધેલી, કે જેથી લાયબ્રેરીના વાતાવરણમાં, અસંખ્ય પુસ્તકોના સંગમાં, એ રહી શકે. એને ઇચ્છા હતી તે જ પ્રકારની ઇન્ટરૅસ્ટિન્ગ જૉબ એને ન્યૂયૉર્ક સિટીની મુખ્ય લાયબ્રેરીમાં મળી ગયેલી. ફિફ્થ ઍવન્યૂ પર રહેલી એ ઐતિહાસિક ઇમારત બહારથી ને અંદરથી એને બહુ ગમતી.
એમાં યે, એ જાજરમાન મકાનના નીચેના ભડંકિયાના પ્રસ્તારમાં જવાનું કારણ વામા વારંવાર શોધી લેતી. ત્યાં માઇલોના માઇલો થાય એટલા સ્ટૅક્સ- લાકડાના ઘોડા – ભરીને પુસ્તકો હતાં. જાણે પ્રાચીન કોઈ ભુલભુલામણી. વધારામંા, જૂની હસ્તપ્રતોના વિભાગમાંનાં જર્જરિત પાનાંની સુગંધ. જાણે એ ત્યાં ખેંચાઈ જતી.
વળી, લાયબ્રેરીમાં કેટલાયે કાર્યક્રમો થતા રહેતા- યુ.ઍન.ની જેમ જ- સાહિત્ય, કળા, ચર્ચાઓ, વ્યાખ્યાનો, અને દાતાઓ માટે સારી મિજબાનીઓ પણ. એટલે આમ જુઓ તો, ડૅડ અને મમ્મી વગરનું, વામાનું જીવન બહુ બદલાયું નહતું.
એક સાંજે લાયબ્રેરીમાં, વિશિષ્ટ ઇન્ડિયન મિનિએચર પેઇન્ટિન્ગના પ્રદર્શનનું ઉદ્ઘાટન હતું. ઇન્ડિયન કૉન્સ્યુલેટમાં, અને અગત્યની કંપનીઓમાં, આમંત્રણ મોકલવામાં આવેલાં. વામાને મુખ્ય મહેમાનોને આવકારવાથી માંડીને, ઇન્ડિયન ટી અને સ્નૅક્સનું ધ્યાન રાખવાની જવાબદારી આપવામાં આવી હતી.
રોજ તો એ પશ્ચિમી કપડાંમાં લાયબ્રેરીમાં જતી, પણ આ પ્રસંગે એણે સાડી પહેરેલી. સામાન્ય રીતે, સાંજ-રાતના ફંક્શનમાં બધી સ્ત્રીઓ કાળા રંગનાં વસ્ત્રો જ ધારણ કરે. મૉડર્ન વર્લ્ડમાં એ જ રિવાજ પડી ગયો છે. પણ વામા ફૅશન કરવા પર નહીં, બલ્કે આગવી પર્સનલ સ્ટાઇલ પર ભાર મૂકતી હતી. એ સાંજે એણે ઘેરા જાંબલી રંગની, શિફૉન સિલ્કની સાડી પહેરેલી. એના પર સોનેરી કિનાર અને બુટ્ટાનું વણાટકામ હતું.
મોટા હૉલમાં એ આમથી તેમ જતી, અને જાણે વીજળી ચમકતી જતી. એનો કોઈ સભાન ઇરાદો નહતો, છતાં સહેલાઈથી ધ્યાન એના પર ખંેચાતું રહેતું. એના સ્મિત, અને આવકારના હાવભાવને લીધે, એની આસપાસ આનંદની લહેરો પ્રસરતી લાગતી હતી.
ત્યાં ભેગા થયેલા બીજા અનેકની નજરોમાં પણ, બે પુરુષોની નજર વામાના હલનચલનને સૌથી વધારે અનુસરતી હતી. એકની ચકિત થઈને, બીજાની રસપૂર્વક.
સુજીતની કંપનીમાં પણ આ પ્રસંગ માટેનું આમંત્રણ આવેલું. વિશને જવાનું મન થઈ ગયેલું. એ કહે, ચાલોને આપણે જઈએ, બૉસ. આવા પ્રસંગમાં જવાનો આપણો વારો ક્યારે આવવાનો? બંનેએ વિચાર્યું, કે ઘેર જઈને નીકળવાનું રાખશે તો મોડું થઈ જશે, તેથી ઑફીસેથી સીધાં જ લાયબ્રેરીમાં પહોંચી જવું. પત્નીઓ વગર જ જવું પડશે, પણ કાંઈ નહીં, ઘેર પાછાં જવામાં આપણે બહુ મોડું નહીં કરીએ.
હૉલમાં ઘણાં જણ આવી ચૂકેલાં. સારી એવી ભીડ થઈ ગયેલી હતી. થોડાં જણ પ્રદર્શન જોતાં હતાં, પણ મોટા ભાગનાં, હાથમાં વાઇનના ગ્લાસ પકડીને, વાતો કરતાં ઊભાં હતાં. વેઇટર્સ મોટી ગોળ ટ્રેમાં નાનાં સમોસાં, કચોરી, કબાબ વગેરે નાસ્તો લઈને ફરતા હતા. બૅકગ્રાઉન્ડમાં સિતાર ને તબલાંની સંગત ચાલતી હતી. જોકે ભાગ્યે જ કોઈ સાંભળતું હશે. બધાંની વાતોનો અવાજ ઘોષ બની ગયેલો હતો.
વિશ વાઇનના બે ગ્લાસ લઈ આવ્યો, અને એક સુજીતની સામે ધર્યો. ના ભાઇ, મેં તો ક્યારેય આવું બધું લીધું નથી. મને નહીં ફાવે.
અરે, હોય કાંઈ, બૉસ, આ તો અમેરિકા છે. અહીં તો આ જ રિવાજ છે. ને આવા સ્પેશિયલ પ્રસંગે મિજબાનીમાં ભાગ ના લઈએ, તો આપણે સાવ દેશી જ લાગીએ.
પછી કહે, અરે, ચાખો તો ખરા, બૉસ. ભાવશે, તમે ટ્રાય તો કરો.
પહેલો નાનો ઘૂંટ તો જાણે કેવો લાગ્યો – કડવો, ખાટો, ગળામાં વાગે એવો. ક્યાંક જઈને ગ્લાસને મૂકી દેવાનો વિચાર કરતો હતો, ત્યાં જ, સુજીતની નજર એક સોનેરી લિસોટા પર પડી, કે જાણે સોનાની વીજળી ચમકી ગઈ લાગી. પછી તો, ફરીથી એને જોવા એની આંખો ફરતી રહી, અને અભાનપણે બીજા ઘૂંટ લેવાતા ગયા. એક સુંદર ઝલક જોતાંની સાથે વાઇનનો સ્વાદ બદલાઈ ગયો કે શું?
હવે સુજીતની ઇન્દ્રિયો, કેવળ પ્રિયકર ધ્વનિ અને દૃશ્ય તારવવા માંડી. હવે ઘોષ અને ઘોંઘાટની વચમાં પણ, એને સિતાર અને તબલાં સંભળાવા લાગ્યાં. અને આટલી ભીડમાં પણ, એને એક લલિત આકાર જ દેખાતો ગયો. વિશ તક ઝડપીને, કૉન્સલ જનરલ સાથે હાથ મિલાવવા જતો રહ્યો હતો. સુજીત એક સ્તબ્ધ પૂતળાની જેમ એક તરફ ઊભો રહ્યો હતો.
એનો ધ્યાનભંગ ત્યારે થયો જ્યારે ટૂંકાં ભાષણ શરૂ થયાં. ને ત્યારે જ એને ભાન થયું, કે એ સુવર્ણસુંદરીએ એના મનને મૂર્છિત જેવું કેમ કર્યું હતું. હા, એને જોઈને સજનીની યાદ આવી ગઈ હતી. જાણે બુઝાઈ ગયેલા લાગતા અંગારામાંથી ઝબકી ઊઠતી આગની જ્વાળા. સજનીની અને આની – બંનેની સ્ટાઇલ અને સ્માર્ટનેસ જાણે સરખી લાગતી હતી. એને થયું, કે એ છોકરીની પાસે જઈને જો હલો કહે, ને સહેજ વાત કરે, તો કાંઈ ખરાબ નહીં લાગે. બંને ઇન્ડિયન છીએ, તો વાત કરવામાં તો વિવેક થયો કહેવાય.
બીજી જે બે આંખો વામાની ગતિને અનુસરતી હતી તે રૉબર્ટની હતી. હૅન્ડસમ, વૅલ-ડ્રેસ્ડ અમેરીકન. એને તત્કાળ, લૉર્ડ બાયરનના કાવ્યની પંક્તિઓ યાદ આવી ગઈ – “શિ વૉક્સ ઇન બ્યુટી, લાઇક ધ નાઇટ ઑફ ક્લાઉડલૅસ ક્લાઇમ્સ ઍન્ડ સ્ટારી સ્કાઇઝ”. કેવા પર્ફેક્ટ વર્ડ્ઝ – એકદમ યોગ્ય શબ્દો – છે એ છોકરીને માટે.
રૉબર્ટ અને જોહાન હાથમાં વાઇન લઈને સાથે ઊભા હતા. બંને આર્કિટૅક્ટ હતા, ને ઇન્ડિયન આર્ટની પણ થોડી ઘણી સમજણ હતી બંનેને.
રૉબર્ટે સાધારણ કુતૂહલથી પૂછ્યું, પેલી રૂપાળી ઇન્ડિયન હૉસ્ટૅસ કોણ છે?
ઓહ, હું સારી રીતે ઓળખું છું એને. ત્સિવિયાની ફ્રૅન્ડ છે. ચાલ, આપણે મળીએ, અને તારી સાથે ઓળખાણ કરાવું, જોહાને કહ્યું.
સુજીત એ તરફ જવા માંડ્યો.
રૉબર્ટ અને જોહાન એ તરફ જવા માંડ્યા.
સામી તરફ, છોકરી હાથ ઊંચો કરીને કોઈનું ધ્યાન ખેંચવા ટ્રાય કરતી હતી. ત્રણે પુરુષોએ હવે એ તરફ જોયું, તો છોકરીને જોઈ લઈને, એક યુવક, એની તરફ જવા માંડ્યો હતો. ખભા સુધી પહોંચતા વાળ, બ્લુ જીન્સ પર કાળું કૉર્ડરૉયનું જૅકૅટ, અને શર્ટનાં ઉપલાં બે બટન ખુલ્લાં. બોહેમિયન આર્ટિસ્ટ જેવો દેખાવ હતો એનો.
એને જોઈને છોકરી ખુશખુશાલ થયેલી લાગતી હતી. પાસે આવતાં જ યુવકે એની કમ્મર પર હાથ મૂકીને પાસે ખેંચી, અને પૅશનૅટ ચુંબન કર્યું. જાણે આસપાસ બીજું કોઈ હતું જ નહીં. બંને છૂટાં થયાં ત્યારે, યુવકની કોઈ વાત પર, એ ખૂબ હસી. ફરી એક લાંબી કિસ કરીને, ઉતાવળે, એ ક્યાંક ગયો.
હવે જાઉં?, સુજીતે વિચાર્યું.
હવે જઈએ?, રૉબર્ટ અને જોહાને વિચાર્યું.
એટલાંમાં વાઇનના બે ગ્લાસ લઈને યુવક પાછો આવ્યો. છોકરીને એક આપતાં પહેલાં પાછી કિસ કરી.
સુજીત બબડ્યો, બસ હવે.
પેલો ઊભો પણ રહ્યો છોકરીને કમ્મરેથી પકડીને.
રૉબર્ટ અને જોહાન સામસામે જોઈને હસ્યા. આ તો પઝૅસિવ બૉયફ્રૅન્ડ છે. હમણાં બીજા કોઈ સાથે વાત કરવાનો એ ઇન્ડિયન બ્યુટિને ટાઇમ નહીં મળે. ચાલો, આપણે જઈએ હવે, કરીને બંને બહાર નીકળી ગયા.
વિશ પણ આવી ચઢ્યો. અનિચ્છા છતાં, સુજીત પણ, એની સાથે ઘેર જવા નીકળી ગયો.
કેતકીને એણે કાર્યક્રમની વાત કરી, પણ એ છોકરીનો ઉલ્લેખ કર્યો નહીં. એમાં કહેવાનું કાંઈ હતું નહીં. ફરી ક્યારેય મળવાની પણ નહીં. જલદી જમીને એ સૂવા જતો રહ્યો, અને તરત ઊંઘી પણ ગયો.
એમાં થોડી અસર બે ગ્લાસ વાઇનની પણ હતી.
સુ શ્રી પ્રીતિ સેનગુપ્તાની બે કાંઠાની અધવચ સરળ પ્રવાહે વહેતી સ રસ નવલ…
LikeLike
વામાની ઓળખાણ કેતકી અને સુજીતને જુદી જુદી રીતે થઈ. આગળ શું થાય છે એ જાણવાની ઈંતજારી.
LikeLike