સરોગસી – વાર્તા- રશ્મિ જાગીરદાર


સરોગસી – રશ્મિ જાગીરદાર

લગ્નના અગિયાર વર્ષે તે દિવસે મેં જે સાંભળ્યું, તે બનાવે મને વધુ સજાગ બનાવી, હું બહાર ગયેલી હતી, પછી આવીને મારી ચાવીથી બારણું ખોલ્યું, ત્યારે જ મને મારા સાસુ બોલતાં સંભળાયા, ”શરદ બેટા, હવે અગિયાર વર્ષો વીતી ગયા. બાળક થવાની કોઈ શક્યતા દેખાતી નથી, તું બીજા લગ્ન કર, આપણે તારી સીમાને કંઈ કાઢી નથી મુકવાની, મારે તો બસ નામ રાખનાર તારો અંશ જોઈએ.”  ”બા,બા સીમા સંભાળશે તો તેને કેવું લાગશે બસ કરો પ્લીઝ.”મેં અંદર આવીને જાણે કંઈ ના સાંભળ્યું હોય તેમ સામાન્ય વર્તન જ ચાલુ રાખ્યું. પણ મારા ઘરની એક ઝંખના બની ચુકેલી આશા કહોને -અપેક્ષાને- મેં મારા શિવાયનાં ઘરનાં સભ્યોની દ્રષ્ટિએ નિહાળવાનું શરુ કર્યું. મારા સાસુ જેમણે ખરેખર માતા કરતાં વિશેષ લાગણીથી આજ સુધી મને રાખી હતી. તેમના સ્થાને ઉભી રહીને વિચાર્યું તો તેમની લાગણી, માંગણી અને અપેક્ષા યોગ્ય જ હતાં, તે સમજાયું. બા પોતે મને એટલું ચાહતાં હતાં કે તે દિવસે હું ચા મૂકાવા ઉઠી તે પહેલાં ચા તૈયાર કરીને અમને અમારી રૂમમાં આપવા આવ્યાં.એનો અર્થ તો એજ થયો કે, મારી લાચારીથી તેઓ સંપૂર્ણ વાકેફ હતાં અને મને કોઈ જાતનું દુઃખ ના પહોંચે તેની કાળજી રાખતાં હતાં. તો વળી અત્યંત પ્રેમાળ પતિ પામીને હું ધન્ય બની હતી. તેમની લાચાર થતી જતી સ્થિતિ જોવાનું પણ મારા માટે શક્ય નહોતું.એટલે મેં નક્કી જ કર્યું કે, આમાંનું કશું જ હવે વધુ સમય માટે કોઈ જ સહન નહિ કરે.આટલું મન મક્કમ કર્યા પછી હું તેને સાકાર કરવાની તકની શોધમાં હતી. વાત એટલી સંવેદનશીલ હતી કે, પ્રેમાળ એવા મારા પતિની લાગણી ના દુભાય તેને માટે સંપૂર્ણ સજાગ રહીને જ મારે પગલું ભરવું પડે.

ઉપરના બનાવને પંદરેક દિવસો થયા હશે. એક દિવસ શરદ સાંજે ઘરે આવ્યા ત્યારે એકદમ મૂડમાં હતા, તેમણે ડોરબેલ માર્યો ને હું બારણું ખોલવા ગઈ, ત્યારે મને લાગ્યું કે તે ગીત ગંણગણે છે. મેં બારણું ખોલ્યું તો સાચે જ તે ગીત ગાતા ગાતા જ પ્રવેશ કરે છે.–”આજ ફિર જીનેકી તમન્ના હે, આજ ફિર મરનેકા ઈરાદા હે ….” શરદ ખુબ આનંદી સ્વભાવના હતા એટલે આવા આનંદ દાયક ગીતો તેમને વધુ ગમતાં અને ઘણીવાર આવી રીતે ગાતા પણ ખરાં. ક્યારેક રાત્રે જમીને બેઠા હોઈએ ત્યારે, અમે અંતકડી રમતાં ત્યારે પણ તેઓ કહેતા, “પ્લીઝ મરસિયા જેવા ગીતો ગાવાનું ટાળજો.” કેટલીક વાર લાંબો સમય રમીએ ત્યારે અમારી યાદમાં હોય તેવા સુખના ગીતો પતી જતાં, છતાં રડમસ ગીતો ગાવાને બદલે તે બા ને કહેતા, ”બા,-ર- પરથી તમે કોઈ ભજન ગાવ.” આમ સુખમાં જ રાચવાનું વલણ ધરાવતા મારા પતિને આ એક દુઃખ ભગવાને કેમ આપ્યું હશે! 

તે દિવસે અંદર આવીને મને કહે, “વ્હાલી, આજે આપણે અંગ્રેજી ફિલ્મ ‘સ્ટેપ મોમ’ જોવા જવાનું છે જલ્દી પરવારજે.” જમતાં જમતાં જ મને કહે, “સરસ તૈયાર થજે,” જમીને અમે અમારી રૂમમાં તૈયાર થવા ગયાં. મને કહે, “તું આજે આપણે છેલ્લે તારા માટે જે ગુલાબી ડ્રેસ લીધો તે પહેરજે, તારા પર ગુલાબી રંગ અદભુત લાગશે.” આમ નવી નવેલી દુલ્હનમાં તાજો પરણેલો પતિ જેવો રસ લે તેટલા રસથી શરદ હંમેશા મારી સાથે વર્તતા. મને પોતાને પણ લગ્નના અગિયાર વર્ષ અમારી વચ્ચેના પ્રેમ અને રોમાંસ માટે નગણ્ય લાગતાં. અમે બંને મસ્ત તૈયાર થઈને એક બીજા પર મુગ્ધ થઈને ફિલ્મ જોવા ગયા. ફિલ્મમાં પણ ઊંડી લાગણીઓનું પ્રદર્શન હતું જ. ફિલ્મ જોઇને ઘરે આવ્યા ત્યારે પણ અમે બંને લાગણી સભર હતાં. હું હંમેશા શરદને ખુશ રાખવા પ્રયત્નશીલ રહેતી, તેમાં જ મને ખુબ સુખ મળતું. જે એક સુખ હું તેને નહોતી આપી શક્તી તેને સરભર કરવા હું તેમને નર્યા પ્રેમથી નવડાવી નાખતી, અને એટલે જ અમે બે સાથે હોઈએ એ જ અત્યંત સુખદાયી હતું અમારે માટે. સંતાન ના હોવાનું દુઃખ પણ અમને જાણે નગણ્ય લાગતું.

તે રાત્રે પ્રણય ગોષ્ટીમાં મશગુલ શરદનો હાથ, ખુબ પ્રેમપૂર્વક મારા હાથમાં લીધો અને અવાજમાં બને તેટલી સરળતા અને ભરપુર પ્રેમ લાવીને હું કહેવા લાગી, “શું હું તમને વહાલી છું?”“ખુબ જ મારા પ્રાણ કરતાં પણ વધુ.”બસ, મને જાણે મારી વાત કહેવાની તક મળી ગઈ અને જરાય સમય ગુમાવ્યા વિના હું તરત બોલી, “તો મારું કહ્યું માનશો?”

”અરે વ્હાલી, તુ બોલ તારે માટે તો જાન પણ હાજર.”

”તમે બીજા લગ્ન કરી લો, …હું પણ તમારું સંતાન ઇચ્છું છું.”એ સાંભળતાં જ ડઘાઈને, મારા મોં પર આડો હાથ દેતા તે ગળગળા આવાજે બોલી ઉઠ્યા, ”ફરી જો તું આવા શબ્દો બોલીશ તો હું આ ઘર છોડી ચાલ્યો જઈશ, મારી જિંદગી તારાથી શરુ થાય છે અને તારા ઉપર જ અટકે છે વ્હાલી. આપણા નશીબમાં સંતાન સુખ નહિ હોય બીજું શું?” અને છતાય તને લાગતું હોય અને તારી ખરેખર ખુબ જ ઈચ્છા હોય તો આપણે એક બાળક દત્તક લઈએ. ”

મેં તરત જવાબ આપ્યો ” તમે તો જાણો છો હું આ બાબતે પહેલેથી જ તૈયાર છું પણ બા આ માટે ક્યારેય તૈયાર નહિ થાય. અને અમે બંને પણ લાગણીઓનાં તંતુઓથી એવાં બંધાયેલા છીએ કે, હું બાનાં મનને સહેજપણ દુઃખ થાય તેવું કશુ જ કરવા નથી માંગતી.”

આવો જવાબ આપવાનું મને તાત્કાલિક સુજયું તેનું પણ કારણ હતું. જેટલી પ્રબળતાથી, અત્યંત અનુકુળ માહોલમાં મેં મારી વાત મૂકી હતી, તેનાથી અનેક ગણી પ્રબળતાથી શરદે સિફતપૂર્વક અને ખાસ તો ખુબ જ પ્રેમપૂર્વક મારી વાત ઉડાવી દીધી હતી. શરદના બીજાં લગ્નની વાત હવે પ્રસ્તુત નહોતી રહી. શરદના ઊંડા પ્રેમમાં ગળાડૂબ છતાં તેને સંતાન સુખથી વંચિત રાખવામાં કારણરૂપ બનેલી હું, નહોતી દુઃખી રહી શક્તી કે નહોતી સુખમાં રાચી શકતી, મને કંઈક રીતે કોસું તો શરદને ના ગમે કારણ કે, હું તો તેની હતી. પણ મારા પ્રેમને હું કોસતી, -મારો પ્રેમ વાંઝિયો છે એવું મહેણું મારીને મારો ગુસ્સો ઠાલવતી. મનની આવી સ્થિતિમાં કંઈ રાહત મળે તે માટે હું પ્રયત્ન શીલ હતી. મારી જે સ્થિતિ હતી તેમાં મારા સાસુ કે પતિ પાસે હૈયું ખોલવાની તો શક્યતા જ નહોતી. આ બધા સંજોગોમાં થોડી રાહત મળે તે કારણથી છેલ્લા કેટલાક સમયથી હું ઘરથી થોડે જ દુર આવેલા એક એનજીઓમાં જતી હતી. ત્યાં રોજ બપોરે ત્રણેક કલાક ગાળતી. ત્યાના નાનામોટા કામોમાં મદદ કરતી. વધુ સમય ત્યાંના અનાથ બાળકો સાથે પસાર કરતી. અને મારા જીવનમાં રહેલી બાળકની ખોટને કૈંક અંશે પુરી થતી હોય તેવું સુખ મેળવતી. સામે અનાથ બાળકો પણ માની ખોટ અનુભવતા તેમને મારા પ્રેમથી ભીંજવી થોડો ઘણો સંતોષ આપવા પ્રયત્ન કરતી. મારા આ અનુભવને લીધે શરદે મને બાળક દત્તક લેવાની વાત કરી તો મેં તરત જ મારો જવાબ જણાવી દીધો. આ રીતે સંતાનસુખ માટેનાં ઉપાય તરીકે પહેલાં જેમ- બીજા લગ્નની વાત ઉડી ગઈ તે જ રીતે હવે દત્તક બાળકની વાત પણ લગભગ ઊડી જ ગઈ. આમ સંતાન સુખના અમારા -ગોલ- સુધી પહોચવા માટે અમે જાણે, માર્ગ વિહીન- દિશાવિહીન પરિસ્થિતિનાં આરે ઉભાં હતાં .

એક દિવસ બપોરે જમીને જરા આડે પડખે થઇ હતી, હું જમીને બધું કામ આટોપવાની પળોજણમાં પડું ત્યારે બા મને હંમેશાં કહે, ” બેટા થોડી આડે પડખે થા, કામ તો થતું રહેશે.” એમની પ્રેમભરી વાત માની ને જ મેં એનજીઓમાં જતાં પહેલાં થોડો આરામ કરીને પછી જવાની ટેવ પાડેલી. એજ સમયે ફોનની રીંગ વાગી. મેં ફોન ઉપાડી કોણ છે તે જાણવા પૂછ્યું, “કોણ?”

”મારો અવાજ ભૂલી ગઈ કે શું? હું સ્મિતા યાર સંભાળ, આજે હું તારા ઘર બાજુ નીકળવાની છું તો તને મળવા માંગું છું. મને ખબર છે તું લગભગ આ સમયે જ એનજીઓ જતી હોય છે. તું કહેતી હોય તો હું સીધી એનજીઓ આવું.”

મેં કહ્યું,”અરે સ્મિતા, ના ના તું ઘરે જ આવ. મારી ક્યાં પગારની નોકરી છે, તું તો બધું જાણે છે મનનો ખાલીપો દુર કરવા, ત્યાનાં ફૂલડાં જેવાં મીઠડાં બાળકોનો સાથ પામવા હું ત્યાં દોડી જાઉં છું. પણ આજે તું આવશે ત્યારે તારી મીઠડી દીકરી પણ મળશે ને મને?” થોડીવારમાં સ્મિતા આવી. બા હજી આરામમાં હતાં. હું અને સ્મિતા અમારી રૂમમાં જ બેઠા. તેની છ વર્ષની દીકરીને મેં પૂછ્યું, ” શું નામ છે બેટા તારું?”

“માલા.” મેં માલાને ઊંચકી લીધી, તે સુંદર નાજુક ફૂલડાં જેવી જ હતી. પરાણે વ્હાલી લાગે તેવી. માલાને તેડીને હું જાણે કૃતકૃત્ય થઇ ગઈ. મારામાં ક્યાંક ઊંડે ઢબુરાઈને પડેલું માતૃત્વ જાગી ઉઠ્યું. પણ મારા નિસંતાનપણાને લીધે કોઈના સંતાનને વ્હાલ કરતાં હું જાણે અચકાતી. આજે પણ તેવું જ થયું તેના સુંદર ચહેરાને બચીઓથી નવડાવી દેવા મન તરસતું હતું પણ હું તેમ ન જ કરી શકી. અને મારા મનનો ઉભરો ઠાલવવાનો બીજો રસ્તો જડ્યો હોય તેમ આંખમાં ઝળઝળિયાં આવી ગયાં. સ્મિતા તો મારી પરમ સખી હતી તે બધું જ જાણતી હતી. તેને એ પણ ખબર હતી કે, શરદે બીજા લગ્નનો માર્ગ અને બા ને લીધે દત્તક સંતાન માટેનો માર્ગ પણ બંધ કરેલા હતા. આવી ત્યારની હું માલા સાથે રમતી રહી અને તે ચુપ જ હતી. મારી આંખમાં પાણી જોઈ તેણે કહ્યું, ” હું તને એક વાત કહેવા આવી છું. તું માને તો.” મેં કહ્યું, ” હા બોલ, શું કહે છે?”

સ્મિતા બોલી, ”મારા નણંદ સીમાબેનને તો તું ઓળખે બરાબર? તેમની જેઠાણી સુધાબેન ને પણ વર્ષો સુધી સંતાન ના થયું. તેઓ અમેરિકા રહે છે ત્યાં તેમને ભારતમાં સરોગસી બાબત લેખ વાંચ્યો અને તપાસ કરી. તારી જેમ જ એમનો પતિ પણ પત્નીને ખુબ પ્રેમ કરતો, અને એટલે બીજા લગ્નની વાત તો રહી જ નહોતી. દત્તક બાળકમાં પણ, એ કોણ હોય, જાત શું હોય, માબાપના લોહીના ગુણ અને સંસ્કાર કેવા હોય, ભવિષ્યમાં બાળક કેવું પાકે ? એ બધી અસમંજસમાં નક્કી ના થયું. છેવટે તેમને સરોગેટ મધરની મદદથી પોતાનું બાળક પ્રાપ્ત કર્યું. તે લોકો તો અમેરિકાના સિટીજન છે એટલે પ્રેગનેન્સી શરુ થઇ ત્યારથી અહીં પેલી સરોગેટ સ્ત્રીની સાથે રહ્યાં વળી બાળક નાનું હતું ત્યાં સુધી એને માતાની જરૂર હોય એટલે ખાસ્સા દસેક મહિના પાછળથી પણ એ લોકોએ પેલી સ્ત્રીને સાથે રાખીને ભારતમાં રહ્યા. બાળક તંદુરસ્ત અને એના માતા પિતા જેવું જ લાગે છે દેખાવમાં. હસતાં રમતા બાળકને જોઇને તેમનું આખું ઘર ખુશ ખુશાલ છે. પેલી બાઈ વગર પણ બાળક રહી શકે છે કે નહિ તે માટે ડોક્ટરની સલાહથી તેઓ છેલ્લા બે મહિનાથી અહીં રોકાયા છે. આવતાં રવિ વારે તેની પહેલી વર્ષગાંઠની ઉજવણી છે. તું એમને મળવા માંગતી હોય તો અવાશે કારણ કે મેં એમને તારી વાત કરી છે.”… મને સધિયારો આપીને મારા સુના- સુકા મનમાં આશાનું કિરણ રેલાવીને સ્મિતા તો ગઈ. હવે મારું કામ હતું કે હું મારા શરદને અને માતા જેવી પ્રેમાળ મારી સાસુને યોગ્ય રીતે સમજાવીને આ માર્ગે આગળ વધું. મેં એ જ રાત્રે શરદને સરોગસી બાબત અને સ્મિતાની નણંદનાં જેઠાણી સુધાબેનની વાત કરી અને કહ્યુ કે, “તેમના એ દીકરા “અલય” ની પહેલી વર્ષ ગાંઠની ઉજવણીમાં આમંત્રણ છે એટલે તેમને મળીને વધુ માહિતી લઈશું બા ને પણ સાથે લઇ જઈશું એટલે તેઓ પણ બધી વિગત સમજી લે. અને તેઓ પણ રાજી થાય તો પછી વિચારીએ.” શરદ તો તરત જ તૈયાર થઇ ગયા, એટલું જ નહિ તેમની અંદર આશાઓ નો ઉમળકો ઉભરાયો હોય તેમ રાજી રાજી થઇ ગયાં. બાને પણ તેમણે જ વાત કરી. અલયના જન્મદિનની ઉજવણીના દિવસે અમે ત્રણે સવારથી ઉત્સાહમાં હતાં. અમે તેના માટે એક સુંદર ગીફ્ટ લાવીને તેને માત્ર ગીફ્ટ પેકથી જ નહિ અમારા ત્રણેના પ્રેમથી પણ વીંટાળીને તૈયાર કરી.

સાંજે થોડા વહેલા નીકળીને જણાવેલા સ્થાને પહોંચ્યા, સ્મિતા સાથે વાત થયેલી એટલે તે રાહ જ જોતી હતી. જેવા પહોચ્યા એટલે તે અમને સુધાબેન અને સનતભાઈ પાસે લઇ ગઈ. સનત ભાઈ અને સુધાબેને બધું વિગતથી સમજાવ્યું. “જુઓ આણદમાં ડોક્ટર સોનલ છે જેઓ આ બાબતમાં નિપુણ ગણાય છે તેમણે આજ સુધીમાં દેશ વિદેશમાં અનેક નિસંતાન યુગલોને સરોગસી પધ્ધતિથી પોતાના બાળકના માબાપ બનવાની તક આપી છે. તેમની પાસે સરોગેટ મધર બની શકે તેવી યુવતીઓનાં નામો પણ નોંધેલા છે. આપણે ત્યાં જઈને નામ નોધાવવાનું જરૂરી ફોર્મ ભરીને કાગળો તૈયાર કરવાના. બાકી બધી સગવડ ત્યાંથી જ થતી હોય છે. અહીંથી આ રીતે બાળક મેળવ્યું હોય તેવા બીજા ત્રણ યુગલને હું ઓળખું છું. અને બા, મૂળ વાત તો એ કે બાળક ઉછરે બીજી સ્ત્રીની કુખમાં પણ તેમાં અંશ તો તમારા દીકરા -વહુનો જ રહેશે. એટલે શરદભાઈ, તમે કોઈ પણ જાતની ઝીઝક વગર ઝંપલાવો, ભગવાન સૌ સારું કરશે.” સનતભાઈની વાત સંભાળીને અને ખાસ તો અલયને જોઇને બા પણ રાજી થઇ ગયાં.

અસ્તુ.

4 thoughts on “સરોગસી – વાર્તા- રશ્મિ જાગીરદાર

  1. સુ શ્રી રશ્મિ જાગીરદારે સરોગેસી વાર્તાથી સંવેદનશીલ વાત સ રસ સમજાવી.
    હાલ તો વિદેશીઓને તેઓ નવા સરોગસી બિલ વિશે સમજાવીને અન્ય દેશમાં પ્રયત્ન કરવાની સલાહ આપે છે. ઘણા એનઆરઆઇ દંપતિ યુએસ-યુકેમાં ખર્ચ પરવડતો નહીં હોવાથી લાઓસ, યુક્રેન અને જ્યોર્જિયા જેવા દેશોમાં સરોગસી માટે જાય છે. કેટલાક એનઆરઆઇ સંગઠનોએ સરોગસી પરના નિયંત્રણોને હળવા કરવા સરકારને અપીલ કરી હતી પણ તેમની માગણી નકારવામાં આવી હતી તો ફરી વિચારણા કરી યોગ્ય પગલા લેવાય તો સામાન્ય સ્થિતીની મહીલાઓની આર્થિક લાભ થાય.
    ખૂબ ગવાઇ ગાયેલા બોલિવૂડમાં છેલ્લા કેટલાક વર્ષોમાં સરોગસી દ્વારા સંતાન મેળવવાનું ચલણ વધ્યું છે. આમિર ખાનનો પુત્ર આઝાદ, શાહરૂખ ખાનનો પુત્ર અબ્રામ, કુંવારા તુષાર કપૂરનો પુત્ર લક્ષ્ય સરોગસી દ્વારા જનમ્યા હતા. એક્ટ્રેસ સની લિયોનીના ટ્વીન્સ પણ સરોગસી દ્વારા જનમ્યા છે. શ્રેયસ તલપડેના ઘરે સરોગસી દ્વારા બેબી ગર્લ જન્મી .

    Liked by 2 people

  2. સરોગસીના પરિણામે ઘણાના જીવનમાં સંતાન સુખ અને સંતોષ વ્યાપ્યા છે. બોલીવુડ સહિત આજના આધુનિક દંપતિ આ પ્રથા અપનાવતા જાય છે એ આનંદની વાત છે.

    Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s