શ્રીમદ્ ભાગવત કથા, પ્રથમ સ્કંધ –સત્તરમો અધ્યાય – જયશ્રી વિનુ મરચંટ
પ્રથમ સ્કંધ – સત્તરમો અધ્યાય –મહારાજ પરીક્ષિતે કરેલું કળિયુગનું દમન
(પ્રથમ સ્કંધના સોળમા અધ્યાયમાં આપે વાંચ્યું કે, પૃથ્વી ધર્મ સાથેના સંવાદમાં ધર્મને કહે છે કે સમસ્ત ગુણોના ને ત્રિલોકના આશ્રયભૂત એવા પ્રભુ શ્રી કૃષ્ણએ પોતાની લીલા સંકેલી લીધી અને પાપમય કળિયુગ આ સંસારને પોતાની કુદ્રષ્ટિથી ભરખી રહ્યો છે, એનો મને ઘણો શોક થઈ રહ્યો છે. હું પોતાના માટે, દેવતાઓમાં શ્રેષ્ઠ એવા તમારા માટે, દેવતાઓ, પિતૃઓ ઋષિઓ, સાધુઓ અને સમસ્ત વર્ણો અને આશ્રમોના મનુષ્યો માટે હું શોકગ્રસ્ત છું. મને લાગે છે કે મારા સૌભાગ્યનો હવે અંત આવી ગયો છે કારણ, ભગવાને મને, અભાગણીને ત્યજી દીધી! જે અસુર રાજાઓના સમુદાયોની સેના સેંકડો અક્ષૌહિણીમાં હતી, જે મુજ પૃથ્વી માટે અત્યંત ભારરૂપ હતી તે ભારને પોતાની ઈચ્છાથી જ પ્રભુએ ઉતારી નાખ્યો. શ્રી કૃષ્ણએ જ તમને ચાર પગ પૂર્ણ કરીને આપ્યા હતા, પણ, આજે હવે તમે ત્રણ પગના થઈ ગયા છો, આ કળિયુગના પ્રતાપે. આ કળિયુગના જ કારણે જેમના ચરણકમળોના સ્પર્શથી હું નિરંતર આનંદથી પુલકિત રહેતી હતી તે શ્રી કૃષ્ણ વિહીન બની ગઈ છે. હવે કહો, પુરષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણનો વિરહ ભલા કોણ સહન કરી શકે, કેવી રીતે કરી શકે? આ પ્રમાણે ધર્મ અને પૃથ્વી પરસ્પર વાતચીત કરી રહ્યાં હતાં, બરાબર તે જ સમયે રાજર્ષિ પરીક્ષિત પૂર્વવાહિની સરસ્વતીના તટ પર આવી પહોંચ્યા. હવે અહીંથી વાંચો આગળ સત્તરમો અધ્યાય)
સૂતજી કહે છે – હે શૌનકજી, ત્યાં પહોંચીને રાજા પરીક્ષિતે જોયું કે એક અધમ માણસ રાજાનો વેશ લઈને ગાય અને બળદની જોડીને એવી રીતે પીટતો હતો જાણે એ જોડીનો કોઈ માલિક હતો જ નહીં. કળિયુગમાં નિર્દોષ પ્રાણી અને માનવમાત્રની અકારણે કનડગત થવી નિશ્વિત છે. બિચારો બળદ, કમાળતંતુ જેમ એક દાંડી પર ધ્રુજે એમ એ અધમ મનુષ્યની મારપીટથી ભયભીત થઈને ધ્રુજી રહ્યો હતો. દીન ગાય પણ પેલા અધોગતિને વરેલા મનુષ્યની લાતો ખાઈ રહી હતી અને એ મૂક ગાયમાતાની આંખોમાંથી આંસુ વહી રહ્યાં હતાં. સુવર્ણજડિત રથ પર ચઢેલા રાજા પરીક્ષિત એ અધમ માનવીનો વધ કરીને ગાય-બળદની જોડીને છોડાવવા પોતાનું ધનુષ્ય ચડાવે છે, પરંતુ તે પહેલાં એક પ્રજાના કલ્યાણમાં સદા કાર્ય કરનારો રાજા પ્રથમ એ અપરાધીને કહે છે કે, હે નીચ, તું આ નિરાપરાધી ગાયમાતા અને વૃષભને આટલી ક્રૂરતાથી કેમ મારી રહ્યો છે? આ નિર્દોષ પ્રાણીઓએ તારુમ શું બગાડ્યું છે ભાઈ? તું આ અપકૃત્ય બંધ નહીં કરે તો મારે આ બેઉ પ્રાણીને છોડાવવા આ ધનુષ્ય ચલાવવું જ પડશે. કારણ નિર્દોષ પર જુલમ કરનારો વધને પાત્ર છે. પછી એ બળદને અને ગાયને પ્રણામ કરીને નમ્રતાથી કહે છે, કે, વૃષભદેવ, શું આપ કોઈ દેવતા છો જે આમ એક પગે પંગુ બનીને વિચરી રહ્યાં છો. અને હે ગાયમાતા, મારા રાજ્યમાં તમે અને વૃષભદેવ હવે બિલકુલ ભયહીન છો. હું રાજા પરીક્ષિત છું. રાજાનો ધર્મ છે કે સર્વે દુઃખીઓનાં દુઃખ દૂર કરે. આ દુષ્ટ, જે તમને બેઉને કનડી રહ્યો છે, એનો હું હમણાં જ વધ કરીશ પણ હે સુરભિનંદન, તમે તો ચાર પગવાળા જીવ છો તો તમારી આવી દશા કોણે કરી? કોણે તમારા ત્રણ પગ કાપી નાખ્યા? આપ મને કહો કે આ અનિષ્ટ કામ કોણે કર્યું છે? આપ મને જણાવો. હું એની ભુજાઓ હમણાં જ કાપી નાખીશ. રાજાનો ધર્મ છે કે દરેક પ્રાણીમાત્રની રક્ષા કરે. આપ નિર્ભય બનીને આપની આ દુર્દશા કરવાવાળાનું નામ જણાવો.
સૂતજી પછી આગળ કહે છે – એ એક પગવાળા બળદના રૂપમાં ધર્મદેવ હતા. આ બળદના રૂપમાંના ધર્મદેવ જવાબ આપતાં કહે છે કે, હે રાજન, તમે મહારાજ પાંડુના વંશજ છો. તમારું આ રીતે દુઃખીઓને આશ્વાસન આપવું ઉચિત જ છે. મને ખબર નથી કે મારી આ ગતિ શા માટે અને કેવી રીતે થઈ અને મારા આ ત્રણ પગ કોણે અને શા માટે કાપી નાખ્યા? હું પણ મારા જ કર્મો અને પ્રારબ્ધનું આ ફળ ભોગવી રહ્યો છું. આ બધા જ સંજોગોમાં મારા દુઃખો વિષે અને કળિ વિષે હું કોઈ તર્ક આપી શકું એમ નથી. આ બાબત માટે અનેક તર્કો પંડિતો અને જ્ઞાની પુરુષો આપે છે. તમે મહાન રાજવી છો તો તમે જ વિચારીને કોઈ ગળે ઉતરે એવો તર્ક આપો. હું આ બાબતમાં વધુ કશું કહી શકું એમ નથી.
હે શૌનકજી, આ સાંભળીને સમ્રાટ પરીક્ષિત અતિ પ્રસન્ન થયા અને તેમનો ખેદ ટળી ગયો. તેઓ શાંત ચિત્તના બનીને વૃષભરૂપી ધર્મદેવને કહે છે કે, હે ધર્મનું તત્વ જાણનારા વૃષભદેવ, તમે ધર્મ વિષે જે રીતે તર્ક અને સંવાદ કરી રહ્યા છો તો મને ખાતરી છે કે તમે જ સ્વયં ધર્મ છો. પોતાને દુઃખ આપનારનું નામ બતાવવાથી તમે જે રીતે પરહેજ કરી રહ્યા હતા, તેના વડે જ મને ખબર પડી ગઈ છે. કારણ અધર્મ આચરનારને જે નરક મળે છે એ જ નરક નામ ઉચ્ચારનારાને મળે છે. અધમ માનવીનું અધર્મના કામમાં નામ લેવાથી જે નકારાત્મકતા જીવનમાં પ્રવેશે છે અને પછી જાગૃત અવસ્થામાં માણસ એ નિષેધાત્મક ક્ષણોમાં જ આવરાયેલો રહીને વિવેકબુદ્ધિ ખોઈ નાખે છે. એકવાર આ વિવેક નષ્ટ થયો પછી જે જીવન જીવાય છે તેમાંથી સત્વ હણાય જાય છે અને જીવતેજીવ નેગેટિવીટીનું નરક મનુષ્ય જીવે છે. એ પણ નિશ્વિત સિદ્ધાંત છે કે પ્રાણીઓના મન અને વાણી વડે પરમેશ્વરની માયાનું સ્વરૂપ વર્ણવી શકાતું નથી. હે ધર્મદેવ, સત્યયુગમાં તમારા ચાર ચરણ હતાં; તપ, પવિત્રતા, દયા અને સત્ય. આ સમયે અધર્મના અંશ એવા ગર્વ, આસક્તિ અને મદથી ત્રણ ચરણ નષ્ટ થઈ ચૂક્યાં છે. અત્યારે તમારું માત્ર ચોથું ચરણ ‘સત્ય’ જ બચ્યું છે. તેના જ બળ પર તમે જીવિત છો. અસત્યથી પુષ્ટ થયેલો આ અધર્મરૂપી કળિયુગ તેનો પણ કોળિયો કરી જવા માગે છે. મને હવે વિચાર કરતાં એ પણ સમજાયું છે કે આ ગાયમાતા જ સાક્ષાત પૃથ્વી છે. તેમનો ઘણો ભાર ભગવાને એમના નિર્વાણ પહેલાં ઉતારી દીધો હતો. અને પછી ભગવાન આ ધરતી પરથી જતા રહ્યા. ત્યારથી જ આ સાધ્વી, પૃથ્વીમાતા, આંખોમાં પાણી સાથે ચિંતા કરી રહી છે કે હવે જ્ઞાનદ્રોહીઓ દુષ્ટ માનવીઓ રાજાનો સ્વાંગ ધરીને એમના પર રાજ્ય કરશે તો પ્રજા પણ દુઃખી થશે. આનો કોઈ ઈલાજ આપ પાસે નથી, પણ આપ ચિંતા ન કરો. અને એમ કહીને રાજા પરીક્ષિતે એમને સાંત્વના આપી અને અધર્મના મૂળ કારણ એવા એ રાજાના સ્વરૂપમાંના અધમને એટલે કે કળિયુગને મારવા તલવાર ઉપાડી. તકવાદી અને ઢોંગી કળિયુગ રાજાનો સ્વાંગ ઉતારીને પરીક્ષિતના ચરણોમાં પડ્યો.
પરીક્ષિત ઘણાં યશસ્વી, દીનવત્સલ, અને શરણાગતરક્ષક સાચા રાજધર્મને જાણનારા સમ્રાટ હતા. એમણે કળિને કહ્યું કે તું હાથ જોડીને મારા શરણે આવ્યો છે તો હવે તને હું જીવતદાન આપું છું, પણ એક જ શરત છે. તારે મારા સામ્રાજ્યમાંથી સદા માટે જતાં રહેવાનું છે. હે અધર્મના સાથી કળિ, તારા જ કારણે લોકોમાં અસત્ય, લોભ, ચોરી, દુષ્ટતા, સ્વધર્મ-ત્યાગ, કપટ, કલહ અને દંભ તથા અન્ય પાપોની વૃદ્ધિ થઈ રહી છે.
સૂતજી પછી કહે છે – પરીક્ષિતની આ આજ્ઞા સાંભળીને કળિયુગ કંપી ગયો. હાથમાં તલવાર લઈને, યમરાજની જેમ મારવા માટે, ઉદ્યત એવા રાજાને જોઈને કળિ હાથ જોડીને વિનંતી કરવા લાગ્યો, “હે મહારાજ, હું ક્યાં વસું? આપ મને જ્યાં રહેવાની આજ્ઞા કરશો, હું ત્યાં જ રહીશ. એ સમયે રાજધર્મના જ્ઞાતા મહારાજ પરીક્ષિતે તેને ચાર સ્થાનો આપ્યા, દ્યૂત, મદ્યપાન, સ્ત્રીસંગ અને હિંસા. આ સ્થાનોમાં અનુક્રમે અસત્ય, મદ, આસક્તિ અને નિર્દયતા – આ ચાર સ્થાનોમાં અધર્મ નિવાસ કરે છે. પણ કળિએ બીજું એક સ્થાન માગતાં પરીક્ષિતે સુવર્ણ રૂપી ધનનું સ્થાન પણ આપ્યું. અધર્મી કળિ, મહારાજ પરીક્ષિતનું સામ્રાજ્ય છોડીને આ પાંચ સ્થાનોમાં રહેવા લાગ્યો. આ જ કારણોસર, ધાર્મિક અને આત્મકલ્યાણની ખેવના રાખવાવાળાઓએ આ પાંચે સ્થાનોના સેવનથી મુક્ત રહેવું જોઈએ. સુવર્ણ અને ધન ઉપાર્જિત તો કરવું પણ એ અધમ કામોમાં ન વપરાય એનું ખાસ ધ્યાન રાખવું. આ પછી રાજા પરીક્ષિતે વૃષભરૂપી ધર્મનાં તપસ્યા, પવિત્રતા, અને દયા – એ ત્રણ ચરણ જોડી દીધાં અને પૃથ્વીને પણ આશ્વાસન આપીને સંવર્ધન કર્યું. આમ મહારાજા પરીક્ષિત પોતાના મહાન વારસાને, સંસ્કારોને, શાસ્ત્ર અને શસ્ત્રોના અભ્યાસને ઉજાગર કરે છે. અભિમન્યુસુત રાજા પરીક્ષિત વાસ્તવમાં એવા જ પ્રભાવશાળી છે અને મહાન છે. કે જેમણે કળિને દંડિત કરીને તેના સ્થાનને મર્યાદિત કર્યા.
ઈતિ શ્રીમદભાગવત મહાપુરાણનો પ્રથમ સ્કંધનો ”કલિનિગ્રહો” નામનો સત્તરમો અધ્યાય સમાપ્ત થયો.
શ્રીમન્ નારાયણ, નારાયણ, નારાયણ. ભગવદ્ નારાયણ, નારાયણ, નારાયણ.
વિચાર બીજઃ
૧. કળિયુગને મર્યાદિત કર્યો રાજાએ પણ રાજધર્મને તેઓ ચૂક્યા કે જ્યારે ક્ષમાને લાયક ન હોય એવા કળિયુગને ક્ષમા આપે છે. સમયને આધીન જ મતિ હોય છે એનું આ ઉદાહરણ છે.
૨. ધર્મના ત્રણ પગ રાજા પરીક્ષિત જોડે છે, એનો શું અર્થ હોય શકે એ વિચાર કરવો ઘટે.
શ્રીમદ્ ભાગવત કથા, પ્રથમ સ્કંધ –સત્તરમો અધ્યાય મહારાજ પરીક્ષિતે કરેલું કળિયુગનું દમન ની સરળ ભાષામા સુ શ્રી જયશ્રી વિનુ મરચંટની રજુઆતથી માણવાનો આનંદ
.
વિચાર બીજ ૧મા પરીક્ષિત –કળિ ને કહે છે-કે- તને-શરણાગત ને હું મારતો નથી –પણ મારું રાજ્ય છોડી તું ચાલ્યો જા. મુખ્યવાત કળિયુગમાં આમ તો હજારો દુર્ગુણ છે પરંતુ તેમાં એક ગુણ બહુ જ સુંદર છે. એ ગુણ એ છે કે કળિયુગમાં કેવળ ભગવાનના નામનું સંકિર્તન કરવા માત્રથી બધી જ આસક્તિઓ છૂટી જાય છે અને પરમાત્માની પ્રાપ્તિ થઈ જાય છે. જે ફળ સત્યયુગમાં ભગવાન ના ધ્યાન કરવાથી, ત્રેતામાં મોટા-મોટા યજ્ઞો કરી એમની આરાધના કરવાથી, દ્વાપરયુગમાં વિધિપૂર્વક એમની સેવા કરવાથી મળે છે, એ કળિયુગમાં કેવળ ભગવાનના નામનું કિર્તન કરવા માત્રથી પ્રાપ્ત થઈ જાય છે.આ કારણ ક્ષમા પાત્ર થયો.
વિચાર બીજ ૨ બળદ એ ધર્મ નું સ્વરૂપ છે. ગાય એ ધરતી માતા નું સ્વરૂપ છે.
ધર્મ ના ચાર મુખ્ય અંગો છે.-સત્ય-તપ-પવિત્રતા-દયા. આ ચાર સદગુણો નો સરવાળો જ ધર્મ કહે છે.આ ચારે તત્વો જેનામાં પરિપૂર્ણ હોય-તે ધર્મી છે.ધર્મ –ત્રણ પગ પર ટકી રહ્યો –એટલે તે યુગ નું નામ પડ્યું-ત્રેતાયુગ.
અહીં સત્ય-ગયું
LikeLiked by 1 person
આપના વિશદ જ્ઞાનને હું ખરા દિલથી પ્રણામ કરું છું. માત્ર ભગવતની કથા લખવા માટે હું નથી લખતી પણ આપ જેવા જ્ઞાની વાચકો પાસેથી મને જે વૈચારિક ફલક વિચરવા મળે છે એ મારા માટે અમૂલ્ય છે. સુજ્ઞ , મુ.વડીલ પ્રજ્ઞાબેન, આપને મારા બે હાથ જોડી મસ્તક નમાવી પ્રણામ કરું છું. આપના આશીર્વાદ આમ જ અમને સહુને આપની જ્ઞાનગંગા થકી મળતા રહે એવી અભ્યર્થના.
LikeLike