(આજે આપણે પન્ના નાયકે કરેલા જર્મન/ઓસ્ટ્રિયન લેખક રોબર્ટ વૉલ્ઝર ની બે ટૂંકી વાર્તાઓના અનુવાદનો આનંદ લઈશું. આશા છે કે આપ સહુ આ વાર્તાઓનો આનંદ લેશો.)
રોબર્ટ વૉલ્ઝર (Robert Walser: ૧૮૭૮-૧૯૫૬)
(જર્મન/ઓસ્ટ્રિયન લેખક)
માદા-ઘુવડ/અનુવાદ: પન્ના નાયક
જીર્ણ થઈ ગયેલી દીવાલમાં રહેતી એક માદા-ઘુવડ પોતાને કહે છેઃ કેવું ભયાનક અસ્તિત્વ છે. બીજુ કોઈ હોય તો હેબતાઈ જાય પણ હું સહનશીલ વૃત્તિવાળી છું. હું આંખ નીચી કરી બંધ કરી દઉં છું. મારી અંદર અને બહાર ભૂખરા પડદાની જેમ બધું લટકી રહે છે પણ ઉપર ચમકતા તારા છે જાણીને મને રાહત થાય છે. ઘટાદાર પીંછાં મને આવરી લે છે. હું દિવસે સૂઉં છું ને રાતે જાગું છું. હું કેવી લાગું છું એ જાણવા કોઈ અરીસાની જરૂર નથી. મારું મન જ મને કહે છે. હું મારા વિચિત્ર દેખાતા ચહેરા વિશે વિચારી શકું છું.
લેાકો કહે છે હું કદરૂપી છું. જો એમને ખબર હોય કે હું ભીતરથી કેટલી રાજી છું તો એ લોકો આમ બીકથી ભાગે નહીં. છતાં, તેઓ મારું ભીતર નથી જોતા. બહારના દેખાવ અને આવરણ પરથી જ અટકી જાય છે. હું કહી શકું કે એક વખત હું ય જુવાન અને દેખાવડી હતી. પણ તેથી એમ લાગે કે હું ભૂતકાળ ઝંખું છું. ના, એવું નથી. આ માદા-ઘુવડ એમાંથી બહાર નીકળી ગઈ છે અને સ્વસ્થતાનો માર્ગ અપનાવી વર્તમાનની ક્ષણેક્ષણમાં જીવે છે.
એ લોકો મને કહે છે કે આ ફિલસુફી છે. છતાં અકાળે મૃત્યુ આવે તો તે પાછલા મૃત્યુનો છેદ ઊડાડી દે છે. માદા-ઘુવડ માટે મૃત્યુ કંઈ નવી નવાઈનું નથી. એને એની પૂરી જાણ છે. એવું લાગે છે જાણે હું ચશ્માં પહેરતી કોઈ શિખાઉ નારી હોઉં અને કોઈને મારામાં એટલો રસ જાગ્યો છે કે એ મને અવારનવાર મળવા આવે છે. એને હું સરળ લાગું છું. એને નિરાશ નહીં કરું એવી લાગું છું. ખરેખર, મેં એના પર કયારેય કોઈ વશીકરણ અજમાવ્યું નથી. એ મને બહુ ધ્યાનથી જુએ છે. મારી પાંખો પર ધીમે ધીમે હાથ ફેરવે છે. દરેક માદાને ગમે જ, અને એમાં એની ભૂલ પણ નથી, એમ મારે માટે ક્યારેક મીઠાઈ લાવે છે. એનામાં હું એક કવિ જોઉં છું જેની સુરુચિ ઘુવડને અતિક્રમી ગઈ છે. એની રીતભાતમાં કંઈક માર્દવ છે, કંઈક ગુહ્ય છે, કંઈક અસપષ્ટ છે પણ એ મને ગમે છે. એક સમયે હું મોહક હતી. રમૂજની છોળો ઊડાડતી. કેટલાય જુવાનો મ્હોં ફેરવી લેતા. હવે સમય બદલાયો છે. મારાં પગરખાંમાં કાણાં પડી ગયાં છે. હું વૃદ્ધ થઈ ગઈ છું. હું બેસું છું, ચૂપચાપ.
ધરતીનો છેડો/અનુવાદ: પન્ના નાયક
જેને માતા, પિતા, ભાઈ, બહેન કે કોઈ કુટુંબ જ નહીં એવા એક સાવ નિર્વાસિત બાળકને એક દિવસ એક તુક્કો સૂઝયોઃ દોડીને ધરતીને છેડે જવાનો. સાથે ખાસ લઈ જવાનું કે પેકીંગ કરવાનું તો કંઈ હતું નહીં. હતાં માત્ર પહેરેલાં કપડાં. બસ પછી તો એ પહેરેલે કપડે જ નીકળી પડયું. સૂરજ પ્રકાશતો હતો પણ એણે કંઈ ધ્યાન આપ્યું નહીં. એ તો દોડયે જ ગયું. રસ્તામાં કેટલાંય દ્દશ્યો આવ્યાં પણ એ દ્દશ્યોનેય એણે ધ્યાનમાં લીધાં નહીં. દોડતાં દોડતાં વચમાં ઘણાય લોકો આવ્યા; એમનેય જોયા વિના પસાર કર્યા. દોડતાં દોડતાં રાત પડી તો રાતને ય એણે અવગણી. એણે ન દિવસને કે રાતને કે વસ્તુને કે લોકોને કે સૂરજને કે ચંદ્રને કે જે કંઈ હતા એ થોડાઘણા તારાને કે કશાયને મહત્ત્વ ન આપ્યું. કોઈ ભય વિના કે ભૂખ વિના એ તો દૂર ને દૂર દોડતું જ ગયું. લગની બસ એક કે ધરતીના છેડા સુધી પહોંચવાનું છે. એ બાળકે વિચાર્યું કે છેવટે તો છેડો તો મળશે જ. બધાને અંતે છેક છેવટ તો હોય જ છે. શું બાળક સાચું હતું? જરા ધીરે. બાળકે એનું મગજ તો ગુમાવ્યું નહોતું ને? જરા ધીરા પડો. આપણે થોડી જ વારમાં એ બધું જોઈશું.
બાળક તો બસ દોડતું ગયું. એણે પહેલાં વિચાર્યું કે ધરતીનો છેડો કોઈ મોટી દીવાલનો બનેલો હશે. પછી એને થયું કે ના, ધરતીના છેડે એક ઊંડી ખાઈ હશે અથવા તો સુંદર લીલુંછમ મેદાન હશે કે પછી સરોવર હશે કે પછી છાંટણાં છાંટેલું વસ્ત્ર હશે કે પછી જાડું થર હશે કે પછી શાંત સાગર હશે જેમાં હીંચકી શકાય કે પછી ચોખ્ખી હવા હશે કે પછી નિર્મળ ધવલ પટ હશે કે પછી ભૂખરો માર્ગ હશે કે પછી કશું નહીં હોય ધરતીના છેડે. બની શકે કે ધરતીનો છેડો મારા પોતાના જેવો પણ હોઈ શકેઃ એણે વિચાર્યું. પણ હાય, એ કશાયને ધરતીના છેડા તરીકે નક્કી ન કરી શક્યું.
અને એ તો દોડતું જ ગયું. ધરતીનો છેડો તો હાથમાં આવે એવું લાગ્યું નહીં. સેાળ સોળ વર્ષ કોઈ દિશા વિના સાગરો, મેદાનો, ને પર્વતો પસાર કરીને બાળકે ભટક્યા જ કર્યું. એ દરમિયાન એ ખાસ્સું ઊંચુ ને ખડતલ થઈ ગયું હતું અને ધરતીના છેડા સુધી પહોંચવાના પોતાના તુક્કાને શ્રદ્ધાથી વળગી રહ્યું હતું. પણ એ ધરતીના છેડા સુધી પહોંચ્યું નહોતું. એ ખાસ્સું દૂર હતું ધરતીના છેડાથી. એણે વિચાર્યુઃ મને લાગે છે કે આ તો આમને આમ જ ચાલ્યા કરશે.
પછી રસ્તાની ધારે ઊભેલા એક ખેડૂતને એણે પૂછયું કે ભાઈ, ધરતીનો છેડો ક્યાં આવેલો છે? ધરતીનો છેડો તો ખેતરમાં એક ઘર હતું એનું નામ હતું એટલે ખેડૂતે કહ્યું: અહીંથી બીજો અરધો કલાક જ દૂર છે. બાળકે એની નોંધ કરી અને પછી સાચી માહિતી આપવા બદલ ખેડૂતનો આભાર માની આગળ ચાલવા લાગ્યું. પણ એને અરધો કલાક તો અનંત કાળ જેવો લાગ્યો. રસ્તામાં એણે એક યુવાનને આવતો જોયો. એણે એને એને પૂછયું ભાઈ, ધરતીનો છેડો કેટલો દૂર છે? યુવાને કહ્યું બીજી દસેક મિનિટ લાગશે. સાચી માહિતી આપવા બદલ એ બાળકે એનો પણ આભાર માન્યો ને પછી આગળ ચાલવા લાગ્યું. આ મજલ દરમિયાન એની શક્તિ પૂરી ખરચાઈ ગઈ હતી અને એની પ્રગતિ સાવ ધીમી હતી પડી ગઈ હતી.
છેવટે શાંત બીડની વચ્ચોવચ્ચ એણે એક વિપુલ, વિશાળ, માયાળુ, સદભાવી, ગર્વીલું, સુંદર, ને આબરૂદાર ફાર્મહાઉસ જોયું. ફાર્મહાઉસની આજુબાજુ ફળોનાં વૃક્ષ હતાં. એની આસપાસ મરઘાં ફરી રહ્યાં હતાં. ખેતરમાં ધાન હતું અને એ ધાન પર મંદ સમીર લહેરાતો હતો. બગીચો શાકભાજીથી ભરપૂર હતો. ઢોળાવ પર મધપૂડો હતો જેમાંથી મધની ખુશબૂ આવતી હતી અને ત્યાં ચેરી, નાસપતી, અને સફરજનથી લચેલાં વૃક્ષો પણ હતાં. બધું એટલું સમૃદ્ધ, ઉમદા, અને મોકળું લાગતું હતું કે એ જોઈને જ બાળકને ખાતરી થઈ ગઈ કે આ જ ધરતીનો છેડો. એનો આનંદ સમાતો નહોતો. ઘરમાં કોઈક રસોઈ કરતું હતું. એ રસોઈની સોડમ અને એનો આછો ધૂમાડો હસતો હસતો ચીમનીની બહાર ચોરની જેમ નીકળતા હતા. થાકેલા અને સશંક બાળકે પૂછયુઃ આ ધરતીનો છેડો છે? ખેડૂતની પત્નીએ કહ્યુઃ હા, બેટા, આ ધરતીનો છેડો છે.
તમારી માહિતી માટે આભાર એમ કહીને એ બાળક તો થાકને કારણે ત્યાં જ ઢળી પડયું. અને લોઢ કાળજી કરતા હાથોએ એને ઊંચકીને પલંગ પર મૂક્યું. એ જાગ્યું ત્યારે આશ્વર્યચકિત થઈને જેયું કે એ સરસ પોચી પથારી પર પડયું છે અને સારા લોકોથી વીંટળાયેલું છે. હું અહીં રહી શકું? એણે પૂછયું. હું ખૂબ મહેનત કરીશ. શા માટે નહીં? તું અમને ખૂબ ગમે છે. અમારી સાથે રહે ને ખૂબ મહેનત કર. અમારે આમેય મહેનતુ મદદનીશની જરૂર છે. તું મહેનત કરી શકે છે એની ખાતરી કરાવશે તો અમે તને દીકરીની જેમ રાખીશું. એ લોકોએ કહ્યું. એ લોકોએ બીજી વાર કહેવું પડે એની બાળકે રાહ ન જોઈ. એ તો દિલ દઈને ખંતથી નાનાં મોટાં કામમાં લાગી ગયું અને બધાંને પોતાનાં કરી લીધાં. ત્યાંથી ભાગી જવાનું તો નામ જ ન લીધું કારણ ત્યાં જ એને ધરતીનો છેડો મળી ગયો હતો.
રોબર્ટ વૉલ્ઝર જર્મન/ઓસ્ટ્રિયન લેખકની વાર્તા માદા-ઘુવડ અને ધરતીનો છેડો- સ રસ અનુવાદ:સુ શ્રી પન્ના નાયક દ્વારા
LikeLiked by 1 person
manniya shri babu bhai saheb. biji varta dharti no chedo mara mujab kalpink varta ma ave? saheb javab apsho to janva malche. ketlu tamri varta re varta mathi shikhyo.pl.
LikeLiked by 1 person