અંતરનેટની કવિતા- (૧૧) – અનિલ ચાવડા


એકવાર યમુનામાં આવ્યું ‘તું પુર

લોગ ઇનઃ

એકવાર યમુનામાં આવ્યું’તું પુર,
મથુરાથી એક વાર માથે મૂકીને કોક લાવ્યું’તું વાંસળીના સુર,

પાણી તો ધસમસતા વહેતાં રહેને એમ ગોકુળમાં વહેતી થઈ વાતો,
એમ કોઈ પૂછે તો કહી ના શકાય અને એમ કોઈ ભવભવનો નાતો;

ફળિયામાં, શેરીમાં, પનઘટ કે હૈયામાં બાઝી રહ્યાં છે નુપૂર…
એકવાર યમુનામાં આવ્યું’ પુર…

જુકેલી ડાળી પર જુક્યું છે આભ કંઈ જોવામાં થાય નહીં ભૂલ,
એવું કદંબવૃક્ષ ઝૂલે છે, ડાળી પર વસ્ત્રો હશે કે હશે ફૂલ?

પાણી પર અજવાળું તરતું રહેને એમ આંખોમાં ઝલમલતું નૂર…

એકવાર યમુનામાં આવ્યું’તું પુર…

કાંઠો તો યમુનાનો, પૂનમ તો ગોકુળની, વેણ એક વાંસળીનાં વેણ,
મારગ તો મથુરાનો, પીંછું તો મોરપીંછ, નેણ એક રાધાનાં નેણ…

એવાં તે કેવા કહેણ તમે આવ્યા કે લઈ ચાલ્યા દૂર દૂર દૂર…

એકવાર યમુનામાં આવ્યું’તું પુર…

માધવ રામાનુજ

કૃષ્ણજન્મનો તહેવાર આપણે ત્યાં ખૂબ ધામધુમથી મનાવવામાં આવે છે. ગુજરાતી સાહિત્યમાં અનેક કૃષ્ણકાવ્યો લખાયાં છે. ગુજરાતી ભાષામાં જ કેમ? ભારતની અનેક ભાષામાં કૃષ્ણભક્તિએ સાહિત્યનો ઘણો ખરો ભાગ રોક્યો છે. નરસિંહ મહેતાએ પોતાનાં મોટાભાગનાં પદોમાં કૃષ્ણપ્રેમ ગાયો છે, મીરાં તો કૃષ્ણની પ્રેમદીવાની હતી. તેણે તો કૃષ્ણને જ જીવન સમર્પિત કરી દીધું હતું. મધ્યકાલિન સાહિત્યમાં ભક્તિરસથી છલકાય છે. અર્વાચીન અને આધુનિક સમયમાં પણ કૃષ્ણ હંમેશાં બિરાજમાન રહ્યા છે. માધવ રામાનુજે કૃષ્ણજીવનની ઘટનાઓને કવિતામાં જરા અલગ સૌંદર્યથી નિરૂપી છે. તેમનું આ ગીત ખૂબ જ જાણીતું છે.

કૃષ્ણજન્મનો ઉત્સવ એ યમુનામાં આવેલા પુરની વાત છે, મથુરાથી માથે મુકાઈને આવેલી એક ટોપલીની વાત છે, ટોપલીમાં મુકાઈને આવેલા વાંસળીના સુરની વાત છે. કૃષ્ણજન્મ થયો છે, એવી સીધી જ વાત કરવી હોય તો કવિતા કરવાની જરૂર ક્યાં છે? કવિને તો આ વાત વધારે વિશેષ રીતે કહેવી છે. સમગ્ર ઘટનાના ભાલ ઉપર કૃષ્ણજન્મની મહત્તાનું તિલક કરવું છે. એટલે માટે જ તો મથુરાથી માથે મૂકીને કોઈ વાંસળીના સૂર લાવ્યું હતું એમ કહે છે. મૂળ ઘટના શું છે તે આપણે બધા જ જાણીએ છીએ. દેવકીએ તેના આઠમા સંતાનને જન્મ આપ્યો અને કંસ તેને મારવા આવે તે પહેલા જ વાસુદેવ તેને લઈને ગોકુળ નીકળી પડે છે. પુષ્કળ વરસાદ પડી રહ્યો છે, વચ્ચે યમુનામાં પુર આવ્યુ છે, પણ મનોજ ખંડેરિયાએ લખ્યું છેને- ટોપલીમાં તે જ લઈ નીકળી પડે, પાણીની વચ્ચેથી રસ્તા થઈ જશે. કૃષ્ણ ગોકુળ પહોંચી ગયા. આ ઘટના આપણાથી જરા પણ અજાણી નથી, પણ જ્યારે માધવ રામાનુજ મથુરાથી માથે મૂકીને વાંસળીના સુર લાવવાની વાત કરે ત્યારે એ જ ઘટના એક જુદી આંખથી દેખાય છે. કૃષ્ણ હોય અને વાંસળી ન હોય એવું તો ક્યાંથી બની શકે? અહીં કવિ વાંસળીને બદલે સુદર્શન પણ કહી શક્યા હોત, પણ તેમને કૃષ્ણનું એ રૂપ નથી દર્શાવવું, તેમને તો કૃષ્ણજન્મનું સૌંદર્ય વ્યક્ત કરવું છે. એટલે જ તેમણે વાંસળીના સુરની વાત કરી છે. કૃષ્ણજન્મના આ સમાચારથી ચારેબાજુ આનંદનું વાતાવરણ ફેલાઈ ગયું છે. પાણીની જેમ ગોકુળમાં વાત વહેતી થઈ ગઈ છે. તેના લીધે જાણે ફળિયું, શેરી, પનઘટ, હયું બધે જ નુપૂર બાજી રહ્યાં છે.

કવિતાના બીજા બંધમાં જાણે પરોક્ષ રીતે ગોપીઓના વસ્ત્રની કૃષ્ણ દ્વારા થયેલી ચોરીનો આછો સરખો સંકેત કવિ કરતા હોય તેવું લાગે છે. ડાળી પર વસ્ત્રો હશે કે હશે ફૂલ? ડાળી પર ગોપીઓનાં વસ્ત્રો ફૂલ જેવાં શોભી રહ્યાં છે. પાણી પર અજવાળાં જેમ ગોપીઓની આંખમાં નૂર ઝલમલ થઈ રહ્યું છે.

કાંઠો તો યમુનાનો, અર્થાત તેના જેવા અન્ય કોઈ નદીના કાંઠા ન હોઈ શકે તેવું નથી, પણ અહીં યમુનાના કાંઠાને વિશેષ મહત્ત્વ અપાયું છે, કૃષ્ણના સંદર્ભમાં! પૂનમ પણ ગોકુળની, બીજી નહીં, કેમકે કૃષ્ણએ ગોકુળવાસીઓની અનેક પૂનમને પોતાની હાજરીથી વધારે રળિયાત કરી છે. વેણ તો વાંસળી સિવાય બીજા ક્યાંથી હોઈ શકે, અને સ્વાભાવિક છે કે એ વાંસળી કૃષ્ણના હોઠથી ફુંકાતી હોય! મારગ મથુરાનો એટલા માટે કે તે મારગે કૃષ્ણ જાય છે. મોરપીચ્છ બાળકૃષ્ણના માથે આપણે હંમશાં જોયું છે. અને રાધાના નેણમાં કૃષ્ણ માટે પ્રેમનો છલકાતો આખો સાગર છે. એના સિવાય અન્ય નેણનો અહીં સદર્ભ પણ ટંકાય ક્યાંથી? પણ કૃષ્ણને જવું પડે તેમ છે, તે મથુરા જાય છે. કહેણ આવ્યાં છે. પ્રશ્ન સાથે કવિતા પૂર્ણ થાય છે- એવા તે કેવા કહેણ, જે દૂર દૂર લઈ ગયા…  આખી કવિતા બાળકૃષ્ણ યમુના પાર કરીને ગોકુળ આવ્યા અને મથુરાની વાટે વિદાય લીધી ત્યાં સુધીનો આછો પ્રવાસ છે. સરળતા, સહજતા, ગેયતા આ કવિતાનો પ્રાણ છે.

લોગ આઉટઃ

ચાલ હવે તો પૂરી કરીએ એક અધૂરી સ્ટોરી રાધા,
વર્ષોથી જે ના કીધું તે હવે કહું છું, ‘સોરી રાધા!’

હવે મળે તો સાથે રહું ને ગોકુળ હું ના છોડું,
યમુના તીરે સેલ્ફી લઈને ટ્વિટર ઉપર ચોડું.

તને સમયના સ્ક્રીન ઉપર મેં મોરપીંછથી દોરી રાધા!
વર્ષોથી જે ના કીધું તે હવે કહું છુ, ‘સોરી રાધા!’
– અક્ષય દવે

1 thought on “અંતરનેટની કવિતા- (૧૧) – અનિલ ચાવડા

 1. મા માધવ રામાનુજ નુ મધુરું કાવ્ય એકવાર યમુનામાં આવ્યું’તું પુરનો અનિલ ચાવડા દ્વારા
  સ રસ આસ્વાદ
  અને
  તને સમયના સ્ક્રીન ઉપર મેં મોરપીંછથી દોરી રાધા!
  વર્ષોથી જે ના કીધું તે હવે કહું છુ, ‘સોરી રાધા!’
  અક્ષય દવેનુ સાંપ્રત સમયનુ સુંદર કટાક્ષ ચિત્ર

  Liked by 1 person

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s