ચાલો મારી સાથે – (૬) – ઉત્કર્ષ મઝુમદાર


ચાલો મારી સાથે – (૬) –  ઉત્કર્ષ મઝુમદાર

ગ્લોબ થિયેટરની વાત આગળ વધારીએ. આપણે લંડનમાં ફેલાયેલા રોગચાલી વાત કરી. ઈ.સ.1603 અને 16008 માં પ્લેગની મહામારી એટલી વકરેલી કે ગ્લોબ થિયેટર બંધ રાખવું પડેલું કારણ કે કોઈ રોગી પ્રેક્ષકના સંસર્ગમાં પણ નિરોગી પ્રેક્ષક આવે તો એને પણ ચેપ લાગી જાય ને બહુધા મરણને શરણ થવું. પડે. આજે જેમ કોવિદની મહામારીને લીધે થિયેટરો બંધ રાખ્યા છે તેમ. જોકે અંતરિયાળ પ્રદેશોમાં આ રોગચાળો નહતો પહોંચ્યો એટલે ત્યાં જઈને નાટક કરવામાં કોઈ હાનિ ન હતી.

થિયેટરના મુખ્ય પ્રવેશદ્વાર ઉપર લેટિનમાં એક લખાણ હતું  સમસ્ત વિશ્વ એક રંગમંચ છે. સિનેમા ને નાટકમાં ટિકિટ્સ કેટલી વેંચાઈ કેટલી આવક થઇ એને માટે એક શબ્દ  માટે  વપરાય છે. બોક્સ ઓફિસ કલેક્શન   આ શબ્દ પણ અહીંથી આવ્યો. નાટક શરુ થાય એ પહેલા દરવાજે ટિકિટ વેચનારા જે ઉભા હોય તે આવેલા પૈસા બધા બોક્સ માં નાખે અને એ બોક્સિસ લઈને તખ્તાની પાછળ આવેલા એક ખંડમાં જાય જે બોક્સ ઓફિસ તરીકે ઓળખાતો અને ત્યાં પૈસાની ગણતરી થાય કે આજના પ્રયોગમાં કુલ્લે કેટલી આવક થઇ. આમ આજે પણ સિનેમા  અને નાટકની આવક માટે આ બોક્સ ઓફિસ કૅલેક્શન શબ્દ વપરાય છે. છેને દિલચસ્પ વાત!

આજે નાટ્યગૃહોમાં નાટક શરુ થાય છે એની જાણ કરવા ઇલેક્ટ્રિક બેલ વગાડવામાં આવે છે. જયારે ઇલેક્ટ્રિસિટી ના હતી ત્યારે ગુજરાતી જૂની રંગભૂમિ માં પોટાશના ભડાકા કરવામાં આવતા જેથી પ્રેક્ષકોને ખબર પડી જાય કે હવે નાટક શરુ થવામાં છે. લંડનમાં નાટક શરુ થાય છે એની જાણ પ્રેક્ષકોને કેવી રીતે કરાતી હશે? બ્યુગલ વગાડીને. આ પણ નવી જાણકારી છે ખરું ને!

સૌથી અગત્યની વાત જાણીને મોટું આશ્ચર્ય થશે કે એ વખતે સ્ત્રી પાત્રો સ્ત્રી કલાકારો નહિ પરંતુ જુવાન છોકરાઓ ભજવતા માત્ર ગ્લોબ નહિ પરંતુ દરેક થિયેટરમાં. નાટકમાં સ્ત્રીઓ માટે કામ કરવું સારું ન લેખાતું. આપણે ત્યાં ગુજરાતી અને મરાઠી રંગભૂમિ પર પણ એ જ પરિસ્થિતિ હતીને! અરે સિનેમા માં પણ શરૂઆતના ગાળામાં  સ્ત્રી પાત્રો પુરુષો જ ભજવતા.  એનું  સૌથી મોટું ઉદાહરણ છે આપણી પ્રથમ ફિલ્મ રાજા હરિશ્ચંદ્ર. એમાં એની પત્ની તારામતીનું પાત્ર અન્ના હરિ સાલુંકે  નામના પુરુષે ભજવેલું.  બ્રિટનમાં આ પરિસ્થિતિ સન 1662 પછી બદલાઈ. 

ગ્લોબ થિયેટરના સ્થાપત્ય પર રોમના કોલોસીયમની અસર હતી. એના જેટલું વિશાલ નહિ ,નાનું પણ એના જેવું જ એમ્ફી થિયેટર પ્રકારનું. એલિઝાબેઠીયન  થિયેટરના બધા જ નાટ્યગૃહો આ જ સ્થાપત્યને અનુસરતા. ગ્લોબ થિયેટરની ખાસિયત બીજી એ હતી કે એનું બાંધકામ એક વ્યવસાયિક થિયેટર કંપની દ્વારા થયું હતું એટલે એમના નાટકોમાં એમને ક્યાં પ્રકારનો તખ્તો જોઈએ છે ને બેક્સ્ટેજમાં ક્યાં પ્રકારની સગવડો જોઈએ છે તેનો ખ્યાલ રાખીને આખી સંરચના ઉભી કરેલી. આ એક બહુ જ અગત્યની બાબત છે કારણ કે આપણે ત્યાં કેટલાય થિયેટરો એવા બંધાયા છે જ્યાં એના સ્થપતિને નાટક જોડે સ્નાન સૂતકનો સંબંધ ના હોય. પૃથ્વી થિયેટરનું જયારે નવનિર્માણનું વિચારાયું ત્યારે અભિનેતા શશી કપૂરની પત્ની જેનિફર કપૂર જે પોતે પણ કુશળ અભિનેત્રી હતી ને જેના પિતા એક સફળ શેક્શપિયરન નાટ્ય કંપની ચલાવતા તેમને એમના સ્થપતિ વેદ સેગાનને ઈંગ્લેન્ડ મોકલ્યા કે તમે ત્યાં જઈને અભ્યાસ કરી આવો કે આપણે આટલી જગ્યામાં આપણને જે જોઈએ છે તેવું નાટ્યગૃહ કેવી ઉત્તમ રીતે બાંધી શકીયે. એમણે પૈસા બચાવવાનો વિચાર નહિ કર્યો.  થિયેટર સાથેની આવી નિસ્બતને લીધે  જ આજે મુંબઈના પૃથ્વી થિયેટરનું  આંતરરાષ્ટ્રીય કક્ષાએ નામ છે. 

હવે પ્રેક્ષકોની એક સમસ્યાનું  અવનવી રીતે થતું નિરાકરણ. આજની તારીખમાં પણ પણ નાટક જોવા જઈએ ત્યારે એ કયા પ્રકારનું છે એની ખબર કેવી રીતે પડે? કોમેડી છે ટ્રેજેડી છે કે ઐતિહાસિક છે. તમે કહેશો કે નાટકના શીર્ષક પરથી અથવા અન્ય પાસેથી એના વિષે સાંભળીને. આની જાણકારી  ન હોય તો ટિકિટ બુક કરવા જયારે જાઓ ત્યારે  બુકિંગ ક્લાર્કને પૂછીને ટિકિટ લેવાની એટલે ભળતા પ્રકારવાળા નાટકમાં ભરાઈ ન પડીયે। ગ્લોબ થિયેટરવાળાઓ અજબ નુસખો વાપરતા. તેઓ મુખ્યદ્વાર આગળ, જ્યાં નાટકનું નામ લખ્યું હોય ત્યાં જુદા જુદા રંગની ધજાઓ રાખે જેમ કે લાલ રંગની ધારા હોય તો નાટક ઐતિહાસિક, સફેદ રંગની ધજા હોય તો નાટક કોમેડી ને કાલા રંગની ધજા હોય તો નાટક ટ્રેજેડી. અક્ષરજ્ઞાન ન હોય એવા પ્રેક્ષકોને પણ સહેલાઈથી ખબર પડી જાય. બોલો બુદ્ધિ કોના બાપની.

23 એપ્રિલ સન 1616માં જગતનો મહાન નાટ્યકાર શેક્સપિયર ધરતી પરથી પ્રસ્થાન કરી જાય છે.  ગ્લોબને એના નવા નાટકોની ખોટ જરૂર વર્તાય છે, પણ એના જુના નાટકોનો જાદુ કઈ ઓસર્યો નથી. જ્હોન ફ્લેચર નામના શેક્સપિયરના સાથી પર બધો ભાર આવી ચઢે છે જે એ કિંગ્સ મેન કંપનીની જરુરીઆત પુરી કરવા સક્ષમ નીવડે છે.  એ એના જમાનાનો મશહૂર નાટ્યકાર હતો, જેણે શેક્સપિયર સાથે મળીને બે નાટકો લખેલા. એની ખ્યાતિ પણ એ વખતે શેક્સપિયર કરતા ઉતરતી ન હતી.  શેક્સપિયર અને એણે સાથે મળીને લખેલા હેન્રી ધ એઈથ વખતે જ પેલો અકસ્માત નડેલો ને ગ્લોબ ભસ્મિતભૂત થઇ ગયેલું.  આવતે વખતે જાણીશું કે સરકાર લંડનના થિયેટર પર બંધી મૂકી ને પછી થિયેટરો તોડી થોડાક વખત માટે થિયેટર પ્રવૃત્તિ ને કેવી રીતે સમાપ્ત કરી દે છે.

(વધુ આવતા શનિવારે)

1 thought on “ચાલો મારી સાથે – (૬) – ઉત્કર્ષ મઝુમદાર

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s