પ્રાર્થનાને પત્રો-(૧૦૫)-ભાગ્યેશ જહા


[૧૦૫] પ્રાર્થનાને પત્રો 

પ્રિય પ્રાર્થના, 

કેમ છે, બધું ? જેમ જેમ અમેરિકાની ચુંટણી નજીક આવતી જાય છે તેમ તેમ મને થયા કરે છે કે હું ત્યાં આવીને નજીકથી એક બીજી લોકશાહીના આ મહાયજ્ઞને નજીકથી જોવું, મને ખબર નથી, ટ્વેન્ટી-ટ્વેન્ટીમાં કયારે આવવાનું થશે. પણ ગઈકાલે હું ડાવોસનો રીપોર્ટ વાંચતો હતો ત્યારે સમજાતું હતું કે જગતના બૌધ્ધિકો અને ઉદ્યોગજગતના ખેરખાંઓ અમેરિકન પ્રેસીડેન્ટના વક્તવ્યની પ્રતીક્ષામાં છે. કારણ જગત એક અજાણી અનિશ્ચિતતામાં જીવી રહ્યું છે, ટેકનોક્રેટ્સ, અર્થશાસ્ત્રીઓ અને તત્ત્વજ્ઞાનીઓ આ અનિશ્ચિતતાને ઓળખવા મથી રહ્યા છે. જોઇએ, કેવું થાય છે. પણ મને કહેવા દે માનવતાના ઇતિહાસનો આ પરિવર્તનકાળ છે. 

ચાલ, અમદાવાદ લઈ જાઉં, તને. ગયા અઠવાડિયે આપણા હાસ્યલેખક શ્રી રતિલાલ બોરીસાગરને અકાદામીનો એવૉર્ડ મળ્યો એનો આનંદોત્સવ રાખેલો. રબોનું પુસ્તક ‘મોજમાં રે’વું રે’ માટે આ એવૉર્ડ મળેલો. પ્રસંગ આનંદનો હતો અને ઉજવણીનો હતો. અને આવી ઉજવણી અને પ્રજાનો રાજીપો યોગ્ય પણ હતો. પણ એના તત્ત્વ અને તથ્ય વિશે વાત કરું એ પહેલાં મારે હોલના માહોલની વાત કરવી છે, આ વાત કરવી છે કારણ એ વાત એક નવી દિશા ખોલે છે. ચિક્કાર શબ્દ નાનો પડે એવી રીતે હૉલ ભરાયેલો હતો. ચાહકો અને ભાવકો ગેન્ગ-વેમાં અને સ્ટેજ પર બેસાડવા પડે એવી સ્થિતિ હતી. પહેલી વખત સાહિત્યના કાર્યક્રમમા આવો  અસાધારણ પ્રજાનો ઉત્સાહ જોવા મળ્યો. મેં બીજા દિવસે બોરીસાગરસાહેબ સાથે વાત કરી તો એમણે કહ્યું આવો જ ઉત્સાહ વિનોદભટ્ટની આત્મકથાના વિમોચન વખતે જોવા મળ્યો હતો. એ પ્રસંગે હૉલ પણ ઠાકોરભાઇ હૉલ હતો. ઠાકોરભાઇ હૉલ આ ઑડિટોરિયમ કરતાં ખસ્સો મોટો, તેમ છતાં, આ જ રીત લોકો ગેન્ગ વે અને સ્ટેજ પર બેસાડવા પડેલા. મને જે સમજાયું એ કે આ વીસ-વીસનું ઑડિયન્સ હતું, પ્રજામાં ભુખ ઉઘડી છે અને જેવા જોઇએ એવા સાહિત્યકારો નથી. પ્રજામાં સ્વીકૃતિ પામવાની કલા અને વ્યક્તિમત્તા નથી રહી એવું કહી શકાય. પણ બોરીસાગરસાહેબે અને આ કાર્યક્રમના આયોજકો સર્વશ્રી વિક્રમ પટેલ, ગુર્જરવાળા મનુભાઇ શાહ અને ભીખેશ ભટ્ટે સાબિત કરી આપ્યું કે ‘આ નવા દાયકાની અપેક્ષાઓને અમે ઓળખી શકીએ છીએ અને અમે એને સંતોષવાના પ્રમાણ અને પધ્ધતિ જાણીએ છીએ. બધા સારું બોલ્યા.આ સમારંભની વિશેષતા એ હતી કે આ હાસ્યસભાની અધ્યક્ષતા હાસ્યસ્થ વિનોદ ભટ્ટ શોભાવી રહ્યા હતા. નવી વાત હતી, પણ યોગ્ય હતી. હાસ્યસેતુ રઈશ મણિયારે બાંધ્યો એટલે કાર્યક્રમ મજબુત બન્યો. રઈશભાઇ હમેશાં તૈયારી કરીને બોલનાર અને તાજપભરેલા હાસ્યકાર છે. રઈશભાઇ બહુ કલ્પકતાથી વિનોદભાઇનું અધ્યક્ષ-ભાષણ વાંચ્યું મઝા આવી. 

 ડૉ.માનસેતાએ આભારવિધિ લાંબી કરી પણ સુજ્ઞ પ્રેક્ષકોએ એમની ભાવનાને ઓળખીને માફ કર્યા. હર્ષદ ત્રિવેદી [પૂર્વ મહામાત્ર, સાહિત્ય અકાદમી]એ પણ બહુ અભ્યાસસભર ગુજરાતી હાસ્યનો ઇતિહાસ રસાળ શૈલીમાં રજુ કર્યો. પણ ત્રણ બાબતો રબોની આસપાસની હતી. બે રચનાઓ જે શ્યામલ-સૌમિલ-આરતીએ સંગીતમઢી સ્વશૈલીમાં રજુ કરી. ત્રણેય કલાકારોએ માહોલ ઉભો કર્યો. અરવિંદ બારોટના પ્રાર્થનાગાને આખા પ્રસંગનો એક પટ રચી આપ્યો. અર્ચન-જિગિષા-બિન્દુ એ નાટ્યપ્રસ્તુતિથી સૌના દિલ જીતી લીધા. રતિલાલભાઇના પ્રવચન પછી આવી નાટ્યપ્રસ્તુતિની જાણે પ્રેક્ષકો પ્રતીક્ષા કરતા હતા તેવો જે ભાવ હૉલમાં હતો તેનું કારણ અર્ચનનું વ્યક્તિત્ત્વ હતું. એ લોકોએ રતિભાઇના નિબંધ પરા આધારિત નાટિકા ભજવી. પણ, યોગ્ય રીતે જ, રતિલાલ બોરીસાગર ‘મેન ઑફ ધ મેચ’ હતા. એમની રજુઆત અદભુત હતી. મને માર્ક ટ્વે ઇનનો એનિબંધ યાદ આવ્યો જ્યાં એમને હ્યુમરસ-સ્ટોરી, કોમિક અને વીટી સ્ટોરીના તફાવતની વાત કરી હતી. અને વાર્તાકળામાં કહેનારે કેવી સાવધાની રાખવાની હોય છે. મારે માર્કના સ્ટોરી-ટેલિંગની એ થિયરી માટે રતિબાઈનું શબ્દચિત્ર અને ઈનામિત પુસ્તકનો આછેરો પરિચય કરાવવો પડશે. 

રતિલાલ બોરીસાગરને હું ત્રણ તબક્કે ઓળખ્યા. ત્રણેય તબક્કે સારા લેખકની જેમ એમને મને આશ્ચર્યમાં નાંખ્યો એનો આનંદ છે. પહેલાં તો હું એમને નિવૃત્ત શિક્ષક જાણતો, અને ટેક્ષ્ટબુક-મંડળમાં છે એવું જાણતો. પણ એ ગામડામાંથી આવેલા શિક્ષક હોવા છતાં અપ-ટુ-ડેટ લાગ્યા. જો કે કપડાંમાં સ્વાભાવિક લાગતાં. આમેય સાહિત્યકારો એમના ડ્રેસીંગ માટે પ્રખ્યાત નથી હોતા. બીજું, સરકારી નોકરીમાં હોવા છતાં હું એમને એ હાસ્યલેખક છે અથવા મહાન હાસ્યલેખક છે એવી છાપ પાડવા કોઇ પ્રકારની આક્રમકતા નહોતા ધરાવતા. કારણ કવિઓ અને બીજા લેખકોની આવી આક્રમકતા ક્યારેક મેડીકલ-રીપ્રેઝન્ટેટીવની મેલી ટાઈ જેવી લાગતી. ક્યારેક આછકલાઈ કે ચબરાકિયાપણું મારા અનુભવ્ને કારણે મને ખુબ વાગતું. 

બીજો તબક્કો આવ્યો, જ્યારે હું એમને હાસ્યલેખક તરીકે વધારે જાણવા લાગ્યો. એમના પુસ્તકો વાંચ્યા. એમને મળ્યો અને એમને સાંભળ્યા. સાદા માણસ. લેખકવેડા બિલકુલ નહીં. પોતે બહુ લોકપ્રિય છે અને એમનો શિષ્ય-વૈભવ વિશાળ અને વિચારશીલ અને ધનાઢ્ય હોવા છતાં એમણે એમની સાદાઈને સાચવી રાખી. લેખકોને નાનકડી સિદ્ધિ સંતાડવામાં કેટલી બધી તકલીફ પડે છે તે હું જાણું છું, એમાંયે જો એમને પાંચ-જણ ઓળખતા હોય તો તો એમનું વ્યક્તિત્ત્વ નોબેલ-વિજેતાથી ત્રણ-ઇંચ નાનું છે એ જણાવવામાં એ કંજુસાઇ કરી રહ્યા છે એવો અહેસાસ આપણને કરાવતા રહેતા હોય છે. મને લાગે છે એમની આ નમ્રતા એ એમના ભૂલકણાપણાને કારણે છે એવું ભોળું વિધાન કરવા જેવું નથી. એમની વિશેષતા એ છે કે એ સાહજિક રહ્યા છે. એ વિશેષણો શોધી રહ્યા હોય એવી એમની આંખો નથી તે મને તરત જ સમજાઈ જવા માંડ્યું. એના લીધે એમની એક છબી મારા મનમાં દ્રઢ થતી ચાલી. 

ત્રીજો તબક્કો રસપ્રદ, એજ્યુકેટીવ અને ઉર્મિલ રહ્યો. કારણ હવે હું એમના શબ્દને અને સ્વભાવને જાણવા માંડ્યો હતો. પ્રત્યેક મુલાકાત અને પરિચય એમના પ્રત્યેના માનમાં વધારો થતો ગયો. જો કે કોઇ સાહિત્યકાર પ્રત્યે આ નવી સદીના પહેલા બેદાયકામાં સાતત્યપૂર્ણરીતે માન ધરાવો તો એ પણ એક સિધ્ધિ ગણાય. રાજકારણીઓ અને સત્તાક્ષેત્રના કાવાદાવાઓથી કંટાળેલો હું સાહિત્યમાં સમાધાન પામું કે મને સમાજ-ચૈતન્યના આ વાચકો/સમીક્ષકો/શિક્ષકોએ મને  રાહત  આપશે એવી આશા હતી.જો કે મને આ વિષયમાં સારી એવી નિરાશા મળી. આવી ક્ષણે નોંધવું જોઇએ કે ભયાનક દંભ-અને-દ્વિમુખતાને કારણે વિષાદ લાગે  ત્યારે વિનોદ ભટ્ટ અને રતિલાલ બોરીસાગર જેવાઓએ એક અપવાદ સર્જ્યો છે. સ્વર્ગસ્થ વિનોદ ભટ્ટ તો એમની મનુષ્યતાને કારણે મેં એમને મારા સાહિત્યિક ગુરુ કહ્યા, પણ એમના થકી હું રતિભાઈની નજીક આવ્યો. મને આ લેખકમાં એક આદર્શ શિક્ષકમાં હોવો જોઇએ એ આદર્શ માણસ જડ્યો જે આજેય મારે માટે એક મૂડી છે. રતિભાઇ આકંઠ સજ્જન છે, સાહિત્યમાં આટલા સુખ્યાત લેખક હોવા છતાં સરળ અને સહજ છે. શ્રી વિનોદ ભટ્ટ કહેતા હાસ્ય નિષ્પન્ન કરવા નિર્દંશ અને નિર્દોષ હ્રદય હોવું જરૂરી છે. એ જ મુખમુદ્રા, લીટીવાળા ખમીસ નીચે સીવડાવેલું પેન્ટ, વારંવાર ખોવાઇ જતા ચશ્મા પાછળ સ્થિર આંખો, જે કશું શોધતી હોય એના કરતાં કશું પામી ગયી છે એવો અહેસાસ વધું થાય, તેવી આંખો. કેજરીવાલથી બિલકુલ વિરુધ્ધ દિશામાં ફરકતું મફલર, ઠંડીને કોઇની નિંદાની માસીની દિકરી હોય એમ દુર રાખવા ગોઠવાયેલી ગરમ-ટોપી અને નિષ્કપટ ચહેરો. બોરીસાગર એ હાસ્યનો લહેરાતો સાગર છે તેનો ખ્યાલ આવે છે ત્યારે હું જે પામું છું તેનો સાર માર્કટ્વેઇનની આ વાતમાં સંભળાય છે. “The humorous story is strictly a work of art – high and delicate art- and only artist can tell it… 

આવા સર્જક હાસ્યકારને જાણ્યા, માણ્યાનો આનંદ અને સંતોષ. 

વધુ ફરી ક્યારેક… 

ભાગ્યેશ. 

જય જય ગરવી ગુજરાત.  

2 thoughts on “પ્રાર્થનાને પત્રો-(૧૦૫)-ભાગ્યેશ જહા

  1. રતિભાઇ આકંઠ સજ્જન છે, સાહિત્યમાં આટલા સુખ્યાત લેખક હોવા છતાં સરળ અને સહજ છે. શ્રી વિનોદ ભટ્ટ કહેતા હાસ્ય નિષ્પન્ન કરવા નિર્દંશ અને નિર્દોષ હ્રદય હોવું જરૂરી છે. અને બોરીસાગર એ હાસ્યનો લહેરાતો સાગર છે તેનો ખ્યાલ આવે છે ત્યારે હું જે પામું છું તેનો સાર માર્કટ્વેઇનની આ વાતમાં સંભળાય છે. “The humorous story is strictly a work of art – high and delicate art- and only artist can tell it…
    આવા સર્જક હાસ્યકારને અમે પણ જાણ્યા, માણ્યાનો આનંદ અને સંતોષ.

    Liked by 1 person

  2. SHORTAGE OF HASY LEKH. BORISAGAR KRUTI HELPFUL TO REMEBER AND PUBLICATION. ‘AKHND ANAD’ ALWAYS PRINT RATIBHAI BORISAGAR ARTICLES HASY SATHE SHIKHMAN PUBLIC NE APTA. KTAKH MA GANU BADHU KAHI JATA VINOD BHATT MAFAK.

    Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s