નવરાત્રીની બે નોરતાની રાત વિતી ગઈ અને આજે ત્રીજી નોરતાની રાત છે. નવરાત્રી એટલે નારી શક્તિના પરચાને આત્મસાત કરીને, એની આરાધના કરવાનો ઉત્સવ. મનની આસુરી શક્તિઓને નાથવાનું કામ તો મા જ કરી શકે અને આજના વખતમાં કરાવી શકે. આથી જ ઘરની નારીઓએ ઉદ્યત થવાનું છે, જાગૃત થવાનું છે, જેથી પરિવારના સંતાનો સહુ સાચી કેળવણીને એક વિવેકબુદ્ધિથી સમજે. કારણ, ૨૧મી સદીના, વિજ્ઞાનના નામે આપણે જ ઊભા કરેલા ટેકનોલોજી અને અણુવિજ્ઞાનને રાક્ષસોમાં પ્રવર્તિત થવા ન દઈએ. આજના સમયમાં દાનવીય તાકાતો જુદાજુદા સ્વરૂપે ઊભી થઈ રહી છે અને એને ન નાથી શકાય એવા પ્રચ્છન્ન રાક્ષસી સ્વરૂપે આપણી અંદર, આપણા સમાજમાં જ વસવા માંડે છે. આ અસુરોનો વધ કરવા આપણને સહુને માતાજીની કૃપાદ્ર્ષ્ટિ તો જ મળે જો એમનું સ્મરણ કરીને, ધ્યાન ધરીને, આપણે અંતરથી બળવાન થઈએ અને વિવેક કેળવીએ. આજના આ કોરોનાના કપરા કાળમાં અંબામાની શક્તિ અને ભક્તિ, બેઉ, માનવીના મન અને આત્માની હિંમત અને સાત્વિકતા ટકાવી રાખવા માટે ખૂબ જ આવશ્યક બની ગયા છે.
જ્યારે સહુ સામાજિક રીતે ભેગા મળીને, માતાજીની માનસ સ્થાપના ગરબાના દીવામાં કરીને, ગરબે ગોળગોળ ઘૂમીએ છીએ ત્યારે સાચા અર્થમાં શરીરને પણ મન સાથે માતાજીને ચરેણે ધરી દઈએ છીએ, જેથી આપણા પ્રાણમાં એમની ભક્તિ અને શક્તિ પ્રસ્થાપિત થાય.
કવયિત્રી યામિનીબેન વ્યાસ “દાવડાનું આંગણું” માટે ઘરનું નામ છે. એમની સક્ષમ કલમે આપણને આજે નવો ગરબો અને સ્તુતિ મળી છે, અને રોજ આવનાર બીજા સાત દિવસો સુધી મળતી રહેશે. નવા ગરબા બહુ ઓચા લખાયા છે. એમાં આ એક સુંદર અને પ્રશંસનીય પગલું છે. મા એના રથમાં બેસીને તનના આંગણે આવે અને એના તેજવલય આપણાં અંતર-મનને આવરી લે અને શક્તિ તથા ભક્તિ પ્રદાન કરે જેથી સાચાનો સ્વીકાર કરવાની અને અનિષ્ટનો વિનાશ કરવાની સમજણ મળે. આવા જ ભાવાર્થ સાથે ગરબો અને સ્તુતિ પ્રસ્તુત કરવામાં આવી છે.
આ બેઉ કૃતિઓને બહેનશ્રી સોનલ વ્યાસના કોકિલ કંઠે રજુ કરવામાં આવી છે. બહેન સોનલ શિક્ષિકા છે. સુંદર કંઠ છે એનો અને સંગીતના કલાસ ચલાવે છે.ઘણી સ્પર્ધાઓમાં નિર્ણાયક તરીકે ફરજ બજાવે છે. આંખ મીંચીને મેં જ્યારે આ સ્તુતિ અને ગરબો સાંભળ્યાં તો એના શબ્દો તો હ્રદય સોંસરાવા ઊતરી જ ગયા પણ સૂર અને લયનો અમૃતકુંભ એવો તો છલકાયો કે એના પ્રવાહમાં મને તાણી ગયો. આશા છે કે આપ સહુ આ સ્તુતિ અને ગરબાને માણશો.
“સ્તુતિ” – યામિની વ્યાસ
હરખ ધરીને મોકલું છું નોતરું તું આવ મા
નયન બિછાવી વાટ જોઉં,આવીને બિરાજ મા
ઉપર ધજા તો ફરફરે,સજાવી ચોક તોરણે
છે ધમધમાટ ઢોલનો,પધાર રમવા રાસ મા
ચૂડી રૂડી તો રણઝણે,ગગન તો જાણે ઝરમરે
દસે દિશાઓ સૂરમાં છે રાગિણી ને રાગમાં
ચમક દમકતી ઝગમગે લલાટે માની ટીલડી
સજીધજીને ચંદ્ર જાણે ચમકે આખા આભમાં
ખનક ખનક ચરણકમળ,બજે રે માની ઝાંઝરી
કનક બનીને ઝળહળે ગુલાલ આસપાસમાં
લહર લહર છે નવનિશા,ઉડે જો માની ચુંદડી
ખીલી ખીલીને મઘમઘે છે રાતરાણી રાતમાં
ઝલક જરા મળે પલક, હૃદયફલક બને ખલક
નીરવ રવે કથક કરે ત્રિલોક ભક્તિભાવમાં
ઝડપ ઝડપથી ઘુમ્મતું વિરાટ ચક્ર કાળનું
નમી નમી નમન કરું,તું રાખ છત્રછાયમાં
હે મા તમસને દૂર કર પ્રકાશપુંજ પાથરી
ઓ શક્તિ ચૌદ લોકને તું ઘેરજે ઉજાસમાં
સમય અમારો ક્રૂર છે,દુઃખો ઘણાં વધી ગયાં
ભવાની માત કર કૃપા,ત્રિશૂળ લઈ બચાવ મા
ઓડિયો રજુઆતઃ સોનલ વ્યાસ
“મા નો ઘૂઘરીયાળો રથ” – ગરબો – યામિની વ્યાસ
માનો ઘૂઘરીયાળો રથ આવે છે મારે બારણે રે
મેં તો ચંદન છાંટી ચોક સજાવ્યો મારે આંગણે રે
નવરાતના અંધારની ખનકતી તરજ તો લેવા માંડી છે અંગડાઈ
માના તેજે ઓઢેલા ઠાવકા સૂરજની નજરું અચાનક મંડાઈ
મા, આ પુરવના કિરણોને ચાળુ કયા ચારણે રે
માનો ઘૂઘરીયાળો…
માની ચુંદલડીમાં ચમકંતા તારલા જુઓ વધારી રહ્યાં છે કદ
વરણાગી ચાંદની આભેથી આવે,ફરી ઉપર જવાનું એનું રદ
મા આકાશી ભાષામાં બોલતા ચાંદાને પોઢાડું હવે કયા પારણે રે?
માનો ઘુઘરીયાળો…
– યામિની વ્યાસ
નોરતાની રાતોમા ચિ યામિનીની સ રસ રચનાઓના સુ શ્રી સોનલ વ્યાસ દ્વારા મધુરા સ્વરેઓડિયો રજુઆત માનવાની મજા આવી
LikeLiked by 1 person
norta ni rat. stree shakti prdashan, aje bharat ma khas jaruri che. jyare nani chokri jene kai j samaj nathi teni uper BADATKAR thy che tyare nari shakti kame ave tevu lokoe vichri ne amal ma mukvu joie. YA DEVI SARV BHUTESHU SARV SHAKTI RUPE SANSHITA NAMO STUTE NAMO STUTE NAMO SUTE NAMO NAMH.
LikeLike