મિત્રો સાથે વાતો. મારી વાત…સરયૂ. કાવ્ય “મૌજમેં રહેના”…મુનિભાઈ મહેતા


http://મિત્રો સાથે વાતો. મારી વાત…સરયૂ. કાવ્ય “મૌજમેં રહેના”…મુનિભાઈ મહેતા

મોજીલી સફર…સરયૂ પરીખ

જીવન સરિયામ પર કેવા ઉતાર ચડાવ!! વિવિધ ઉંમરની વિવિધ બલિહારી. ધારોકે આજે આકાશવાણી થાય અને કહે કે, તને કિશોર અવસ્થામાં પાછી મૂકી દઉં? તો હું કદાચ, અરે ચોક્કસ, ના જ પાડી દઉં…કારણકે, મારી કિશોરી નજરમાં, અમારું ૧૯૬૦નું ભાવનગર, ગામડીયા લોકોનું સુધરેલું શહેર ખડું થઈ જાય. ઊગતી છોકરીને કેટલી ઉત્સુકતા હોય કે તે કેવી દેખાવડી છે!! પણ ઘરમાં કોઈ ફૂલ ચડાવે નહીં અને ઓળખીતાઓ તેમને હસી કાઢે… કોણ જાણે કેમ, નાના છોકરી-છોકરાની વાત હસવા જેવી કેમ લાગતી હશે!! કોઈ સીધી રીતે કહે જ નહીં કે ‘તું સારી દેખાય છે’. એ ઉંમરે તો, બાની સરખામણીમાં ‘સરયૂ શામળી છે’ હોંશથી કહી દે…

એક વખત કાકાની દીકરીના લગ્નમાં શિહોર ગયા. એ બધ્ધી જ ગામડાની અગવડો વચ્ચે, પહેલી વાર મેં સાડી પહેરી. ચિતમાં ચમકારા થાય, ‘હું કેવી લાગતી હઈશ?’ તેનો જવાબ બે દિવસ પછી મળ્યો. ભાવનગર પાછા આવી ગયા. મોટાકાકાનો દીકરો-વહુ ઘર પાસેથી પસાર થઈ રહ્યાં હતાં તે વાતો કરવા ઉભા રહ્યાં. “સરયૂ, હી હી હી… તેં પહેલીવાર સાડી પહેરી’તી” અને સાથે ભાભી પણ, ”હી હી હી.” …મારો દેખાવ વિષેનો આત્મવિશ્વાસ ચકનાચૂર થઈ ગયો.

અરે! દસ વર્ષની હતી ત્યારની વાત કરું. મને ટાઇફોઇડ થયો તે પછી મને ‘ડબલ ટાઇફોઇડ’નું બિરુદ આપ્યું. જોકે મારા બા મને ‘તંદુરસ્ત’ કહેતાં અને બાપુજી કહેતા, “‘સરયૂ અમારા ઘરનું નાક છે, લોકો માનશે કે અમે ખાધે-પીધે સુખી છીએ.” મામાના દીકરા અને તેનાં ભેરુઓ સલાહ આપતા, “સરયૂ, ચિંતા કર તો પાતળી થઈશ.” પણ મારો સવાલ …” ચિંતા કેમ કરાય?” એનો જવાબ એ અબૂધ છોકારાઓને ક્યાંથી આવડે?

બાના બા, અને બાપુના માતા-પિતા ત્રીસીમાં જ મૃત્યુ પામેલા. અમે એક જ વડીલ…અમારા નાના, વૈદ્ય ભાણજીબાપાનો સ્નેહ અનુભવવા પામ્યા હતાં. બાપાની મોંઘેરી મુલાકાત, એ મખમલી ઠંડીમાં બાપા ધાબળો ઓઢી આગળના ઓટલા પર બેઠાં હોય અને હું ને ભાઈ તેમની બે બાજુ લપાઈને બેસીએ. બા સવારનાં નાસ્તામાં રોટલો અને દહીં લાવે અને બાપા અમને રોટલો ચોળી દહીંના વાડકામાં તૈયાર કરી આપે. વળી એ પણ યાદ આવે કે મધુરું ગીત વાગતું હોય કે કોઈ ગ્રંથ વાંચતા હોય અને બાપા ભાવવિભોર થઈ જતા હોય. મુનિભાઈ હાઈસ્કૂલમાં ભણતો ત્યારે કવિ દિનકરની કવિતા બાપા સાથે વાંચતો હોય…આવા દ્રશ્યો અમારા પરિવારમાં સાહિત્યનો વારસો ક્યાથી આવ્યો તે બતાવે છે.

બાપાના સ્નેહ સાથે શિક્ષા પણ ખરી. ઘણો સમય બાપા મુંબઈમાં નાનામામાને ઘેર રહેતા અને ચીની તેમની સૌથી વ્હાલી પૌત્રી હતી… તે અમે સાતેય ટાબરીઆ જાણતા હતા. મોટામામા, કવિ નાથાલાલ દવેની દીકરી શારદા અને નાનામામાની દીકરી ચીની, મારા કરતાં બે વર્ષે નાની હતી. તેથી મને લીડરશીપનો હક્ક મળી ગયો હતો…પણ તેની સાથે જવાબદારી પણ આવે, એ ખબર એક દિવસ ઓચિંતાની પડી. એ ઉનાળે, નાનામામાને પક્ષઘાતનો હુમલો થતા, મુંબઈથી ભાવનગર મામી અને ચીની સાથે આવેલા. સાતેક વર્ષની, ગોરી, માંજરી આંખોવાળી નાજુક ચીની પહેલી વખત આટલા બધાં અજાણ્યા સગાવહાલા વચ્ચે ઘેરાઈ ગઈ હતી.

ચીની ગભરાયેલી તો હતી જ કારણ મામાને હોસ્પિટલમાં દાખલ કર્યા હતા અને બાપા પણ તેમની સંભાળમાં આખો દિવસ તેમની સાથે રહેતા. ચીની મારી અને શારદાને હવાલે…અને અમે બન્ને જરા અણઘડ-બરછટ ભાવનગરી છોકરીઓ. એ બપોરે, અમે ઘેઘુર આંબાના છાયામાં રમતા હતાં. હું અને શારદા એક તરફ થઈ ગયા ને ચીની માટે એક સૂત્ર જોડ્યું, “ચીનો પટેલ નાચે છે…” કહી તેને ચીડવી અને રડાવી. સાંજે બાપા આવ્યા અને ચીનીએ બાપાના ખોળામાં બેસીને ડૂસકા સાથે બયાન આપ્યું, જે મેં બારણાની આડમાં છુપાઈને સાંભળ્યું. બાપાનો ઉંચો અવાજ, “સવી, ક્યાં ગઈ?” અને હું તો દોડી… અને પાડોશીના ઘરના પાછલા ભાગમાં, ગાયની છાપરી પાછળ સંતાઈ. બીજી તરફ બાપાને ખબર આપવાવાળા કેટલાય પ્રેક્ષકો તેમને મારી પાછળ દોરી લાવ્યા. કંઈક થશે તેવી અપેક્ષા સાથે ઊભેલાં પ્રેક્ષકો વચ્ચે બાપાએ લાકડી જરા ઠપકારી, “હવે પછી કોઈ’દી ચીનીને રોવડાવતી નહીં” એવો ડારો આપીને જતા રહ્યા. બસ! એટલું જ! પ્રેક્ષકોને ખાસ મજા ન આવી. પણ, એ લાકડીના ઠપકારે મને જીવન-પાઠ મળી ગયો કે નાના અને ડરેલાને ક્યારેય દબાવવા નહીં. ત્યાંથી જ અમારા ત્રણે બહેનો વચ્ચેની ગહેરી મિત્રતાની શરુઆત થઈ હશે…

પ્રાર્થનામાં ગાવાનું… પણ સત્ય, અહિંસા, ચોરી ન કરવી અને દયા રાખવી એ બધું પિતાજીની દિનચર્યા દ્વારા શીખવાનું. ચા-કોફી તો નહોતા પીતા, પણ સ્નેહીજનોને ઘેર જાય તો પોતે જ જાતે તેમની સ્વચ્છતાને અનુકૂળ રીતે જાતે પાણી લઈ લે. અમારા ડોક્ટર મામાને કાર હતી. તેઓ ક્યાંક મળી જાય તો, “ચાલો હરીભાઈ, બેસી જાવ કારમાં.” પણ પિતાજી ના જ પાડે. પૂછીએ કેમ? તો કહે, “આજે કારમાં બેસું અને આવતીકાલે ન પૂછે તો ઠેસ લાગે. અપેક્ષાને વેગ ન આપવો.”

અમુક સામાન્ય સુવાક્યો જીવન ઘડતરના મજબૂત પાયા બની જાય છે. તેર વર્ષની હું ધન્ય બની ગઈ જ્યારે દિલ્હીથી આવેલી અંજુ, મારી ખાસ બેનપણી બની હતી. અંજુના મામી અમારા ભાડૂઆત હતા. એક દિવસ મેં ઘેર આવીને હોંશેથી બાને વાત કરી, “આજે તો અંજુને કહી દીધું કે તેના મામી કેવી અજુગતી વાત તેના મમ્મી વિષે કહેતાં હતાં!” મારા બા સ્થિર નજરથી મારી સામે જોઈ રહ્યાં અને બોલ્યાં, “ઝેરનો ફેલાવો ન કરીએ.” એ શબ્દો મારા હ્રદયમાં હંમેશને માટે કોરાઈ ગયા.

આ શું! હું તો ચૌદ વર્ષની ઊંચી, પાતળી કિશોરી બની ગઈ… થોડા મહિના તો મારા પાતળાપણા માટે બાને ચિંતા થઈ ગઈ. મારી જન્મપત્રિકામાં લખ્યું હતું કે ‘નાના નાના પરાક્રમો કરશે’. પણ હાઇસ્કૂલ સુધી તો ભાઈ મુનિભાઈના પરાક્રમોના સબૂત પારિતોષિકો, અમારા કબાટમાં જગ્યા રોકતા હતા. પણ અંતે, મેટ્રિકમાં સ્કૂલમાં પહેલો નંબર આવ્યો, અને કોલેજમાં થોડાં પરાક્રમો કરી જન્મપત્રિકાને સાચી ઠેરવી.

મારા માટે તો કોલેજ-કાળ રોમાંચક અને સાહસભર્યો હતો પણ બાને માટે કષ્ટદાયક હશે; જોકે બાએ એવું કદી નથી કહ્યું. નવા નવા મિત્રો અને એની સાથે ઘેલુંતૂર આવાગમન-આકર્ષણ. બહાર જવા માટે બા-બાપુ કેટલી વખત -ના કહી -હા કહેતા રહે? પ્રવૃત્તિઓનો પાર નહીં. કોલેજમાં મારા પર ભણતરનો ભાર આવતા એ લોકોને શાંતિ લાગી હશે. ઇંટર સાયન્સમાં એકાદ ટકાની કમીને કારણે મેડિકલમાં એડમિશન ન મળ્યું જેને લીધે ઘરમાં તો ખાસ કોઈને વાંધો ન લાગ્યો. મુનિભાઈ IIT મુંબઈમાં ભણતા હતા. “સારુ ચાલો, હું ભાવનગરમાં જ રહીશ.” એ નિર્ણયથી અમે સર્વે ખુશ થયાં.

જુનિયર B.Sc.ના વર્ષમાં બધી જ ઇતર પ્રવૃત્તિઓ કરી.
ભાવનગરથી એન.સી.સી.માં Best Cadet તરીકે પસંદ થઈ. એક સપ્તાહ અમદાવાદમાં ગુજરાતના બીજા કેડેટ્સ સાથેનો સમય અને ત્રણ સપ્તાહ દિલ્હીમાં છવ્વીસ જાન્યુઆરીની પરેડ… એ અનુભવ મારા વિદ્યાર્થી કાળનો અનન્ય અનુભવ રહ્યો. બધાને એ નિરાંત હતી કે M.Sc. સુધી મારું પરિણામ જોવું હોય તો પ્રથમ વર્ગમાં જલ્દીથી જોઈ શકે. પછીની સફર વડોદરા તરફ ઊપડી…કમશઃ  
(દાવડાસાહેબ એક વાર પૂછતા હતા, ‘સરયૂ’ કેમ સરયુને બદલે? કોલેજ મેગેઝિનમાં તો સરયુ છે…ખબર નહીં ક્યારે ફેરવ્યું.)
————————-

મુનિભાઈ મહેતા. પદ્મશ્રી .
ગાયકઃ સુમીત અને અધિરથ

મૌજમે રહેના..

રંગોળી..ઈલા મહેતા

rfrafl

About SARYU PARIKH

INVOLVED IN SOCIAL VOLUNTEER WORK. HAPPILY MARRIED. DEEPLY INTERESTED IN LITERATURE, ADHYATMIK ABHYAS,MUSIC AND FAMILY. EDUCATION IN SCIENCE AT BHAVNAGAR AND BARODA.

7 thoughts on “મિત્રો સાથે વાતો. મારી વાત…સરયૂ. કાવ્ય “મૌજમેં રહેના”…મુનિભાઈ મહેતા

  1. પદ્મશ્રી મુનિભાઈ મહેતાના મૌજમે રહેનાનું ગાયકઃ સુમીત અને અધિરથ દ્વારા મધુર ગાન
    સરયુબેન ની ‘ ભાવનગરથી એન.સી.સી.માં Best Cadet તરીકે પસંદ થઈ. એક સપ્તાહ અમદાવાદમાં ગુજરાતના બીજા કેડેટ્સ સાથેનો સમય અને ત્રણ સપ્તાહ દિલ્હીમાં છવ્વીસ જાન્યુઆરીની પરેડ…’ધન્ય

    Liked by 1 person

  2. સરયૂબહેન,
    તમારી જીવન કથનીથી ઘણુ શિખવાનુ મળે છે. બા ની શિખામણ “ઝેરનો ફેલાવો ના કરીએ” જેવી ઘણી વાતો જીવનભર યાદ રહી જાય.
    મુનિભાઈનુ ગીત સુમીતભાઈના કંઠે સાંભળવાની મઝા આવી.

    Like

  3. સરળ પણ સચોટ ભાષામાં લખાયેલ તમારી જીવની અત્યંત રસપ્રદ બની છે. સૌ સગા વહાલાની ઓળખ એવી છે કે, અમે બધાને જાણે મળી લીધું. સુંદર રચના.

    Like

પ્રતિભાવ