લલિતકળાઃ મ્યુઝિયમ્સ – (૧૦) – જયા મહેતા – સંપાદનઃ સુરેશ દલાલ


લલિતકળાઃ મ્યુઝિયમ્સ – (૧૦)જયા મહેતાસંપાદનઃ સુરેશ દલાલ

( આજે લલિતકળાઃ મ્યુઝિયમ્સ – જયા મહેતા લિખિત અને સુરેશ દલાલ સંપાદિત શ્રેણીનો છેલ્લો હપ્તો છે. આપ સહુ વાચકોનો આભાર માનું છું કે આપે આ શ્રેણીને હોંશે હોંશે વાંચી અને માણી. મૂળ આ સિરીઝ ૨૦૦૫માં છપાઈ હતી આથી આજના પરિપેક્ષ્યમાં એને મૂકવાની કોશિશ જેટલી માહિતી મળી શકે અને જે મૂળ લખાણના પોત સાથે સુસંગત બેસી શકે, એ પ્રમાણે કરી છે. ક્યાંક એ જો ઊણી ઊતરી હોય તો એ મારી સમજણની ઊણપ છે અને જો યોગ્ય રીતે એ ભળી ગઈ હોય તો એ મૂળ લેખકની સર્જકતાનો કમાલ છે કે જેના વડે આ લેખ સમકાલિનમાંથી સર્વકાલિન બની શકે છે. અહીં હું જયાબેન મહેતાનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. આપણા ગુજરાતી સાહિત્યને લોકભોગ્ય અને લોકપ્રિય કરવામાં જે એક સાક્ષરનો અથાક પ્રયાસ રહ્યો છે અને જેની નોંધ ગુજરાતી ભાષાનો ઈતિહાસ લખાશે ત્યારે એમના નામની નોંધ લેવી આવશ્યક બનશે એવા સ્વ. શ્રી સુરેશ દલાલને અહીં એમના સંપાદન માટે આભાર માનવાના નિમિત્તે ખૂબ જ આદર અને અહોભાવથી સ્મરણ કરીને નમન કરું છું.) 

પરદેશનાં મ્યુઝિયમઃ આમાં આપણે ૩ ખાસ મ્યુઝિયમો વિશે જ વાત કરીશું. પરદેશોમાં સેંકડો નાનાં-મોટાં મ્યુઝિયમ્સ છે અને આ સહુનો અહીં સમાવેશ કરવો શક્ય નથી. દેશ પ્રમાણે, અન્ય મ્યુઝિયમો વિશે, આજના સાંપ્રત સમય પ્રમાણે, ફરી કોઈ વાર એક વધુ શ્રેણી કરીશું.  

૧.     ધ બ્રિટિશ મ્યુઝિયમઃ

આ મ્યુઝિયમનો એક નાનકડો ઈતિહાસ છે. કલાત્મક અભિરુચિ ધરાવતી એક વ્યક્તિ એના પાયામાં છે. એ ખાસ વ્યક્તિ છે રોયલ ફિઝિશિયન અને નેચરાલિસ્ટ સર હાન્સ સ્લોન (સન ૧૬૬૦-૧૭૫૩). આ શ્રીમંત માણસને પ્રાચીન વસ્તુઓ અને કલાકૃતિઓ તેમ જ પ્રાકૃતિક ઈતિહાસના નમૂનાઓનો સંગ્રહ કરવાનો શોખ હતો. ૮૦,૦૦૦તીયે વધારે વસ્તુઓનો મૂલ્યવાન ખજાનો એ એમની પોતાની અંગત માલિકીનું એક અસાધારણ મ્યુઝિયમ હતું. સુસંસ્કૃત મિત્રો માટે એ પ્રદર્શન ગોઠવતા અને તે વિષે ચર્ચા વિચારણા તથા વિચાર ચિંતન કરતા.

સર સ્લોને પોતાના વારસાખતમાં લખ્યું હતું કે, “જો સરકાર આ સંગ્રહ એક લાખ પાઉન્ડમાં ખરીદવા તૈયાર હોય તો તે વેચીને એ પૈસા મારી દીકરીને આપવા. આ અનોખા ખજાનાની કિંમત એક લાખ પાઉન્ડ કરતાં ઘણી વધારે હતી. બ્રિટિશ પાર્લામેન્ટે આ સંગ્રહ ખરીદવાની સંમતિ આપી અને પબ્લિક લોટરી ફંડ ભેગું કરીને એ ખરીદ્યો. સન ૧૭૫૯ની ૧૫મી જાન્યુઆરીએ, ક્લાસિકલ ગ્રીક શૈલીની ઈમારતમાં એ સંગ્રહ મ્યુઝિયમરૂપે આમ જનતા માટે ખુલ્લો મુકાયો. વૈયક્તિક સંપત્તિ આ રીતે મઝિયારી સંપત્તિ બની.

તેર એકર જમીનના વિસ્તારમાં ફેલાયેલા આ મ્યુઝિયમના જુદા જુદા કેટલાયે વિભાગો છે. સમયાનુસાર ઉમેરો થતાં થતાં હવે એમાં ચાળીસ લાખથીયે વિશેષ વસ્તુઓ ઉપરાંત પુસ્તકો, પેઈન્ટિંગ્સ, ઈજિપ્શિયન ‘મમી’ વિશ્વના જૂનામાં જૂના દસ્તાવેજ ‘મેગ્ના કાર્ટા’ – જેની અત્યારે ચાર જ પ્રત બચી છે, તેમાંની બે પ્રત સહિત બીજી આવી અપ્રાપ્ય, અમૂલ્ય વસ્તુઓ અહીં છે.

સર સ્લોનના સંગ્રહમાં પચાસ હજારથી પણ વધારે પુસ્તકો હતાં. પછી તો એમાં બીજાં અનેક પુસ્તકો, હસ્તપ્રતો, દેશના ઈતિહાસના દસ્તાવેજો અપ્રગટ સ્મરણ ગ્રંથોની હસ્તપ્રતો વગેરે મ્યુઝિયમના જ ભાગરૂપ હતાં. હવે એ ‘બ્રિટિશ લાઈબ્રેરી’ કહેવાય છે, જે મ્યુઝિયમનો સૌથી વધુ વપરાતો ભાગ છે,

આ મ્યુઝિયમનો પ્રાકૃતિક ઈતિહાસ વિભાગ પણ એટલો જ સમૃદ્ધ છે કે ”નેચરલ હિસ્ટરી મ્યુઝિયમ તરીકે એને આગવી મહત્તા પ્રાપ્ત થઈ છે, સન ૧૮૮૧ અને મનુષ્યજાત વિષેનો વિભાગ પણ ‘મ્યુઝિયમ ઓફ મેનકાઈન્ડ’ તરીકે જુદી ઓળખ ધરાવતો થયો છે.

જીવન પ્રત્યેના બ્રિટીશ પ્રજાના અભિગમની સાક્ષી પૂરતાં, કેટલાયે વિષયના જુદાંજુદાં અનેક મ્યુઝિયમો લડનમાં છે. વિશ્વભરના વિવિધ ને અમૂલ્ય વારસાનું પ્રતિનિધિત્વ કરતાં મહાલયો નિર્માણ કરવાં, એ ઈતિહાસબુદ્ધિ જાગ્રત હોય ને કલા તેમ જ વિજ્ઞાન પ્રત્યેનો પ્રેમ પ્રબળ હોય, તેમ જ ભૂતકાળની ધરોહરમાંથી કશુંક શીખવાની ઝંખના હોય તો જ શક્ય બને. મનમાં તરંગ ઊઠ્યો, ઊભરો આવ્યો ને ઈમારત ઊભી કરી દીધી, એથી કંઈ મ્યુઝિયમ ન બને. એક સંગ્રહાલય સ્થાપવું, જાળવવું અને તેમાં દેશકાળ પ્રમાણે વખત પ્રમાણે વૃદ્ધિ કરતાં રહેવું એ સૂઝ-સમજ, અભ્યાસ અને શ્રમની સાથે સમગ્ર અતીત પ્રત્યેના, અતીતના કલ્પનાશીલ અને પ્રજ્ઞાવાન માનવીઓ પ્રત્યેના આદરની અભિવ્યક્તિ છે.

અહીંની મ્યુઝિયમની પ્રચંડ ઈમારતોમાં વિશાળ ખંડો છે. વસ્તુઓની મહત્તા પ્રમાણે, આકર્ષક રીતે અને વિભાગવાર ગોઠવણી માટે જરૂરિયાત પ્રમાણે પારદર્શક કાચનાં નાનાં-મોટાં કબાટો અને હવાઉજાસવાળા, સ્વચ્છ ને ખુલ્લા ખંડો છે. પ્રદર્શિત વસ્તુઓ સાથે, શક્ય હોય ત્યાં બધે જ એના નિર્માણના સ્થળ-સમયની વિગતો છે, વળી તે તે મ્યુઝિયમને લગતાં પુસ્તક-પુસ્તિકાઓ, છબી-ચિત્ર-કાર્ડસ, કલાકૃતિની પ્રતિકૃતિઓ વગેરે, લોકો ઈચ્છે તો ખરીદી શકે એવી વ્યવસ્થા પણ છે.

૨.     મેડમ ટ્યુસોદનું વેક્સ મ્યુઝિયમઃ

આ મ્યુઝિયમ લંડનનું અવનવું મ્યુઝિયમ છે; આ મીણનગરીનોયે એક નાનકડો ઈતિહાસ છે. મેડમ મેરી (સન૧૭૭૦), ફ્રાન્સના રાજા લૂઈ સોળમાના બાળકોનાં ચિત્રશિક્ષિકા- ડ્રોઈંગ ટિચર હતાં, ત્યારે ફ્રેન્ચ ક્રાન્તિ થઈ હતી. ક્રાંતિનો ભોગ બનેલા, ગરદન મરાયેલા લોકોના મીણનાં માથાં બનાવવાની તેમને ફરજ પાડવામાં આવી હતી. પછી તેઓ ઈંગ્લેંન્ડ ચાલ્યાં ગયાં હતાં. તેઓ પોતાની સાથે, પોતે બનાવેલાં કેટલાંક મસ્તકો પણ લાવ્યાં હતાં. તેનું એમણે પ્રદર્શન યોજ્યું. ત્યાર પછી તેમણે મીણ-મસ્તકો અને મીણ-પૂતળાં બનાવવાનું ચાલુ રાખ્યું. તેનું સુભગ પરિણામ એટલે આ મ્યુઝિયમ. આ કાયમી પ્રદર્શનમાં મીણ-પૂતળાં બનાવવાનું કામ હજીયે ચાલુ જ છે અને આ સંગ્રહ વધતો જ જાય છે. આ મીણનગરીનાં પૂતળાંઓમાં કેટલાક સાચેસાચી જીવંત કે સ્વર્ગસ્થ વ્યક્તિઓનાં છે. માઓ, નિકસન, નેપોલિયન, લેનિન, ક્વીન મેરી, પોપ ઝોન પૉલ ધ સેકન્ડ, એચ. જી. વેલ્સ, મહાત્મા ગાંધી, ઈંદિરા ગાંધી, રાજીવ ગાંધી, અમિતાભ બચ્ચન, ઈત્યાદિ. કેટલાંક પૂતળાં મૉડેલ પરથી તૈયાર કરાયેલાં, કાલ્પનિક છે. કેટલાક કેવળ ચહેરા છે. કેટલાક વળી પૂર્ણ કદનાં સર્વાંગ પૂતળાં છે. એમને ખાલી પૂતળાંની જેમ માત્ર ઊભા નથી કરી દીધાં. ખરા વસ્ત્રોથી સજ્જ કરાયાં છે. એ એટલાં તો જીવંત લાગે છે કે જાણે હમણાં જ એ બોલી ઊઠશે, ચાલશે, ગાશે કે ફટકો મારશે, હસી પડશે, શરમાઈ જશે કે પછી રડી પડશે, બાળકને પંપાળશે કે પછી તલવાર કાઢશે…. બિલકુલ જીવતાં જાગતાં માણસો જેવા ભાવ પણ દેખાય! આંખોની પાંપણો થી માંડીને એકીક ભાવભંગિમાઓ સાવ આબેહૂબ લાગે, સાચુકલી લાગે એવા આ મીણના પૂતળાંઓની સાથે ફોટા પડવવા સાચા માણસો ઊભ રહે તો કોણ માણસ અને કોણ પૂતળું એની સમજ દૂરથી જોતાં હોઇએ તો પડવી મુશ્કિલ છે.

  વાતાવરણને અનુરૂપ પ્રકાશ અને ધ્વનિયોજના વચ્ચે ઊભેલાં, ખાસ પ્રકારની માટીમાંથી બનાવેલાં આ પૂતળાં મીણનો ઓપ ચડાવીને ઓઈલ પેઈન્ટ કરીને તૈયાર કરાય છે. આ એક અજબગજબનું મ્યુઝિયમ છે; વિશ્વનું કદાચ એકમેવ ઓરિજીનલ પહેલું વેક્સ મ્યુઝિયમ છે.

૩.     ધ લુવ્ર મ્યુઝિયમઃ

ફ્રાન્સના પાટનગર પેરિસમાં પશ્ચિમે, સીન નદીને કાંઠે એક અતિ વિશાળ મ્યુઝિયમ છેઃ લુવ્ર. સન ૧૧૯૦માં ફિલિપ ઑગસ્ટ નામના રાજાએ પેરિસની આસપાસ દીવાલ ચણાવી, એ પછી મહેલના રક્ષણ માટે કિલ્લો ચણાવ્યો. એ મહેલ “લુવ્ર” નામે પ્રસિદ્ધ હતો. એની ઈમારતની એક મોટી ગેલેરીમાં સન ૧૯૯૩માં ‘ધ સેન્ટ્રલ મ્યુઝિયમ ઓફ આર્ટસ’ આમજનતા માટે ખુલ્લું મુકાયું. સન ૧૮૮૨માં એ નિવાસસ્થાન તોડી નાખવામાં આવ્યું, ત્યાં એક નવી વિશાળ ઈમારત ચણવામાં આવી. પછી એ સત્તાધારીઓનો મહેલ ન રહી, એની ઘણીખરી જગા સાંસ્કૃતિક સ્થળ બનીને રહી ગઈ, એ જ કહેવાયું લુવ્ર મ્યુઝિયમ. સમય જતાં વસ્તુસંચય પણ વધતો ગયો અને એ આખી ઈમારત તેમ જ એની આસપાસની વિશાળ જગા મ્યુઝિયમના જ કબ્જામાં આવી.

ધ લુવ્ર મ્યુઝિયમ લગભગ સાઠ હજાર સ્કેવર મીટરમાં પથરાયેલું છે. વિશ્વપ્રસિદ્ધ શિલ્પ તેમ જ કેટલાક શિલ્પની પ્રતિકૃતિઓ, જેના વિશે ઘણાં લેખ ને પુસ્તકો પણ લખાયાં છે એ ‘મોનાલિસા’ નું ચિત્ર તેમ જ બીજા ચિત્રકારોનાં અસંખ્ય ચિત્રો, એ આ મ્યુઝિયમનું આગવું આકર્ષણ છે. કોઈ પણ મોટા સર્વ સમાવેશી મ્યુઝિયમોમાં હોય છે એમ અહીં પણ દસ્તાવેજી મૂલ્યો ધરાવતી અને કલાદ્રષ્ટિએ અમૂલ્ય એવી વસ્તુઓ અપાર છે. એની વિશાળતા અને એનો આ સમૃદ્ધ ખજાનો જ મુશ્કેલી સર્જે છે. દુનિયાભરમાંથી અહીં લોકોનાં ટોળેટોળાં કીડિયારાની જેમ ઊભરાય છે એતલે શાંતિથી, નિરાંતે જોઈ પણ ન શકાય.

આ મ્યુઝિયમ બારે મહિના અનેક પ્રવૃત્તિઓથી ધમધમતું રહે છે. ‘લુવ્ર’ મ્યુઝિયમના પ્રાંગણમાં વચ્ચોવચ વિશાળ પિરામીડ છે. એની નીચે સન ૧૯૮૯માં ૪૫૦ દર્શકો બેસી શકે એવું સભાગૃહ બંધાયું છે, જેમાં સ્લાઈડ શો થી માંડીને ફિલ્મના શો જીવંત સંગીતની સાથે યોજી શકાય છે.

આ સાથે અહીંના વસ્તુસંચયનો ઉપયોગ કરીને જુદીજુદી વિદ્યાશાખાના વિદ્વાનો અભ્યાસ-સંશોધન કરી શકે તેવી સગવડ અપાય છે. પ્રસંગાનુસાર ટૂંકા સમયનાં પ્રદર્શનો પણ યોજાતાં રહે છે. એટલું જ નહીં, પણ પ્રવચનો, ચર્ચાસત્રો, ફિલ્મ શો વગેરે જેવી ૩૦૦થી યે વધારે વિધવિધ પ્રવૃત્તિઓનું આયોજન થાય છે. બાળકો માટે વાર્તાકથન, ફિલ્મ શો, નૃત્યસંગીતના કાર્યક્રમો વગેરે યોજાય છે, જેથી બાળકો પણ લુવ્ર મ્યુઝિયમથી પરિચિત થાય. વધુમાં વધુ લોકો સુધી પહોંચવા માટે આ મ્યુઝિયમ દ્વારા સાંસ્કૃતિક –શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં માર્ગદર્શક સહિતનો પ્રવાસ, કાર્યશિબિરો, તાલીમવર્ગો, વગેરેનું આયોજન થતું રહે છે. ‘લુવ્ર’ ની અનેકવિધ પ્રવૃત્તિઓ તેમ જ અપંગો માટેની ખાસ વ્યવસ્થા અને આયોજનના કારણે એને સન ૨૦૦૨માં ‘ટૂરિઝમ ફોર હેન્ડિકૅપ’ એવોર્ડ અપાયો હતો.

સમાપનઃ

દેશ-પરદેશના આ મ્યુઝિયમો આદિયુગથી આજ સુધી માણસની ઉત્તરોત્તર પ્રગતિ અને કેટલીક વાર તો અધોગતિના સાક્ષી રહ્યાં છે. મનુષ્ય કલાકૃતિઓનું સર્જન કરીને પોતાની સંવેદનાઓની અભિવ્યક્તિ કરે છે. માણસે પોતાને શણગારવામાં રસ છે, તેથી કિમતી વસ્ત્રો, આભૂષણો, ઝરઝવેરાત, કિમતી કે આકર્ષક પથ્થરો, ફૂલો, પીછાં વગેરેનો ઉપયોગ કરતો આવ્યો છે. આ સાથે માનવીની ઉત્સુકતા અને અદમ્ય સંશોધનવૃત્તિને પરિણામે આજે વિજ્ઞાનની પ્રત્યેક શાખાઓમાં માણસે હરણફાળ ભરી છે. કેટલું પણ કરો, કોઈ પણ યુગમાં, પણ માણસની સત્તાલાલસા, ધનસંચયની અભીપ્સા, લોભ અને સામ્રાજ્ય ફેલાવવાની ઈચ્છા, એને યુદ્ધવૃત્તિમાં ઉદ્યત કરે છે. આજના સમયમાં ધર્મને નામે પણ આ યુદ્ધો થાય છે. પણ આ ૨૧મી સદીમાં હવે જો કોઈ વિશ્વયુદ્ધ થયું તો અણુવિજ્ઞાનનો જે વિકાસ માનવજાતને મદદરૂપ થવા માટે કરવામાં આવ્યો છે, તે બહુ મોંઘો પડશે. આજે પહેલાં કરતાંયે વધારે માનવજાતને એ સમજવાની આવશ્યકતા છે કે વિનાશને પંથે જવું છે કે વિકાસને પંથે. પ્રાચીનકાળથી, માણસ એક યા બીજી રીતે, ભયથી, જિજ્ઞાસાથી કે અધ્યાત્મવૃત્તિથી, ઈશ્વર આરાધક અને મૂર્તિપૂજક રહ્યો છે. મનુષ્યજાતિને સંરક્ષવા માટે પણ એના ઈતિહાસને સતત યાદ રાખવો અને યાદ કરાવવો જરૂરી છે. મનુષ્યના આ ઈતિહાસનું સતત દર્શન મ્યુઝિયમ કરાવે છે આથી જ આવનારા સમયમાં આ મ્યુઝિયમોનું મહત્વ પણ વધી જાય છે અને મ્યુઝિયમોની જવાબદારી પણ વધે છે.

(સમાપ્ત)

(પરિચય ટ્રસ્ટની પરિચય પુસ્તિકા પ્રવૃત્તિની અંતર્ગત પ્રકાશિત, પરિચય પુસ્તિકા ૧૧૨૮, “વિખ્યાત મ્યુઝિયમ્સના સૌજન્યથી, સાભારઆમાં સંપાદક તરફથી સોશ્યલ મિડીયાનો ઉલ્લેખ કરવાની છૂટ લેવામાં આવી છે જેથી મ્યુઝિયમ માટે લખાયેલા આટલા સુંદર સંશોધન લેખને આજના જમાનાના પરિપેક્ષ્યમાં માણી શકાય બદલ લેખકનો આગોતરો આભાર માનું છું)

1 thought on “લલિતકળાઃ મ્યુઝિયમ્સ – (૧૦) – જયા મહેતા – સંપાદનઃ સુરેશ દલાલ

  1. મ્યુઝિયમ્સ – અંગે સુ શ્રી જયા મહેતા નો સુરેશ દલાલના સંપાદનઃ વાળો ખૂબ સ રસ લેખ
    ઘણું નવુ જાણવા મળ્યું

    Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s