એલેક્ઝાંડર ફ્લેમિંગ – એક સંકલન


એલેક્ઝાન્ડર ફ્લેમિંગ

(ડો. આશિષ ચોક્સીના બ્લોગના સૌજન્યથી, સાભાર.)

સમગ્ર માનવજાતિ પર જેમના અનેક ઉપકારો છે તેમાંના એક છેઃ એલેકઝાન્ડર ફ્લેમિંગ. વિશ્વના  લોકો બેક્ટેરિયાના ચેપથી ટપોટપ મરતા હતા ત્યારે સર એલેકઝાન્ડર ફલેમિંગે પેનેસિલિનની શોધ કરી વિશ્વના કરોડો લોકોને બચાવી લીધા છે. સર એલેકઝાન્ડર ફ્લેમિંગ એક સ્કોટિશ જીવવિજ્ઞાની અને ફાર્માકોલોજિસ્ટ હતા. ફલેમિંગે બેક્ટેરિયોલોજી, ઈમ્યૂનોલોજી અને કિમોથેરાપી વિશે અનેક લેખો પ્રકાશિત કર્યા હતા. તેમના સૌથી જાણીતા સંશોધનોમાં ૧૯૨૩માં એન્ઝાઇમ લાઇસોઝાઇમની શોધ અને ૧૯૨૮માં ફુગ પેનિસિલિયમ નોટાટમમાંથી એન્ટિબાયોટિક પદાર્થ પેનિસિલિનની શોધ સમાવેશ થાય છે, જેના માટે તેમને ૧૯૪૫માં હાવર્ડ વોલ્ટર ફ્લોરે અને અર્ન્સ્ટ બોરિસ ચેઇન સાથે સંયુક્ત રીતે ફિઝિયોલોજી અથવા મેડિસિનમાં નોબેલ પુરસ્કાર અપાયો હતો.

ટાઇમ મેગેઝિન એ ફ્લેમિંગને તેમની પેનિસિલિનની શોધ બદલ ૨૦મી  સદીના સૌથી વધુ મહત્ત્વના ૧૦૦ લોકોમાં સ્થાન આપ્યું હતું અને જણાવ્યું હતું, ‘આ એક એવી  શોધ હતી જે ઇતિહાસનો પ્રવાહ બદલી નાખશે. ફ્લેમિંગે જેને પેનિસિલિન નામ આપ્યું હતું તે સક્રિય પદાર્થ ચેપ સામે લડવામાં અસાધારણ ક્ષમતા ધરાવતો હોવાનું સાબિત થયું હતું. તેની ક્ષમતા વિશે જ્યારે આખરે જાણકારી મળી અને વિશ્વમાં  સૌથી વધુ કાર્યક્ષમ જીવનરક્ષક દવા તરીકે ઊભરી આવી ત્યારે પેનિસિલિને બેક્ટેરિયા આધારિત ચેપનો પ્રતિકાર કરવાની પદ્ધતિ જ બદલી નાખી હતી. સદીની મધ્યમાં ફ્લેમિંગની શોધના કારણે વિશાળ ફાર્માસ્યૂટિક્લ ઉદ્યોગ ઊભો થયો હતો અને સિન્થેટિક પેનિસિલિન બનવા લાગ્યું હતું જેણે માનવજાત સામેના સૌથી પડકારજનક રોગ સામે લડવામાં મદદ કરી હતી જેમાં સિફિલિસ, ગેન્ગ્રીન અને ટયૂબરક્યુલોસિસનો સમાવેશ થતો હતો.

ફ્લેમિંગનો જન્મ ૬ ઓગસ્ટ ૧૮૮૧ના રોજ સ્કોટલેન્ડમાં  ઇસ્ટ એઇરશાયર ખાતે ડાર્વેલ નજીક લોકફિલ્ડ નામના ફાર્મમાં  થયો હતો. તેઓ હ્યુજ ફ્લેમિંગના ગ્રેસ સ્ટર્લિંગ મોર્ટન સાથેના બીજા લગ્નથી થયેલા ચાર સંતાનોમાં ત્રીજું બાળક હતા. ગ્રેસ મોર્ટન નજીકના એક ખેડૂતના પુત્રી હતા. હ્યુજ ફ્લેમિંગને પ્રથમ લગ્નથી ચાર બાળક હતા. બીજા લગ્ન વખતે તેમની ઉંમર ૫૯ વર્ષ હતી અને એલેકઝાન્ડર (એલેક તરીકે ઓળખાતો) સાત વર્ષનો હતો ત્યારે તેમનું  અવસાન થયું હતું.

ફ્લેમિંગ લોડેન મૂર સ્કૂલ અને ડાર્વેલ સ્કૂલમાં ભણ્યા હતા અને બંને શાળાઓ પ્રમાણમાં  ઠીક ઠીક સારી હતી છતાં તેમને લંડન જતા પહેલા ક્લ્મિાર્નોક એકેડેમી  માટે બે વર્ષની સ્કોલરશિપ મળી હતી. લંડનમાં તેમણે રોયલ પોલિટેકનિક ઇન્સ્ટિટયૂશનમાં અભ્યાસ કર્યો હતો. ચાર વર્ષ સુધી એક શિપિંગ ઓફિસમાં કામ કર્યા બાદ બાવીસ વર્ષના ફ્લેમિંગને તેમના કાકા જ્હોન ફ્લેમિંગ પાસેથી વારસામાં થોડા નાણાં મળ્યા હતા. તેમના મોટા ભાઈ ટોમ પણ ફિઝિશિયન હતા અને તેમણે નાના ભાઈને પણ તે ક્ષેત્રમાં જ આગળ વધવા સમજાવ્યા. તેથી ૧૯૦૩માં યુવાન એલેકઝાન્ડરે લંડનની  સેન્ટ મેરિઝ હોસ્પિટલ, પેડિંગ્ટનમાં પ્રવેશ મેળવ્યો. ૧૯૦૬માં તેઓ ડિસ્ટિંક્શન સાથે શાળામાં પાસ થયા અને તેઓ સર્જન બનવાનું  વિચારતા હતા.

ફ્લેમિંગે પ્રથમ વિશ્વયુદ્ધમાં આર્મી મેડિકલ કોર્પ્સમાં કેપ્ટન તરીકે સેવા આપી હતી. યુદ્ધ પછી ફ્લેમિંગે સક્રિય રીતે એન્ટી-બેક્ટેરિયલ એજન્ટ્સ માટે સંશોધન કર્યું હતું. તેમણે ઘણા સૈનિકોને ચેપગ્રસ્ત ઘાવનાકારણે સેપ્ટિસમિયાથી મરતા જોયા હતા. એન્ટિસેપ્ટિક્સથી આક્રમણકારી બેક્ટેરિયાને  ખતમ કરી શકાતા હતા, તેના કરતા દર્દીની રોગપ્રતિકારક શક્તિને વધુ નુકસાન થતું હતું.  પ્રથમ વિશ્વયુદ્ધ  દરમિયાન મેડિકલ જર્નલ ધ લાન્સેટમાં પ્રસિદ્ધ થયેલા અહેવાલમાં ફ્લેમિંગે પોતાના પ્રયોગ વિશે  પ્રથમ વિશ્વયુદ્ધમાં એન્ટિસેપ્ટિક્સથી જેટલા જંતુઓનો થતો હતો  તેના કરતા વધુ સૈનિકોના મોત નીપજતા હતા. એન્ટિસેપ્ટિક્સ સપાટી પર સારું કામ કરતા હતા, પરંતુ ઊંડા ઘાવ હોય ત્યારે એન્ટિસેપ્ટિક્સ એજન્ટ  સામે એનેરોબિક બેક્ટેરિયાને આશ્રય મળતો હતો. એન્ટિસેપ્ટિક્સથી ફાયદાકારક એજન્ટ્સ પણ નાશ પામતા હતા જે બેક્ટેરિયાને દૂર કરી શકે તેમ હતા. જે બેક્ટેરિયા સુધી તેની અસર પહોંચતી ન હતા તેને દૂર કરવા એન્ટિસેપ્ટિક્સ કશું કરતા ન હતા. સર એલ્મરોથ રાઇટએ ફ્લેમિંગની શોધની ભારપૂર્વક હિમાયત કરી હતી પરંતુ આમ છતાં ઘણા આર્મી ફિઝિશિયનોએ પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન ઘાયલ સૈનિકો માટે એન્ટિસેપ્ટિક્સનો ઉપયોગ કર્યો હતો, દર્દીઓની સ્થિતિ કથળી હોય તેવા કિસ્સામાં પણ તેમણે આમ કર્યું હતું.

૧૯૨૮ સુધીમાં ફ્લેમિંગ સ્ટેફાઇલોકોસિની પ્રોપર્ટીઝની ચકાસણી કરતા હતા. તેઓ પોતાના અગાઉના કામથી જાણીતા હતા અને વિચક્ષણ રિસર્ચર તરીકે પ્રતિષ્ઠા મેળવી હતી. પરંતુ તેમની લેબોરેટરી ઘણી વાર અવ્યવસ્થિત રહેતી હતી. ફ્લેમિંગ ઓગસ્ટમાં પોતાના પરિવાર સાથે રજાઓ ગાળીને ૩ સપ્ટેમ્બર, ૧૯૨૮ના રોજ તેઓ પોતાની લેબોરેટરીમાં પરત આવ્યા. રજા પર જતા અગાઉ તેમણે લેબોરેટરીના એક ખૂણામાં બેન્ચ પર સ્ટેફાઇલોકોસિનીના તમામ કલ્ચર મૂક્યા હતા.  પરત આવીને  તેમણે જાયું કે એક કલ્ચર પર ફૂગ લાગી ગઈ હતી અને તેની આસપાસ સ્ટેફાઇલોકોસિની નાશ પામી હતી. જ્યારે દૂર રહેલી કોલોની નોર્મલ હતી. ફ્લેમિંગે અસરગ્રસ્ત કલ્ચર તેના ભૂતપૂર્વ આસિસ્ટન્ટ ર્મિલન પ્રાઇસને દર્શાવ્યું. જેમણે જણાવ્યું કે આવી જ રીતે તમે લાઇઝોમાઇનની શોધ કરી હતી. ફ્લેમિંગે તેના કલ્ચર પ્લેટને અસર કરનાર મોલ્ડને પેનિસિલિયમજીનસ ગણાવ્યું હતું અને કેટલાક મહિનાના ‘મોલ્ડ જ્યૂસ’ બાદ તેને ૭ માર્ચ ૧૯૨૯ના રોજ પેનિસિલિન તરીકે રિલીઝ કરવામાં આવ્યું હતું.

તેમણે અનેક ઓર્ગેનિઝમ પર તેની પોઝિટિવ એન્ટિ બેક્ટેરિયલ અસરની તપાસ કરી હતી અને નોંધ લીધી કે તે સ્ટેફાઇલોકોસી જેવા બેક્ટેરિયા પર બીજા ઘણા ગ્રામ પોઝિટિવ પેથોજેન્સને અસર કરતું હતું જેનાથી સ્કારલેટ ફીવર, ન્યુમોનિટા, મેનીન્જાઇટિસ અને ડિપ્થેરિયા જેવા રોગ થતા હતા પરંતુ ટાઇફોઇડનો તાવ કે પેરાટાઇફોઇડ તાવ આવતો ન હતો જે ગ્રામ- નેગેટિવ બેક્ટેરિયાથી થાય છે, જેના માટે તેઓ તે સમયે ઇલાજ શોધી રહ્યા હતા. તેણે નેઇસેરિયા ગોનોરિયાને પણ અસર કરી જે ગોનોરિયા સર્જે છે જો કે આ બેક્ટેરિયમ ગ્રામ નેગેટિવ છે.

ફ્લેમિંગે તેની શોધ ૧૯૨૯માં બ્રિટિશ જર્નલ ઓફ એક્સ્પેરિમેન્ટલ પેથોલોજીમાં પ્રકાશિત કરી હતી પરંતુ આ લેખ પર બહુ ઓછું ધ્યાન અપાયું હતું. ફ્લેમિંગે  પોતાની તપાસ ચાલુ રાખી, પરંતુ જાણવા મળ્યું કે પેનિસિલિયમને  વિકસાવવાનું કામ ઘણુ અઘરું છે અને મોલ્ડને વિકસાવ્યા બાદ એન્ટિ બાયોટિક એજન્ટને  અલગ કરવાનું કામ વધારે મુશ્કેલ હતું. ફ્લેમિંગ માનતા હતા કે તેને જથ્થામાં ઉત્પાદિત કરવાની સમસ્યા હોવાથી અને તેની કામગીરી વધુ ધીમી લાગતી હોવાથી ચેપનો ઇલાજ કરવામાં પેનિસિલિન બહુ મહત્ત્વપૂર્ણ નહીં હોય. ફ્લેમિંગને એ બાબતની પણ ખાતરી થઈ હતી કે માનવ શરીરમાં પેનિસિલિન બેક્ટેરિયાને  મારવા માટે વધુ સમય સુધી નહીં રહે. ઘણા ક્લિનિકલ ટેસ્ટ અપૂર્ણ હતા, ખાસ કરીને કારણ કે તેનો ઉપયોગ સરફેસ એન્ટિસેપ્ટિક તરીકે કરવામાં આવ્યો હતો.  ૧૯૩૦ના દાયકામાં ફ્લેમિંગના ટાયલમાં વધુ વિશ્વાસ દર્શાવાયો હતો અને તેમણે ૧૯૪૦ સુધી કામ ચાલુ રાખ્યું. ઉપયોગ કરવા પાત્ર પેનિસિલિનને વધુ રિફાઇન કરવા માટે સક્ષમ કેમિસ્ટને રસ જગાવવાનું કામ કરવામાં આવ્યું.

ફ્લોરે અને ચેઇને અમેરિકન અને બ્રિટિશ સરકાર પાસેથી ફંડ લઈને રિસર્ચ અને જથ્થાબંધ ઉત્પાદન કર્યા બાદ ફ્લેમિંગે અંતે પેનિસિલિનને છોડી દીધું. તેમણે પર્લ હાર્બર પર બોમ્બમારા બાદ ભારે ઉત્પાદન શરૂ કર્યું. ડી-ડે આવ્યો ત્યારે તેમણે સાથીદળોના તમામ ઘાયલ સૈનિકોની સારવાર માટે પૂરતા પ્રમાણમાં પેનિસિલિન બનાવી લીધું હતું.

ફ્લેમિંગની આકસ્મિક શોધ અને સપ્ટેમ્બર ૧૯૨૮માં પેનિસિલિનના આઇસોલેશન સાથે આધુનિક એન્ટિબાયોટિક્સની શરૂઆત થઈ. ફ્લેમિંગે બહુ વહેલું જાણી લીધું હતું કે બહુ ઓછા પ્રમાણમાં  કે બહુ સમયગાળા માટે પેનિસિલિનનો ઉપયોગ કરવામાં આવે ત્યારે બેક્ટેરિયા એન્ટિબાયોટિક્સ સામે પ્રતિકારશક્તિ મેળવી લેતા હતા.  પ્રયોગમાં સાબિત થાય તે પહેલા આલ્મરોથ રાઇટએ એન્ટિબાયોટિક પ્રતિકાર વિશે આગાહી  કરી હતી. ફ્લેમિંગે વિશ્વભરમાં તેમના અનેક પ્રવચન દરમિયાન પેનિસિલનના ઉપયોગ વિશે સાવચેતી રાખવા જણાવ્યું હતું. તેમણે ચેતવણી આપી કે યોગ્ય નિદાન બાદ જરૂરિયાત લાગે ત્યારે  જ પેનિસિલિનનો ઉપયોગ કરવો જોઈએ અને તેનો ઉપયોગ કરવામાં આવે તો બહુ ઓછા પ્રમાણમાં કે બહુ ઓછા સમય માટે તેનો ઉપયોગ કરવો, કારણ કે આવી સ્થિતિમાં એન્ટિબાયોટિક્સ સામે બેક્ટેરિયામાં પ્રતિકાર કેળવાય છે.

સેન્ટ મેરિઝ હોસ્પિટલ, લંડન ખાતે તેમની લેબોરેટરી, જ્યાં ફ્લેમિંગે પેનિસિલિનની શોધ કરી હતી ત્યાં ફ્લેમિંગ મ્યુઝિયમ બની ગયું છે.  ફ્લેમિંગ, ફ્લોરે અને ચેઇને સંયુક્ત રીતે ૧૯૪૫માં મેડિસિનમાં નોબેલ પારિતોષિક મેળવ્યું હતું.  ફ્લેમિંગ અને ફ્લોરીને ૧૯૪૪માં  નાઇટહૂડ અપાયું હતું. ફ્લેમિંગ ૧૯૪૩માં રોયલ સોસાયટીના  પ્રમુખ તરીકે ચૂંટાયા હતા અને લોકો સુધી પેનિસિલિન પહોંચાડવાના જંગી કામ માટે તથા બીજા વિશ્વયુદ્ધ દરમિયાન કરોડો લોકોના જીવ બચાવવા બદલ ૧૯૬૫માં તેમને પીરેજનું સન્માન મળ્યું અને તેઓ બેરોન બન્યા હતા. ૨૦૦૦નું વર્ષ નજીક આવ્યું ત્યારે ઓછામાં ઓછા ત્રણ મોટા સ્કોટિશ મેગેઝિનો દ્વારા પેનિસિલિનની શોધને સહસ્ત્રાબ્દિની સૌથી મહાન શોધ ગણવામાં આવી હતી. આ શોધના કારણે કેટલા લોકોના જીવ બચાવી શકાયા તે જાણવું અશક્ય છે, પરંતુ આમાંથી કેટલાક મેગેઝિનના અંદાજ પ્રમાણે ૨૦ કરોડ લોકોના જીવ બચાવી શકાયા હતા.

૨૦૦૯ના મધ્યમાં ફ્લેમિંગને ફ્લાઇડેસડેલ બેન્ક દ્વારા બહાર પાડવામાં આવેલી બેન્ક નોટ્સની  નવી સિરીઝમાં  સ્થાન મળ્યું હતું. તેમની તસવીર પાંચ પાઉન્ડની નોટની નવી સિરીઝમાં છે.

યાદ રહે કે, વિશ્વના વૈજ્ઞા।નિકોએ પેનેસિલિન અને એન્ટિબાયોટિકની શોધ કરીને વિશ્વને અનેક જીવલેણ બીમારીમાંથી બચવાના  ઔષધ આપેલાં છે એક જમાનામાં  ટીબી, મેલેરિયા, કોલેરા કે ટાઈફોઈડ જીવલેણ  બીમારી ગણાતા હતાં. હવે નહીં. સમયસર ઉપચાર થાય તો ટીબી, ટાઈફોઈડ, મેલેરિયા કે કોલેરાથી દર્દીને બચાવી શકાય છે. એન્ટિબાયોટિક્સના કારણે પ્લેગ પર પણ નિયંત્રણ લાવી શકાય છે. હા આજે કોરોના વાઇરસ મારે કોઈ ઔષધ ઉપલબ્ધ નથી પરંતુ કાલે હશે. વિજ્ઞાન અને તબીબો પર શ્રદ્ધા રાખો.

Source:- http://sandesh.com/

1 thought on “એલેક્ઝાંડર ફ્લેમિંગ – એક સંકલન

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s