સુખનું સરનામું
કબીર….કબીર…કબીર
કેયા સતત કબીરને બોલાવવાનો પ્રયત્ન કરી રહી હતી. આજે ૨૧ દિવસ, ૧૭ કલાક અને ૨૭ મિનિટ થઈ ચુકી હતી કબીરને આમ નિષ્પ્રાણ જેવો પડેલો જોઇને. આમ તો કેયાને સફેદ અને આછો આસમાની રંગ ખુબ પ્રિય હતો . પરંતુ આટ-આટલા દિવસોથી આછી આસમાની રંગની દિવાલો, સફેદ બેડ અને સફેદ ચાદર નીચે આછા આસમાની રંગના સદરાથી ઢંકાયેલા કબીરના ચેતનહીન શરીરને જોઇને કેયાને એનો સૌથી પ્રિય સફેદ અને આછો આસમાની અકારો લાગવા માંડ્યો હતો.
સતત હસતા હસાવતા કબીરના ચહેરા પર જાણે મોતની કાલિમા લેપાઇ ગઈ હતી. કેયાથી કેમે ય આ જીરવાતું નહોતું પણ લાચાર બનીને એ જીરવી રહી હતી. ડૉક્ટરોએ કહ્યું હતું પેશન્ટ ભાનમાં આવશે પણ ક્યારે એ કહેવાય નહીં. અને આવશે તો ય એ પહેલાનો કબીર રહેશે કે કેમ એ શંકા છે. કદાચ એ જીવનભર અપાહિજ પણ બની રહે, કેયા આજ પછીની આવનારી કોઇપણ કપરી ક્ષણ માટે તૈયાર હતી. બસ એને કબીર પાછો મળવો જોઇએ. કબીર હશે તો એ જીવનના કોઇપણ ઝંઝાવાતો સામે લઢી શકશે એવો એને વિશ્વાસ હતો.
કબીર કાયમ કહેતો “કેયા, તું નજર સામે હોય છે ત્યારે બીજું કશું મને દેખાતું નથી અને તું નજર સામે ના હોય ત્યારે તારા સિવાય બીજા કોઇ વિચારો મને આવતા નથી. મારા દિલો-દિમાગ પર તેં પુરેપુરુ તારું સામ્રાજ્ય સ્થાપી દીધું છે.”
કબીર અને કેયા……એમને જોઇને કોઇને પણ ઇર્ષ્યા આવે એવું પ્રેમાળ અને રમતિયાળ યુગલ. સૌ કહેતા એમ સુખનું સરનામું આપવું હોય તો ‘ સાત, સહ્યાદ્રી સોસાયટી, શાહીબાગ.’ આછા આસમાની બેક ગ્રાઉન્ડ પર ચાંચમાં ચાંચ પોરવીને એકમેકમાં તન્મય સફેદ સરસની બેલડીના આર્ટીસ્ટીક પેન્ટિંગ સાથે લખાયેલી કબીર અને કેયાની નેમ પ્લેટ જ તેમના પ્રેમની આલબેલ પોકારતી હતી. પ્રેમની વ્યાખ્યા આપવી હોય તો દ્રષ્ટાંત સાથે કેયા અને કબીરનું નામ લેવાતું. એમ. બી એમાં ભણતા ભણતા પ્રેમના પાઠ ભણવાના ક્યારે શરૂ થયા તેની એ બે ને ખબર પડે તે પહેલા અન્યને જાણ થઈ ચુકી હતી. કોલેજ કેમ્પસના ઇન્ટર્વ્યુમાં બંનેને માતબર રકમની ઓફર સાથે જોબ પણ મળી ગઈ.
પ્રેમનો સોનેરી સમય તો ક્યાં વિતી ગયો એની ખબર ના રહી પરંતુ પરિવારમાં લગ્નની વાત મુકતા અને સ્વીકારાતા બંનેને નવ નેજા પાણી ઉતરી ગયા. કેયા સામાન્ય નાગર બ્રાહ્મણ પરિવારની અને કબીર અસલી મારવાડી જૈન પરિવારનો. કેયાના પરિવારમાં સન્નાટો છવાઇ ગયો. કેયાના પિતા જાણતા હતા કે મારવાડી કુટુંબમાં દિકરી દેવી એટલે પાઘડી વેચીને પલ્લુ ભરવાનું. દિકરી જીવે ત્યાં સુધી બાપે દિકરીને જ નહીં દિકરીના સાસરિયાને પણ દીધા જ કરવાનું અને તો ય ઓછું જ પડવાનું. દિકરી પણ બાપની મુંઝવણ સમજતી હતી. મા-બાપુની આ સંબંધ અંગે નારાજગી નહોતી અને તેમ છતાં રાજીપો ય અનુભવી શકતા નહોતા એ જોઇ શકતી હતી.
જ્યારે કબીરનું ઘર તો જાણે ખદબદતો લાવા… એક તો કબીરે પેઢી દર પેઢીથી ચાલતા ધંધાના બદલે ભણવાનું અને પોતાની રીતે આગળ વધવાનું નક્કી કર્યું ત્યારથી એ પેઢીનું નામ બોળવા જ જન્મ્યો છે એવું ભાવિ એના પિતાએ ભાખી દીધું હતું અને એમાં ય હવે પોતાની મેળે મારવાડી પરિવાર સિવાયની કન્યા પસંદ કરીને તો જાણે એણે બળવો પોકાર્યો હોય એવું ઘરમાં વાતાવરણ થઈ ગયું. કબીરના માતા-પિતાને ભણેલી અને કબીર જેટલું જ કમાતી વહુમાં જરાય રસ નહોતો. એમને તો બસ સુંડલો ભરીને સોનુ લાવે એવી વહુ જોઇતી હતી. ઘરની મર્યાદા સાચવે અને જી જી કરતી, સવાર સાંજ પગે પડતી વહુ જોઇતી હતી. આ ઘરની વહુ કંઇ બહાર કામ કરવા જાય? તો આ મર્યાદાશીલ ઘરની આબરૂ શું રહે?
એ તો બનશે જ નહીં …એકી અવાજે માતા-પિતા તરફથી ફરમાન બહાર પડી ગયું.. ક્રોધાગ્નિથી તપેલા માતાએ તો આવેશમાં આવીને ના બોલવાનું બોલી દીધુ “ કાયમ માટે અમને ભુલી જજે.”
અને ક્બીરે ઘર છોડી દીધું.આર્ય સમાજમાં જઈને અંગત મિત્રોની હાજરીમાં બંને લગ્નગ્રંથીથી જોડાઇ ગયા અને શરૂ થયો તેમનો ઘર-સંસાર. પણ ઘર –સંસાર શરૂ થવાથી એ કંઇ પ્રેમી નહોતા મટી ગયા. બંને પતિ-પત્નિ નહીં એકમેકના પુરક બની રહ્યા. હા ! કેયાએ એટલું તો કર્યું હતું કે નિર્ણય લેતા પહેલા તેમના આ નિર્ણય માટે માતા-પિતાને જાણ જરૂર કરી હતી. લગ્ન બાદ કબીરના ઘરના દરવાજા તો હંમેશ માટે બંધ થઈ ગયા હતા પરંતુ કેયાના મા-બાપુના આશીર્વાદ લેવા બંને ગયા હતા. મા-બાપુએ કરિયાવરના નામે જે કંઇ મુડી વિચારી હતી એનો ચેક બંધ કવરમાં કંકુના છાંટણા કરીને કેયાના હાથમાં આશીર્વાદ રૂપે મુક્યો હતો.ખુદ્દાર કબીરે અત્યંત વિવેકથી સાભાર પરત કર્યો હતો.
“બાપુ, મારે જો કરિયાવર લેવાનો જ હોત તો મારા પરિવારમાંથી નક્કી કરેલી કન્યા સાથે ના પરણત ? મારા માટે તો આ કંકુના છાંટણાવાળુ ખાલી કવર અને આપની કન્યા જ સૌથી મોટી મિરાત છે, બસ અમારા સુખના સાક્ષી બની રહેજો.
અને પછી તો સુહાની રાતો અને સોનેરી દિવસોની વણઝારમાં સમય ક્યાં વહી જતો એની ય ક્યાં ખબર રહેતી બંનેને… એમને તો બસ ચકી લાવી ચોખાનો દાણો અને ચકો લાવ્યો દાળનો દાણો અને એ ય મઝાની ખીચડી પકાવી, ખાધુ પીધુ અને રાજ કર્યું..
પણ એમ જો સૌના દિવસ ક્યાં એક સરખા જતા હોય છે કે કેયા-કબીરના જાય?
“ હેલ્લો, ઇઝ ધીસ કેયા સ્પીકિંગ? કેયાના સેલ પર કોઇ અજાણ્યો નંબર ફ્લેશ થતો હતો. પહેલા તો કેયાએ અજાણ્યો નંબર જોઇને ઇગ્નોર કર્યો પરંતુ સતત વાગતી રહેતી રીંગથી અકળાઇને એણે ફોન ઉપાડ્યો અને સ્પીકર પર મુકીને જ વાત કરવા માંડી. કેટલું બધું કામ હતું આજે…દર મહિનાના છેલ્લા શનિવારની સાંજે મિત્ર મંડળી ભેગી થતી અને મોડી રાત સુધી ધમાચકડી ચાલતી. આજે કેયા અને કબીરના ઘરનો વારો હતો. કેયા જેટલી હોંશીલી હતી એટલી કામની પણ સ્ફુર્તિલી હતી. એને કંઇક અવનવું બનાવવાનો જબરો શોખ હતો. સમય મળે એ ટી.વી પર પણ કિચન શૉ જોતી રહેતી. સંજીવ કપૂરની તો જબરદસ્ત ફેન હતી. સંજીવ કપૂરના કુકરી શૉમાં જે નવી વાનગી ઇન્ટ્રોડ્યુસ થતી એ કેયાએ અજમાવી જ હોય અને એના હાથમાં જબરો જાદુ હતો. આમ પણ કબીર ખાવાનો શોખીન અને કેયા બનાવવાની શોખીન…
અત્યારે ક્યાં ટાઇમ જ હતો કોઇની સાથે વાત કરવાનો કે આમ અજાણ્યા નંબરને પ્રોમિનન્સ આપી શકાય? ખાલી આ સતત વાગતી રીંગને ચુપ કરવા કેયાએ ફોન ઉપાડ્યો. મનમાં હતું કોઇ એડવર્ટાઇઝમેન્ટ માટે ફોન હશે તો એને બસ કડક અવાજે ના પાડી દઉં તો ફરી ફરી માથે આ ટીન ટીન તો ના ચાલુ રહે..પણ ફોન પર અત્યંત શાલિનતાથી કેયાના નામ સાથે થયેલી શરૂઆતને એ ટાળી ના શકી.
“યેસ, મે આઇ નો યોર નેમ પ્લીઝ?”
“આઇ એમ ડૉક્ટર ત્રિવેદી, મેમ.. આસિસ્ટન્ટ ઑફ સિવિલ સર્જન ખાન..ઇટ્સ કેસ ઑફ રોડ એક્સીડન્ટ એન્ડ પેશન્ટ ઇઝ કબીર જૈન..
કેયા તરફનો છેડો સ્તબ્ધ હતો.
“હેલ્લો…હેલ્લો…” કેયાનો કોઇ રિસ્પોન્સ ન મળતા ડૉ. ત્રિવેદીએ પળવાર ચુપ રહીને ફરી કેયાને ઢંઢોળી.
“ મેમ, કબીર જૈન ના સેલફોન પર ફેવરીટમાં સૌથી ઉપર તમારું નામ છે અને સૌથી છેલ્લો પણ તમને જ ડાયલ કર્યો છે એટલે સૌથી પહેલા તમને પહેલો ફોન કર્યો. આપ કબીર જૈનના……? ડૉ. ત્રિવેદીએ પ્રશ્ન અધ્યાહાર રાખ્યો. સમજી શકતા હતા કે કેયા જે કોઇ પણ હશે એ કબીર જૈનની સૌથી નજીકની વ્યક્તિ છે.
“ મિસિસ કબીર જૈન…કેયા વધુ કંઇ બોલી શકી નહીં, બોલી શકે એવી એની કોઇ માનસિક કે શારીરિક સ્થિતિ જ રહી નહોતી.
“ મેમ, તમે સિવિલ હોસ્પીટલના ઇમર્જન્સી વૉર્ડ પર પહોંચો. સર્જરી માટે તમારી સંમતિની જરૂર છે. “
“ કબીર….”
“મેમ, જેટલું વધારે મોડું થશે એટલી એમની સ્થિતિ હાથ બહાર જશે. પ્લીઝ બાકીની વિગત અહીં આવીને જાણો તો વધુ સારું.”
અડધા કલાકમાં તો કેયા સિવિલ હોસ્પીટલના ઇમર્જન્સી વૉર્ડમાં હતી. કબીરને હેડ ઇન્જરી થઈ હતી. બન્યું એવું કે શાહીબાગ અન્ડર ગ્રાઉન્ડ પાસે ઓઇલ ટેન્ક પસાર થઇ ત્યારે એમાંથી ઓઇલ લિક થયું હતું. કબીર એની પલ્સર બાઇક લઈને નિકળ્યો હતો અને એની બાઇક ઓઇલ લિકેજ પરથી પસાર થતા સ્કિડ થઈ અને કબીર જોશભેર ફંગોળાયો અને એનું માથું જે રીતે ડિવાઇડર પર અથડાયું હતું એમાં એના બચવાની શક્યતા નહીવત હતી પરંતુ હેલ્મેટ પહેરી હોવાથી એનો જીવ બચી તો ગયો પરંતુ હેમરેજે એના હોશ છીનવી લીધા. બ્લડ ક્લોડના લીધે બને તેટલી જલદી સર્જરી કરવી જરૂરી હતી. સંમતિ પેપર પર સાઇન કરતાં કેયાના હાથ કાંપતા હતા અને શરીર પાણી પાણી થઈ રહ્યું હતું. કેયાને થયું કબીરના બદલે એનો જીવ નિકળી જશે
અત્યંત જોખમી સર્જરી કરીને સિવિલ સર્જન ખાને મગજમાંથી બ્લડ ક્લોટ તો કાઢી લીધો પરંતુ પેશન્ટના જીવનની કોઇ બાંહેધરી એ આપી શકતા નહોતા. એ સર્જન હતા-ભગવાન નહીં એટલું તો કેયા પણ સમજતી હતી.
આજે આટલા દિવસ પછી પણ આમ નિષ્પ્રાણ જેવા કબીરને જોઇને કેયા વલોવાતી જતી હતી. પણ એક દિવસ કેયા માટે આશાની ઉજળી કોર લઈને ઉગ્યો. આજે કબીરના હાથમાં સંચાર દેખાતો હતો. કબીરની આંગળીઓ જાણે કશું ફંફોળતી હોય તેમ હલતી હતી. ડૉક્ટરની મહેનત અને કેયાની આશા ફળી હતી. ધીમે ધીમે કબીરમાં જીવન સંચાર દેખાતો હતો.આટલા દિવસથી બેશુધ્ધિમાં રહેલા કબીરનું શરીર જાણે જડ જેવું બની ગયું હતું કબીરનું આ ચેતનહીન શરીર ચેતના આવ્યા બાદ પણ ઘણી માવજત માંગી લેતું હતું..
આજે આટલા દિવસે કબીરે આંખો ખોલી….ચારેકોર કશુંક શોધતી નજર હજુ કશું પણ સ્પષ્ટ જોઇ શકતી નહોતી. જાણે આંખોમાં ઝાંખ ના વળી હોય? ચારેબાજુ પ્રકાશનો ધોધ આંખો આંજી દેતો હતો..ધીમે ધીમે કેટલાક આકારો સ્પષ્ટ થતા ગયા. માત્ર શરીરના આકારો સ્પષ્ટ થતા જતા હતા, ચહેરા નહીં.
કેયા માટે તો આ સ્થિતિ ડૂબતા માટે તણખલા જેવી હતી. આછી પાતળી આશાના તંતુએ ટકેલી કેયા હવે અધીરી બનતી જતી હતી. ક્યારે કબીર પુરેપુરો હોશમાં આવે અને ક્યારે કેયા સામે નજર માંડે ?
કેયાને હતું કે હમણાં કબીર આંખો ખોલશે અને કહેશે “કેયા, ક્યાં હતી તું આટલા દિવસથી? તું નજર સામે હોય છે ત્યારે બીજું કશું મને દેખાતું નથી અને તું નજર સામે ના હોય ત્યારે તારા સિવાય બીજા કોઇ વિચારો મને આવતા નથી. મારા દિલો-દિમાગ પર તેં પુરેપુરુ તારું સામ્રાજ્ય સ્થાપી દીધું છે.કેટલો ઝૂર્યો છું તારા વગર ”
“ કબીર…તારા વગર હું તો એકડા વગરના મીંડા જેવી છું ,તું છું તો મારી હસ્તી છે. તારા વગર તો મારા અસ્તિત્વને હું પણ ભુલવા માંડી હતી..” કેયા મનોમન કબીર સાથે સંવાદ રચતી હતી.
અને સાચે કબીર પુરેપુરા હોશમાં આવી ગયો….ચારે તરફ નજર ફેરવતા ફેરવતા એની નજર કેયા પર ઠરી.. કેયાને હતું હમણાં કબીરની આંખોમાં લાગણીના પુર ઉમટશે અને બોલી ઉઠશે….
પણ કેયા તરફ મંડાયેલી કબીરની નજરમાં શૂન્યાવકાશ રેલાયો હતો.. પળવાર કેયાને ના ભુલી શકતો કબીર પોતાની જાતને પણ ભુલી ગયો હતો. કબીર સ્મૃતિભ્રંશનો શ્રાપ લઈને જાગ્યો હતો….
મા એ ઉચ્ચારેલી વાણી વિફળ નહોતી ગઈ.મા એ ક્રોધાવેશમાં કહ્યું હતું ને “ કાયમ માટે અમને ભુલી જજે.” કબીર સાચે જ બધુ અને બધાને ભુલી ગયો હતો.
કબીર આજે કેયાને તો શું પોતાની જાતને પણ ઓળખી શકતો નથી. કેયાની આશા ઝાંઝવાના જળ સમી ઠગારી નિવડી છે. કેયા એકલા હાથે આ મુસીબત સામે લડે છે. એવી આશા સાથે કે ક્યારેક તો કબીર એને ઓળખશે…… પત્થર એટલા દેવ કર્યા, જ્યાં જ્યાં થોડી આશાનું કિરણ દેખાયું ત્યાં દરેક ડૉક્ટર પાસે એ કબીરની ફાઇલ લઈને ગઈ છે. સિવિલ સર્જને કહી એટલી ફિઝ્યોથેરેપી પણ કરાવી છે જેનાથી આટલા દિવસથી જકડાયેલા અંગેમાં લોહીનું ભ્રમણ ચાલુ થાય અને મસ્લ્સ ટોન-અપ થાય.
આજે પણ કેયા જોબ પરથી પાછી આવે ત્યાં સુધી એના મમ્મી-પપ્પા કબીરની સંભાળ લેવા કેયાના ઘેર આવે છે. વજ્ર જેવું કલેજુ ધરાવતી કેયા પોતાની અગવડને તો પહોંચી વળે છે પણ મમ્મી-પપ્પાની આ કાળજી સામે એનું હ્રદય ડુમાથી ભરાઇ આવે છે.
“ ક્યાં સુધી તમે આમ ધોડા કરશો?” ક્યારેક કેયા ઢીલી પડી જાય છે.
“દિકરી, કબીરે જ કહ્યું હતું ને કે અમારા સુખના સાક્ષી બની રહેજો. સુખમાં સાક્ષી બનીએ અને સંઘર્ષમાં ખસી જઇએ તો અમારું માવતરપણું લાજે. અને અમને કબીર સામે કે તમારા પ્રેમ સામે કોઇ વાંધો જ ક્યાં હતો. કબીરના ઘેર તને દેવામાં મને બસ અમારો પનો ટુંકો પડે એની ચિંતા હતી.”
જેમ ડોક્ટરો પાસે કબીરના ભાવિ માટે કોઇ જવાબ નહોતો એમ કેયા પાસે પણ મા-બાપુની આ વાત તો કોઇ જવાબ નહોતો. કેયા પાસે પણ ક્યાં આ ચિંતાનો ઉકેલ હતો ?
જે વ્યક્તિ સાથે સતત પોતાની સંવેદનાઓ વ્યક્ત કરવી હતી એ વ્યક્તિ તો ઉભય વચ્ચે છવાયેલા રહેતા સન્નાટાની ક્યાંય પેલે પાર પહોંચી ગયો હતો. એચ.ડી એફ.સી બેંકમાં જોબ કરતી કેયાનો દિવસ તો ક્લાયંટ અને કલિગ વચ્ચે સતત એકધારી રફ્તારથી વહે જતો હતો. મન માળવે –જીવ તાળવે અને છતાંય સૌની સાથે સ્મિત મઢ્યા ચહેરે સંપર્કમાં રહેતી કેયાને હવે તો પોતાનું આ સ્મિત પણ ખોખલું અને પ્લાસ્ટિકિયું લાગવા માંડ્યું હતું. મનનો તણાવ ક્યાંક પોતાના કામ કે કેરિયરની આડે ના આવે એની સતત તકેદારી રાખતી કેયાએ પોતાની સાથે તકદીરે કરેલા અન્યાય સામે ફરિયાદ કરીને પણ સમય વેડફવાનું પણ માંડી વાળ્યું હતું. બસ ક્યારેક કબીરની સામે જોઇને એની જાણ બહાર હ્રદયમાંથી ફળફળતો નિસાસો નિકળી જતો અને આંખમાંથી ઉના ઉના આંસુઓની ધાર રેલાઇ જતી. તે પણ પળવાર જ. ફરી એકવાર એ આ મન પર છવાઇ જતી નબળાઇ હાવી બને તે પહેલા એમાંથી બહાર આવી જતી.
બસ નહોતી ખપતી તો એને લોકોની દયા ભરી દ્રષ્ટી. શરૂઆતમાં એના સંજોગો સામે સહાનુભૂતિ દાખવતા લોકોની આંખોમાં દયા ડોકાતી ત્યારે એ ત્રસ્ત થઈ ઉઠતી. એક ટીસ ઉઠીને શમી જતી.
“બિચારી” શબ્દ માટે નફરત થવા માંડી હતી. શા માટે? શા માટે કોઇએ એની સામે દયાની નજરે જોવું જોઇએ? સમય અને સંજોગો સામે જો એ બાથ ભીડી શકતી હોય તો એ બિચારી શેની? ક્યારેક એને થતું કે એ સંજોગોથી નહી થાકે પણ લોકોની સહાનુભૂતિ એને થકવી નાખશે. ઇચ્છતી હતી કે જે જીંદગી આજ સુધી એ જીવતી આવી હતી એવી જ રીતે એ જીવે છે એવું સ્વીકારીને જેટલી સાહજીકતાથી સૌ એની સાથે અને એની સામે આવતા એવી અને એટલા જ સાહજીક આજની પરિસ્થિતિમાં પણ બની રહે. જીવનમાં છવાયેલા સન્નાટાની પેલે પાર ઉભેલા કબીર સુધી પહોંચવાની, કબીરને પામવાના એના આયાસોને ખોખલી સહાનુભૂતિથી નબળા ના પાડી દે. એની સંવેદનાઓને વેદના ના સમજી લે. કેયાને આજે પણ એટલો જ વિશ્વાસ છે કે એના સુખના સરનામા જેવો એનો કબીર સળવશે અને આળસ મરડીને ઉઠશે.
પ્રેમ.સંઘર્ષ. ધૈર્ય અને શાંતિથી સંજોગો સામે લડવાની સરસ કથા.
LikeLiked by 3 people
સુખનું સરનામું સુ શ્રી રાજુલ કૌશિકની સ રસ વાર્તા.
કેયા-કબિરના પ્રેમ અને કશ્મકશ્કની સામાન્ય વાતની ઘડાયેલી કલમે રસિક રજુઆત સાથે
કેયાના વિશ્વાસ નો સંવેદનશીલ અંતનો કરુણ રસ વિગલીત થઇ આનંદ થયો.
LikeLiked by 2 people
ઈશ્વર કરે અને કેયાની શ્રધ્ધા ફળે, કબીર ” ક્યાં હતી તું કેયા” કરતો સંપૂર્ણ સભાનાવસ્થામાં આવી જાય.
આ પરિસ્થિતિ મારા નિકટના સ્વજનના જીવનમાં જોઈ છે અને “દિકરી” વાર્તા લખી છે.
LikeLiked by 2 people
હરિશભાઈ, પ્રજ્ઞાજી, શૈલાબેન,
એક નાનકડી ઘટના આખા જીવવની રફ્તારને રોળી નાખે છે.
કોઈ એક કેયાને એના કબીરને સાજો કરવા યોગ કરાવવા લઈને આવતી જોઈ છે.
શું બન્યું હશે એની તો કલ્પના માત્ર છે પણ એ ક્યાંક આપ સૌને સ્પર્શી છે અને પ્રતિભાવમાં આપના ભાવ વ્યક્ત કર્યા એ બદલ આપ સૌનો આભાર.
LikeLiked by 1 person