થોડી ખાટી, થોડી મીઠી -(૧૪)- દિપલ પટેલ


મારી અગાઉની વાતો વાંચીને એટલો અંદાજો તો આવી ગયો હશે કે મને ઝગડવું, કોઈનું અપમાન કરવું ગમતું નથી. ટૂંકમાં કોઈ પ્રકારની હિંસા પસંદ નથી. પણ આજનો કિસ્સો થોડો હિંસા- અહિંસાના માપદંડો અલગ રીતે મૂકી શકે એવો છે…કદાચ 6-7 વર્ષ પહેલાની વાત છે. અમે નડિયાદમાં ફ્લેટમાં ચોથે માળે રહીએ. અમારી ફ્લેટની ગેલેરીમાંથી પાછળની સોસાયટીના ઘરો દેખાય. એમાંથી એક ઘરમાં એક માસી, એમનો દીકરો અને નવી પરણીને આવેલી વહુ રહે. દીકરો નાની નોકરી કરે. માસી બહુ જ જબરા. શરૂઆતમાં અમને કાયમ એમનો મોટેથી બોલવાનો અવાજ સંભળાય. ભાઈ આખો દિવસ નોકરી ઉપર જાય એટલે વહુને બોલ્યા કરે. દેખાવે માસી એકદમ હટ્ટા કટ્ટા અને વહુ એકદમ પાતળી. હવા ખાઈને જીવતી હોય એવી! માસી મોટેથી વહુને બોલતા હોય અને વહુ ડુસકા ભરીને રડે એવું સંભળાય.

એક દિવસ એ મારતાં હોય એવું લાગ્યું. અમે થોડા ગભરાયા. માસી બોલવામાં પણ બહુજ ખરાબ એટલે અમે ખચકાયાં અને ગયાં નહિ. બીજી વખતે માસી વહુને મારતાં હોય એવું લાગ્યું અને ભાઈ પણ ઘરે હતા ! હું અને મમ્મી હિમ્મત કરીને એમને નીચે કહેવા ગયા. અમારા ફ્લેટ અને એમના ઘર વચ્ચે એક દિવાલ, ત્યાં ઉભા રહીને અમે બૂમ પાડી અને કહ્યું કે મહેરબાની કરીને મારશો નહિ. મમ્મી એ સમજાવ્યું પણ માસી અમને જેમ તેમ બોલ્યાં અને અમે પાછા ફર્યાં. એમની વહુને એકલા ઘરની બહાર જવાની પરવાનગી નહિ અને એને એકલી મુકવાની પણ નહિ! જ્યાં પણ જોઈએ બંને સાસુ બહુ જોડે જ હોય. ભૂલથી પણ વહુ સામે નાનકડું સ્મિત આપીએ તો પણ એ ગભરાઈ જાય! અમને ખુબ દયા આવતી, ઘણી વાર થતું કે પોલીસને કહી દઈએ. 

એક દિવસ સાસુ વહુ ચાલીને આવતા હતા અને રસ્તામાં સાસુ કંઈક લેવા દુકાને ગયા અને વહુ ત્યાં એકલી ઉભી હતી, મારુ અને મમ્મીનું પણ ત્યાંથી પસાર થવું અને મમ્મીએ તરત એ બહેનને કીધું કે બેટા, તું તારા ઘરે કેમ નથી જતી? અમે પોલીસને જણાવીએ? તરત જ એમણે ના પાડી. અને કહ્યું કે મારા માં-બાપ બહુજ ગરીબ છે, ઘરે ખાવા પણ નથી એટલે તમે મહેરબાની કરીને કોઈને કંઈ જ ન જણાવશો. મારુ નસીબ જ છે કદાચ આ. 😦

અમે થોડા દુઃખી થયા. પછી તો એ બહેનને દીકરી પણ જન્મી અને સાસુનો ત્રાસ પણ વધ્યો! એક દિવસ એ બહેન એમની નાનકડી દીકરીને લઈને બહાર સોસાયટીના બાંકડે બેઠા હતા. (અમને પણ નવાઈ લાગી કે એ એકલા હતા ત્યારે!) અમે તરત જ એમની પાસે ગયા(હવે એ બહેન અમારી સામે હસતાં, મારી મમ્મી એમની દીકરીને રમકડાં, ખાવાનું આપતી) અને મારી મમ્મી એ એમને એક વાત કરી કે, “બેટા, હવે પછી તારા સાસુ તને મારે ને ત્યારે માર ના ખાઈશ એમનો વિરોધ કર, એ મારવા આવે એટલે તું સામે સોટી કે સાવરણી લઇ આવ અને વિરોધ કર અને તોય ના માને તો ગભરાયા વગર એમને સામે માર! એ જે કરે છે એ ખુબ જ ખરાબ છે, અને એ તુ જ સુધારી શકીશ, બાકી આખી જિંદગી તું આમ માર ખાતી રહીશ. અને આ કામ તારા પતિ ન હોય ત્યારે કરજે, એમની હાજરીમાં નહિ. સાંજે તારા પતિ આવશે અને સાસુ ફરિયાદ કરશે તો એ માનશે જ નહિ કારણકે કાયમ એજ તારા ઉપર હાથ ઉપાડે છે. 
સાંભળવામાં અઘરું છે પણ હિમ્મત કરીને કરજે.” 

અમને નથી ખબર એ બહેન અમારા વિષે શું વિચારતાં હશે. અમે જે કહ્યું એ યોગ્ય હતું કે કેમ. અમે પાછા ફર્યા. થોડા દિવસ ઘરમાંથી કોઈ અવાજ ન આવ્યો. અમને સારું અને ખરાબ બંને લાગતું હતું કે થયું શું હશે? 

થોડા દિવસ પછી હું અને મમ્મી બજારથી પાછા આવી રહ્યાં હતા અને પાછળથી કોઈ બોલાવતું હોય એમ લાગ્યું. મેં સ્કૂટર ઉભું રાખ્યું તો એ બહેન એમની દીકરીને લઈને ખુશ થઈને દોડીને આવી રહ્યાં હતા. નજીક આવીને મારી મમ્મીને ભેટ્યા અને પગે લાગ્યા. એમણે અમને કીધું કે, “માસી તમે કહ્યું હતું એમ મેં એક દિવસ હિમ્મત કરી અને મારા સાસુ મને મારવાં જતાં હતા અને મેં એમને રોક્યાં અને સામે સાવરણી ઉપાડી, મારા સાસુ એવા ડરી ગયા કે એ પછી એમણે હાથ ઉપાડવાનો બંધ કરી દીધો! જુઓ આજે હું એકલી શાક લેવા નીકળી છું !” અમે ખુબ ખુશ થયા 🙂

અમેં કદાચ એ બહેનને નાનકડી હિમ્મત આપી પણ એ બહેને જે કર્યું એ મહત્વનું હતું. અન્યાય સહન કરવો એ પણ એક પ્રકારની હિંસા જ છે. અને ઘણાં માણસો લાતો ના ભૂત હોય છે, નહિ કે વાતો ના !! એવું જ કંઈક આ કિસ્સામાં થયું!

(એ પછી તો એમને બીજી દીકરી પણ જન્મી. એ પછી ઘણા દૂર ગયા રહેવાં પણ અત્યારે પણ રસ્તામાં મળી જાય તો ખુશ થઈને મળવા આવે 🙂  અને હવે તો એમના સાસુ પણ ઘણા બદલાઈ ગયાં છે એવું પણ એમણે જ અમને કીધું હતું)

2 thoughts on “થોડી ખાટી, થોડી મીઠી -(૧૪)- દિપલ પટેલ

  1. એક ફીલ્મ આવી હતી, જેમાં ઓમપ્રકાશ પતિ હોય છે અને લલિતા પવાર પત્ની હોય છે. લલિતાજી બહુ જબરા અને ઘરમાં દરેકને ડરાવીનેજ રહે અને દરેક એમનાથી ડરીને રહે. એક વાર ઓમપ્રકાશજી હાથમાં ડંડો લ્યે છે અને લલિતાજી સામે ગુસ્સ્સાથી એવો હાકોટો પાડે છે અને જાણે એને મારવાના હોય એવો અભિનય કરે છે અને લલિતાજી એકદમ ગભરાઈ જાય છે અને પછી બરાબરના સુધરી જાય છે..!!!!!

    તમારી પ્રેરણાદાયક આ વાર્તા વાંચતા આ પ્રસંગ યાદ આવવી ગયો…

    Liked by 2 people

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s