બે કાંઠાની અધવચ – નવલકથા – (૧૬) – પ્રીતિ સેનગુપ્તા


         બે કાંઠાની અધવચ – (૧૬) —  પ્રીતિ  સેનગુપ્તા

 થોડા સમય પછી, એક શનિવારે, ઇન્ડિયન કલ્ચરલ પ્રોગ્રામ હતો. એમાં કેતકી એક ભજન ગાવાની હતી. સુજીતે વામાને પણ સાથે આવવાનું આમંત્રણ આપ્યું. બૉયફ્રૅન્ડનો ઉલ્લેખ સુજીતે તો ના જ કર્યો, પણ વામાએ પણ ના કર્યો. હૉલમાં પહોંચ્યા પછી કેતકી સ્ટેજ પાછળ ગઈ. સુજીતની વાતો ચાલુ જ હતી, વામાને મઝા પડતી હતી એની વિનોદી વાતોમાં.

સંગીતનો કાર્યક્રમ પૂરો થાય પછી, “અલીબાબાની ગુફા” નામનું, નાટક રજૂ થયું. જીવન કેવું ગુફા જેવું છે, ને હિંમતથી એના અંધારામામ પ્રવેશો, અને શોધખોળ કરો, તો મહામૂલ્યવાન રત્નો જેવા સમયની પ્રાપ્તિ થાય. પચીસેક નાનાં-મોટાં બધાંએ મળીને તૈયાર કરેલા આ નાટકમાં, એવો પ્રેરણાત્મક સંદેશો હતો. સુજીતને એ વિષે મત આપવો હતો, પણ ચાલુ નાટકે એ વાત કરી નહતો શકતો.

કેતકી હજી સ્ટેજ પાછળ હતી, ને કોઈએ એને બોલાવી. ચશ્માં પહેરેલા, આછા થઈ ગયેલા વાળવાળા, પુરુષને એ ઓળખી ના શકી. અરે, ના ઓળખ્યો? હું સુરેશ છું.

કૉલૅજનો સુરેશ? ઓહો, કેમ છો? અહીં છો? ક્યારથી?, વગેરે પ્રશ્નોની આપ-લે પછી, સુરેશે એકદમ કહ્યું, કે વિકાસ અમેરિકામાં છે, તમને એ ખબર છે?

વિકાસ?, કેતકીને લાગ્યું કે પોતે ભૂતકાળની, હજી અંધારી રહેલી, કોઈ ગુફામાં પ્રવેશી રહી છે.

સુરેશ કહેતો હતો, મારી પાસે એનો ફોન નંબર છે. પણ ઘેર છે. તમારો નંબર આપો, હું તમને ફોન કરીને એનો આપી દઈશ. પછી કહે, અમે અહીં ક્યારેક નાટક કરીએ છીએ. તમે જોડાશો તો અમને બહુ ગમશે. હિરોઇનની ખોટ અહીં પણ છે જ!

કેતકી આ વાતો પર ધ્યાન કેન્દ્રિત કરી શકતી નહતી. વિકાસ?, અમેરિકામાં? ક્યાં હશે? પણ હજી સુરેશ કહેતો નથી, કે એ વખતે શું થયું હતું, ક્યાં જતો રહ્યો હતો એ અચાનક. એ પૂછી શકતી નથી. હજીયે નહીં.

ઇન્ટરમિશનમાં કેતકી હૉલમાં આવી ત્યારે, સુજીત વામાને કશું લંબાણપૂર્વક સમજાવતો લાગ્યો. બંનેએ કેતકીના ગાયનનાં વખાણ કર્યાં. વામાએ કહ્યું, કે એકથી વધારે ગાયું હોત તો ઑડિયન્સમાં બધાં બહુ ખુશ થાત. કેતકી કહે, કે કાર્યક્રમમાં આમ જ ગોઠવેલું.

સુજીતની બાજુની ખુરશીમાં એ બેસે તે પહેલાં, સુરેશ એની તરફ આવતો લાગ્યો. સુરેશે પોતાનો નંબર આપ્યો. કહે, મારી વાઇફ કહે છે, કે અમારે ઘેર જમવા આવવાનું છે. હું ફોન કરીશ. તમે પણ કરજો.

કેતકીને બીક હતી, કે સુજીતને નહીં ગમ્યું હોય કોઈ પુરુષ એની સાથે વાત કરવા આવ્યો તે. સુજીત સરસ મૂડમાં હતો. સુરેશ તરફ એનું ધ્યાન ખાસ ગયું લાગ્યું નહીં.

ઘેર પહોંચીને તરત, રતિ-ક્રીડા કર્યા વગર એ રહી ના શક્યો. ઘણું મોડું થયું હતું, કેતકી અન્યમનસ્ક હતી, પણ ઘણી ઉત્કટ હતી એ રાતની ક્રીડા. શરૂઆતની રાતોમાં હતી તેવી.

રવિવારની સવાર, એટલે નિરાંતે ઊઠવાનું. કેતકી ચ્હા મૂકે એટલી વારમાં, સુજીત જરાક બહાર જઈને છાપું લઈ આવે. રવિવારનું છાપું હોય જાડું, પણ એમાં આકર્ષક અને લોભામણી અસંખ્ય ચીજોની જાહેરાતોથી ભરેલાં ઘણાં પાનાં હોય. સુજીત કહેતો, આવું જોઈને જ લોકો વધારે પડતી ચીજો ખરીદી લેતા હોય છે. એમાંનું અડધું કામમાં ના આવે, ને ઘરમાં નકામા ઢગલા થયા કરે.

આવી વાત શરૂ થાય એટલે સામે વિશ કહેતો, બૉસ, આમ જ ચાલે છે અહીંની ઇકૉનૉમી. જાણો તો છો.

બંને જણ હોંશિયાર હતા, ને અમેરિકાની આટીઘુંટી જાણવા લાગ્યા હતા. પણ કેતકીએ જોયું હતું, કે એ લોકો વાતો કરે ત્યારે ઇકૉનૉમી અમેરિકાની ચર્ચાતી હોય, પણ રાજકારણ ઇન્ડિયાનું ચર્ચાતું હોય. કયા નેતાએ શું કર્યું, ને શું કરવું જોઇતું હતું, અથવા ઇન્ડિયાના પ્રૉબ્લૅમ શું છે, ને કઈ રીતે સૉલ્વ કરી શકાય, તે બધું ચર્ચતાં બંને બહુ ઉત્સાહિત થઈ જતા. અવાજ મોટો થતાં થતાં ઘાંટા સુધી પહોંચી જતો.

નંદા કેતકીને કહેતી, માથું દુઃખી જાય છે મારું તો.

ચારેય ભેગાં થાય ત્યારે, કેતકી અને નંદા ઑરૅન્જ જ્યુસ અથવા કોકાકોલા પીતાં, અને બંનેના હસબંડ વાઇન ચડાવતા. હવે તો વાઇનની ખાસિયતો વિષે પણ સુજીત જાણવા લાગ્યો હતો. ખરીદવા જતાં, દુકાનમાં એને એક ચોપાનિયું મળ્યું હતું. એમાં જ્યાંના વાઇન વખણાતા હોય તે પ્રદેશો, વાઇનના રંગ, સુગંધ, ઘટ્ટતા, સ્વાદ વગેરે વિષે સારી માહિતી હતી.

એમાં એમ પણ લખ્યું હતું, કે વાઇનના જે ખરેખરા જાણકાર હોય છે તે વાઇનને પીવા ખાતર જ નહીં, ઉત્તેજિત થવા ખાતર જ નહીં, પણ એનાં સૂક્ષ્મ પાસાં પામવા માટે પીતા હોય છે. વાઇન કેવળ દારુનો પ્રકાર નથી, બલ્કે ઉત્તમ વાઇનનું સર્જન કળાકૃતિ સમાન ગણાય છે. એ વાક્ય વાંચીને સુજીત હસવા લાગેલો, આહા, દેવો સુરાપાન કરતા હતા તે કાંઈ અમસ્તા?

એ સવારે સુજીત છાપું લઈ આવ્યો પછી બે વાત બની.

એક નાની પુસ્તિકા એણે કેતકીને આપી, ને કહ્યું, કે આ જોઈ જજે. આવતે અઠવાડિયે ટ્રેઇનિન્ગ ક્લાસ શરૂ થાય છે. નજીકમાં જ છે. જગ્યા આપણે જોઈ આવીશું, પછી તું જાતે જઈ શકીશ.

પણ આ છે શું?

બહુ સરસ કોર્સ છે. બહુ અઘરો નથી. એક વાર એમાં પાસ થઈ જાઓ, પછી નોકરી ચટ કરીને મળી જાય.

પણ શેની નોકરી? એવી કોઈ વાત થઈ નથી આપણે, કેતકી નવાઈ પામતી હતી.

સુજીતે કહ્યું, કે મોડી-વહેલી નોકરી તો બધાંએ કરવી જ પડેને. તો જ પોસાયને આ દેશમાં. પણ આ કોર્સ પાસ કરીશ, ને એનું સર્ટિફિકેટ મળી જાય, પછી તું પાવરધી થઈ ગયેલી ગણાઈશ.

એ કહેતો ગયો, એમાં શું છે, જો, તને સમજાવું. દર વર્ષે અમેરિકામાં દરેક વ્યક્તિએ ટૅક્સ ભરવો પડે છે. એ સરકારી નિયમ છે, ને બધાં પ્રજાજનોને લાગુ પડે છે. ટૅક્સ ભરવા માટેનાં ફૉર્મ હોય છે. ઘણાં જણ એ ફૉર્મ જાતે ભરે, કે પોતાના અકાઉન્ટન્ટ પાસે ભરાવે, વગેરે.

પણ જેમને ભરતાં ના ફાવે, ને ઓછી આવકવાળા લોકો અકાઉન્ટન્ટની ફી આપી શકે તેમ ના હોય, તો તેમને માટે એવી ઑફીસો હોય છે, જ્યાં આવા કોર્સ પાસ કરેલી વ્યક્તિઓ એમની સાથે બેસીને, એમના બધા પેપર્સ જોઈ-તપાસીને,  વિગતો ભરી આપે. કામ સહેલું છે, ને પગાર પણ મળે.

કેતકી ચૂપ થઈને સાંભળતી હતી, પણ એના મનમાં ઉથલપાથલ થતી હતી. એણે જ્યારથી જાણ્યું, કે વામા લાયબ્રેરીમાં કામ કરતી હતી ત્યારથી એને આશા બંધાઈ હતી, કે પોતે પણ આ નજીકની લાયબ્રેરીમાં કામ કરવા જશે. એક વાર એ પૂછી પણ આવી હતી.

અલબત્ત, સરખી ડીગ્રી વગર તો કામ મળે નહીં, ને હમણાં કોઈ જગ્યા ખાલી પણ નહતી. પણ ત્યાંથી એને એમ કહેલું, કે એ વોલન્ટિયર તરીકે, કાર્યક્રમો વખતે, મદદ કરી શકે છે.

કેતકીને લાગ્યું હતું, કે ભલે પગાર વિના, પણ શીખવા તો મળશે. એની સહજ બુદ્ધિએ એમ પણ વિચાર્યું, કે એક વાર ત્યાં શરૂ કરીએ પછી ક્લૅરિકલ જેવી કોઈ જગ્યા ખાલી થાય, તો વળી, મને રાખી પણ લે. 

સુજીતને આ વાત હજી એણે કરી નહતી. કરીશ, કરું છું, કરતાં રહી જ ગઈ હતી. ને ત્યાં એ તો આવા કોર્સની વાત લઈને આવ્યો. હવે તરત સામે એણે લાયબ્રેરી વિષેની વાત કરવા માંડી. પણ સુજીતે ટૅક્સ ભરી આપનાર ઍક્સ્પર્ટ માટેના કોર્સનો નિર્ણય કેતકીને માટે લઈ જ લીધેલો. પહેલેથી એનો સ્વભાવ એવો જ હતો, કે જે ધારે તે જ કરે, ને હવે એવો બન્યો હતો એનો સ્વભાવ, કે જે ધારે તે કરાવે પણ ખરો જ.

આ પહેલી વાર કેતકીની આંખોમાં પાણી ભરાઈ આવ્યાં. પહેલી વાર સુજીતની સામે. આમ તો, એકલી બપોરે કેટલીયે વાર, ઘરનાં બધાંને યાદ કરીને, એણે રડી લીધેલું.

પણ સુજીતને ખ્યાલ ના આવ્યો, એ છાપું ઊથલાવતો હતો.

તુકી, એણે કહ્યું. તું તો હોંશિયાર છે. તને તો શીખતાં વાર જ નહીં લાગે.

કદાચ આ પહેલી વાર કેતકીને, પોતાના જીવન માટે, નિરાશાનો ભાવ થયો. સૌથી પહેલાં, ફાઇન આર્ટ્સમાં જવું હતું. તે ના થયું. પછી સાહિત્યનો રસ કેળવાયો. તે અધૂરો રહ્યો. કૉલૅજમાં આર્ટ્સ ભણી. ને હવે આ શું શીખવાનું આવ્યું? એક જાતનું ગણિત જ લાગે છે.

સુજીતે બરાબર તપાસ કરેલી, કેતકીના ક્લાસ શરૂ થઈ ગયા. એની ઉંમરનાં ઓછાં જણ હતાં. વધારે તો, રિટાયર થયેલા લોકો, આ શીખ્યા પછી સહેલાઈથી જૉબ મળે તે માટે, કોર્સ કરવા આવ્યા હતા. એ બધા તો અમેરિકન, અથવા અમેરિકામાં લાંબું રહેલા હતા; સરકારી ટૅક્સ વગેરે વિષે કંઇકે ય જાણે; છતાં સૌથી વધારે ચપળ તો કેતકી જ હતી, તે એ પોતે પણ, બે-ત્રણ ક્લાસ ભરતાં જ, જોઈ શકી. 

બીજી જે વાત બની હતી, તેની જાણ થઈ કેટલાંક અઠવાડિયાં પછી.

શરૂઆતમાં કેતકીને જીવ મુંઝાતો લાગ્યો. ઘરમાં કામ કરતી, કે સ્વિમિન્ગમાં જતી, તો થાક લાગતો. પછી જ્યારે રસોઈ કરવા ગઈ, ત્યારે ઉબકા આવવા માંડ્યા. આ શું? ખરેખર? શું એ જ હશે કારણ? એ જાણે નક્કી ના કરી શકી કે શું કરું? ગાઉં? નાચું?

તોયે એણે બીજા ચાર-પાંચ દિવસ રાહ જોઈ. પણ જ્યારે ઊલટીઓ થવા માંડી, ત્યારે એને ખાતરી થઈ, કે પોતે પ્રૅગ્નન્ટ થઈ છે એ નક્કી. આખરે એણે સુજીતને કહ્યું. થોડી પળો તો એ સાંભળીને કશું બોલી ના શક્યો. ને પછી એ જ નાચવા માંડી ગયો.

કેતકીને એણે છાતીસરસી ભીડી દીધી. શું ખબર આપ્યા છે તેં. આપણે બે કેવાં એક થયાં હોઈશું, કે એમાંથી નવું જીવન સર્જાઈ રહ્યું છે.

કેતકી જાણે નવેસરથી સુજીતની ભૂખરી-લીલી આંખોથી સંમોહિત થઈ ગઈ. બાળકને પણ આવો, તરત ધ્યાન ખેંચે તેવો, રંગ મળશે ને? પોતાના વાળ આવે તો ચાલે, પણ દેખાવ તો સુજીત જેવો જ જોઈએ. કેતકીને વહાલ ભરેલાં સ્વપ્ન જોવાનું કારણ મળી ગયું.

સુજીત તે જ ઘડીએ, આ બાબત માટેનું, પ્લાનિન્ગ કરવા લાગી ગયો. હવે વાર કર્યા વગર, આ જ અઠવાડિયે, હું ગાડી ખરીદી લઈશ. વિશને થોડી વધારે જાણ છે એ વિષે. એને પૂછીશું. પછી તારે માટે ડૉક્ટર નક્કી કરવા પડશે. કમ્યુનિટી હૉસ્પિટલમાં જઈ આવીશું કાલ-પરમ દિવસે. તારે હવેથી સાચવવાનું. વધારે પડતું કામ કે ઊઠ-બેસ નહીં કરવાનું. દિવસ દરમ્યાન રોજ આરામ કરવાનો.

બસ, બસ, કેતકી એને વળગી પડી. બધું સામટું યાદ નહીં રહે મને.

એનો કોર્સ પૂરો થવામાં હતો. લાગતું હતું, કે શીખવાડનાર સંસ્થા જ એને નોકરી આપી દેશે. તારે લઈ તો લેવાની જ. પછી તબિયત પ્રમાણે કામના કલાકો નક્કી થઈ શકશે. અહીં વર્કરને બહુ હક્ક હોય છે. આ દેશમાં, ખરેખર તો, સરકાર જેટલો ટૅક્સ મેળવે છે, તેના કરતાં ઘણો વધારે ખર્ચો કરતી હોય છે પ્રજાજનો માટે.

વામા સાથે ક્યારેક ફોનમાં વાતો થયા કરતી હતી, પણ મળીએ ત્યારે કહું, એમ કેતકીએ વિચાર્યું હતું. થોડું સારું લાગતાં એ બહાર નીકળવા માંડી, ત્યારે એણે વામા સાથે વાય.માં મળવાનું નક્કી કર્યું. સ્વિમિન્ગ પછી કૅફૅટૅરિયામાં કૉફી પીશું, એણે કહેલું. એનું કૉશ્ચ્યુમ હજી પહેરાતું હતું. બીજા બેએક મહિના પછી કદાચ નહીં થાય, એણે ધીરેથી પેટ ઉપર હાથ ફેરવ્યો.

વામાએ કહેલું, ન્યુઝ તો સારા જ છે, પણ તું તૈયાર છે બાળક માટે?

કેતકીને જવાબ માટે વિચાર કરવો ના પડ્યો. હા, કેમ નહીં? લગ્ન પછી જીવનમાં બાળક માટે તો તૈયાર જ રહેવાનું હોય ને.

હા, પણ લગ્ન પછી થોડાં વર્ષ એકબીજાંને ઓળખવા માટે, સાથે હરવા-ફરવા માટે ના જોઈએ?

એવી જરૂર તારા જેવા મૉડર્ન લોકોને હોઈ શકે છે, અમને તો નથી લાગતી, કેતકીએ કહ્યું.

પછી થોડી ચર્ચા, સ્વાભાવિક રીતે, બે દેશોમાંની વિચારસરણી વિષે થઈ. બંને હસ્યાં, કે કેવી જાત જાતની હોઈ શકે છે જીવન જીવવાની રીતો.

કેતકીએ કામ શરૂ કર્યું પછી એને ગમવા પણ માંડ્યું. અમેરિકન ઑફીસ, અમેરિકાના લોકો, અમેરિકાની જીવન-રીતિથી એ પરિચિત થતી હતી. વળી, જવાબદારીનું કામ હતું એનું – લોકોને ટૅક્સ ભરવામાં મદદ કરવાનું. એને પોતાને માટે જુદો જ અનુભવ હતો આ. એના મનમાં થઈ આવેલી નિરાશા ક્યારની યે ભૂલાઈ, ને ભુંસાઈ ગયેલી.

(વધુ આવતા સોમવારે)

3 thoughts on “બે કાંઠાની અધવચ – નવલકથા – (૧૬) – પ્રીતિ સેનગુપ્તા

  1. સુ શ્રી પ્રીતિ સેનગુપ્તા, બે કાંઠાની અધવચ – મજાની નવલકથા માણવાની મજા સાથે કેતકીએ કામ શરૂ કર્યું પછી એના મનમાં થઈ આવેલી નિરાશા ક્યારની યે ભૂલાઈ, ને ભુંસાઈ ગયેલી. અહીં ઘણામા અનુભવાયેલી વાતનો સુખદ અંતે આનંદ

    Liked by 1 person

  2. કેતકીના જીવનમાં અવનવા અનુભવો સર્જાઈ રહ્યા છે. સુજીતની ધાર્યું કરાવવાની જીદનો પરિચય કેતકીને થઈ રહ્યો છે, પણ એ વાત વધુ ગંભીરતાથી લે તે પહેલા બે સુંદર વાતો બની એના જીવનમાં. પ્રેમનુ બીજ ભીતર પાંગરવા માંડ્યુ અને નોકરી સાથે અમેરિકન સંસ્કૃતિથી માહિતગાર થતી ગઈ.

    Liked by 1 person

  3. કેતકી માટે બે સારા સમાચાર, અમેરિકામાં નોકરી એ પણ લોકોને મદદ કરી શકે તેવી ,અને પ્રેમનું પાંગરતુ બીજ ઉદરમાં. કેતકી અમેરિકાના જીવનથી વધુ માહિતગાર થતી હતી.

    Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s